વેધ ભરમ - 10 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 10

રિષભ દર્શનના મમ્મી જયાબેનની પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે જયાબેન બોલ્યા કે “આ ડાક્ણે જ મારા દર્શનનો જીવ લઇ લીધો છે. પહેલા અમને એનાથી અલગ કરી દીધા અને હવે મારા દિકરાને પણ છીનવી લીધો. મારા ગયા જનમના કાંઇક પાપ હશે કે આવી વહું અમને ભટકાઇ ગઇ.” આ સાંભળી રિષભ ચોંકી ગયો તેને સમજાઇ ગયુ હતુ કે “જયાબેન દર્શનની પત્ની શિવાની પર આરોપ લગાવી રહ્યા હતા.” રિષભ હજુ જયાબેનને પ્રશ્નો પૂછવા માંગતો હતો પણ જયાબેનની વાતો હવે વિલાપમાં બદલાઇ ગઇ હતી અને આ હાલતમાં તે કોઇ પ્રશ્નોના જવાબ આપી શકે એમ નહોતા એટલે રિષભે તેને પ્રશ્નો પૂછવાનુ બંધ કરી અંદર મોકલી દીધા. ત્યારબાદ રિષભે દર્શનની પત્નીને પ્રશ્નો પૂછવા માટે બોલાવી. દર્શનની પત્ની શિવાની રિષભની સામેની ખુરશીમાં બેઠી. શિવાનીએ સફેદ સાડી પહેરી હતી અને રોઇને તેની આંખો લાલ થઇ ગઇ હતી. તે આવી ત્યારથી જ નીચુ જોઇને બેઠી હતી.આવી હાલતમાં પણ શિવાની એકદમ સુંદર લાગી રહી હતી. તેને જોઇને રિષભે વિચાર્યુ આટલી સુંદર પત્ની અને આટલી ધન દોલત હોવા છતા માણસને સંતોષ નહોતો. જો કે સુખની એક જ વ્યાખ્યા છે સંતોષ. બાકી તો ગમે તેટલુ ધન દોલત અને સાહ્યબી હોય, જો સંતોષ ન હોય તો ક્યારેય સુખ મળતુ નથી. શિવાનીને સામે બેઠેલી જોઇને રિષભે પોતાની અંદર જાગેલા વિચારકને દબાવી દીધો અને કહ્યું “તમે છેલ્લે તમારા પતિને ક્યારે જોયેલાં?”

આ સાંભળી ને પણ શિવાની નીચુ જોઇને જ બેઠી રહી અને બોલી “ મે તેને મૃત્યુ થયુ તેના આગલા દિવસે સવારે જોયા હતા. ત્યારબાદ તે ઓફિસે ગયા અને પછી મને મળ્યા જ નથી.”

“છેલ્લા દિવસોમાં દર્શનને કોઇ ટેન્સન હતું?” રિષભે પૂછ્યું.

“ના, મને તો એવુ કંઇ લાગ્યુ નહોતું.” શિવાનીએ જવાબ આપ્યો.

“દર્શનને અશ્વિન સિવાય એવો કોઇ દુશ્મન હતો કે જે દર્શનનું ખૂન કરી શકે?”

આ સાંભળી શિવાની થોડીવાર રોકાઇ અને પછી બોલી “ના, મને ખબર નથી.”

શિવાનીના એકદમ ટૂંકા જવાબ સાંભળીને રિષભ કંટાળ્યો એટલે તેણે ટ્રેક બદલ્યો અને પૂછ્યું “તમારે દર્શન સાથે કયારેય ઝગડો થયો હતો?”

આ સાંભળી શિવાનીએ ઊંચુ જોયુ અને ગુસ્સાથી કહ્યું “બધા પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડા થતા જ હોય છે. તેનુ અત્યારે શુ કામ છે?”

આ સાંભળી રિષભે સીધુ જ નિશાન તાક્યુ અને કહ્યું “પણ બધા પતિ આ રીતે નસ કાપી મૃત્યુ પામતા નથી. અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે પણ અમે જે પૂછીએ તેનો સીધો જવાબ આપો.”

આ સાંભળી શિવાની થોડીવાર ચૂપ થઇ ગઇ અને પછી બોલી “હા, ક્યારેક અમારી વચ્ચે પણ ઝગડો થતો હતો.” આ સાંભળી રિષભે કહ્યું “હમણા બે દિવસમાં તમારી વચ્ચે કોઇ ઝગડો થયો છે?”

“ના” શિવાનીએ એકાક્ષરી જવાબ આપ્યો.

“દર્શનના મોબાઇલમાં 18 તારીખે કોઇ કબીર કોઠારીનો ફોન હતો. તમે આ કબીર કોઠારીને ઓળખો છો?”

“હા, તે દર્શનનો ખાસ મિત્ર છે. તે અને દર્શન કોલેજમાં સાથે હતા.” શિવાનીએ કહ્યું.

“તે અત્યારે ક્યાં છે?” રિષભે પુછ્યું.

“તે તો અત્યારે બોમ્બેમાં છે. ત્યાં તેની આઇ.ટી કંપની છે.” શિવાનીએ કંટાળા સાથે જવાબ આપ્યો.

“ઓકે, તો હવે તમે અમને એ કહો કે પચીસ તારીખે એટલે કે જે રાત્રે દર્શનનુ ખૂન થયુ ત્યારે તમે રાત્રે કયાં હતાં?”

આ સાંભળી શિવાની થોડીવાર ચૂપ રહી અને પછી બોલી “હું તે રાત્રે હું ઘરે જ હતી.” અને પછી તે રડતા રડતા બોલવા લાગી “એક તો મારા પર કેટલી મોટી આપતિ આવી છે. જિંદગી આખી ના ભુલાઇ એવુ દુઃખ આવ્યુ છે, ત્યારે તમે મને હેરાન કરી રહ્યા છો.” આ સાંભળી રિષભ ઊભો થતા બોલ્યો “સોરી, તમને અમારા તરફથી જે પણ દુઃખ પહોચ્યુ છે તે માટે હું માફી માગુ છું.” અને પછી થોડુ રોકાઇને બોલ્યો “પણ જરુર પડશે તો હું પાછો આવીશ પ્રશ્નો પૂછવા. જો તમને કંઇ એવુ યાદ આવે જે અમને કામ લાગી શકે છે, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો.” આટલુ બોલી રિષભ અને હેમલ ત્યાંથી નીકળી ગયાં. રિષભ અને હેમલ લીફ્ટમાંથી નીકળી જીપમાં બેઠા અને જીપ ગેટ પાસે પહોંચી એટલે સીક્યોરિટી ગાર્ડને જોઇ રિષભે જીપ ઊભી રખાવી. જીપ ઊભી રહેતા જ પેલો સીક્યોરીટી ગાર્ડ ઓફિસમાંથી બહાર આવ્યો અને જીપ પાસે આવી ઊભો રહ્યો. રિષભે સીક્યોરીટી ગાર્ડને કહ્યું “તમારુ પેલુ રજીસ્ટર લઇ આવો.” આ સાંભળી ગાર્ડ ફરીથી ઓફિસમાં જઇ રજીસ્ટર લઇ આવ્યો અને રિષભને આપ્યુ “રિષભે રજીસ્ટર હેમલને આપતા કહ્યું આમા દર્શનના ખૂનની આગળના દિવસની બધીજ એન્ટ્રી તપાસ. આગલે દિવસે દર્શનના ઘરે કોણ કોણ આવ્યુ હતુ?” આ સાંભળી હેમલે રજીસ્ટર હાથમાં લીધુ અને અઢાર તારીખની એન્ટ્રી તપાસવા લાગ્યો ઘણી બધી એન્ટ્રી હતી. જેમા દર્શનના ફ્લેટના વિઝીટર્સની ચાર થી પાંચ એન્ટ્રી હતી. હેમલે તે બધી એન્ટ્રી રિષભને બતાવી. રિષભે એન્ટ્રી જોઇ કહ્યું “એક કામ કર અઢાર તારીખની એન્ટ્રીવાળા બધા જ પેજના મોબાઇલથી ફોટો પાડી લે. આપણે સ્ટેશન પર જઇને ચેક કરીશું.”

ત્યારબાદ હેમલે તેના મોબાઇલમાં ફોટો પાડી અને રજીસ્ટર સીક્યોરીટી ગાર્ડને આપતા કહ્યું “આ રજીસ્ટરમાં કોઇની એન્ટ્રી ન થઇ હોય એવુ બની શકે?”

“ના બહારની કોઇ પણ વ્યક્તિ હોય તો એન્ટ્રી થાય જ પણ, જો તે ચાલતા અંદર આવી હોય તો બની શકે કે એન્ટ્રી ના પણ હોય.”

ત્યારબાદ હેમલે વધુ પૂછપરછ ન કરતા જીપને ગેટની બહાર કાઢી અને પોલીસ સ્ટેશન પર જવા દીધી. તે લોકો રસ્તામાં હતા ત્યાં અભયનો ફોન રિષભ પર આવ્યો. અભય અને વસાવાને રિષભે નિખિલ જેઠવાની પૂછપરછ માટે મોકલ્યા હતાં. અભયે ફોન પર રિષભને કહ્યું “સર, અમે નિખિલનું કામ જેટલી સાઇટ પર ચાલતુ હતુ તે બધી સાઇટ પર જઇ આવ્યાં પણ તે ક્યાંય નથી. તેના ઘરે પણ તાળુ મારેલુ છે. બધાને પૂછતા ખબર પડી કે કાલ રાત પછી કોઇએ તેને જોયો નથી. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે.”આ સાંભળતાજ રિષભે કહ્યુ “એક કામ કર નિખિલની બધી માહિતી કઢાવો તેના ગામ અને જ્યાં તે જઇ શકે તેમ હોય ત્યાં તેની તપાસ કરો. અને તેના ઘરે એક માણસને સાદા ડ્રેસમાં મૂકી દો. ગમે તેમ કરીને તે નિખિલ આપણા હાથમાં આવવો જોઇએ.” આટલુ કહી રિષભે ફોન કટ કરી નાખ્યો. ફોન મૂકી રિષભ થોડીવાર વિચારમાં ખોવાઇ ગયો. ઉમરા સ્ટેશન પર જીપ ઊભી રહેતા રિષભ જીપમાંથી બહાર આવતા બોલ્યો “હેમલ એક કામ કર. તુ પેલા અશ્વિન પાસે જઇ નિખિલ વિશે તપાસ કર. જે પણ માહિતી મળે તે લઇ આવ.” અને પછી થોડુ રાકાઇને બોલ્યો “બીજુ એક કામ કરજે તું તે બીલ્ડીંગમાં એંટ્રેસ પર અને અશ્વિનની ઓફીસના આગળની લોબીમાં કેમેરા લગાવેલા છે, તેનુ અઢાર ઓગણીસ અને વીસ તારીખનું રેકોર્ડીંગ લઇ આવજે. મને લાગે છે અશ્વિન આપણાથી કઇક છુપાવે છે.” આ સાંભળી હેમલે જીપને યુ ટર્ન લઇને જવા દીધી.

બે કલાક પછી હેમલ આવ્યો ત્યારે તેની પાસે બે ડીવીડી હતી, જેમા બધુ રેકોર્ડીગ હતુ. આ સાથે એક કાગળ હતો, જેમા નિખીલના ઘરનું સરનામું હતુ અને બીજી તેના વતનની માહિતી હતી. હેમલે આ બધી વસ્તુ રિષભને આપી અને કહ્યુ “સર આ નિખિલ ભાગી શું કામ ગયો હશે? આના પરથી તો તે ઉલટો ફસાઇ જશે.” આ સાંભળી રિષભે કહ્યું “બે રાજાઓની લડાઇમાં હંમેશા પ્યાદાઓના ભોગ લેવાતા હોય છે. આ નિખિલ પણ દર્શન અને અશ્વિનની લડાઇનું પ્યાદુ છે. રાજાને બચાવવા માટે પ્યાદાને ગાયબ કરવામાં આવ્યુ હોઇ શકે. જો પ્યાદુ હાથમાં આવી જશે તો રેલો રાજા સુધી આવશે.”

આ સાંભળી હેમલે કહ્યું “શુ તમને અશ્વિન પર શક છે?”

“જો એક સારા પોલીસ ઓફિસર બનવા માટે એ જરુરી છે કે જ્યાં સુધી ગુનેગાર ન પકડાઇ જાય ત્યાં સુધી બધા નિર્દોશ છે પણ બધા જ શકના દાયરામાં છે.” અને પછી થોડુ રોકાઇને રિષભે કહ્યું “અને આ અશ્વિન પર શક કરવા માટે તો આપણી પાસે ઘણા કારણો છે.”

તે લોકો વાત કરતા હતા ત્યાં અભય અને વસાવા આવ્યા એટલે રિષભે તે બંનેને બેસવા કહ્યું. વસાવાએ રીપોર્ટ આપતા કહ્યું “સર તમે કહ્યું હતુ તે પ્રમાણે નિખિલના ગામ અને તેના નજીકના સગાને ત્યાં તપાસ શરુ કરાવી દીધી છે. અને સર ફોરેન્સીક ડીપાર્ટમેન્ટમાંથી ફોન હતો તેને કંઇક મળ્યુ છે. તેના હેડ તમને મળવા માગે છે.” આટલુ બોલી વસાવાએ એક ફોટોગ્રાફ્સ રિષભને આપતા કહ્યું “આ નિખિલનો ફોટોગ્રાફસ છે જે અમને તેના એક કારીગરના મોબાઇલમાંથી મળ્યો છે.”

ફોટો હાથમાં લઇ રિષભે ધ્યાનથી જોયો અને બોલ્યો “આ તો એકદમ સોફિસ્ટીકેટેડ યુવાન છે મને તો એમ હતુ કે કોઇ ગામડાનો છોકરો હશે.”

આ સાંભળી હેમલે કહ્યું “સર, તે આઠ ધોરણ સુધી જ ભણેલો છે છતા તેની આવડતને લીધે ખૂબ આગળ વધ્યો છે.”

રિષભે ફોટોગ્રાફ્સ હેમલને આપ્યો એટલે હેમલે પણ ફોટો જોઇને કહ્યું “સર આને જોઇને તો એમજ લાગે કે એકદમ સીધો માણસ છે.”

“આપણી લાઇનમાં દેખાવ પર કયારેય ભરોશો કરવાનો નહીં.” રિષભે હેમલને કહ્યું અને પછી અભય અને વસાવા સામે જોઇને કહ્યું “એક કામ કરો બધા જ સ્ટેશન પર આ ફોટોગ્રાફ્સ ફેક્સ કરી દો. આ નિખિલ આપણા હાથમા આવવો જરુરી છે.”

અને પછી થોડુ રોકાઇને બોલ્યો. “ઓકે આજે અહીથી છુટીને હું ફોરેન્સીક લેબોરેટરી જતો આવીશ. હવે તમે બંને એક કામ કરો અહીથી તમે બંને દર્શનની ઓફિસ પર જાઓ અને ત્યાં જેટલી પણ લેડીઝ કર્મચારી છે તેની પાસેથી માહિતી કઢાવવાનો પ્રયત્ન કરો. ખાસ તે લોકો પાસેથી દર્શનના કેરેક્ટર વિશે પ્રશ્નો કરજો. અને હા તેની ભુતકાળની બે સેક્રેટરી નવ્યા અને શ્રેયા વિશે પુછજો.” આટલુ બોલી તે થોડુ વિચારવા રોકાયો અને પછી બોલ્યો “ વસાવા, તમે ફોરેન્સીકવાળાને ફોન કરી ત્યાં આવવા કહી દો. દર્શનની ઓફિસના બધા કર્મચારીના ફીંગર પ્રિન્ટ્સ લઇ લો. અને જેટલી પણ લેડીઝ કર્મચારી છે તે બધાના ડી.એન એ સેમ્પલ પણ કલેક્ટ કરાવી લેજો.” આ સાંભળી અભય અને વસાવા ત્યાંથી જવા લાગ્યા. તે લોકો હજુ દરવાજા પાસે પહોંચ્યા ત્યાં રિષભે કહ્યું “એક મિનિટ અભય, સાથે સાથે એક કામ કરજો તમારા બંનેમાંથી એક ફોરેન્સીકના માણસોને લઇ દર્શનના ઘરે પણ જતા આવજો. ત્યાંથી પણ બધાના ફીંગર પ્રિન્ટ્સ લઇ લેજો અને દર્શનની મમ્મી અને તેની પત્નીના ડીએનએ સેમ્પલ લેવડાવી લેજો.” આ સાંભળી અભય અને વસાવા ત્યાંથી નીકળી ગયાં.

તેના જતાજ હેમલે કહ્યું “સર એક પ્રશ્ન પૂછુ?”

આ સાંભળી રિષભે કહ્યું “મને ખબર છે કે તું એજ પૂછવા માગે છે કે દર્શનના ઘરના લોકોના સેમ્પલ શુ કામ લેવા જોઇએ?”

આ સાંભળતા જ હેમલ ચોકી ગયો. અને બોલ્યો સર તમે માઇન્ડ રીડીંગ જાણો છો કે શું? હું એકઝેટ આજ પ્રશ્ન પૂછવા માંગતો હતો.

આ સાંભળી રીષભે કહ્યું “દરેક પોલીસ ઓફિસરે થોડુ ઘણુ માઇન્ડ રીડીંગ કરતા શીખવું જોઇએ. અને માઇન્ડ રીડીંગ ન જાણે તો પણ ફેસ રીડીંગ તો જાણવુ જ જોઇએ” અને પછી રિષભે જે કહ્યું તે સાંભળી હેમલને સમજાઇ ગયુ હતું કે આ કેસ અને રિષભ તેને ઘણુ બધુ શીખવી જશે.”

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM