વેધ ભરમ - 4 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 4

હેમલે દર્શન વિશે પ્રારંભીક માહિતી આપી અને કહ્યું “આ બધી ઓફિસીયલ માહિતી છે.”

આ સાંભળી રિષભે કહ્યું “હા તો હવે અનઓફિસીયલી માહિતી પણ જણાવો કદાચ એ જ આપણા માટે વધારે કામની બની શકે.”

આ સાંભળી હેમલે કહ્યું “મને અંદરથી એવી માહિતી મળી છે કે આ દર્શન જરીવાલ આપણા મહેસૂલ મંત્રીનો બિઝનેસ પાર્ટનર છે. મહેસૂલ મંત્રીનું ક્યાંય તેમા નામ નથી પણ મોટા ભાગના બિઝનેસમાં તેનો હિસ્સો છે.”

આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે મનોમન બોલ્યો “સેક્સી પાસેથી પણ આજ વાત જાણવા મળેલી. સેક્સીનું નેટવર્ક પણ જોરદાર છે.” પછી રિષભને ખ્યાલ આવ્યો કે હેમલ તેની સામે જોઇ રહ્યો છે એટલે તેણે આગળ પુછ્યું “તેના ફેમીલી વિશે શું માહિતી મળી છે?”

“ ફેમિલીમાં તેની પત્નીનુ નામ શિવાની છે. તે હાઉસ વાઇફ છે. તેને એક બે વર્ષનો દિકરો છે આરવ. દર્શનના પપ્પાનું નામ વલ્લભભાઇ છે અને મમ્મીનુ નામ જયાબેન છે. દર્શન તે બંનેનુ એક માત્ર સંતાન છે. પણ એક વાત વિચિત્ર છે કે તે બંને દર્શનથી અલગ રહે છે.”

આ સાંભળી રિષભે કહ્યું “એમા કંઇ વિચિત્ર નથી. અત્યારે તો ફેમિલીમાં પ્રોબ્લેમ થતા ઘણાં મા-બાપ તેના દિકરાથી અલગ રહેવાનું પસંદ કરે છે.”

“ના, સર પણ આ આખો બિઝનેસ તેના પપ્પાનો છે, જે દર્શને હડપ કરી લીધો છે અને તેના પપ્પા મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા. તેના અઘાતને લીધે તેના પપ્પાને પક્ષઘાતનો હુમલો આવી ગયો હતો અને અત્યારે પણ તે વ્હિલચેરનો ઉપયોગ કરે છે.” હેમલે વધુ માહિતી આપતાં કહ્યું.

“ઓહ, તો એમ વાત છે. વાત ઘણી સીરીયસ છે, પણ મને નથી લાગતુ કે તે આપણાં કામની હોય, કેમકે દિકરો ગમે તેટલો નપાવટ હોય પણ કોઇ મા-બાપ તેનુ ખૂન તો ન જ કરાવે. આમ છતાં અત્યારે કંઇ કહી ન શકાય એટલે ધ્યાનમા તો રાખીશુ જ.” રિષભે કહ્યું.

હેમલને પણ રિષભની વાત યોગ્ય લાગી કે આ ખૂન કેસ સાથે કદાચ ફેમિલી પ્રોબ્લેમ જોડાયેલો નહીં હોય. તે વિચારતો હતો ત્યાં રિષભે કહ્યું “છતા પણ આપણે આ મુદ્દો સાવ છોડી દેવાનો નથી. અત્યારે ઘણા એવા કિસ્સા બને છે જેમાં ખૂન કરનાર પરિવારના જ સભ્ય હોય છે અને અહીં તો અબજો રુપીયાની મિલકતની વાત છે. જે કોઇ પણની મતિ ફેરવી નાખે..” આટલુ કહી રિષભે આગળ કહ્યું “દર્શનના કોઇ દુશ્મન વિશે માહિતી મળી?”

આ સાંભળી હેમલે કહ્યું “આમ તો દર્શનને તેના પૈસા અને પાવરનું બહું અભિમાન હતુ એટલે તેના જેવા માણસોને દુશ્મનો બનતા વાર નથી લાગતી પણ તેનો એક ખાસ દુશ્મન છે અશ્વિન કસવાલા.” આટલુ બોલી હેમલ રોકાયો એટલે રિષભે કહ્યું “આ અશ્વિન કસવાલા કોણ છે? અને તેને દર્શન સાથે કઇ બાબતે દુશ્મની છે?”

આ સાંભળી હેમલે કહ્યું “તેની દુશ્મનીની સ્ટોરી પણ ઇન્ટરેસ્ટીંગ છે. આ અશ્વિનનાં પપ્પા ગોરધનભાઇ અને દર્શનનાં પપ્પા વલ્લભભાઇ બંને ભાવનગરની નજીક આવેલા મહુવા ગામના વતની છે. તે બંનેએ સુરતમાં આવી હીરા ઘસવાની નોકરી કરી અને થોડા પૈસા કમાયા. ત્યારબાદ આ બંને મિત્રોએ એક નાનકડી હીરાની પેઢી ચાલુ કરી જેનુ નામ હતું ‘રાધે શ્યામ ડાઇમંડ’ આ પેઢી ધીમે ધીમે પ્રગતિ કરવા લાગી. ત્યારબાદ બંને પાર્ટનરે પોતપોતાની રીતે બિઝનેસ વધાર્યો. વલ્લભભાઇએ બીજી ડાઇમંડ પેઢી શરુ કરી “ઓમ ડાઈમંડ” અને ગોરધનભાઇ કંન્સ્ટ્રક્શન લાઇનમાં આગળ વધ્યા. પણ પછી દર્શન અને અશ્વિન મોટા થયાં અને બધાજ બિઝનેસ તે લોકોએ સંભાળી લીધા. દર્શનની મહત્વકાંક્ષા ખૂબ ઊંચી હતી. તેણે અશ્વિન સાથે ધંધો કરવો નહોતો એટલે તેણે “રાધેશ્યામ ડાઇમંડ” રાખી લીધી અને અશ્નિનને તેનો ભાગ આપી દીધો. પણ આ બનાવ પછી બંને એકબીજાના કટર હરીફ થઇ ગયાં. દર્શન એજ્યુકેટેટ માણસ હતો એટલે ખૂબ આગળ નીકળી ગયો. પણ પછી એક એવી ઘટના બની કે તે બંને હરીફમાંથી દુશ્મન બની ગયાં.”

આટલુ બોલી હેમલ થોડો રોકાયો. હેમલની વાત સાંભળી રિષભને પણ હવે આગળ શું થયુ તે જાણવાની તાલાવેલી વધી ગઇ. હેમલ ખૂબ ટુંકા સમયમાં જે માહિતી લાવ્યો હતો તે જોઇ રિષભને સમજાઇ ગયુ હતુ કે આ હેમલ ખૂબજ હોશિયાર અને કામનો માણસ છે. હેમલની વાત સાંભળીને રિષભે નક્કી કરી નાખ્યુ હતુ કે હેમલને તે પોતાની સાથે રાખશે. રિષભના ચહેરા પર આગળની વાત જાણવાની ઉતેજના જોઇ હેમલે વાતને આગળ વધારી. “અશ્વિન અને દર્શન બંને પોતપોતાની રીતે બધી લાઇનમાં આગળ વધતા હતા. બંનેને હવે કંટ્રક્શન લાઇનમા રસ પડ્યો હતો. અશ્વિનના પપ્પાએ ઘણા સમય પહેલા આ લાઇનમાં પગ મુકી દીધો હતો. તેની કંપનીનુ નામ હતુ “યુનિક ડેવલપર”. દર્શને સિવિલ એન્જીનિયરીંગ કર્યુ હોવાથી તેણે પણ કંન્સ્ટ્રક્શન લાઇનમાં જવાનુ વિચારી એક કંપની સ્થાપી જેનુ નામ હતું ‘શિવાની ડેવલપર.’. આ બંને કંપની પોતપોતાના પ્લાન પ્રમાણે આગળ વધતી હતી. તેમા એક વખત એવુ બન્યુ કે અશ્વિને એક જગ્યાએ ફ્લેટ બનાવવા માટે જમીન લીધી અને ટોકન આપી દીધુ. પણ પછી દર્શનને ખબર પડી કે અશ્વિને લીધેલી જગ્યા એકદમ તાપી કિનારે છે. એટલે તે પણ તાપી કિનારે બીજી જગ્યા શોધવા લાગ્યો. આ દરમિયાન તેનો સંપર્ક મહેસૂલ મંત્રી સી.કે વસાવા સાથે થયો અને બંનેએ સાથે બિઝનેસ કરવા માટે હાથ મિલાવ્યા. તે દરમિયાન દર્શનને મંત્રી પાસેથી માહિતી મળી કે અશ્વિને જે જગ્યાએ ફ્લેટ બનાવવા માટે જગ્યા રાખી છે તેની એકદમ પાસે તાપી નદી પર બ્રીજ બંધાશે. આ માહિતી મળતા દર્શનને સમજાઇ ગયુ કે આ બ્રીજ બનતા જ તે જગ્યાની કિંમત અનેક ગણી થઇ જશે. જો આ જગ્યા અશ્વિનના બદલે તેના હાથમાં આવી જાય તો તે ખૂબ પૈસા કમાઇ શકે. તે પછી દર્શન તે જમીનના માલીકને મળ્યો અને અશ્વિન કરતા વધારે પૈસાની ઓફર આપી, પણ તે માલિક માન્યો નહીં. દર્શને તેને મનાવવા ઘણાં પ્રયત્ન કર્યા તો પણ તે જમીનનો માલીક માન્યો નહીં એટલે છેલ્લે દર્શને આ વાત મંત્રીને કરી. મંત્રીએ જમીનના માલીકને ગુંડાઓ મોકલાવી ધમકી અપાવી જમીન દર્શનને આપવા માટે સમજાવ્યો. આ ધમકીથી પેલો જમીન માલિક ગભરાઇ ગયો અને તેણે અશ્વિન સાથેનો સોદો કેન્સલ કરી નાખ્યો અને તે જમીન દર્શનને વેંચી દીધી. આ વાતની જ્યારે અશ્વિનને ખબર પડી ત્યારે અશ્વિન અને દર્શન વચ્ચે જોરદાર ઝગડો થયો અને તેના પરિવાર વચ્ચે રહેલો વર્ષો જુનો સંબંધ કપાઇ ગયો. ત્યારબાદ તો તે બંને એકબીજાને પછાડવા માટે ઝનૂની બની ગયાં. બંનેની દુશ્મની બીઝનેસ જગતમાં ખૂબ જાણીતી થઇ ગઇ. એકાદવાર અશ્વિને પણ દર્શનને ઘા માર્યો પણ દર્શનને મંત્રીનો સપોર્ટ હોવાથી તે જ આગળ રહેતો. હમણાં એક મહિના પહેલા એક બિઝનેસ પાર્ટીમાં દર્શન અને અશ્વિન ફરીથી ઝગડી પડ્યા અને અશ્વિને ગુસ્સામાં કહ્યું કે એક દિવસ તુ મારા હાથે જ મરીશ.” હેમલે વાત પુરી કરતા કહ્યું.

આખી વાત સાંભળી રિષભે કહ્યું “વેલડન જોષી, તમે ખરેખર ખૂબ ઓછા સમયમાં ઘણી માહિતી મેળવી લાવ્યા. તમારા જેવા ઓફિસર આપણા ડીપાર્ટમેન્ટની શાન છે. આજથી આ કેસમાં તમે મારી સાથે રહેશો. કાલે આપણે દર્શનની ઓફીસે ઇન્વેસ્ટીગેશન માટે જવાનુ છે. ત્યાં તમે મારી સાથે આવજો.” આ સાંભળી હેમલ ખુશ થઇ ગયો અને બોલ્યો “થેંક્યુ, વેરી મચ સર.” અને પછી હેમલ ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે જીપ ઉમરા પોલીસ સ્ટેશનથી સ્ટેશન તરફ દોડી રહી હતી. જીપમાં ડ્રાઇવરની બાજુમાં રિષભ બેઠો હતો. પાછળની સીટ પર હેમલ અને પી.આઇ વસાવા બેઠા હતાં. જીપ ધીમે ધીમે રીંગરોડ પર આવેલ એક પછી એક બ્રીજ ચડીને આગળ વધતી હતી. સુરતના રીંગરોડ પર મોટા ભાગનો રસ્તો ફ્લાય ઓવરથી છવાયેલો છે. સુરત ગુજરાતનુ એક માત્ર શહેર છે જેમાં, 100થી ઉપર ફલાયઓવર આવેલા છે. જીપ આ એક પછી એક ફ્લાયઓવર પસાર કરતા સ્ટેશન પાસે પહોંચી અને ગરનાળા નીચેથી પસાર થઇ આગળ વધી. ગરનાળુ પસાર કરતા જે પહેલુ સર્કલ આવ્યુ ત્યાંથી યુ ટર્ન લઇ સામે આવેલ પોદાર આર્કેડ પાસે પાર્ક કરી. તેમાથી બધા નીચે ઉતર્યા અને પોદાર આર્કેડમાં બેઝમેંટમાં આવેલી લીફ્ટમાં દાખલ થયાં. પોદાર આર્કેડ આમતો મોબાઇલ અને રીટેઇલ વેપારીની દુકાનોથી ભરેલુ છે પણ, તેનો ટૉપ ફ્લોર આખો દર્શને ખરીદી લીધો હતો. દર્શનના જુદા જુદા બિઝનેસના એકાઉંટ્સ અને મેનેજમેંટના વિભાગ અહીં હતા. દર્શનની પોતાની ઓફિસ પણ અહીં હતી. આમ તો તેના દરેક બિઝનેસ યુનિટમાં દર્શનની ઓફિસ હતી પણ મોટા ભાગના યુનિટ તેના વિશ્વાસુ માણસ સંભાળતા અને દર્શન માત્ર એકાદ રાઉન્ડ મારતો. આ પોદાર આર્કેડમાં આવેલ ઓફિસથી બધા જ બિઝનેસનું સંચાલન થતુ. આજે બધાને દર્શનની મોતના સમાચાર મળી ગયા હતા, તેને કારણે રિષભની ટીમ ઓફિસમાં દાખલ થઇ ત્યારે આખી ઓફિસમાં એક જાતનો શોક છવાયેલો હતો. દર્શન ગમે તેવો હોય પણ ઘણા માણસોના ઘર તેના પર ચાલતા હતા. આ બધા માણસોની આજીવિકા પર દર્શનના જવાથી એક જાતની તલવાર તોળાતી હતી. બધાને જ હવે તેની નોકરીનું શું થશે તે ચિંતા હતી. તેમા પણ આ ઓફિસમાં દર્શનની સતત હાજરી રહેતી હતી એટલે દર્શનની ગેરહાજરીથી આ ઓફિસમાં વધુ પડતો શોક છવાઇ ગયો હતો. રિષભની ટીમ અંદર દાખલ થઇ એટલે રિસેપ્શનીસ્ટ ઉભી થઇ ગઇ. તેને જોઇને રિષભે હેમલને ઇશારો કર્યો એટલે હેમલ રિસેપ્શનિસ્ટ પાસે ગયો અને કહ્યું “અમે લોકો દર્શન જરીવાલના મોત માટે થોડી તપાસ કરવા આવ્યા છીએ. અહીંની ઓફિસના હેડ કોણ છે?”

આ સાંભળી રિશેપ્શનિસ્ટે કહ્યું “આમ તો આ ઓફિસના હેડ દર્શન સર જ છે પણ તેની ગેરહાજરીમાં અહીં કિરીટ સર બધુ સંભાળે છે પણ તે દર્શન સરના બંગલે છે એટલે આજે મળી શકશે નહીં.”

આ સાંભળી હેમલે કહ્યું “તેના પછીની પોસ્ટ કોની છે?”

“તેના પછી ગૌરવ સર છે, જે બધી ફાઇનાન્સીયલ મેટર સંભાળે છે. તે અહી હાજર છે. તમે કહેતા હોય તો તેમને અહી બોલાવું.”

“હા તેમને જાણ કરો કે સુરતના એસ.પી ત્રિવેદી સાહેબ તેને મળવા માગે છે.”

એસ.પી સાંભળતા પેલી છોકરીના હાવભાવ બદલાઇ ગયા અને તેણે ફોન લગાવ્યો. તેના ઉપરીને ફોન પર એસ.પી સાહેબ તમને મળવા માગે છે તેમ જાણ કરી. સામેથી જે કહેવાયુ તે સાંભળી ફોન મુકી દીધો. અને પછી હેમલને કહ્યું “સર, એક જ મિનિટમાં અહી આવે છે.”

હેમલે રિષભ પાસે જઇને જાણ કરી કે આ ઓફિસનો દર્શન પછીનો જે માણસ છે તે આજે દર્શનના બંગલે છે. અત્યારે કોઇ ફાઇનાંસનો હેડ હાજર છે, જે હમણા અહીં આવે છે. એક મિનિટનું કહ્યું હતુ પણ પેલા હેડને આવતા ત્રણ ચાર મિનિટ વીતી ગઇ એટલે રિષભે કહ્યું “પેલી રિસેપનિસ્ટને કહે કે અમે અહી રાહ જોવા નથી આવ્યાં.” હેમલ રિસેપ્શનિસ્ટ તરફ આગળ વધે તે પહેલા જ સામેથી એક માણસ તેના તરફ ત્વરાથી આવતો દેખાયો એટલે હેમલ રોકાઇ ગયો. પેલા માણસે આવીને કહ્યું “સોરી, મારે આવતા થોડીવાર લાગી પણ મે કિરીટસર સાથે વાત કરી કે તમે લોકો અહી તેમને મળવા આવ્યા છો એટલે તે હમણા દશેક મિનિટમાં અહી આવે છે. ચાલો સર, ત્યાં સુધી તમે મારી ઓફિસમાં બેસો” અને પછી પેલો માણસ તેની ઓફિસ તરફ આગળ વધ્યો. રિષભ તેની ટીમ સાથે તેની પાછળ ગયો. રિષભ સમજી ગયો હતો કે તેનુ નામ સાંભળી આ ભાઇને ડર લાગી ગયો હતો એટલે તેણે તેના ઉપરીને બોલાવી લીધો છે. રિષભ માટે આ ઇચ્છીત હતુ, કેમકે જો ડર હશે તો જ તે તેને જોઇતી માહિતી કઢાવી શકશે. આમ પણ રિષભનો નિયમ હતો કે હાઉ જ એવો ઉભો કરવાનો કે સામેનો માણસ એની મેળે જ બોલવા લાગે. અને રિષભ આ મોકો હાથમાંથી જવા દેવા નહોતો માગતો. તેનો ઉપરી આવે તે પહેલાનો સમય તેના માટે અગત્યનો હતો. ગૌરવે રિષભ અને તેની ટીમ માટે ચાનો ઓર્ડર આપ્યો એ સાથે જ રિષભે વાતની શરુઆત કરી.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM