VEDH BHARAM - 52 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 52

વિકાસની ઊંઘ હરામ થઇ ગઇ હતી. હવે તેને ધીમે ધીમે આખી વાત સમજાઇ ગઇ હતી. કબીરની ચાલ તેને હવે સ્પષ્ટ રીતે દેખાતી હતી. પણ હજુ સુધી તેને એક વાત સમજાતી નહોતી કે કબીરે દર્શનનુ ખૂન કરી નાખ્યુ તો તેને કેમ જીવતો છોડી દીધો. આ પ્રશ્ન તે પેલા દાસને પૂછવાનો હતો પણ તે પ્રશ્ન પૂછે તે પહેલા તે દાસ મોકાનો ફાયદો ઊઠાવી નાસી ગયો. વિકાસે હોટલના રુમમાં બેસી ઘણુ વિચાર્યુ અને ઘણી બધી શક્યતાઓ વિચારી છતા પણ આ એક વાત તેને મગજમાં બેસતી નહોતી. જો કબીરને મારી સાથે બદલો જ લેવો હતો તો પછી દર્શનની જેમ મને પણ મારી જ શક્યો હોત. એવી કઇ બાબત હતી કે તેણે મને જીવતો છોડી દીધો. મને જીવીત રાખવાથી તો તેને જ નુકશાન થવાનુ હતુ તો પછી તે એવુ તો શું કરવા માંગતો હતો કે તેણે મને જીવતો છોડી દીધો. ઘણું મગજ કસ્યા પછી પણ તેને છોડી દેવાનુ કોઇ કારણ સમજમાં આવ્યુ નહીં. વિચાર કરીને વિકાસ કંટાળ્યો એટલે ઊભો થયો. અચાનક તેને કઇક યાદ આવતા તે વોર્ડરોબ પાસે ગયો અને તેણે વોર્ડરોબમાંથી એક પેકેટ કાઢ્યું. આ એજ લીલા રંગનુ કવર હતુ જે તેને દાસ પાસેથી મળ્યુ હતુ. વિકાસે તેમાંથી ડીવીડી કાઢીને પેકેટ ફરીથી વોર્ડરોબમાં મૂકી દીધુ. વિકાસે આજુબાજ જોયુ પણ ડીવીડી પ્લેયર રુમમાં નહોતુ. વિકાસે રુમ સર્વિસમાં ફોન કરી એક ડીવીડી પ્લેયર મંગાવ્યુ અને તેમા ડીવીડી નાખી પ્લેયર ચાલુ કર્યુ. થોડીવાર તો પ્લેયરમાં કાંઇ અવાજ આવ્યો નહી પણ એકાદ મિનિટ પછી અચાનક ડીવીડીમાંથી વાતચીત સંભળાઇ. વાતચીતમાં એક અવાજ તો પેલા દાસનો હતો પણ બીજો અવાજ અમિતાભ બચ્ચનનો હતો. વિકાસને સમજાઇ ગયુ કે સામે છેડે જે કોઇ છે તેણે એપ્લીકેશનનો ઉપયોગ કરી પોતાનો અવાજ છુપાવી દીધો છે. આમ છતા એટલુ તો સમજાઇ જતુ હતુ કે બોલનાર કોઇ પુરુષ છે. વિકાસે ડીવીડીને રીવાઇન્ડ કરીને બે ત્રણ વાર વગાડી. અચાનક એક જગ્યાએ પહોંચી વિકાસ રોકાઇ ગયો. વિકાસને અચાનક મગજમાં ચમકારો થયો અને તેણે ડીવીડીને થોડી પાછળ ચલાવીને ફરીથી પ્લે કરી. જેવી તેણે ડીવીડી પ્લે કરી એ સાથેજ તેને સમજાઇ ગયુ કે ચોક્કસ આ વ્યક્તિ કબીર જ છે. કબીરની વાત કરવાની એક ટેવ હતી. વાતવાતમાં કબીરને “યુ નો” બોલવાની આદત હતી. આ જે વ્યક્તિ વાત કરતો હતો તે પણ આખી વાતમાં બે વાર “યુ નો.” બોલ્યો હતો. હવે વિકાસનો રહ્યો સહ્યો શક પણ દૂર થઇ ગયો હતો. વિકાસને હવે પાકો વિશ્વાસ થઇ ગયો હતો કે તેના અપહરણ પાછળ જરુર કબીરનો જ હાથ છે. હવે વિકાસ કોઇ પણ રીતે કબીરને છોડવા માંગતો નહોતો. પણ આ સાથે જ તેને એ પણ સમજાઇ ગયુ હતુ કે પેલો દાસ તેના હાથમાંથી છટકી ગયો તે ખોટુ થઇ ગયુ હતુ. કેમકે દાસે ત્યાંથી નીકળી કબીરને જરુર જાણ કરી હશે એટલે કબીર પણ સાવચેત થઇ ગયો હશે. પણ તો પછી હવે તેને પછી હવે સમય બગાડવો પાલવે તેમ નથી. કબીરને વિચારવાનો કે સલામતીની વ્યવસ્થા કરવાનો મોકો મળે તે પહેલા જ તેનુ કામ પુરુ કરવુ પડે. આ વિચાર આવતા જ તેણે તરત જ બહાદુરસિંહને ફોન કરવા માટે મોબાઇલ હાથમાં લીધો પણ ત્યાં જ તેના ફોનમાં બહાદુરસિંહનો સામેથી કોલ આવ્યો. વિકાસે તરતજ ફોન ઉંચક્યો

“સાહેબ એક અગત્યની માહિતી મળી છે. કબીર રેલ્વે સ્ટેશન પાસે આવેલ હોટલ હોલીડે ઇનમાં ઉતર્યો છે અને સાંજે મેડમ તેને મળવા જવાના છે.” અને પછી કહેવુ કે નહીં તે વિચારવા માટે રોકાયો પછી બોલી જ નાખ્યુ. “કદાચ આજે રાત્રે મેડમ તેની સાથે જ રોકાશે.” બહાદુરસિંહે માહિતી આપતા કહ્યું.

કબીરની માહિતી આટલી ઝડપથી મળી ગઇ એ સાંભળી વિકાસ ખુશ થયો પણ બહાદુરસિંહે જ્યારે કહ્યું કે અનેરી આજે રાત્રે કબીર સાથે રહેવાની છે આ સાંભળી વિકાસના રોમરોમમાં આગ લાગી. તેની પત્ની બીજા કોઇ સાથે રાત ગાળવાની છે તે સાંભળી વિકાસનો ક્રોધ આસમાને પહોંચી ગયો. અત્યાર સુધી હજુ તે કબીરને મારવો કે નહીં તેની અવઢવમાં હતો પણ હવે તે ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો “આ કબીરને તો કુતરાના મોતે મારીશ. આજ રાતે તે અનેરીને સ્પર્શે તે પહેલા તો તેને નર્કમાં પહોંચાડી દેવો છે.” અને પછી તે કઇ રીતે કરવુ તેના વિચારમાં ખોવાઇ ગયો.

વિકાસ કંઇ બોલ્યો નહીં એટલે બહાદુરસિંહે કહ્યું “હેલો, સાહેબ તમને મારી વાત સંભળાઇ છે કે નહીં?”

આ સાંભળી વિકાસ વિચારયાત્રામાંથી બહાર આવ્યો અને બોલ્યો “હા,હા, સંભળાઇ છે. બહાદુરસિંહ હું આજે જ કામ પતાવી દેવા માંગુ છું. તું મને સતત માહિતી આપતો રહેજે.”

“સાહેબ પણ હજુ તમે વિચારી લો આ કામ કર્યા પછી તમે બચી શકશો નહીં. તમે કહેતા હોય તો હું કોઇ માણસ પાસે આ કામ કરાવી આપું.” બહાદુરસિંહે વિકાસને સમજાવતા કહ્યું.

“ના બહાદુરસિંહ. હવે તો તેને મારા હાથે મારીશ તો જ હું ચેનથી જીવી શકીશ. તું એક કામ કર મારા માટે થોડા દિવસ છુપાવાની કોઇક વ્યવસ્થા કરી આપ. થોડા દિવસ પછી હું ગુજરાત બહાર નીકળવાની વ્યવસ્થા કરી લઇશ.” વિકાસે કહ્યું.

“ઓકે સાહેબ હું એકાદ મહિના સુધી તો તમને છુપાવી શકીશ પણ પછી તમારે કોઈક વ્યવસ્થા કરવી પડશે.” બહાદુરસિંહે કહ્યું.

“હા મહિના પહેલા તો હું વ્યવસ્થા કરી લઇશ. અનેરી હોટલ પર આવે એટલે મને જાણ કરજે કંઇ પણ થાય આજે કબીરનું કામ પતાવી દેવુ છે. અનેરીની સામે જ તેને મારવો છે એટલે જો અનેરી પણ આમા સામેલ હોય તો તેને પણ આના પરથી સબક મળી જાય.” વિકાસે બહાદુરસિંહને કહ્યું.

“ઓકે સાહેબ, મેડમ આવશે એટલે હું તમને જાણ કરુ છું.” બહાદુરસિંહે કહ્યું.

અનેરીની વાત આવતા જ વિકાસને અનેરીને એકવાર જોવાની ઇચ્છા થઇ આવી. ત્રણ વર્ષથી અનેરીને જોવા અને મળવા માટે તે તરસતો હતો. હવે ખબર નહી તેને મળાશે કે નહીં. ખૂન કર્યા પછી તે ત્યાં રોકાઇ શકવાનો નહોતો એટલે અનેરી અત્યારે કેવી દેખાઇ છે તે જોવાની એક અદમ્ય ઇચ્છા તેને થઇ. આ ઇચ્છા તીવ્ર બની જતાં તેણે કહ્યું. “બહાદુરસિંહ, તમે એક કામ કરજો. અનેરી હોટલમાં આવે ત્યારે તેના ફોટો પાડી મને મોકલજો અને ખાસ તે રુમમાં દાખલ થાય ત્યારનો ફોટો મોકલજો.”

આ સાંભળી બહાદુરસિંહને નવાઇ લાગી કે વિકાસ આવુ કેમ કહે છે. તેની પાછળ વિકાસના બે હેતુ હતા હતા એક તો વિકાસ અનેરીને જોવા માંગતો હતો અને બીજુ હજુ તેને વિશ્વાસ આવતો નહોતો કે અનેરીનુ કબીર સાથે ચક્કર છે. હજુ તેની અંદરનો પુરુષ એ સ્વિકારવા તૈયાર નહોતો કે તેની પત્નીને બીજા પુરુષ સાથે સંબંધ છે. આ ફોટો મંગાવીને તે એ નક્કી કરી લેવા માંગતો હતો કે અનેરી અને કબીર વચ્ચે નાજાયઝ સંબંધ છે. આ વિચારીને જ તેણે બહાદુરસિંહને સૂચના આપી હતી. વિકાસની માંગણી બહાદુરસિંહને પણ વિચિત્ર લાગી હતી આમ છતા તેણે વિરોધ ના કર્યો અને કહ્યું “ઓકે સાહેબ, હું તમને મોકલી આપીશ.” અને પછી ફોન કટ કરી નાખ્યો.

સ્ટેશનમાં પોતાની ઓફિસમાં બેઠેલા રિષભ માટે હવે પછીનો એક દિવસ અગત્યનો હતો. રિષભ આખી યોજના પર ફરીથી વિચાર કરતો બેઠો હતો. ત્યાંજ તેના બેનંબરી મોબાઇલમાં રીંગ વાગી. રીષભે ફોન ઊંચક્યો અને વાતની શરુઆત કરી. તે જેમ જેમ વાત કરતો ગયો તેમ તેમ તેના ચહેરા પર કરચલીઓ પડતી ગઇ. રિષભે વાત પૂરી કરી ફોન મૂક્યો ત્યારે તેના મગજમાં એક પ્રકારની મૂંઝવણ હતી. આ ફોન આવતા તેણે વિચારેલા પ્લાનમાં થોડી અડચણ ઊભી થઇ હતી. અત્યાર સુધી તેણે કરેલા આયોજનમાં થોડો ફેરફાર કરવાનો હતો. પણ હવે આ આયોજન માટે તેની પાસે એકદમ ટુંકો સમય હતો. ફોન મુકી તેણે થોડીવાર વિચાર કર્યો અને પછી ઉપરાઉપરી બે ત્રણ ફોન કર્યા. અને આયોજનમાં જે પણ ફેરફાર કરવાનો હતો તેની વ્યવસ્થા કરી દીધી. પણ જે રીતે અચાનક આયોજનમાં ફેરફાર થયા હતા તે જોઇ રિષભને થોડો ડર લાગતો હતો કે હવે પછીનો પ્લાન તેના વિચાર્યા પ્રમાણે ચાલશે કે નહીં. આ ઉચાટમાં રિષભ વિચારતો બેસી રહ્યો. તેની જીંદગીમાં આ કેસ એવો હતો કે જેમાં તેણે કાનૂનના કાયદાની બહાર જઇ કામ કર્યુ હતુ. આ કામ જો પાર પડે તો આ જિંદગીની એક મોટી સફળતા હતી પણ સાથે સાથે એક એવુ કામ કર્યુ જે કાનૂનની વિરુધ્ધ હતુ તેનો અફસોસ પણ રહેવાનો હતો. રિષભની જીંદગીમાં આ એક કેસ એવો આવ્યો હતો કે જેમાં તેનુ જમીર અને કાનૂન બંને સામસામે છેડે ઊભા હતા. રિષભે બંનેમાંથી એકની પસંદગી કરવાની હતી. રિષભે તેના જમીરની પસંદગી કરી હતી, પણ આ એટલુ સહેલુ નહોતુ. આ યોજના જો નિષ્ફળ જાય તો તેની નોકરી અને જિંદગી બંને પર જોખમ આવી જવાનુ હતુ. એટલે જ અત્યારે રિષભ તેની કેબીનમાં અજંપામાં બેઠો હતો. તેણે આખા આયોજનમાં નાનામાંનાની વાતનુ ધ્યાન રાખ્યુ હતુ પણ છેલ્લી ઘડીએ જે ફેરફાર થયો હતો તેનાથી રિષભનો વિશ્વાસ ડગમગી ગયો હતો. તેણે ફરીથી આખી યોજનાના દરેક પાસા પર વિચાર કર્યો. તેને આ યોજનામાં કોઇ કચાસ દેખાતી નહોતી પણ તેણે મનોમન પ્રાર્થના કરી કે હવે પછી યોજનામાં કોઇ આકસ્મિક ફેરફાર ના આવે તો સારુ. રિષભ જ્યારે અજંપામાં બેઠો હતો એ સમયે વિકાસ પણ એવા જ અજંપામા રુમમાં આટા મારી રહ્યો હતો. તેણે ગુસ્સામાં નિર્ણય તો કરી લીધો હતો પણ ખૂન કરવુ કંઇ સહેલી વાત નહોતી. જીંદગીમાં તેણે લોહીને ઉડતા જોયુ નહોતુ. એક ગરોડીને માર્યા પછી પણ તેને અફસોસ થાય તેવી જીંદગી તે જીવ્યો હતો. તેણે ઘણી છોકરીઓની જીંદગી બગાડી હતી પણ તેમા તેને ક્યારેય ખૂન ખરાબા કરવાની જરુર પડી નહોતી. આ બધા ગુનામાં પીડીતને માનસિક રીતે આઘાત પહોંચતો જે નરી આંખે દેખી શકાતો નહોતો. પણ વિકાસ હવે જે કરવાનો હતો તેમાં તે જે નુકશાન કરશે તે નરી આંખે દેખાશે. હવે પછી આખી જિંદગી તેના પર ખૂનીનુ લેબલ લાગી જવાનુ હતુ. આ વિચારતા વિચારતા તે રુમમા આટા મારી રહ્યો હતો. પણ ફરી પાછો તેને અનેરીનો વિચાર આવતો અને તેનુ લોહી ઊકળી ઉઠતુ અને ખૂન કરવા તત્પર થઇ ઊઠતુ. આમને આમ તેણે ઘણો સમય પસાર કર્યો ત્યાં તેના મોબાઇલમાં વોટ્સએપ મેસેજ આવ્યો. વિકાસે ફોન હાથમાં લઇ જોયુ તો બહાદુરસિંહનો જ મેસેજ હતો. વિકાસે બહાદુરસિંહનો મેસેજ ઓપન કર્યો. બહાદુરસિંહે વાત થઇ તે મુજબ ફોટો મોકલ્યો હતો અને નીચે લખ્યુ હતુ “મેડમ હોટલમાં આવી ગયા છે.”

આ વાંચી વિકાસે ફોટા પર ટચ કર્યુ એ સાથે ફોટો ખુલી ગયો. આ ફોટામાં અનેરી દેખાતી હતી. જેમા અનેરીએ ગુલાબી રંગનો ડીઝાઇનર પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. અનેરીનો ચહેરો અને ફીગર જોતા જ વિકાસ ફરીથી તેના પ્રેમમાં પડવા લાગ્યો. તેણે તેના મનને ઠપકો આપતા કહ્યુ આ એજ સ્ત્રી છે જેણે તારી સાથે દગો કર્યો છે. પણ દિલ ક્યા કોઇનુ માને છે તે જેમ જેમ અનેરીને જોતો ગયો તેમ તેમ તેની પીડા વધતી ગઇ. ત્રણ વર્ષમાં અનેરીના ચહેરા પર એક જાતની ચમક આવી હતી. અનેરીના શરીરમાં પણ વધારો થયો હતો. તે સુંદર તો હતી જ પણ હવે તેમાં પરીપક્વતા અને એક જાતના આત્મવિશ્વાસનો ઉમેરો થયો હતો. જેને લીધે તેનુ વ્યક્તિત્વ જાજરમાન લાગતુ હતુ. અનેરીની પર્સનાલીટી એવી હતી કે પહેલી નજરે જ તે કોઇ પણ વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગાવી શકે. આવી સ્ત્રી તેની પત્ની હતી તે વાતનુ વિકાસને અભિમાન આવ્યુ પણ તરત જ બીજો વિચાર આવ્યો કે મારી આટલી સુંદર અને જાજરમાન પત્ની મારી પાસેથી કબીરે છીનવી લીધી. આ વિચાર હવે વિકાસ માટે અસહ્ય થઇ ગયો. અત્યારે હવે તેની જિંદગીનુ એક જ મકસદ હતુ. આ સાથે તેને એ પણ આશા જાગી કે કદાચ કબીર નહીં હોય તો તે અનેરીને એવુ સમજાવી શકશે કે મે જે કર્યુ છે તે બદલો લેવા કર્યુ છે. માણસનુ મન મનગમતી દલીલ અને રસ્તો તરતજ પકડી લે જે તેજ રીતે વિકાસ પણ મનમાં દલીલ કરવા લાગ્યો. કદાચ અનેરીને ખબર પણ ન હોય કે મારી સાથે આવુ કરનાર કબીર જ છે. આ બધી વાત હું તેને સબૂત સાથે કહીશ તો ચોક્કસ અનેરી ફરીથી મારી થઇ જશે. વિકાસ વિચાર કરતો હતો ત્યાં તેના મોબાઇલમાં બહાદુરસિંહે બીજો ફોટો મોકલ્યો. આ ફોટામા અનેરી કોઇ રુમમાં દાખલ થતી હતી. પણ આ ફોટો દુરથી લેવામાં આવ્યો હતો. એટલે અનેરીનો ગુલાબી ડ્રેસ સિવાય બીજુ કંઇ ક્લીઅર દેખાતુ નહોતુ પણ વિકાસને અનેરીના ડ્રેસ પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે અનેરીજ આ રુમમાં દાખલ થઇ રહી છે. વિકાસે ફોટો જુમ કર્યો તો તેને રુમ નંબર વંચાયો જે 101 હતો. હવે વિકાસને કોઇ શંકા રહી નહોતી. અનેરીને જોયા પછી હવે વિકાસ વધુ સમય રાહ જોઇ શકે એમ નહોતો. તેણે તરતજ બહાદુરસિંહને ફોન કરી કહ્યું કે તે અડધા કલાકમાં ત્યાં પહોંચે છે. ફોન મૂકી વિકાસે વોર્ડરોબ ખોલ્યો અને તેમાંથી પેલા દાસ પાસેથી મેળવેલી ગન કાઢી અને ચેક કરી. ગન ફૂલી લોડેડ હતી. તેણે જીન્સ અને ટીશર્ટ પહેર્યા અને ગનને પેન્ટમાં પાછળ ખોસી દીધી. બહાર નીકળતા પહેલા તેણે આંખો બંધ કરી મક્કમ નિર્ધાર કર્યો અને પછી કબીરની હોટલ પર જવા નીકળી ગયો.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને“વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED