વેધ ભરમ - 54 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 54

રિષભને લાગ્યું કે જ્યાં સુધી કમિશ્નરને પૂરેપૂરો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તે મદદ નહીં કરે એટલે છેલ્લે તેણે હુકમનો એક્કો ઉતરતા કહ્યું “સર, આ વિકાસને સંજયસર સાથે બહુ જુના સંબંધ છે. કાવ્યા સાથેના બળાત્કાર સમયે સ્ટેશન ઇન્ચાર્જ સંજય સર હતા. કાવ્યા કમ્લેઇન લખાવવા ગઇ ત્યારે સંજય સરે જ તેની કંમ્પ્લેઇન તો નહોતી જ લીધી ઉલટુ તેણે દર્શન અને વિકાસને જાણ કરી દીધી હતી. તેના બદલામાં સંજયસરને બહુ મોટી રકમ મળી હતી.”

“કાવ્યા એટલે પેલી કોલેજવાળી છોકરીને જેના પર દર્શન વિકાસ અને કબીરે બળાત્કાર કર્યો હતો?” કમિશ્નરે પૂછ્યું.

“હા સર, તે જ છોકરી. ત્યારથી જ વિકાસ અને સંજયસર વચ્ચે સંબંધ છે. આ કેસમાં પણ વિકાસને સંજયસરે જ મદદ કરી છે. તેના પૂરા સબૂત છે અમારી પાસે અને તમે સર્ચ વોરંટ આપો તો હું બીજા સબૂત પણ શોધી કાઢીશ. સર આવા ઓફિસર આપણા ડીપાર્ટમેન્ટની આબરૂ ખરાબ કરે છે. આવા ઓફિસરને સજા મળવી જ જોઇએ.” રિષભે આક્રોશમાં કહ્યું.

“સેક્સીને સંજય મહેતાને સજા થાય તેમા કોઇ વાંધો નહોતો. ઉલટા તેને તો ખુશી થાય એમ હતી. સેક્સી જ્યારે કમિશ્નર બન્યો ત્યારે સંજય મહેતા તેનો ક્ટ્ટર હરીફ હતો. તેને માત આપી સેક્સી કમિશ્નર બની ગયો ત્યારથી જ તે બંનેના સંબંધ પણ વણસી ગયા હતા. સંજય સેક્સીની પીઠ પાછળ ગાળો આપતો આ વાત સેક્સી સારી રીતે જાણતો હતો. આજે હવે તેને મોકો મળ્યો હતો આ સંજયને પાઠ શીખવવાનો. આ મોકો છોડી દે તેવો મૂર્ખ કે મહાન સેક્સી નહોતો. આમ છતા આ કામ પાછળ રહેલા ભયસ્થાનો તે સારી રીતે જાણતો હતો. સેક્સીએ મનોમન બધા પાસા વિચારી લીધા અને પછી બોલ્યો.

“રિષભ, હું તને સર્ચ વોરંટ આપુ છું પણ જો આમા કંઇ પણ આડા અવળુ થયુ તો હું તારી કારકીર્દિ ખતમ કરતા પણ ખંચકાઇશ નહીં.”

રિષભ પણ સેક્સી અને સંજય મહેતા વચ્ચેના ખટરાગ વિશે જાણતો હતો એટલે તે સમજી ગયો કે સેક્સી તેના ખંભે બંધુક રાખી ફોડવા માગે છે પણ રિષભને આ મંજૂર હતુ એટલે તે બોલ્યો “ઓકે સર મને મંજુર છે.”

ત્યારબાદ સેક્સીએ રિષભ માટે ચા નાસ્તો મંગાવ્યો અને બીજી ઘણી બધી ચર્ચા કરી. રિષભ જ્યારે ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના હાથમાં સર્ચ વોરંટ હતો. ત્યાંથી નીકળી રિષભે સંજય મહેતાને ફોન કર્યો અને કહ્યું “સર, તમને જાણ કરવાની મારી ફરજ છે એટલે કહું છું કે અડધા કલાકમાં હું તમારા ઘરે સર્ચ વોરંટ લઇને આવુ છું. તમારે કંઇ પણ વ્યવસ્થા કરવી હોય તો કરી લે જો.”

“મારા ઘરનુ સર્ચ વોરંટ કયા કેસને લીધે નીકળ્યુ છે? અને તને ખબર તો છે ને તુ કોની સાથે વાત કરી રહ્યો છે?” સંજય મહેતાએ એકદમ તુમાખીમાં કહ્યું.

“હા સર મને ખબર છે કે હું એડીશનલ કમિશ્નર સંજય મહેતા સાથે વાત કરી રહ્યો છું. કબીર કોઠારીના ખૂન કેસમાં તમારુ સર્ચ વોરંટ નીકળ્યુ છે.” રિષભે કહ્યું.

આ સાંભળી સંજય મહેતા હસી પડ્યો અને બોલ્યો “જો રિષભ આ સર્ચ વોરંટમાં મારૂ કંઇ બગડવાનુ નથી પણ યાદ રાખજે આ તારી જીંદગીની સૌથી મોટી ભૂલ છે.”

“સર મને ખબર છે કે આ મારી ભૂલ છે પણ ડ્યુટી તો કરવી જ પડશેને?” એમ કહી રિષભે ફોન કટ કરી નાખ્યો અને બીજો ફોન હેમલને કરી કહ્યું “હેમલ, પંદર મિનિટ પછી અભય અને કેમેરામેન સાથે સંજય મહેતાના ઘરે પહોંચો.”

અડધા કલાક પછી રિષભ અને તેની ટીમ સંજય મહેતાના ઘરે હતી. કેમેરામેન સાથે લાવવાનુ રિષભનુ પગલુ યોગ્ય હતુ. કેમેરાને જોઇને સંજય મહેતા હેબતાઇ ગયો તેનાથી હવે કંઇ પણ બોલી શકાય એમ નહોતુ. રિષભે ઘરના બધા સભ્યોને હોલમાં બેસાડી કેમેરાના રેકોર્ડીગ સાથે જ સર્ચ અભિયાન હાથ ધર્યુ. રિષભે બધાને ગ્લોવ્ઝ પહેરી લેવા કહ્યું અને પછી બધા તપાસ કરવા લાગ્યા. લગભગ એકાદ કલાકની સખત મહેનત પછી સંજય મહેતાના બાથરુમમાંથી બે લાખ કેસ રુપીયા મળ્યા. એ સિવાય બીજા ઘણા બધા કેસ પણ મળી આવ્યા. રિષભે સંજય મહેતાના હાથે લખેલી એક ડાયરી પણ કબજે કરી. બધુ મળીને કુલ 30 લાખ કેસ મળી હતી. અને એ સિવાય ઘણા બેનામી પ્રોપર્ટી પેપર અને ડાયરી મળી હતી. તેનુ કેમેરામાં રેકોર્ડીંગ કર્યુ. તે પછી બધા જ લીગલ પેપર તૈયાર કર્યા અને તેના પર સંજય મહેતાની સહી લીધી. બે કલાક ચાલેલી તપાસ પછી રિષભ જ્યારે ત્યાંથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત હતુ. તેની ધારણા કરતા વધુ બેનંબરી માલ મળ્યો હતો. રિષભે સ્ટેશન પર ફોન કરી એક કોન્સ્ટેબલને સંજય મહેતાન ઘર બહાર વોચ રાખવા મૂકી દીધો. રિષભે ત્યાંથી નીકળી સૌ પ્રથમ મળેલો બધો જ સામાન ઓફિસીઅલી જમા કર્યો અને દરેક બંડલમાંથી ઉપર નીચેની નોટ કાઢી તેને ફોરેન્સીક લેબમાં મોકલી આપી. આખુ કામ પત્યુ પછી રિષભે કમિશ્નરને ફોન કરી કામગીરીનો રીપોર્ટ આપ્યો. કમિશ્નર સક્શેના રિષભની વાત સાંભળી ખુશ થઇ ગયો અને બોલ્યો. “વેલડન માય બોય. પણ સાવચેત રહેજે તે સંજય કિંગ કોબ્રા કરતા પણ ભયાનક છે.”

“હા સર, પણ હવે આપણી પાસે પૂરતા સબૂત છે એટલે તે કંઇ કરી શકશે નહીં. અને હવે પછી જે થશે તેના રીપોર્ટ હું તમને આપતો રહીશ.” એમ કહી રિષભે ફોન કટ કરી નાખ્યો.

હવે આખી તપાસ જેમ બને તેમ જલદી કરવી પડે એમ હતી. એટલે રિષભે ફોરેન્સીક લેબમાં ફોન કરી સાંજ સુધીમા બધા જ રીપોર્ટ મોકલી આપવા કહ્યું.

રીષભે બીજા જ દિવસે કોર્ટમાંથી સંજય મહેતાનો અરેસ્ટ વોરંટ મેળવી લીધો. રિષભે સંજય મહેતાને અરેસ્ટ કરી લીધા.

બધા જ ન્યુઝ ચેનલ પર રિષભ ચમક્યો હતો. રિષભે અનેરીને વિકાસને મળવાની છુટ આપી હતી. અનેરીએ વિકાસને મળી તેની વાત સાંભળી હતી અને તેના માટે શહેરના નામાંકિત વકીલ સંદીપ શાહને હાયર કર્યા હતા. સરકારે આ કેસ સરકારી વકીલ કિશોર દાદાવાલાને સોપ્યો હતો. કિશોર દાદાવાલા આમ તો જોલી વ્યક્તિ હતા અને સુરતી હોવાથી વચ્ચે વચ્ચે ગાળો બોલતા હતા. કિશોર દાદાવાલા તેના કામમા અવ્વલ હતા. રિષભે કિશોર દાદાવાલાને મળી આખા કેસનુ બ્રીફીંગ આપ્યુ હતુ. સરકારે પણ આ કેસને હાઇ પ્રોફાઇલ જાહેર કરી ફાસ્ટ્રેકમાં ચલાવવાનો નિર્ણય કર્યો હતો. એક જ અઠવાડીયામાં રિષભે અને કિશોર દાદાવાલાએ મળી કોર્ટમાં ચાર્જસીટ જમા કરાવી દીધી હતી. તેના બીજા જ અઠવાડીયે કોર્ટમાં તે સુનવાહીની શરુઆત થઇ હતી. કોર્ટના પ્રથમ દિવસે આખી કોર્ટ ફૂલ ભરાઇ ગઇ હતી. સુરત અને ગુજરાતના લોકોને આ કેસમાં રસ હતો એટલે કોર્ટમાં પત્રકારો પણ હાજર રહ્યા હતા. કોર્ટમાં જજ જેવા દાખલ થયા કે તરત જ બધા જ ઊભા થઇ ગયા. જજે બધાને ઇશારાથી બેસવાનુ કહ્યું. બધા બેઠા એટલે કિશોર દાદાવાલા કેસનુ ઓપનીંગ સ્ટેટમેન્ટ આપવા માટે ઊભા થયા. કિશોર દાદાવાલાએ તેની લાક્ષણિક શૈલીમાં શરુઆત કરતા કહ્યું “માય લોર્ડ. આજે આ એક એવો કેસ છે જેમાં કોણ આરોપી છે? કોણ ગુનેગાર? અને કોણ પીડીત છે? તે નક્કી કરવુ અઘરું છે. આ કેસ એવો છે જેમા પીડીત ખુદ પોતેજ ગુનેગાર હતો અને આરોપી પણ ગુનામાં સામેલ હતો. આ કેસની શરુઆત આજથી લગભગ છ સાત વર્ષ પહેલા થાય છે જ્યારે સુરતની પ્રખ્યાત એન્જીનીઅરીંગ કોલેજ એસ.આઇ.ટીમાં ત્રણ વિદ્યાર્થીઓ દર્શન જરીવાલ, વિકાસ દોષી અને કબીર કોઠારી દાખલ થાય છે. આ ત્રણેયમાં દર્શન અમીર બાપની બગડેલી ઔલાદ હતો. વિકાસ મધ્યમવર્ગીય પરીવારમાંથી આવતો હતો અને કબીરની સ્થિતિ નબળી હતી પણ કબીર એકદમ બ્રીલીયન્ટ વિદ્યાર્થી હતો. આ ત્રણેય કોલેજમાં આવ્યા પછી વિકાસ અને દર્શનની મિત્રતા થઇ ગઇ. જેમ સરખા સ્વભાવના લોકો ઝડપથી મિત્રો બની જાય છે તેમ જ વિકાસ અને દર્શનના પણ સ્વભાવ એકદમ સરખા હતા. બંને એકદમ કેરેક્ટર લેશ અને પાટલૂનના ઢીલા હતા. છોકરી જુએ એટલે બંનેના મોઢામાંથી લાળ નીકળતી. જાણે તે બંનેએ કોલેજ ભણવા માટે નહીં પણ હવસપૂર્તિ માટે જ જોઇન કરી હોય તે રીતે છોકરીઓને ફસાવતા. આ બંનેએ કેટલીય છોકરીને ફસાવીને કે ગભરાવીને તેના શિયળ લુટ્યા હતા. છોકરીઓ આબરૂ જવાના ડરથી ચૂપ રહેતી તેને લીધે દર્શન અને વિકાસની હિંમત વધતી ગઇ. આ બંનેએ કબીર સાથે મિત્રતા કેળવી. કબીરની પરિસ્થિતિ નબળી હતી એટલે દર્શન તેની ફી ભરી દેતો અને બીજી આર્થિક મદદ કરતો જેને લીધે કબીર તેના અહેસાન નીચે આવી ગયો હતો. આમા એક બનાવ બન્યો. તે લોકોની સાથે કાવ્યા નામની એક છોકરી ભણતી હતી. કબીર કાવ્યાને પસંદ કરતો હતો. કાવ્યા પણ કબીરને મિત્ર સમજતી હતી. વિકાસ અને દર્શને કબીર સાથે મિત્રતા કરી તેની પાછળનુ આ પણ એક કારણ હતુ કે દર્શને કાવ્યાને જોઇ ત્યારથી તે તેને પામવા માંગતો હતો. સીધી રીતે તે કાવ્યાને મેળવી શકે એમ નહોતો એટલે તે કબીરનો હાથા તરીકે ઉપયોગ કરવા માંગતો હતો. દર્શને કાવ્યા સાથે સંબંધ વધારવાની ખૂબ મહેનત કરી પણ કાવ્યાએ તેને સહેજ પણ ભાવ ના આપ્યો. તેને લીધે દર્શન ઉશ્કેરાઇ ગયો અને એક દિવસ તેણે કૉલેજના કેમ્પસમાં કાવ્યાનો હાથ પકડી લીધો. આનાથી કાવ્યાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે દર્શનને બધા વચ્ચે એક લાફો જીકી દીધો. આખા કૉલેજની સામે દર્શનનું અપમાન થતા તે ખૂબ ગુસ્સે થઇ ગયો અને તેણે નક્કી કર્યુ કે આ કાવ્યાને તો હું છોડીશ નહીં. ત્યારબાદ તેણે અને વિકાસે એક પ્લાન બનાવ્યો અને કબીરને તેના માટે તૈયાર કરવાનુ નક્કી કર્યુ. આ માટે દર્શને કબીરને કાવ્યાને તેના ફાર્મહાઉસ પર લઇ આવવા કહ્યું. પણ આ માટે કબીર તૈયાર ન થયો. આ સાંભળી દર્શનને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કબીરને મનફાવે એમ ગાળો આપી. પણ તેના થોડા સમય પછી કબીરના મમ્મી બીમાર થઇ ગયાં. તેના મમ્મીને ગળાનુ કેન્સર ડીટેક્ટ થયુ અને ઓપરેશન કરવુ પડે તેમ હતું. આ ઓપરેશન માટે પૈસાની જરૂર હતી. કબીરની પરિસ્થિતિ એકદમ નબળી હતી એટલે તેની પાસે કોઇ વ્યવસ્થા નહોતી. કબીરે ઘણો વિચાર કર્યો પછી એક દિવસ દર્શનને ફોન કરી તેની પાસે મદદ માગી. દર્શને કબીરને ચોખ્ખુ કહી દીધુ કે હવે મદદ તો નહી કરૂ, પણ તારે જરૂર હોય તો સોદો થઇ શકશે. કબીર પાસે હવે કોઇ વિકલ્પ નહોતો એટલે તે તૈયાર થઇ ગયો. દર્શને તેને પૈસા આપ્યા અને તેની મમ્મીનુ ઓપરેશન થઇ ગયું. ઓપરેશન બાદ એક અઠવાડીયા પછી કબીર કૉલેજ પર આવ્યો ત્યારે દર્શને તેને કહ્યું કે તારે કાવ્યાને લઇ ફાર્મ હાઉસ આવવાનુ છે. કબીરને કાવ્યા સાથે એવા કોઇ ગાઢ સંબંધ નહોતા કે તે તેની સાથે ફાર્મ હાઉસ પર જવા તૈયાર થાય. એટલે દર્શને કબીરને કહ્યું “તુ એક કામ કર કાવ્યાને કોઇ પણ બહાનુ બનાવી સુરત મેગા સ્ટોરના પાર્કીંગમાં લઇ આવ.” હવે કબીર પાસે આ કામ કર્યા સિવાય કોઇ છુટકો નહોતો. તે બહાનુ બનાવી કાવ્યાને ત્યાં પાર્કિંગમાં લઇ ગયો. કબીર પાર્કિંગમાં પહોંચ્યો ત્યારે દર્શન અને વિકાસ ત્યાં તેની રાહ જોઇને ઊભા હતા. તેણે કાવ્યાને કંઇ સમજ પડે તે પહેલા જ ક્લોરોફોર્મ સુંઘાડી બેહોશ કરી દીધી અને પછી તેના ફાર્મ હાઉસ પર લઇ ગયા. ફાર્મ હાઉસ પર તે લોકોએ કાવ્યા પર વારંવાર બળાત્કાર કર્યા અને તેના વિડીઓ બનાવી લીધા. કાવ્યાને આ વિડીઓ બતાવી તે લોકોએ ધમકી આપી કે જો તે પોલીસ પાસે ગઇ અથવા તો કોઇને વાત કરી છે તો આ વિડીઓ કોલેજમાં વાઇરલ કરી દઇશ. કાવ્યા તો આઘાતથી સ્તબ્ધ થઇ ગઇ હતી એટલે કંઇ બોલી નહીં. કબીર કાવ્યાને તેની રૂમ પર મૂકી ગયો. કબીરે પણ કાવ્યાને પોલીસ પાસે ના જવાની સલાહ આપી. કબીર પણ હવે આ કેસમાં ફસાઇ ગયો હતો એટલે તે પણ ઇચ્છતો હતો કે કાવ્યા પોલીસ ફરીયાદ ન કરે તો સારુ. પણ કાવ્યા એમ હિંમત હારે તેવી છોકરી નહોતી બીજા દિવસે તે ઉંમરા પોલીસ સ્ટેશન પર ફરીયાદ કરવા ગઇ. ઉમરા પોલીસ સ્ટેશન પરના તે વખતના સ્ટેશન ઇન્ચાર્જ હતા સંજય મહેતા.” વકીલે જેવુ સંજય મહેતાનુ નામ લીધુ એ સાથે જ કોર્ટમા બધા ચોંકી ગયા.

કિશોર દાદાવાલા એકાદ મિનિટ વચ્ચે રોકાયા અને પછી ફરીથી બોલવાનુ ચાલુ કર્યુ.

“માય લોર્ડ પોલીસ ને આપણે રક્ષક કહીએ છીએ પણ આ રક્ષકના વેશમાં અમુક રાક્ષસ હોય છે. સંજય મહેતા આવા જ એક પોલીસ ઓફિસર હતા.”

“ઓબ્જેક્શન માય લોર્ડ, મારા અસીલ પર કોઇ સબૂત વિના કિચડ ઉછાળવામાં આવી રહ્યું છે.” વિરોધ પક્ષના વકીલ સંદીપ શાહે ઊભા થઇ મોટા અવાજે કહ્યું.

“ઓબ્જેક્શન ઓવર રુલ્ડ, આ તેનુ ઓપનીંગ સ્ટેટમેન્ટ છે. સબૂત પણ આપશે.” જજે ઓબ્જેક્શનનો અમાન્ય કરતા કહ્યું અને પછી કિશોર દાદાવાલાને ટકોર કરતા કહયું “તમે ઘટના ક્રમ રજુ કરો અને જ્યાં સુધી સબૂત ના હોય ત્યાં સુધી કોઇ પર લેબલ નહીં લગાવો.”

આ સાંભળી કિશોર દાદાવાલાએ જજની માફી માગતા કહ્યું “સોરી, માય લોર્ડ પણ બધા સબૂત આ ફાઇલમાં છે” એમ કહી કિશોર દાદાવાલાએ એક ફાઇલ જજને આપી.

અને પછી આગળ ચલાવ્યુ “માય લોર્ડ બીજા દિવસે જ્યારે કાવ્યા ફરીયાદ કરવા ગઇ અને જ્યારે સંજય મહેતાને ખબર પડી કે તે જેના પર આરોપ લગાવી રહી છે તે ડાયમંડના મોટા વેપારી વલ્લભભાઇ જરીવાલનો દિકરો છે ત્યારે સંજય મહેતાની ડાઢ સણકી. તેને આ કેસમાં માલામાલ થઇ જવાના ચાન્સ દેખાયા. તેણે કાવ્યાની ફરીયાદ તો ના નોંધી પણ પૈસા લઇ દર્શનને બધી જ જાણ કરી દીધી. કાવ્યા પોલીસ સ્ટેશન ગઇ હતી તે ખબર પડતા જ દર્શન અને વિકાસને કાવ્યા પર ગુસ્સો આવ્યો અને તે કાવ્યાને તેની રૂમ પરથી ઊઠાવી લાવ્યા. આ સમયે કાવ્યાની રૂમ પાર્ટનર પણ હાજર હતી પણ દર્શને તેને પણ ધમકી આપી કે જો તેણે કોઇને વાત કરી છે તો તેની હાલત પણ કાવ્યા જેવી જ થશે. દર્શન અને વિકાસ કાવ્યાને ફરીથી ફાર્મ હાઉસ પર લઇ ગયા અને કબીરને પણ ફાર્મ હાઉસ પર બોલાવ્યો. કબીરને પણ કાવ્યા પર હવે ગુસ્સો આવ્યો હતો. જો કાવ્યા પોલીસ ફરીયાદ કરી દે અને તપાસ થાય તો કબીર પણ ગુનેગાર સાબિત થાય એમ હતો. આ ગુસ્સામાં ને ગુસ્સામા કબીરે પણ પેલા બંનેની સાથે કાવ્યા પર બળાત્કાર કર્યો. કાવ્યા જીવતી લાશની જેમ પડી રહી. આ વખતે દર્શને જે કહ્યું તે સાંભળી કાવ્યા પાસે મોત સિવાય કોઇ બીજો વિકલ્પ નહોતો.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM