VEDH BHARAM - 7 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 7

અભયે કહ્યું કે આ દર્શન પાટલૂનનો ઢીલો હતો અને છોકરીઓ તેની કમજોરી હતી. આ સાંભળી રિષભને દર્શનની ઓફીસ સાથે એટેચ્ડ રુમમાં રહેલો સોફા કમ બેડ યાદ આવી ગયો. ઓફિસ ચેક કરતી વખતે રિષભના મનમાં શંકા ગઇ હતી પણ પછી તેણે વિચાર્યુ હતુ કે કદાચ આરામ કરવા માટે રાખ્યો હશે, પણ અભયની વાત સાંભળી રિષભને તે સોફા કમ બેડના ઉપયોગ વિશે શંકા જાગી. તેણે થોડુ વિચારી કહ્યું “લાગે છે કે મારે ફરીથી દર્શનની ઓફિસની મુલાકાત લેવી પડશે. મને લાગે છે કે ઓફિસમાં પણ દર્શનને કોઇ છોકરી સાથે સંબંધ હશે જ. અને આ જ તેના મોતનું કારણ હોઇ શકે.” આ સાંભળી વસાવા ચોંકી ગયા અને બોલ્યા “તમને એવુ કેમ લાગે છે સર? તમને ઓફિસમાં એવુ કંઇ જોવા મળ્યું?” આ સાંભળી રિષભે કહ્યું “ના એવુ ખાસ કંઇ જોવા નથી મળ્યું પણ કદાચ હવે જોવા મળશે.” એમ કહી તે આગળ બોલવા જતો હતો ત્યાં હેમલ અંદર દાખલ થયો એટલે રિષભ બોલતો રોકાઇ ગયો. હેમલે આવીને કહ્યું “સર, અશ્વિન કસવાલાની ઓફિસ સ્ટેશન પાસે આવેલ બેલ્જીયમ સ્ક્વેરમાં આવેલી છે.” આ સાંભળી રિષભે કહ્યું “તેનો કોઇ કોંટેક્ટ નંબર મળ્યો છે?”

“હા, તેની ઓફિસનો નંબર મળ્યો છે.” હેમલે કહ્યું.

“ઓકે તો ઓફિસમાં ફોન કરી તપાસ કર કે અશ્વિન ઓફિસમાં છે કે નહીં? અને જો હોય તો તેને જાણ કરી દે કે હું તેને મળવા આવુ છું.”

“ઓકે , સર” કહીને હેમલ ઓફિસની બહાર નીકળી ગયો.

દશ મિનિટ પછી જીપ રીંગ રોડ પર દોડી રહી હતી. તેમા રિષભ અને હેમલ બેઠા હતા. હેમલે ફોન કરી અશ્વિનને જાણ કરી દીધી હતી કે એસ.પી સાહેબ તેમને મળવા માગે છે. રિષભે વસાવાને સ્ટેશન પર જ રહેવા કહ્યું હતુ જેથી અભય જે કંઇ માહિતી લાવે તેના પર કામ કરી શકાય. રીંગરોડના એક પછી એક ઓવર બ્રીજ પસાર કરતા તે લોકો બેલ્જીયમ સ્ક્વેર પહોંચી ગયા. બેલ્જીયમ સ્ક્વેરના દરવાજા પાસે જીપ પહોંચતા જ સીક્યોરીટી ગાર્ડ પાસે આવ્યો. હેમલે સીક્યોરીટી ગાર્ડને કહ્યું “એસ.પી સાહેબ ત્રીજા ફ્લોર પર જવા માગે છે.” આ સાંભળી ગાર્ડે કહ્યું “સાહેબ આ બાજુથી જીપ ઉપર જવા દો. ત્રીજા માળ સુધી જીપ જતી રહેશે ત્યાં ઉપર જ પાર્કીંગ છે. આ સાંભળી ડ્રાઇવરે જીપને ઉપર જવા દીધી. વાહનો માટે એક અલગ ડ્રાઇવ વે બનાવેલો હતો જે દરેક માળ સુધી જતો અને ત્યાં દરેક માળ માટે પાર્કીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બહારથી એકદમ જુના લાગતા બીલ્ડીંગમાં અંદર આટલી અધ્યતન વ્યવસ્થા જોઇ હેમલે કહ્યું “આ બીલ્ડીંગને બહારથી જોતા કોઇને એવુ ના લાગે કે અહી આટલી સરસ સુવિધા હશે.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “આપણા ધંધામાં પણ આ યાદ રાખવુ કે ક્યારેય બહારના દેખાવ પરથી નિર્ણય કરવો નહીં. માણસ હોય કે બીલ્ડીંગ બહારથી જે દેખાય એવુ અંદરથી હોતુ નથી.” ત્રીજો માળ આવી જતા ડ્રાઇવરે કારને પાર્કીંગ લોટ તરફ લઇ પાર્ક કરી. રિષભ અને હેમલ ત્રીજા માળ પર આવેલ ઓફિસ તરફ આગળ વધ્યા. છેલ્લી કોર્નરની ઓફિસ અશ્વિનની હતી. રિષભને જોઇ રિસેપ્સનિસ્ટ ઊભી થઇ ગઇ અને કહ્યું “સાહેબ તમારી જ રાહ જોઇ રહ્યા છે.” આ સાંભળી રિષભ અને હેમલ સામેની ઓફિસમાં દાખલ થયા. તેને જોઇને અશ્વિન ઊભો થઇ ગયો અને રિષભ સાથે હાથ મિલાવ્યા અને બેસવાનું કહ્યું “ રિષભ અને હેમલ બેઠા એટલે એક છોકરી પાણી લઇને આવી. રિષભે પાણી પી અને ગ્લાસ ટેબલ પર મૂક્યો અને વાતની શરુઆત કરતા કહ્યું “હું રિષભ ત્રિવેદી સુરતનો એસ.પી છું . તમારી થોડી પૂછપરછ કરવા માંગુ છું.” આ સાંભળી અશ્વિને કહ્યું “વાત પછી કરીએ પહેલા એ કહો શું લેશો?”

“એની કોઇ જરૂર નથી. અમારે તમને થોડા પ્રશ્નો પૂછવા છે.” રિષભે સીધા જ મુદ્દા પર આવતા કહ્યું.

“અરે સાહેબ કામ તો થતુ જ રહેશે પણ તમે મારી ઓફિસ પર પહેલીવાર આવ્યા છો. અમે કાઠીયાવાડી લોકો મહેમાનગતિ માટે પ્રખ્યાત છીએ એટલે કંઇ લીધા વિના તો નહીં જવા દઉં. અમારી અહીં લસ્સી બહુ મસ્ત મળે છે. તમને ચાલશે ને?”

રિષભને થયુ કે આ માણસ એમને એમ છોડશે નહીં એટલે તેણે કહ્યું “ઓકે ચાલશે.”

અશ્વિને પેલી છોકરીને બોલાવી ત્રણ લસ્સી લઇ આવવા કહ્યું. છોકરી ગઇ એટલે રિષભે વાતની શરુઆત કરતા કહ્યું “ઓકે તો હવે તમે મને એ કહો કે દર્શન જરીવાલને તમે ઓળખો છો?”

આ સાંભળી અશ્વિનના ચહેરાના હાવભાવ ફરી ગયા અને તે બોલ્યો “એ માણસને તો હું પૂરેપૂરો ઓળખુ છું.”

“તમને ખબર હશે કે તેનું મોત થઇ ગયુ છે.” રિષભે કહ્યું.

“હા, મે ન્યુઝ પેપરમાં વાંચ્યું.” અશ્વિને કહ્યું.

“તમે દર્શનને કઇ રીતે ઓળખો છો? રિષભે નિશાન તાકતા કહ્યું.

“સાહેબ ખોટુ નહી લગાડતા પણ તમે અહીં મારા સુધી પહોંચ્યા છો એટલે તમારી પાસે મારા વિશે માહિતી હશે જ.” અશ્વિને પણ સામે ફાયરીંગ કરતા કહ્યું.

આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “હા, તમારી વાત સાચી છે કે અમારી પાસે માહિતી છે પણ એ તો એક પક્ષ પાસેથી સાંભળેલી છે. જો તમે અમને કહેશો તો સામેના પક્ષેથી મળેલી માહિતી કેટલી સાચી છે તે નક્કી થઇ શકે.” રિષભે તેનો ચોખવટ કરતા કહ્યું.

“ઓકે, મને તેમ કોઇ વાંધો નથી. મારા પપ્પા અને દર્શનના પપ્પા સાથે કામ કરતા હતા.”આટલુ કહી તે રોકાયો અને પછી અશ્વિને દર્શન સાથે કઇ રીતે દુશ્મની થઇ ત્યાં સુધીની આખી વાત કહી સંભળાવી તે બધી એ જ હતી જે રિષભે દર્શનની ઓફિસમાંથી સાંભળી હતી.

રિષભે વાત સાંભળી પછી કહ્યું “તમને શું લાગે છે? દર્શનનું ખૂન કોણ કરી શકે?”

આ સાંભળી અશ્વિને કહ્યું “એતો હું કેમ કહી શકુ પણ એટલુ ચોક્કસ કહીશ કે જેણે પણ ખૂન કર્યુ છે તેણે સારુ જ કામ કર્યુ છે. દર્શન જેવા રાક્ષસનું ખૂન થાય તેમા કોઇ નવાઇ નથી.”

આ સાંભળી રિષભે કહ્યું “દર્શનને તમે રાક્ષસ કેમ કહી શકો, તમારી સાથે દુશ્મની હોવાથી માણસ ખરાબ નથી થઇ જતો.”

“ના મારી સાથે દુશ્મની હતી એટલે હું તેને ખરાબ નથી કહેતો. તેણે ઘણી છોકરીઓની જિંદગી ખરાબ કરી છે.”

આ સાંભળી રિષભ ચોંકી ગયો પણ તેણે ચહેરા પરના હાવભાવ છુપાવી કહ્યું “અમે તમારી વાત કેમ માની લઇએ? તમે તો દુશ્મન માટે ગમે તે બોલો.”

આ સાંભળી અશ્વિને કહ્યું “સાહેબ તેના સ્ટાફની ઘણી છોકરીઓને તેણે હેરાન કરી છે.”

“અમે તેની ઓફિસના બધા જ સ્ટાફ મેમ્બરની પૂછપરછ કરી છે કોઇએ પણ આ વિશે કશુ કહ્યું નથી.” રિષભે કહ્યું.

“સાહેબ તમારે પ્રુફ જોઇતુ હોઇ તો હું તમને આપી શકુ એમ છું.” એમ કહી અશ્વિન બેલ મારવા જતો હતો ત્યાં પેલી છોકરી લસ્સી લઇને ઓફિસમાં આવી એટલે અશ્વિને કહ્યું.

“મીના, એ ટેબલ પર મૂકી દે અને નવ્યાને અહીં મોકલી આપ.” આ સાંભળી પેલી છોકરી જતી રહી.

થોડીવાર બાદ રિસેપ્શનિસ્ટ અંદર દાખલ થઇ એટલે અશ્વિને તેને બેસવા ઇશારો કર્યો અને પછી રિષભ તરફ જોઇને કહ્યું “આ મારી રિસેપ્શનિસ્ટ છે. નવ્યા નાણાવટી. તે પહેલા દર્શન સાથે કામ કરતી હતી. તમે તેને જ પૂછી લો કે તેણે શા માટે તે નોકરી છોડી દીધી. આ સાંભળી રિષભે નવ્યા સામે જોઇને કહ્યું “જો હું રિષભ ત્રિવેદી સુરત શહેરનો એસ. પી છું. તમને કદાચ ખબર હશે કે ગઇ કાલે દર્શન જરીવાલનુ તેના ફાર્મહાઉસમાં મોત થઇ ગયુ છે.” આ સાંભળી નવ્યાએ અશ્વિન સામે જોયુ એટલે અશ્વિને કહ્યું “જો નવ્યા તારે સાહેબને બધી જ વાત કરી દેવી જોઇએ. આમ પણ આ સાહેબ ગમે તેમ કરીને બધુ જાણશે જ એના કરતા બહેતર છે કે તું જ તેને બધી વાત કરી દે.” આ સાંભળી નવ્યાએ રિષભ સામે જોઇને કહ્યું “હા મને ખબર છે.”

આ સાંભળી રિષભે કહ્યું “તો અમે તેની તપાસ કરીએ છીએ અને તેના માટે જ અહીં આવ્યા છીએ. અમને અશ્વિને જણાવ્યુ કે તું પહેલા દર્શનની ઓફિસમાં જ જોબ કરતી હતી તો એવુ શું થયુ કે તે જોબ છોડી દીધી?” આ સાંભળી નવ્યાના ચહેરા પર લોહી ધસી આવ્યુ અને તે બોલી “દર્શન એક કુતરા જેવો માણસ હતો. છોકરીને જોઇને તેના મોઢામાંથી લાળ ટપકવા લાગતી. તેણે મારા પર પણ નજર બગાડેલી પણ મે તેને ભાવ ન આપ્યો એટલે તેણે મને બદનામ કરવાની કોશિશ કરી. સાલો હરામી.”

આ સાંભળી રિષભને થોડી નવાઇ લાગી. રિષભને લાગ્યુ કે તે કંઇક છુપાવે છે. કદાચ તે અશ્વિનની હાજરીને લીધે ખુલીને વાત કરી શકતી નથી. એટલે રિષભે વાત બદલતા કહ્યું “તમને શું લાગે છે કોઇ દર્શનનું ખૂન કરી શકે ? આ સાંભળી નવ્યા પહેલા તો ચોંકી ગઇ અને પણ પછી તેણે કહ્યું “હા, શું કામ ન કરે? તેણે ઘણાની જિંદગી બરબાદ કરી છે.” આ સાંભળી રિષભે સીધો જ સવાલ કર્યો “ઘણા એટલે કોણ કોણ? તમે કોઇને જાણો છો જેની જિંદગી દર્શને બરબાદ કરી હોય?”

“ના હું એવુ તો કંઇ ખાસ જાણતી નથી પણ મે જ્યારે જોબ જોઇન કરેલી ત્યારે એક દિવસ મારી પહેલાની જે રિસેપ્સનીસ્ટ હતી તેની સાથે દર્શન સાથે ઝગડો થયેલો અને તે જોબ છોડીને જતી રહેલી. પાછળથી ઓફિસ સ્ટાફમાંથી મને ખબર પડેલી કે દર્શનને તે રિસેપ્સનિસ્ટ સાથે લફડુ હતું.”

આ સાંભળી રિષભે હેમલ સામે જોયુ અને પછી નવ્યા સામે જોઇ પૂછ્યું “શુ તમે તે રિસેપ્સનિસ્ટનું નામ કે કંઇ જાણો છો?”

“તેનુ નામ તો શ્રેયા હતુ પણ તેનાથી વધારે મને નથી ખબર.” નવ્યાએ કહ્યું.

“શ્રેયા તો બરાબર છે પણ તેની સરનેમ તમને યાદ છે?” રિષભે કહ્યું.

આ સાંભળી નવ્યા થોડીવાર યાદ કરવા કોશિશ કરી પણ તેને કંઇ યાદ ન આવ્યુ એટલે તેણે કહ્યું “ના ઘણો સમય થઇ ગયો તેને એટલે કંઇ યાદ નથી આવતુ.”

ત્યારબાદ રિષભે કહ્યું “ઓકે, નવ્યા આ સિવાય તમને કંઇ યાદ આવતુ હોય, જે અમને કામ લાગે એવુ હોય તો કહો?”

આ સાંભળી નવ્યા થોડા વિચારમાં પડી ગઇ અને પછી બોલી “સોરી સર બીજુ મને કંઇ એવુ યાદ આવતુ નથી.”

“કાલે રાત્રે આઠ વાગા પછી તું કયાં હતી?” રિષભે સીધો જ મુખ્ય સવાલ પૂછ્યો.

“કાલે રાત્રે તો હું ઘરે જ હતી. અહી ઓફિસથી સાત વાગે નીકળી અને સીધી ઘરે જ ગઇ હતી.” આ બોલતી વખતે તેણે અશ્વિન સામે જોયુ અને પછી નજર ફેરવી લીધી.

“તમારા ઘરે કોણ કોણ છે?” હું એકલી જ રુમ રાખી રહું છું.” નવ્યાએ કહ્યું.

“તમારુ ફેમીલી ક્યાં છે?” રિષભે પૂછ્યું.

“મારા ફેમીલીમાં એક મમ્મી છે તે વલસાડ પાસે આવેલ ધરમપૂરમાં રહે છે.” નવ્યાએ કહ્યું.

આ સાંભળી રિષભે કહ્યું “તમારી પાસે એવુ કોઇ પ્રુફ છે? જે સાબિત કરી આપે કે કાલે રાત્રે તમે ઘરે જ હતા?”

“ના, ઘરે હોવાનું શું પ્રુફ આપી શકાય?” પછી થોડુ વિચારીને તે બોલી “હા, હું કાલે રાત્રે મારા મકાન માલિકને ભાડુ આપવા ગઇ હતી અને પછી મારા રુમમાં જતી રહી હતી.હતી.” નવ્યાએ કહ્યું.

“ઓકે, તું તારુ એડ્રેસ હેમલના નંબર પર વોટ્સએપ કરી દે જે. જેથી તારો નંબર અને એડ્રેસ બંને અમને મળી જાય. હવે તુ જઇ શકે છે.” રિષભે કહ્યું.

આ સાંભળી નવ્યા ઊભી થઇને ઓફિસની બહાર નીકળી ગઇ. તેના ગયા પછી રિષભે કહ્યું “અશ્વિનભાઇ તમારે મને તમારા બધા જ સ્ટાફ મેમ્બર અને તેના કોન્ટેક્ટ નંબરનુ એક લીસ્ટ આપવુ પડશે.” આ સાંભળી અશ્વિને કહ્યુ “ઓકે, તમે બેસો, હું બે મિનિટમાં તમને તે કઢાવી આપુ છું.” એમ કહી તે ઓફિસની બહાર નિકળ્યો એટલે રિષભે હેમલ સામે જોયુ અને કહ્યું “આ નવ્યાને ફરીથી બીજી જગ્યાએ મળવુ પડશે. તું આ નવ્યા વિશે તપાસ કરાવ.”

“ઓકે, સર.” હેમલે કહ્યું.

થોડીવારબાદ અશ્વિન ઓફિસમાં આવ્યો અને તેણે રિષભને એક લીસ્ટ આપ્યુ, જેમા તેના કર્મચારીઓનુ કોંટેક્ટ નંબર સાથેનુ લીસ્ટ હતું. રિષભે આખુ લીસ્ટ જોયુ અને પછી જે કહ્યું તે સાંભળી અશ્વિનના ચહેરા પરનો રંગનો બદલાઇ ગયો.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED