ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 28 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 28

ભાગ 28

કેવડિયા કોલોની, ગુજરાત

પોતાના લેપટોપ પર આવેલી નોટિફિકેશન ટોનને જોતા જ વેણુ હરકતમાં આવી ગયો. વેણુના લેપટોપની સ્ક્રીન પર એક અન્ય કોમ્પ્યુટર કનેક્ટ થયું. આ કોમ્પ્યુટર યાંગ લીની ઓફિસનું હતું. આ કોમ્પ્યુટરનાં સી.પી.યુ પર અર્જુને લગાવેલી માઈક્રોચીપના લીધે જેવું જ એ કોમ્પ્યુટર ઓન થયું એ સાથે જ એ કોમ્પ્યુટરમાં રહેલો બધો ડેટા વેણુ જોઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું.

વેણુએ તુરંત લીની ઓફિસના કોમ્પ્યુટરમાં રહેલી અમુક ફાઈલો ચેક કરવાનું શરૂ કર્યું..વેણુનું પોતાનું લેપટોપ ખાસ પ્રોટોકોલની મદદથી કોડ કરવામાં આવ્યું હોવાથી તુરંત એ બધી ફાઈલો વેણુને એક અલગ બોક્સમાં જોવા મળી જેમાં કંઈક ગંભીર વસ્તુઓ કે જોખમકારક માહિતી હતી. આ ફાઈલોમાં મુખ્યત્વે ડ્રગ્સ સાથે રિલેટેડ ફાઈલો હતી; પણ, એક ફાઇલ હતી જે અન્ય ફાઈલ્સથી ભિન્ન હતી..જેનું નામ હતું ગ્રીન ડ્રેગન.

વેણુએ આ ફાઇલ ઓપન કરી એમાં રહેલા ડોક્યુમેન્ટ અને વીડિયોને જોયા..જે જોતા જ એની આંખો પહોળી થઈ ગઈ અને આતંકીત સ્વરે એ બોલી પડ્યો.

"હાઈડ્રોજન બૉમ્બ..!"

હકીકતમાં ગ્રીન ડ્રેગન હાઈડ્રોજન ડિફ્યુઝન બૉમ્બ હતો..જેની અંદર અમુક હાનિકારક રેડિયેશન કમ્પોનન્ટ પણ ભળેલા હતા. આ બોમ્બનું ડિફ્યુઝન થતા એની એક કિલોમીટરની ત્રિજ્યા સુધી રેડિયેશનની અસર થવાની હતી..જ્યારે ત્રણસો-ચારસો મીટર સુધીની તમામ વસ્તુઓ ભસ્મીભૂત થઈ જવાની હતી. આટલું ખતરનાક હથિયાર જિયોન્ગ લોન્ગે લશ્કર-એ-તોયબાને પૂરું પાડ્યું હતું એ માહિતી પણ ગ્રીન ડ્રેગન નામક ફોલ્ડરમાં હતું; જેનો અર્થ સ્પષ્ટ હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થનારા આતંકવાદી હુમલામાં ગ્રીન ડ્રેગનનો ઉપયોગ થવાનો હતો.

આ અંગેની માહિતી સત્વરે બાકીનાં તમામ ઑફિસર્સ સુધી પહોંચાડવી આવશ્યક જણાતા વેણુએ પહેલા શેખાવતને અને ત્યારબાદ બાકીની ટીમને આ અંગે જણાવી દીધું.. જેથી એ લોકો પરિસ્થિતિની ગંભીરતાને વધુ સારી રીતે સમજી શકે.

"દોસ્તો, આપણી જોડે બહુ ઓછો સમય વધ્યો છે..." વેણુ દ્વારા મળેલી માહિતી બાદ રાજવીર શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક નજીક મોજુદ ટીમને સેટેલાઇટ ફોન થકી જાણ કરતા કહ્યું. "આ હુમલો અટકાવવા આતંકવાદીઓનો સફાયો કરવો હવે એકમાત્ર અને અંતિમ વિકલ્પ છે..જો એ લોકો સફળ થઈ ગયા તો હજારો નિર્દોષ લોકોના જીવ જશે અને ભારત દેશ માટે આ હુમલો વર્ષો સુધી કલંકરૂપ બની જશે."

"સર, વી વિલ ટ્રાય અવર બેસ્ટ..જય હિંદ." બીજી ટીમની આગેવાની લઈ રહેલા અબ્બાસ ગનીવાલાએ રણકતા સુરમાં કહ્યું.

અફઝલ પાશા જોડે ગ્રીન ડ્રેગન નામક ખૂબ જ વિનાશકારી હથિયાર હોવાની માહિતી મળતા જ બધા જ ઑફિસર્સ વધુ સાબદા થઈ ગયા અને લોકોના ટોળામાંથી આતંકવાદીઓને શોધવાની કવાયતમાં લાગી ગયા.

***************

જે રીતે ફિલ્ડ પર મોજુદ ઑફિસર્સ જે ખંત અને લગનથી પોતાને સોંપેલું કાર્ય કરી રહ્યા હતા એમ જ સીસીટીવી કેબિનમાં હાજર કમિશનર વણઝારા, એસીપી રાજલ અને ઓફિસર નગમા પણ સ્થળ પર થતી દરેક નાનામાં નાની હિલચાલ પર ધ્યાન રાખી રહ્યા હતા.

"ઓફિસર...આ વ્યક્તિઓને જોવો.." સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડ કોર્ટ નજીક ઊભેલા નવાઝ અને એની જોડે મોજુદ બંને સ્લીપર્સ સેલ તરફ આંગળી ચીંધતા રાજલે નગમા અને વણઝારાને ઉદ્દેશીને કહ્યું.

"અત્યારે વાતાવરણમાં ભેજ હોવાના લીધે ગરમી છે..છતાં આ ત્રણ વ્યક્તિઓએ જાકીટ પહેર્યું છે..!" રાજલ જે કહેવા માંગતી હતી એ વાત વણઝારા સમજી ગયા.

"સર..ઝુલોજીકલ પાર્ક તરફ જતા આ બંનેએ પણ લગભગ સેમ પેટર્નનું જ જેકેટ પહેર્યું છે." સ્ક્રીન પર ઝુલોજીકલ પાર્ક તરફ જતા રસ્તાની ફૂટેજ જોતા રાજલે કહ્યું.

"હા...આ પાંચેય લોકોના જેકેટ સરખા જેવા જ છે..!" રાજલના સ્વરમાં વિસ્મય ભળી ચૂક્યું હતું.

રાજલ અને નગમા હજુ આ વિષયમાં વધુ વાત કરે એ પહેલા તો વણઝારાએ સેટેલાઇટ ફોનની મદદથી અબ્બાસ ગનીવાલાનો સંપર્ક સાધી પોતે જે નોટિસ કર્યું હતું એ અંગે અબ્બાસને માહિતગાર કર્યો. આ માહિતી માટે વણઝારાનો આભાર માની અબ્બાસે કોલ ડિસ્કનેક્ટ કર્યો અને આ અંગે પોતાની સાથે હાજર તમામ ઑફિસર્સને જણાવી દીધું.

અબ્બાસે જેવું આ અંગે જાણ્યું એ સાથે જ એની સાથે મોજુદ આહુવાલીયા, અર્જુન, નાયક અને એટીએસનાં બંને અધિકારીઓ ફૂડકોર્ટ નજીક જઈ પહોંચ્યા..જ્યાં નવાઝ અને બાકીનાં બે સ્લીપર્સ સેલ જેકેટમાં બૉમ્બ સાથે હાજર હતા.

"અબ્બાસ તું અને તારો એક ટીમ મેટ જેકેટ પહેરેલી એક વ્યક્તિનો પીછો કરો.. હું અને તારો એક ટીમમેટ બીજાની પાછળ જઈએ જ્યારે અર્જુન અને નાયક ત્રીજાની.." આહુવાલીયાએ પોતાની ટીમમાં રહેલા તમામ ઑફિસર્સને ઉદ્દેશીને કહ્યું.

આહુવાલીયાનો આદેશ સાંભળી અબ્બાસને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બોલી પડ્યો.

"સર, અમે જ્યારે ભુજ નજીક આવેલા ફાર્મહાઉસ પર ગયા હતા ત્યારે મને ત્યાં એક જગ્યાએ એક નામ કોતરેલું જોવા મળ્યું હતું..ઉર્દુમાં લખેલું એ નામ થોડા સમય પહેલા જ તાજું કોતરેલું હતું..આઈ થીંક જો આ ત્રણ લોકોમાંથી કોઈ વ્યક્તિ એ જ નામ ધરાવતો હશે તો..!"

"જો એવું હોય તો એનો અર્થ સાફ છે કે આ ત્રણેય આતંકવાદી ટોળકીના સભ્યો જ છે..અને આવું હોય તો વધુ વિચાર્યા વિના એમને સ્વધામ પહોંચાડવામાં જ સારપ છે." આહુવાલીયાએ ઉત્સાહિત સ્વરે કહ્યું.

"ઓફિસર, તમે જણાવશો કે ત્યાં કયું નામ લખ્યું હતું?" અર્જુને અબ્બાસ ગનીવાલા ભણી જોઈને પૂછ્યું.

"નવાઝ..!" અબ્બાસના આમ બોલતા જ આહુવાલીયાની ટીમમાં સામેલ છ ઑફિસર્સ બે-બેની ત્રણ ટુકડીમાં વિભાજીત થઈને જાકીટ પહેરેલી ત્રણેય વ્યક્તિઓની પાછળ લાગી ગયા. જો નવાઝ તરીકે સંબોધવામાં આવતા એ ત્રણ જાકીટધારી વ્યક્તિઓમાંથી એકપણ વ્યક્તિ પોતાનો પ્રતિભાવ આપે તો સમય ગુમાવ્યા વિના નવાઝની સાથે બાકીનાં બંને આતંકવાદીઓનું કામ તમામ કરવાનું આહુવાલીયા એન્ડ કંપની નક્કી કરી ચૂકી હતી.

**********

શેખાવત, ગગનસિંહ, ડીઆઈજી શર્મા, કેવિન અને એટીએસનાં બે ઓફિસરની ટીમ ઝુલોજીકલ પાર્ક તરફ આગળ વધી રહી હતી..જ્યાં વસીમ અને અન્ય એક સ્લીપર્સ સેલ બેફિકરાઈથી આંટા મારી રહ્યા હતા.

નગમા, કમિશનર વણઝારા અને એસીપી રાજલ અલગ-અલગ લાઈવ સીસીટીવી ફૂટેજ પરથી પાંચેય જાકીટધારી આતંકવાદીઓ પર ધ્યાન રાખીને બેઠા હતા. અલગ થયા પહેલા આ પાંચેય જાકીટધારી વ્યક્તિ  એક સાથે હોવાનું રાજલે સીસીટીવી ફુટેજના રેકોર્ડિંગમાં નોટિસ કર્યું હતું. આ ઉપરાંત જે પ્રમાણેની હિલચાલ એ પાંચેય આતંકવાદીઓની હતી એ જોઈને એ લોકોનું એ અનુમાન વધુ પ્રબળ બન્યું કે જાકીટ પહેરેલી એ પાંચેય વ્યક્તિ સ્લીપર્સ સેલ જ છે. આ અંગે માહિતી તેઓ પોતાના સાથી ફિલ્ડ ઑફિસર્સને નિયમિત અંતરે પાસઓન કરી રહ્યા હતા.

મોબાઈલ નેટવર્કને બંધ થતા આતંકવાદીઓ એકબીજા સાથે સંપર્ક સાધી શકે એવી સ્થિતિમાં ન હોવાનો ફાયદો પણ શેખાવત એન્ડ કંપનીને મળવાનો હતો.

શેખાવત અને આહુવાલીયાની ટીમ જોડે ખાસ પ્રકારની ગન હતી..જેમાંથી વિષયુક્ત સિરિન્જ ફૂલ ફોર્સ સાથે બંદૂકની ગોળીની માફક નીકળતી. આ બધી સિરિન્જમાં વિષયુક્ત મરક્યુરી ભરેલુ. આ મરક્યુરી અમુક દરિયાઈ માછલીઓની અંદરથી મળી આવતું, જે ખૂબ જ ઝેરી હતું.

શેખાવત અને એમની સાથે મોજુદ સભ્યો સાથે આહુવાલીયા સતત સંપર્કમાં હતા. ફાર્મહાઉસ પર કોતરવામાં આવેલા નવાઝ નામની માહિતી આહુવાલીયાએ શેખાવતને જણાવી રાખી હતી. આ માહિતી પ્રાપ્ત થતા જ શેખાવતે આહુવાલીયાને એક યોજના જણાવી.

શેખાવતની યોજના મુજબ એ પાંચેય આતંકવાદીઓનો એમની ટીમ દ્વારા ખૂબ જ સાવધાની સાથે પીછો કરવામાં આવે..આ દરમિયાન તમામ ઑફિસર્સ એકબીજા સાથે કનેક્ટેડ રહે..જેવા જ એ લોકો આતંકવાદીઓની સમીપ પહોંચી જાય એ સાથે જ શેખાવતનાં ઓર્ડર પર દરેક ટુકડીમાંથી એક સભ્ય પોતે જેનો પીછો કરી રહ્યા હોય એ આતંકવાદીને નવાઝ કહીને સંબોધે..જો નવાઝ નામ સાંભળી એકપણ આતંકવાદી જવાબમાં કંઈ બોલે કે કંઈ કરે તો એકસાથે તમામ આતંકવાદીઓને મરક્યુરી ગન વડે શૂટ કરી દેવા.

બૉમ્બ વિસ્ફોટ કરવા માટે પોતે મોકલેલા પાંચેય આતંકવાદીઓ અત્યારે ભારતીય અધિકારીઓનાં નિશાના પર હતા એ વાતથી સંપૂર્ણપણે બેખબર અફઝલ ખૂબ જ ઝડપથી ગ્રીન ડ્રેગનનાં પાર્ટ્સ જોડી રહ્યો હતો. મોબાઈલ નેટવર્ક અત્યારે મળી નથી રહ્યા એ વાત પણ અફઝલના ધ્યાને આવી ગઈ હોત તો એ એક વત્તા એક જોડીને તુરંત ચોક્કસ અનુમાન પર આવી ગયો હોત; પણ જે સ્થિતપ્રજ્ઞતાથી એ પોતાનું કાર્ય કરી રહ્યો હતો; એમાં એને આસપાસની દુનિયાનું ભાન ના જ હોય એમાં નવાઈ નહોતી.!

એકતરફ જ્યાં ભારતીય ગુપ્તચર સંસ્થા, ગુજરાત પોલીસ અને એટીએસનાં કર્મચારીઓ જીવની બાજી લગાવી દેશની શાન એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હજારો માસુમોનાં જીવ બચાવવા મેદાને હતા તો બીજીતરફ મગજમાં કોમ અને મજહબનું ઝેર લઈને જીવ આપવાની મંછા સાથે લશ્કર-એ-તોયબાનાં આતંકવાદીઓ પણ તૈયાર હતા.

બંને પક્ષે પોતાના મનમાં મોજુદ વિચારધારાને જીવંત રાખવાની એને આગળ સુધી લઈ જવાની પ્રબળ ઈચ્છા હતી..પણ, જંગમાં ફક્ત એક જ પક્ષ, એક જ વિચારધારા જીતે છે..આ જંગમાં કોણ જીતવાનું હતું..?કોણ ટકવાનું હતું..? કોણ પોતાના ઈરાદા પૂર્ણ કરી શકવાનું હતું..? એનો જવાબ ગણતરીની મિનિટોમાં મળી જવાનો હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)