Gadh aala pan sinh gela books and stories free download online pdf in Gujarati

ગઢ આલા પણ સિંહ ગેલા

National story compitation April - 2018

Untold war stories

ગઢ આલા પણ સિંહ ગેલા

જતીન. આર. પટેલ

સોના ના આભૂષણો અને લોખંડ ના ઓજારો વચ્ચે એક વાર લાંબી વાતચીત થઈ..એમાં સોના ના આભૂષણો એ સવાલ કર્યો કે..

"જ્યારે તમને ઘડવામાં આવે છે ત્યારે તમે આટલો બધો અવાજ કેમ કરો છો..?અમને જ્યારે કારીગર ટીપીને તૈયાર કરે ત્યારે અમે તો આટલો અવાજ નથી કરતાં.."

"તમને ટીપવા માં આવે છે એ હથોડી લોખંડ ની હોય છે...અને અમને ટીપવામાં આવે એ હથોડી પણ લોખંડ ની હોય છે...એટલે..."લોખંડ ના ઓજારો એ શાંતિ થી જવાબ આપ્યો..

"અરે આ મારા સવાલ નો જવાબ તો નથી લાગતો..."અકળામણ સાથે સોના ના આભૂષણો એ કહ્યું.

"અરે મારા મિત્ર..તને ના સમજાયું...તને જે ટીપે એ લોખંડ ની હથોડી જોડે તમારે સંબંધ નથી..પણ અમને ટીપનાર હથોડો તો અમારો પોતાનો જ છે...એટલે જ પોતાના દ્વારા થતી પીડા વધુ દુઃખ આપે એટલે જ અમે વધુ અવાજ કરીએ છીએ.."સચોટ જવાબ સાંભળી સોના ના આભૂષણો ચૂપ થઈ ગયાં.

ઉપર ની ટૂંકી વાર્તા જેવી જ દશા વર્ષો થી આપણા દેશ માં થતી આવી છે..મુઘલો થી લઈને અંગ્રેજો આપણી પર રાજ કરી ગયાં એનું એકમાત્ર કારણ હતું આપણા દેશ ના લોકો વચ્ચે વર્ષો થી ચાલી રહેલી ફૂટ.આમપણ ચાણક્ય એ કિધેલું છે કે "જ્યાં સુધી તમે એક નહીં થાઓ અને અંદર અંદર જ લડતાં ઝઘડતા રહેશો તો એ દિવસ દૂર નહીં હોય કે તમારા બધા પર કોઈ બીજો હુકમ ચલાવશે અને રાજ કરશે."

૧૨ મી સદી થી આવેલા મુસ્લિમો પુરા ભારત માં ધીરે ધીરે વ્યાપ્ત થઈ ગયાં હતાં..પંજાબ માં રાજા રણજીત સિંહ અને એમના વંશજો દ્વારા મુઘલો સામે સારી એવી ટક્કર લેવામાં આવી.મુઘલ સામ્રાજ્ય ને ઘણા અંશે હચમચાવી મુકવામાં શીખો ને સફળતા મળી.

આ ઉપરાંત રાજસ્થાન ના રાજપૂતો એ પણ મુઘલો ના ઝપીને બેસવા ના દીધા.એમાં પણ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે ચાલેલી જંગ તો ખૂબ પ્રસિદ્ધ છે..રાજપૂતો લડ્યા ખરાં પણ એક થઈ ને નહીં એટલે જ જોઈએ એવી અસર એમના વિરોધ ની ના થઈ શકી.

ઔરંગઝેબ જેવા કટ્ટર મુસ્લિમ રાજા એ જ્યારે ભારત ભર ના હિન્દૂ ઓ ને વટલાવી મુસલમાન બનાવવાવાનું ચાલુ કર્યું ત્યારે એક વીર યોદ્ધા એ માં ભોમ ની અને આ હિન્દ ની પાવન ધરતી પર વસતા દરેક હિન્દૂ ના હિન્દુત્વ ના રક્ષણ નું બીડું ઝડપ્યું એનું નામ હતું...છત્રપતિ શિવાજી મહારાજ.

શિવાજી મહારાજે માતૃભૂમિ ની રક્ષા માટે જાન ની પણ ચિંતા કર્યા વિના યુદ્ધ લડ્યા અને જીત્યા પણ ખરાં.. આજ શિવાજી મહારાજ જ્યારે એકવાર યુદ્ધ માં મુઘલો વતી લડતાં હિન્દૂ રાજા જયસિંહ સામે હારી ગયા ત્યારે પોતાના લોકો ના જીવ બચાવવા એમને ના છુટકે પુરન્દર ની સંધિ કરવી પડી.

આ સંધિ મુજબ શિવાજી ને કોંડાના (સિંહ ગઢ) સહિત ત્રેવીસ કિલ્લા મુઘલો ને હસ્તક કરવા પડ્યા.આ સંધિ એક રીતે જોઈએ તો મરાઠા ઓ ના સ્વાભિમાન પર મોટા ઘાવ સમાન બની રહી.આ સંધિ જૂન ૧૬૬૫ માં થઈ હતી જેના પછી શિવાજી એ બધા મરાઠા સરદારો ને એક કર્યા અને ગેરીલા પદ્ધતિ થી એમના સિપાહીઓ ને યુદ્ધકળા માં નિપુણ બનાવ્યા.મરાઠા ઓ હવે બુદ્ધિ અને બળ ના સમન્વય વડે ધીરે ધીરે મુઘલો ને હેરાન કરવાનું અને એમના હસ્તક કિલ્લાઓ પાછા કબ્જે કરી લેવાના અભિયાન ને સફળ બનાવ્યું.

એકવાર શિવાજી ના માતૃશ્રી જીજાભાઈ પ્રતાપગઢ ના કિલ્લા ના ઝરૂખા માં ઉભા ઉભા બહાર ની તરફ નજર કરે છે તો એમને પોતાની નજર સમક્ષ થોડે દુર આવેલા સિંહગઢ ના કિલ્લા પર ફરકતા લીલા રંગ ના મુઘલ સત્તા ના ધ્વજ ને જોઈને એમની આંખો માં દુઃખ અને ક્રોધ ની મીશ્રીત લાગણી ઉભરી આવી.એક ક્ષત્રિયાણી ના હૃદય ને આ જોઈ ને ઠેસ પહોંચી અને એમને તાત્કાલિક શિવાજી ને પોતાને મળવાનું કહેણ મોકલાવી આપ્યું.

માં ની આજ્ઞા સાંભળી શિવાજી તત્કાળ માતા જીજાબાઈ સમીપ હાજર થયાં.. શિવાજી એ જ્યારે પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું તો જીજાબાઈ એ કહ્યું..

"શિવા જા અને સિંહગઢ કિલ્લો જીતીને આવ..."

માતા નો આદેશ એટલે ભગવાન નો આદેશ એમ સમજનારા શિવાજી પણ સિંહગઢ પર હુમલો કરવાની વાત સાંભળી થોડા ખચકાયા કેમકે સિંહગઢ કિલ્લો બીજા કિલ્લા થી વધુ સુરક્ષા કવચ ધરાવતો હતો..એના દુર્ગ ની દીવાલો ની ઊંચાઈ પણ વધુ હતી..આ ઉપરાંત રાજપૂત,પઠાણ અને મુઘલો થી સુરક્ષિત આ કિલ્લાને જીતવો એક રીતે જોઈએ તો અસંભવ જ હતો..એટલે શિવાજી એ કહ્યું.."પણ માં સિંહગઢ ને જીતવો અશક્ય છે..એનું સુરક્ષકવચ ભેદી ને હુમલો એટલે જીવ ગુમાવવો."

"મારે કંઈ સાંભળવું નથી..પણ જ્યાં સુધી સિંહગઢ પર ફરકતા મુઘલો નો લીલા ધ્વજ ના સ્થાને જ્યાં સુધી ભગવો નહીં લહેરાય ત્યાં સુધી હું અન્નજળ નો ત્યાગ કરું છું.."આદેશ અને પ્રતિજ્ઞા બંને એકસાથે શિવાજી સમજી શકે એમ જીજાબાઈ એ કહ્યું.

આમ પણ જ્યારે સ્ત્રી કંઈક કરવા ધારે ત્યારે કોઈપણ ને ઝુકવું પડે છે..અને આ તો એક ક્ષત્રિયાણી નો માતૃભક્ત એવા શિવાજી મહારાજ ને હુકમ હતો એટલે માન્યા વગર છૂટકો પણ નહોતો..માં ની આજ્ઞા લઈ સિંહગઢ જીતવાનું વચન આપી શિવાજી એ ત્યાં થી વિદાય લીધી.

"સિંહગઢ ને જીતવા માટે શું કરવું..??કઈ રીતે એ અભેદ્ય કિલ્લા ને જીતી શકાય..?"આવા મનોમંથન માં ખોવાયેલા શિવાજી માં મગજ માં એક નામ યાદ આવ્યું..."તાનાજી..તાનાજી માલસુરે.."

શિવાજી એ સંદેશાવાહક ને તાનાજી ને પોતે બોલાવે છે એવા સમાચાર પહોંચાડવા કહ્યું..તાનાજી માલસુરે શિવાજી ના મુખ્ય મરાઠા સરદારો પૈકી એક હતાં..શિવાજી ને પોતાના આદર્શ માનતા તાનાજી એ પણ માતૃભૂમિ માટે જીવ આપવો પડે તો પણ આપી દેતા ખચકાવું નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી.શિવાજી જેવા જ નીડર,બહાદુર અને સાચા દેશભક્ત પર શિવાજી ને વિશ્વાસ હતો કે જો કોઈ સિંહગઢ ને જીતી શકવા સક્ષમ હોય તો એ બીજું કોઈ નહીં પણ તાનાજી જ છે.

જ્યારે શિવાજી મહારાજ નો આદેશ મળ્યો ત્યારે તાનાજી પોતાના ગામ માં પોતાના દીકરા ના લગ્ન ની તૈયારી માં પડ્યા હતાં.. મહારાજ નો સંદેશો મળતાં જ તાનાજી સમજી ગયા કે ક્યાંક યુદ્ધ માટે જવાનું છે એટલે જ એમને લગ્ન ની શરણાઇ રોકાવી દીધી અને કહ્યું"મારે મારા મહારાજ ની સેવા માં જવું પડશે.."

"પણ ભાઈ તારા દીકરા ના લગ્ન છે..આ શુભ પ્રસંગ પતે પછી જજે.."ત્યાં હાજર કોઈ વડીલે સલાહ આપતાં તાનાજી ને કહ્યું.

"અરે મારા માટે મારા સ્વામી શિવાજી અને મારી માતૃભોમ કરતાં મહત્વ નું કંઈ નથી..અને રહ્યો સવાલ મારા દીકરાના લગ્ન નો તો હું જો પાછો આવીશ તો ધામધૂમ થી મારા દીકરા ના લગ્ન કરાવીશ અને હું નહીં આવું તો મારા સ્વામી મહારાજ છત્રપતિ શિવાજી મારા દીકરા ના લગ્ન ની વિધિ પૂર્ણ કરાવશે.."એક સ્વામી ભક્ત અને માં હિન્દ ના સાચા સપૂત ના જવાબ નો કોઈ જોડે કોઈ ઉત્તર નહોતો..બધા એ હર હર મહાદેવ ના નારા સાથે તાનાજી ને વિદાય આપી.

તાનાજી ની સાથે એંશી વર્ષ ના વયોવૃદ્ધ શેલાર મામા અને એમના ભાઈ પણ શિવાજી મહારાજ ના આદેશ પર મહારાજ ને મળવા પુણે પહોંચ્યા..જ્યારે શિવાજી એ તાનાજી ને સિંહગઢ પર ચડાઈ કરવાની વાત કરી ત્યારે મહારાજ ના ચહેરા પર ખચકાટ હતો પણ સ્વામીભક્ત તાનાજી તો હસતાં મોંઢે મહારાજ ની વાત સાંભળી એમને પ્રણામ કરી નીકળી પડ્યા સિંહગઢ જીતવા.

મુઘલો સૈન્ય અને હથિયારો માં પોતાના થી અનેકગણી વધુ તાકાત ધરાવે છે એ વાત બધા મરાઠા સરદારો જાણતા હતાં..શિવાજી એ મુઘલો સામે સીધી લડાઈ થી જીતી નહીં શકાય એ વાત થી અવગત હોવાથી "ગેરીલા યુદ્ધ પદ્ધતિ" વિકસાવી હતી..જે મુજબ અચાનક દુશ્મન પર હુમલો કરી એને વધુ કંઈ વિચારવાનો અવસર મળે એ પહેલાં જ માત કરી દેવો.

પોતાના જોડે આવેલા નવ સો સૈનિકો કરતાં સિંહગઢ માં તૈનાત સૈન્ય બળ વધુ હશે આ વાત થી તાનાજી જાણકાર હતાં એટલે એમને પોતાની બુદ્ધિ ના જોરે યુદ્ધ લડવાનું નક્કી કર્યું.."આમ પણ જ્યાં બળ થી કામ ના ચાલે ત્યાં કળ થી કામ લેવું પડે.."

વર્ષ ૧૬૭૦ ના ફેબ્રુઆરી મહિના ની ઠંડી રાત ના દિવસે તાનાજી પોતાના હોનહાર નવસો મરાઠા સૈનિકો સાથે સિંહગઢ પહોંચી ગયા..રાત્રી ના ઘોર અંધકાર માં દૂર થી કિલ્લા પર સળગતી મશાલો દેખાઈ રહી હતી..સિંહગઢ કિલ્લો જીતવો હોય તો કોઈપણ રીતે એમાં દાખલ થવું પડે..પણ કઈ રીતે?

સિંહગઢ કિલ્લા માં દાખલ થવા માટે તાનાજી એ જે યુક્તિ અજમાવી એ આજે પણ ઇતિહાસ માં થઈ ગયેલા યુદ્ધમાં અપનાવેલી શ્રેષ્ટત્તમ કુનેહપૂર્વક ની યુક્તિઓ માં ની એક છે..તાનાજી પોતાની સાથે મહારાજ શિવાજી ની એક પાલતુ ગોહ લાવ્યા હતાં..જેનું નામ યશવંતી હતું..સરિસર્પ પ્રજાતી નું આ જનાવર પોતાની મજબૂત પકડ માટે પ્રખ્યાત છે..એક વાર એ પકડ બનાવી લે પછી એને પકડ છૂટે નહીં.

યશવંતી ગોહ તો વળી પાલતુ હતી એટલે એનું કાર્ય એ સારી રીતે જાણતી હતી.એને જ્યારે રસ્સી થી બાંધી ને કિલ્લા ની દીવાલ પર ફેંકવામાં આવતી ત્યારે એ મજબૂત રીતે કિલ્લાની દીવાલ પર ચીપકી જતી અને સૈનિકો રસ્સી પકડી કિલ્લાની ઊંચી દીવાલ ચડી જતાં.

જ્યારે પ્રથમવાર તાનાજી એ ગોહ નો દોરી થી બાંધી ને ફેંકી ત્યારે એ દીવાલ પર ચીપકી નહીં.. આ ઘટના ની બધાં ના મન માં એક ડર ફેલાઈ ગયો.. બધાં સૈનિકો અંદરોઅંદર આ તો અપશુકન થયા એવી વાતો કરવા લાગ્યા..શેલાર મામા એ તો તાનાજી ને આજ નો દિવસ ચડાઈ ના કરવા પણ કહ્યું.

"પણ જે માથે કફન બાંધી નીકળ્યો હોય એને શુકન કેવા ને અપશુકન કેવા..?" બધાં ની વાત અવગણી ને તાનાજી એ કહ્યું.

"આજે જ હું સિંહગઢ પર ચડાઈ કરીશ અને મહારાજ શિવાજી ના ચરણોમાં આ કિલ્લા ને ભેટસ્વરૂપે ધરીશ..હર હર મહાદેવ...જય માં ભવાની..."જોશપૂર્વક તાનાજી એ કહ્યું.

ફરીવાર ગોહ ને ફેંકવામાં આવી અને આ વખતે એ બરોબર દીવાલ પર ચીપકી ગઈ..તાનાજી એ ધીરે ધીરે પોતાના સૈનિકો ની સાથે કિલ્લા ની ઊંચી દીવાલ પર ચડવાનું શરૂ કરી દીધું.સૈનિકો ના અવાજ ના લીધે પહેરોગીરો નું ધ્યાન એમની તરફ ગયું અને એ તલવાર લઈને સૈનિકો જ્યાં થી ચડતાં હતાં એ તરફ આવ્યાં.. પણ એ લોકો વધુ કંઈપણ કરે એ પહેલાં જ તાનાજી ની વીજળી વેગી તલવારે એમના મસ્તક ને ધડ થી અલગ કરી દીધા.

પણ તલવારો ના અવાજ અને હલચલ ના લીધે કિલ્લા ની અંદર રહેલાં બીજા મુઘલ સૈનિકો જાગી ગયાં અને સમજી ગયાં કે કોઈ એ હુમલો કર્યો છે...એક તરફ અલ્લાહ હુ અકબર ના નારા અને બીજી તરફ હર હર મહાદેવ ના નારા થી થોડીવાર માં જ વાતાવરણ ગુંજી ઉઠ્યું..હજુ તો ત્રણ સો મરાઠા સૈનિકો જ ઉપર આવી શક્યા હતાં પણ અત્યારે હવે છેલ્લા શ્વાસ સુધી લડવું એજ એક ઉપાય છે એ જાણતાં હોવાથી તાનાજી એ આટલા જ સૈન્ય થી યુદ્ધ લડવાનું મન બનાવી લીધું.

અંધકાર થી ઘેરાયેલાં સિંહગઢ ના કિલ્લા માં તલવારો ના અથડાવવાનાં અવાજ અને મુઘલ તથા મરાઠા સૈન્ય ના નારા ઓ થી આખો કિલ્લો ઘમરોળી રહ્યો હતો...કિલ્લા નો દરેક કણ અને કાંકરા પણ ત્યારે ધ્રુજી રહ્યાં હતાં.ક્યારેક મરાઠા સૈનિક ની ચીસો સંભળાતી તો ક્યારેક મુઘલ સૈનિકો ની..લોહી થી ભીંજાયેલી તલવારો અત્યારે નગ્ન નાચ કરી રહી હતી.

મુઘલો જોડે હથિયારો ની પૂરતી માત્રા હતી અને સંખ્યાબળ ની રીતે પણ એ મરાઠા ઓ કરતાં ઘણા વધારે હતાં.. પણ તાનાજી ની સ્ફૂર્તિ અને વીરતા જોઈ દરેક મરાઠા સૈનિક આજે મરણીયો બની ઝઝૂમી રહ્યો હતો..દરેક ના મન માં આજે ખપી જવું કાં જીતી જવું ની ભાવના સુદૃઢ બની હતી..અને કહેવાયું છે ને જેને મૌત નો ભય નથી એને કોઈ રોકી શકતું નથી.

સુનામી બની ને મરાઠા સૈનિકો આજે મોત બની ને મુઘલો પર ત્રાટકયા હતાં.મુઘલો ની હાર નિશ્ચિત હતી ત્યારે કિલ્લા માં પહેરેદારી કરતાં મુઘલ સરદાર ઉદયભાનુ..જે આમ મૂળ હિન્દૂ રાજપૂત હતો પણ અંગત લાલચ ખાતર મુસ્લિમ બન્યો હતો..તાનાજી એક પછી એક વચ્ચે આવતા મુઘલ સૈનિક ને મોત ના ઘાટ ઉતારી રહ્યાં હતાં.!!

જો તાનાજી ને ના રોકાયા તો બધાં મુઘલ સૈનિકો એમની તલવાર નો ભોગ બનશે એ વાત થી વાકેફ ઉદયભાનુ એ એક મુઘલ સૈનિક ની આડશ લઈને ઘવાયેલા અને થાકેલાં તાનાજી પર મરણતોલ ઘા કરી દીધો..તાનાજી કંઈપણ પ્રતિઘાત કરે એ પહેલાં ઉદયભાનુ ની તલવાર એમને મોત ના મુખ સુધી પહોંચાડી ચુકી હતી.

તાનાજી ની મોત થી ગુસ્સે ભરાયેલાં મરાઠા સૈનિકો વધુ આક્રમક બન્યાં વધુ તીવ્રતા થી એમની તલવારો કહેર વર્તાવા લાગી.શેલાર મામા એ જેવો ઉદયભાનુ ને પોતાની તલવાર થી મારી નાંખ્યો ત્યારે વધેલા મુઘલ સૈનિકો ની રહી સહી હિંમત પણ મરી પરવરી અને એમને હથિયાર હેઠાં મૂકી હાર સ્વીકારી લીધી.

સવાર સુધી માં તો સિંહગઢ કિલ્લા પર મુઘલો ની ધજા ના સ્થાને ભગવો લહેરાતો જોઈને શિવાજી સમજી ચુક્યા કે તાનાજી એ અશક્ય લાગતું કાર્ય શક્ય કરી બતાવ્યું..તાનાજી ને ગળે લગાડી શાબાશી આપવાની રાહ જોઈને શિવાજી મહારાજ પોતાના મહેલ માં બેઠાં હતાં..

જ્યારે મરાઠા સૈનિકો વિજય મેળવી પાછા આવ્યા ત્યારે શિવાજી એ તાનાજી ને ના જોયાં ત્યારે કંઈક અમંગળ થવાના એંધાણ શિવાજી મહારાજ પામી ચૂક્યાં હતાં..એમાં પણ જ્યારે તાનાજી ના વીરગતિ પામેલાં મૃતદેહ ને મહારાજ ની પાસે લાવવામાં આવ્યો ત્યારે શિવાજી ની આંખ માં આંસુ ઉભરાઈ આવ્યા..સિંહગઢ જીતવાની ખુશી જી જગ્યા એ પોતાના મિત્ર સમાન મહાન નીડર તાનાજી ને ખોવાનું દુઃખ મહારાજ ના ચહેરા પર જોવા મળી રહ્યું હતું.

તાનાજી ને વળગીને શિવાજી પોક મૂકીને રડ્યા..શિવાજી મહારાજ ને રડતાં જોઈ ત્યાં હાજર સૌ કોઈ ની આંખો ઉભરાઈ આવી..બધા સમજી ચુક્યા હતાં કે તાનાજી જેવો સાચો દેશભક્ત અને નિષ્ઠાવાન માણસ પેદા થવો મુશ્કેલ છે..તાનાજી ના દેહ ને નમન કરી છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું..

"ગઢ આલા, પણ સિંહ ગેલા..."મતલબ કે ગઢ તો જીત્યો પણ હું મારા સિંહ ને ખોઈ બેઠો..એ દિવસ થી કોંડાના કિલ્લા ને સિંહગઢ નામ મળી ગયું.

કહેવાય છે શિવાજી મહારાજ બાર બાર દિવસ સુધી પોતાના આ હિંમતવાન મરાઠા સરદાર ની યાદ માં રડ્યા હતાં.. માતા જીજાબાઈ એ પણ જ્યારે તાનાજી ની મૃત્યુ વિશે જાણ્યું ત્યારે એમને પણ પારાવાર દુઃખ ની લાગણી થઈ..જીજાબાઈ એ ત્યાં સુધી કીધું કે"તાનાજી ના મૃત્યુ થી મારા શિવા ના શરીર નું એક અંગ આજે જુદું પડી ગયું."

શું હતી એ દેશભક્તિ,વાહ..!!એક ગજબ ની નીડરતા..દેશ માટે,માતૃભૂમિ માટે ખુવાર થવાની ભાવના..પોતાના સ્વામી માટે હસતા મુખે ગરદન એમના ચરણો માં મૂકી દેવાની એ અડગ નિષ્ઠા ને હું કોટી કોટી વંદન કરું છું.

ભારત સરકારે પણ ૩ ઓગસ્ટ ૧૯૮૪ ના રોજ સિંહગઢ કિલ્લા ની ટપાલ ટિકિટ બહાર પાડીને તાનાજી ની વીરતા ને ખરા અર્થ માં શ્રદ્ધાંજલી આપી હતી..ધન્ય છે એ વીર તાનાજી જેના મોત પર હિન્દૂ ધર્મ ને બચાવનાર વીર શિવાજી મહારાજ પણ બાર બાર દિવસ સુધી રડ્યો હતો..હૃદય ના અંતઃકરણ થી વીર તાનાજી ને સલામ..

"હર હર મહાદેવ...જય માં ભવાની"

***

ઘણી બધા લેખ અને સંદર્ભ તપાસ્યા પછી આ યુદ્ધ ની કહાની તમારી સમક્ષ લઈને આવ્યો છું..કોઈની લાગણી ને ઠેસ ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખ્યું છે છતાંપણ કોઈને કંઈપણ ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું.

સૌપ્રથમ તો આવા વિષય પર પ્રતિયોગીતા રાખવા બદલ માતૃભારતી ની સંપૂર્ણ ટીમ ને ધન્યવાદ...ભારત માં એવા ઘણા યુદ્ધ થઈ ગયા જે વિશે ની જાણકારી સામાન્ય લોકો ને નથી..આપણો ઇતિહાસ અને દેશ માટે ખુવાર થનારા વીર યોદ્ધાઓ વિશે વાંચકો વધુ જાણી શકે એ માટે નો માતૃભારતી નો આ પ્રયાસ અત્યંત સરાહનીય છે.

જતીન. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED