ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 26 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 26

ભાગ 26

વડોદરા-કેલણપુર હાઈવે, રતનપુર

અફઝલ પાશાએ આજે જ આતંકવાદી હુમલો કરવાનું મન બનાવીને પોતાના તમામ આતંકવાદી સાથીદારોને ઊંઘમાંથી બેઠા થવા હુકમ આપ્યો. એક કલાકની અંદર તો અફઝલ અને બાકીના સ્લીપર્સ સેલ રતનપુર ખાતેના એ બંધ મકાનનાં હોલમાં ઉપસ્થિત હતા. અચાનક અફઝલે એ લોકોને ફટાફટ તૈયાર થઈને નીચે આવવા કેમ જણાવ્યું હશે એ પ્રશ્ન એ લોકોના મનમાં ચાલતો હતો.

"હિન્દુસ્તાની ગુપ્તચર એજન્સીઓ આપણી પાછળ પડી ચૂકી છે..એ લોકો આપણી યોજના અંગે જાણી જાય એ પહેલા જ આપણે આપણું મિશન પૂરું પાડીએ." પોતાના સાથીદારના પ્રશ્નોનું નિરાકરણ કરતા અફઝલ બોલ્યો. "આપણી કોમ માટે, આપણી આવનારી પેઢીઓ માટે, આપણા વતન માટે આપણે એ અટેક પરમદિવસે કરવાના હતા એ આજે કરીશું."

"પણ, એ માટેની વ્યવસ્થા..?" નવાઝ વચ્ચે ટાપસી પૂરતા બોલ્યો.

"બધું થઈ જશે..તું અને વસીમ એકાદ કલાકમાં અહીંથી નીકળીને ઝહીરભાઈને ત્યાં જશો." નવાઝના પ્રશ્નનો જવાબ આપતા અફઝલ બોલ્યો. "એમના ગેરેજ પરથી નક્કી થયા મુજબ એક એમ્બ્યુલન્સ અને એક ફાયર બ્રિગેડની ગાડી લઈને તમારે ભીલપુર ચેકપોસ્ટ પહેલા આવતા કબીર મંદિર સુધી આવવાનું છે. હું, બાકીનાં લોકોને લઈને ત્યાં પહોંચી જઈશ..ત્યાંથી આપણે બે અલગ-અલગ ટુકડીઓમાં કેવડિયા પહોંચીશું..બાકીનું ત્યાં પહોંચીને નક્કી કરીશું!"

"ઝહીરભાઈને તો આપણે આવતીકાલે ડિલિવરી લેવાનું કહ્યું હતું..તો આજે એ ડિલિવરી કેમની આપશે..?" નવાઝે પોતાની હડપચી પર જમણા હાથના અંગૂઠાથી ખણતા કહ્યું.

"આપણે આપેલા ઓર્ડર મુજબના વાહન મોફીફાય થઈ ગયા હશે..અને બાકી હશે તો નાનું-મોટું ટચિંગ બાકી હશે. માટે એમાં કોઈ વાંધો નહિ આવે." અફઝલે જવાબ આપતા જણાવ્યું.

"સારું તો પછી અમે નીકળીએ ત્યારે...અમારા પહેરવાના કપડાં પણ જોડે લેતા જઈશું અને જેવી ડિલિવરી મળશે એટલે તમને જાણ કરીને ત્યાંથી નીકળીશું." નવાઝે પોતાની વાત રાખતા કહ્યું.

"તમે લોકો તૈયાર થાઓ..ત્યાં સુધી હું ગ્રીન ડ્રેગનને છૂપાવવાની વ્યવસ્થા કરું.." આટલું કહી અફઝલ એ રૂમ તરફ ચાલી નીકળ્યો જ્યાં ચીનથી આવેલું ભયાનક શસ્ત્ર મોજુદ હતું.

ગ્રીન ડ્રેગન એક કાચની ટ્યુબ ધરાવતા ઢાંચાને એક મશીન પર ફિટ કરીને બનાવાયેલું હાઈટેક શસ્ત્ર હતું. આ કાચની ટ્યુબમાં લીલા રંગનું ચમકતું દ્રવ્ય ભરેલું હતું. ચાર ફૂટ લંબાઈ, બે ફૂટ પહોળાઈ અને બે ફૂટ ઊંચાઈ ધરાવતું આ શસ્ત્ર આસાનીથી છૂપાઈ જાય એવું તો નહોતું..છતાં, અફઝલ જોડે એને પણ છૂપાવવાનું આગોતરું આયોજન કરેલું હતું.

વસીમ અને નવાઝના ત્યાંથી ગયાના દોઢ-બે કલાક બાદ અફઝલ પર નવાઝનો એ માહિતી આપતો કોલ આવ્યો કે તેઓ ઝહીરભાઈ જોડેથી એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડના વાહનની ડિલિવરી મેળવીને કેવડિયા તરફ જવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા હતા.

નવાઝનો કોલ આવ્યો એના પહેલા અફઝલ અને બાકીનાં સ્લીપર્સ સેલ પોતાના મિશનને અંજામ આપવા તૈયાર થઈ ગયા હતા..અફઝલ અને ત્રણ સ્લીપર્સ સેલ ફાયર ફાઈટરના પોશાકમાં અને બાકીનાં ચાર સ્લીપર્સ સેલ હોસ્પિટલ સ્ટાફનાં પહેરવેશમાં સજ્જ હતાં.

રતનપુરથી કેવડિયા કોલોની તરફ જવાના રસ્તે ભીલપુર ચેક પોસ્ટ આવતી; જ્યાં સ્થાનિક પોલીસકર્મીઓનો ચોકીપહેરો રહેતો. આથી ત્યાં પહોંચ્યા પહેલા જ રસ્તામાં પડતા કબીર મંદિર નજીક એકઠા થવાનું અફઝલે ગોઠવ્યું હતું.

અફઝલ અને બાકીનાં સ્લીપર્સ સેલ બે અલગ-અલગ કારમાં બેસીને કબીર મંદિર તરફ નીકળી પડ્યા. એ લોકો ત્યાં પહોંચ્યા એની પાંચ મિનિટ પહેલા જ મંદિરની ડાબી તરફ આવેલા ખુલ્લા મેદાનમાં એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની ગાડી આવીને ઊભી રહી હતી. નવાઝ અને વસીમ અનુક્રમે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા; જેને અનુરૂપ પોશાક પણ એમને ઠઠાવેલો હતો.

અફઝલ અને એના સાગરીતો જેવા મેદાનની અંદર પહોંચ્યા એ સાથે જ એ બધાએ ચૂપચાપ પોતપોતાનો મોરચો સંભાળી લીધો. હોસ્પિટલ સ્ટાફનાં પોશાકમાં સજ્જ સ્લીપર્સ સેલ નવાઝ સાથે એમ્બ્યુલન્સમાં અને બાકીનાં ફાયર ફાઈટરના પોશાકમાં સજ્જ સ્લીપર્સ સેલ તથા અફઝલ ફાયરબ્રિગેડની ગાડીમાં ગોઠવાઈ ગયા. આ દરમિયાન એ લોકોએ કારની ડેકીમાં ગોઠવેલ ગ્રીન ડ્રેગનના વિવિધ ભાગોને પણ અફઝલના આદેશ મુજબ ગોઠવી દીધા.

આ એક ખૂબ જ ખતરનાક આતંકવાદી મિશન હતું..જે એકરીતે આત્મઘાતી પણ હતું..છતાં જે ધીરજથી સ્લીપર્સ સેલ પોતપોતાની કામગીરી નિભાવી રહ્યા હતા એ પરથી એમના ટ્રેઈન મીલીટ્રન્ટ હોવાનો પરચો મળતો હતો.

જેવા જ ગ્રીન ડ્રેગનના છૂટા પડેલા ભાગોને ગોઠવી દેવામાં આવ્યા એ સાથે જ અફઝલે પોતાના સાથીદારોને નક્કી કર્યા મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીમાં બેસી જવા જણાવ્યું. જેવા એ તમામ સ્લીપર્સ સેલ પોતપોતાનાં સ્થાને ગોઠવાયા એ સાથે જ અલ્લાહ હુ અકબરના નારા સાથે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડી કેવડિયા કોલોની તરફ ચાલી નીકળી.

જેવી આ બંને મોડિફાઇડ ગાડીઓ ત્યાંથી નીકળી એની પંદરેક મિનિટમાં એક બાઇક પર બેસીને ત્રણ લોકો એ સ્થાને આવ્યા જ્યાં અફઝલ અને એના સાગરીતો થોડા સમય પહેલા હતા. બાઈકની પાછળ બેસેલા બે યુવકો ચારેતરફ નજર ઘુમાવતા બાઈકમાંથી હેઠે ઉતર્યા અને અફઝલ તથા એના સાગરીતો દ્વારા ત્યાં લાવવામાં આવેલી બંને કારમાં એક પછી એક ગોઠવાઈ ગયા.

કારમાં બેસતા જ એમને એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને વડોદરા તરફ જતા રસ્તે હંકારી મૂકી. આતંકવાદીઓ પોતાનું પગેરું ભૂંસવા કેટકેટલું પ્લાનિંગ કરતા હોય છે એનું આ એક ઉદાહરણ માત્ર હતું.

***************

કમિશનર કચેરી, અમદાવાદ

વેણુએ ન્યુમેરિકલ કોડ ઉકેલી લીધો હતો અને આ કોડ મુજબ આતંકવાદી હુમલો ગુજરાતનાં સૌથી મોટા પ્રવાસન સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાનો હતો એની માહિતી પ્રાપ્ત થઈ ચૂકી હતી. આ માહિતી મળતા જ શેખાવતના આદેશ પર અર્જુન, નાયક, નગમા, માધવ, ગગનસિંહ અને એટીએસની પૂરી ટીમ કમિશનર કચેરી આવી પહોંચી હતી. ડીઆઈજી શર્મા અને કમિશનર વણઝારા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

એ લોકોને જ્યારે શેખાવતે ન્યુમેરિકલ કોડ વેણુ દ્વારા ઉકેલવાની અને એના થકી આતંકવાદી હુમલાનું સંભવિત સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ અંગેની હકીકત જણાવી ત્યારે ત્યાં હાજર દરેકના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એમનાં ચહેરાના ભાવ પરથી લાગ્યું.

"તો સર, હવે શું કરીશું..?" નગમાનો આ સવાલ શેખાવત માટે હતો પણ એનો જવાબ આહુવાલીયાએ આપ્યો.

"સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતારીખ એકત્રીસમી ઓક્ટોબર આડે હવે બે દિવસ વધ્યા છે..આથી આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાર દિવસ ચાલનારા એક ભવ્ય કાર્યક્રમ આયોજન થવા જઈ રહ્યું છે." આટલુ કહીને આહુવાલીયા સહેજ વાર માટે અટક્યા અને પોતાની વાત આગળ ધપાવતા બોલ્યા.

"આ સમયે એક કામ થઈ શકે...આ આયોજન અટકાવીને સંભવિત સ્થળને હાઈ એલર્ટ પર મૂકી દઈએ. કોઈ વ્યક્તિ ત્યાં આવશે જ નહીં તો શક્યવત આતંકવાદીઓ પોતાનો વિચાર પડતો મૂકી દે..અને એક બીજો ઓપશન એ છે કે..."

આમ કહી આહુવાલીયાએ શેખાવત ભણી જોયું..હવે આગળ પોતાને બોલવાનું છે એ સમજી ચૂકેલા શેખાવતે કહ્યું.

"બીજો ઓપશન એ છે આપણે સાથે મળીને આતંકવાદીઓનો સફાયો કરીએ...પણ આમ કરતી વખતે કોઈ જાતનો ઉહાપોહ ના થવો જોઈએ."

"મતલબ..આખરે તમે કહેવા શું માંગો છો..?" કમિશનર વણઝારા શેખાવતની વાત સાંભળી બોલી પડ્યા.

"હું એ જ કહેવા માંગુ છું જે તમે સમજ્યા છો.." શેખાવતે કહ્યું. "આપણે આ વાત બહાર નહિ આવવા દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેરરિસ્ટ અટેકનું જોખમ છે અને ખૂબ જ સાવધાની સાથે ત્યાં પ્રવેશવાની કોશિશ કરતા આતંકવાદીઓનો કોઈ જાતના શોર-શરાબા વિના અંત આણીશું."

શેખાવતના આમ બોલતા જ ત્યાં તંગદિલી છવાઈ ગઈ..કોઈને ખબર ના પડે એમ દસ-દસ ખૂંખાર આતંકવાદીઓનો સફાયો કરવો લગભગ અશક્ય જેવું કામ હતું. હજારોની જનમેદની વચ્ચે આમ કરવામાં ભયંકર જોખમ પણ રહેલું હતું. આ બધું વિચાર્યા બાદ ત્યાં હાજર દરેકને આહુવાલીયાએ શરૂવાતમાં સૂચવેલો પ્રથમ વિકલ્પ વધુ યોગ્ય લાગ્યો. આમ છતાં ત્યાં હાજર કોઈપણ ઑફિસર્સ પોતાનો સ્પષ્ટ મત નહોતો રાખી રહ્યો એટલે શેખાવતે કહ્યું.

"તમારી જેમ મારુ પણ એ જ માનવું છે કે આપણે આતંકવાદી હુમલો થાય એ પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર ખાલી કરાવીને, સંભવિત વિસ્તારને હાઈએલર્ટ પર મૂકી દઈએ." આમ કહી શેખાવત બે ઘડી અટક્યા અને પોતાની સમક્ષ હાજર દરેક ઓફિસરના ચહેરાનું અવલોકન કરતા બોલ્યા.

"પણ, આમ કરવા જઈશું તો દુનિયા સમક્ષ ફરીવાર એ સાબિત થઈ જશે કે ભારતીય ગુપ્તચર સંસ્થાઓ અને સુરક્ષાબળોમાં પાણી નથી..આપણે હજુપણ રક્ષણાત્મક નીતિ અપનાવીને આતંકવાદી હુમલાથી બચવાનું વિચારીશું તો પછી એ લોકોનો ખાત્મો કેમનો થશે? આજે નહિ તો કાલે છૂટા ફરતા એ આતંકવાદીઓ પુનઃ બીજી યોજના બનાવીને બીજા કોઈ સ્થળે ત્રાટકશે ત્યારે શું? દર વખતે બચવા જઈશું તો ક્યારેક તો ઘાયલ થઈશું એ નક્કી છે તો પછી એના કરતા આપણે સામે ચાલીને એ લોકોની ઉપર હુમલો કરી દઈએ તો..આમ પણ કહેવાય છે કે અટેક ઈઝ બેસ્ટ ડિફેન્સ..દુનિયાની સમક્ષ જો એ સાબિત કરવું હશે કે ભારતીય સુરક્ષાબળ હવે બચવાની નહિ પણ મારવાની ફિતરત ધરાવે છે તો એ માટેનો આ શ્રેષ્ઠ અવસર છે."

શેખાવત જ્યારે આ શબ્દો બોલી રહ્યા હતા ત્યારે એમના સ્વરમાં ગજબનો જુસ્સો, તરવરાટ, દેશદાઝ જણાતા હતા..જેની ધારી અસર ત્યાં હાજર બાકીનાં અધિકારીઓ પર પણ જોવા મળી. આતંકવાદી હુમલાની બીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો કાર્યક્રમ અટકાવવાના બદલે આતંકવાદી હુમલો કરવા ત્યાં આવનારા આતંકવાદીનો સફાયો કરવાનું મન હવે બધા બનાવી ચૂક્યા હતા. પોતે રાજવીર શેખાવતની સાથે જ છે એવું જ્યારે કમિશનર કચેરી ખાતે ઉપસ્થિત દરેક ઑફિસર્સ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે શેખાવત અને આહુવાલીયાના ચહેરા પર નિરાંત અને પ્રસન્નતા ઊભરી આવી.

"સર, એક મેસેજ આવ્યો છે..મને લાગે છે એ અંગે આપને જણાવવું જરૂરી છે." પોતાના મોબાઈલમાં આવેલા એક મેસેજને વાંચતા જ કેવિન શેખાવતને ઉદ્દેશીને બોલ્યો.

"કેવિન, જણાવીશ કે મેસેજ શું છે..?"

"વીસ-પચ્ચીસ મિનિટ પહેલા એક એમ્બ્યુલન્સ અને એક ફાયરબ્રિગેડની મોડિફાઇડ ગાડીઓની ઝહીરને ત્યાંથી ડિલિવરી કરવામાં આવી છે."

"આ ઝહીર...એ જ વ્યક્તિ છે જેને ગોધરાકાંડ પછી થયેલા કોમી રમખાણો વખતે વડોદરામાં ધાર્મિક ઉશ્કેરણી કરવા બદલ ત્રણ વર્ષની સજા થઈ હતી.?" ડીઆઈજી શર્મા બોલી પડ્યા. "અગાઉ પણ આવી મોડિફાઇડ ગાડીઓ બનાવીને તસ્કરો અને આતંકવાદીઓને મદદ પૂરી પાડવાની ઘટનાઓમાં એ સંદિગ્ધ રહી ચૂક્યો છે."

"હા..સર, આ એ જ ઝહીર છે.."કેવિને કહ્યું.

"આનો અર્થ કે આતંકવાદીઓએ પોતાની ઓળખાણ છૂપાવવા એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓનો ઉપયોગ કર્યો છે..!" વણઝારાના સ્વરમાં થડકારો હતો..કંપન હતું.

"તો હવે...?" નગમાએ શેખાવત ભણી જોઈને પૂછ્યું.

"તો હવે શું...ચલો કેવડિયા કોલોની..આતંકવાદીઓ ત્યાં પહોંચે એ પહેલાં આપણે એમના સ્વાગત હેતુ ત્યાં પહોંચી જઈએ."

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)