" અવિસ્મરણીય ભેટ "
આજે યતીન ખૂબજ ઉદાસ હતો. જેની ફી બાકી હોય તેનું દરરોજ ક્લાસમાં નામ બોલાતું તેમ તેનું પણ નામ બોલાતું પણ આજે તો હદ થઈ ગઈ હતી પ્રિન્સીપાલ સાહેબે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો અને ફી નહિ ભરવા બાબતે ખખડાવ્યો હતો તેમજ " ફી ભરવાની તાકાત ન હોય તો આવી સારી સ્કુલમાં ન ભણાય, સરકારી શાળામાં એડમિશન લઈ લે અને અહીંથી સર્ટીફીકેટ લઈ જા " એમ કહી બરાબર ધમકાવ્યો હતો.
યતીન ધો. 9 માં ભણતો હતો. પ્રિન્સીપાલ સાહેબની આ વાતથી તે ધ્રુજી ઉઠ્યો તેમજ પોતાના ક્લાસમાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.
એટલામાં ક્લાસમાં આર્જવસરનો પીરીયડ હતો તેમણે પ્રવેશ કર્યો, યતીનને રડતાં જોઈને રડવાનું કારણ પૂછ્યું. તો તે કંઈજ ન બોલી શક્યો પણ બીજા બધા વિદ્યાર્થીઓએ સરને જણાવ્યું કે, " યતીનને મોટા સાહેબે તેમની ઑફિસમાં બોલાવ્યો હતો અને ફી નહિ ભરવા બાબતે ખખડાવ્યો હતો તેમજ સ્કૂલમાંથી નામ કમી થઈ જશે અને સર્ટીફીકેટ લઈ જવા માટે કહ્યું હતું. "
આર્જવસરે આ બધીજ વાત શાંતિથી સાંભળી અને સૌ પ્રથમ તો તેમણે યતીનને શાંત પાડ્યો અને ચિંતા ન કરવા કહ્યું પછી તેમણે ઉમેર્યું કે, " છૂટ્યા પછી મને મળીને જજે. "
છૂટ્યા પછી યતીન આર્જવસરને મળવા માટે ગયો તો આર્જવસરે તેને સાઈડમાં બોલાવી, ખિસ્સામાં હાથ નાંખી, યતીનને આખા વર્ષની ફી ના પૈસા આપી દીધા. યતીને આ પૈસા લેવાની ખૂબજ " ના " પાડી પણ આર્જવસરે જીદ કરીને ફીના પૈસા તેના હાથમાં પકડાવ્યા અને અત્યારે જ ફી ભરી દે તેમ પણ સમજાવ્યું. યતીન, આર્જવસરના પગમાં પડી ગયો.
આજે યતીન વેલસેટ છે અને દર વર્ષે બે ગરીબ છોકરાઓને પોતાના ખર્ચે ભણાવે છે અને પોતે જે કંઈપણ છે તે આર્જવસરને પ્રતાપે છે તેમ માને છે અને અત્યારે પણ આર્જવસરે પોતાને આપેલી આ અવિસ્મરણીય ભેટને યાદ કરે છે.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/2/2021
" અમૂલ્ય ભેટ "
" મને જીવથી પણ વધારે વ્હાલાં મારા પ્રિય પપ્પા.."
તમે મને મારા જીવ કરતાં પણ વધારે વ્હાલાં છો, પૂજ્ય મમ્મીનાં અવસાન બાદ તમે મને અને મારા બંને ભાઈઓને મમ્મી-પપ્પા બંનેનો પ્રેમ આપીને મોટા કર્યા છે.
જીવનમાં જ્યારે જ્યારે અમારે તમારા પ્રેમ, હૂંફ અને સલાહની જરૂર પડી છે ત્યારે ત્યારે તમે સતત અમારી સાથે ઉભા રહ્યા છો. જેને માટે અમે તમારા પગ ધોઈને પાણી પીએ તો પણ ઓછું પડે તેમ છે.
સંસ્કાર અને શિક્ષણ તમે જે અમને આપ્યા છે તેના કારણે અમે અત્યારે સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનો હોદ્દો મેળવી શક્યા છીએ.
આ સમગ્ર જીવન દરમિયાન તમે મને અનેક ભેટ આપી છે પરંતુ આ એક ભેટની હું જે અહીં વાત કરું છું તે
મારા માટે મારા જીવનની એ ફક્ત અમૂલ્ય જ નહીં પરંતુ અવિસ્મરણીય ભેટ હતી. આજે હું મારા 💰 પૈસાથી ઑડી ગાડી ખરીદી લઉ ને તો પણ મને તેટલો આનંદ ન થાય જેટલો આનંદ મને તમે મારા જીવનની પહેલી સાઈકલ ભેટ આપી ત્યારે થયો હતો. મને યાદ છે હું આઠમા ધોરણમાં ત્યારે અભ્યાસ કરતી હતી અને તે વખતે આ સાઈકલ કદાચ 500 રૂપિયામાં જ આવી હતી, મને બરાબર યાદ નથી પણ લગભગ તેટલામાં જ આવી હતી.
આજે મને આ રકમ સાવ મામૂલી લાગે છે પણ તે વખતે 500 રૂપિયા એટલે ખૂબ મોટી રકમ ગણાતી હતી. અને ત્યારે તમે તમારા પૈસા બેંકમાં ભેગા કર્યા હતા તે મૂડી તોડીને મારા સાઈકલના શોખને પોષ્યો હતો.
મારા જીવનની આ યાદગાર ભેટ આપવા બદલ હું તમારી ખૂબ ખૂબ આભારી છું.
માતા-પિતા એ ઈશ્વરે મનુષ્યને આપેલી એવી ભેટ છે જે કદાચ ન હોત તો માણસના એક સારા સંસ્કારી જીવનની કલ્પના કરવી અશક્ય હતી.
પિતાશ્રી, આપને પણ મારી સેવાની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે હું આપની સેવામાં હાજર છું. જીવનના અંત સુધી હું આપની સેવાનો મને લાભ મળે તેવી ઈચ્છા રાખું છું.
આ અમૂલ્ય જીવન અને અમૂલ્ય માતા-પિતા આપવા બદલ હું ઈશ્વરની પણ ખૂબજ આભારી છું.
~ આપની લાડલી....
જસ્મીના
17/2/2021