સપના કેરા કંકુપગલા ભૂસાયા.... Sanskruti Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના કેરા કંકુપગલા ભૂસાયા....

હું લક્ષ્મી,મારો જનમ સૌરાષ્ટ્ર ના નાનકડા ગામ ના મધ્યમ વર્ગ ના ખેડૂત નાં ઘરે થયો... હું એ ઘર નું પેહલુ સંતાન હતી એટલે મારા બાપુ રામભાઈ ને બા ગંગા બેને તો મને લક્ષ્મી નું સ્વરૂપ સમજી હોંશે હોંશે સ્વીકારી લીધી....એ પછી હું મોટી થતી ગઈ ને સમાજ નો પુત્ર પ્રેમ નો મોહ મારા બા બાપુ પર થોપાતો ગયો...
અને મારા ઘરે મારા થી ચાર નાની ઢીંગલી જેવી બહેનો આ દુનીયા માં આવી....

મારા પરિવાર એ તો ભગવાન ની આપેલી આ ભેટ ને હોંશે હોંશે વધાવી લીધી.પણ આ સમાજ એના નાના વિચારો થી મારા બા બાપુ પર એનો ભાર મુકતા રહ્યા....

હું સમજણી થઈ ત્યાં બાપુ એ મને શહેર માં રેતા મારા મામા ના ઘર એ મોકલી દીધી... જે દિવસે બાપુ મને મૂકવા આવેલા ત્યારે એ બહુ ગુસ્સે હતા એને ગુસ્સા માં બા ને એટલું કહેલુ કે આ તારા પાંચ પાંચ સાપના ભારા ને લીધે તો આ સમાજ એ મારું જીવવાનું હરામ થઈ ગયું છે.....

આ વાક્ય સાંભળ્યા પછી હું રડતી આંખે બા સામે જોઈ રહી ને બા બાપુ સામે.....મારા મન માં કેટલાય પ્રશ્નો હતા પણ હું કદાચ પૂછવા સક્ષમ નોહતી.!! એ જ રડતી આંખ, કેટલાય પ્રશ્નો, ને બાપુ પર ના અપાર ગુસ્સા સાથે હું બાપુ ને મારી નાની બે બહેનો સાથે...મારા એ ઘર નું આંગણું વટાવી ગઈ.....

આખા રસ્તે મારી અંદર કેટલાય પ્રશ્નો નું યુદ્ધ ચાલતુ રહ્યું, ઘણી વાર બાપુ ને પ્રશ્ન પૂછવાની હિંમત પણ કરી....પણ મારા સંસ્કારો થી ઉપર જઈ હું મારા મૌન ને બોલતું રાખવા સિવાઈ કંઈ જ ના કરી શકી!!

અને આટલા વિચારો માં અમે મામા નાં ઘરે પોચી ગયા....ત્યાં પોચ્યા પછી બાપુ ને મામા અલગ ઓરડા માં જઈ ક્યાંય સુધી એકબીજા સાથે સમજણ ને આનાકાની ભરી વાતો કરતા રહ્યા....ને અંત માં બાપુ એટલુ બોલ્યા કે મારો આ છેલ્લો ફેસલો છે, તુ આ ત્રણેય ને અહીંયા જ રાખીશ, મારે એનુ મારા ગામ માં કોઈ કામ નથી.....
બસ આ છેલ્લુ વાક્ય મારા દિલ માં કોરાઈ ગયું,અને એ પછી મારો બાપુ પર નો ગુસ્સો ધીરે ધીરે નફરત તરફ વળી ગયો....

દિવસો વીતતા ગયા નાની બેહનો રજા માં બા બાપુ પાસે આંટો મારી આવતી, પણ મે એ ઘર નું આંગણું વટાવ્યા પછી ફરી ક્યારેય પાછું વળીને ન જોયું...
આમ ને આમ વર્ષો વીતતા ગયા....બાપુ પ્રત્યે ની મારી નફરત અને સમાજ ના દિકરી પ્રત્યે નાં નાના વિચારો એ મને સતત હિંમત આપી ને એ હિંમત ના લીધે હું ડોક્ટર બની ગઈ.....

હું મારી આ સિદ્ધિ થી બહુ ખુશ હતી, અને મારી નાની બેહનો ને પણ હું પોતાના પગભર કરી આ સમાજ ને જવાબ આપીશ એ મારી જીદ,બસ આમને આમ મારું ભણવાનું હજુ ચાલતું હતું, ત્યાં એક દિવસ બા મામા ના ઘરે આવી...મે બા સાથે ઘણી બધી વાતો કરી....પણ મને બા નાં ચેહરા પર થોડી ચિંતા વર્તાય....મે બા ને પુછ્યુ બા શું થયું? મારા પ્રશ્ન નો બા એ તો કોઈ જવાબ નાં આપ્યો , પણ મામા બોલ્યા,કે બેટા તારા બાપુ એ કીધું છે કે હવે તારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. એટલે તારી બા ને એ કેહવા મોકલી છે કે તારા માટે એક ઘર શોધી રાખ્યું છે. છોકરો તારી જેટલું જ ભણેલો છે, અને સારો છે.
આટલુ સાંભળી હું ગુસ્સા થી લાલ પીળી થઈ ગઈ, ને બાને કહ્યું મારી હજુ લગ્ન કરવાની ઉંમર થોડી છે ? મારે અત્યારે લગ્ન નથી કરવા,અને હા બાપુ ને જઈ ને કહી દેજે કે મારી ચિંતા કરવાની એમણે કોઈ જરૂર નથી,અત્યાર સુધી મામા એ મને એની દીકરી સમજી મોટી કરી છે ભણાવી છે તો મારા જીવન નાં દરેક નિર્ણયો પણ એ જ કરશે....બા તો મારી વાત સાંભળી કંઈ નાં બોલી બસ રડતી રહી....પણ મામા એ મને સમજાવી,હું મામા નું માન રાખી માની પણ ગઈ, પરંતુ મારી કોઈ જ ઈચ્છા નોહતી ના તો બાપુ ને મળવાની ના પેલા છોકરા ને મળવાની....

મારા ગામ જતા ની સાથે જ બાપુ એ લગ્ન ની તૈયારી શરૂ કરી દીધી,અને હું પણ મામા ની વાત નું માન રાખી કોચવાતા મન સાથે એમની વાતો માનતી રહી....
થોડા દિવસો પછી છોકરા વાળા લગન નું નક્કી કરવા આવ્યા.....એ લોકો ના ગયા પછી મને બાપુ ના ચેહરા ની રેખાઓ બદલાતી દેખાઈ,પરંતુ મે બહુ ધ્યાન ના આપ્યું....

પછી હું ને બા કામે વળગ્યા ને બાપુ ખેતરે ગયા....બપોર ના ગયેલા બાપુ દિવસ આથમી ગયો છતા પાછા ના આવ્યા....એટલે બા ચિંતા કરવા લાગી,એક વાર બાજુ માં મગન કાકા ના ઘરેય જઈઆવી પણ તોય બાપુ ના આવ્યા.....એટલે ફરી મગન કાકા ને કઈ આવી કે એક વાર ખેતર આંટો મારી આવો ને તમારા ભાઈ હજુ ઘરે નથી આવ્યા....મગન કાકા ખેતર જવા તૈયાર થયા...ને બાની ચિંતા ના લીધે હું પણ સાથે ગઈ......

ખેતર પોહચી હું ને મગન કાકા બંને બાપુ ને ગોતવા લાગ્યા પણ બાપુ ખેતર માં ક્યાંય ના દેખાયા, હવે મને પણ બહુ ચિંતા થવા લાગી, છતા હું એને દૂર કરી ખેતર માં રહેલી અમારી ઝૂંપડી એ જોવા ગઈ....અને ત્યા નું દ્રશ્ય જોઈ મારા થી ચીસ નીકળી ગઈ....મારો અવાજ સાંભળી મગનકાકા પણ દોડતા દોડતા ત્યાં આવ્યા...અને એ પણ મારી જેમ સ્તબ્ધ થઈ ગયા!!! અમને બંને ને ક્યાંય સુધી તો શું કરવું કંઈ સમજ માં ના આવ્યુ....એક બાજુ ભાંગી પડેલા અમે અને એક બાજુ ઉપર લટકતો બાપુ નો મૃતદેહ.....!!!!

અમે બંને થોડા સ્વસ્થ થઈ બાપુ ને ઘરે લઈ ગયા....અને જે બાપુ અમને સાપનો ભારો સમજતા હતા એજ દિકરી ઓ એ ગામ ના રિવાજ થી લડી....દીકરા બની એના બાપુ ને કાંધ આપી.....

આમ ને આમ દુઃખ માં દિવસો પસાર થતા રહ્યા હવે,ઘર ની જવાબદારી પણ મારા ને બા ના ખભે આવી પડી....હજુ પણ મારા આ દુઃખી મન માં અસંખ્ય સવાલો હતા જે બાપુ ના આ પગલા લેવા ઉપર હતા....અને એક દિવસ આ જ બધા સવાલો ના ભારણ સાથે ખેતર ગઈ મારી અંદર ચાલતા યુદ્ધ ને ઠાલવવા.

મેં એજ ઝુંપડી માં પ્રવેશ કર્યો જ્યાં થોડા દિવસ પેહલા બાપુ એ.....!!!!!

અને મારા મન માં વિચારો નું વંટોળ જોર જોર થી ફૂકાવા લાગ્યું,એક તરફ છોકરા વાળા નાં સતત કાન માં ગુંજતા શબ્દો કે એક પુરુષ સ્ત્રી ની જેમ કમજોર કાળજું રાખી આવું પગલું ભરે,એના ઘર ની દિકરી માં તો શું સંસ્કાર હોવાના,ને એક બાજુ મારા મન માં બાપુ ને લઈ ને ચાલતા સવાલો નું વાવાઝોડુ,અને એ બધા માં હું ઝૂંપડી માં રહેલો સામાન વેર વિખેર કરવા લાગી....

અને એ સમાન માંથી મારા હાથ માં એક ડાયરી આવી.....એ ડાયરી હાથ માં લઈ હું ખૂણા માં બેસી થોડી સ્વસ્થ થઈ.....

મેં એનું પેલું પાનું ખોલ્યુ,ને એમાં શીર્ષક હતું મારા સપનાની લક્ષ્મી નાં કંકૂપગલા મંડાયા....

આ ડાયરી બાપુ ની હતી,બાપુ વધારે ભણેલા તો નોહતા પણ,સારી રીતે લખી ને વાંચી શકતા હતા.

હવે મે એ ડાયરી નાં પાનાઓ ઉથલાવવાનું શરુ કર્યું.... દરેક પાને બાપુ એ પોતાના જીવન માં બનેલા પ્રસંગ ને ભગવાન ને સંબોધી પત્ર લખ્યા હતા....

અને એ ડાયરી નો પેહલો પત્ર મારા જનમ ની ખુશી વ્યક્ત કરતો હતો....જેમાં બાપુ બહુ ખુશ જણાતા હતા...ને છેલ્લે લખ્યું હતુ

લી.
દિકરી નો ખુશનસીબ બાપ....

આવા કેટલાય પત્રો વાંચ્યા પછી....બાપુ મને જ્યારે મામા નાં ઘરે મૂકવા આવ્યા તે દિવસ નું વર્ણન કરતો પત્ર મળ્યો....એમાં બાપુ એ લખ્યું હતું,કે આજ હું ખુશ પણ છુ ને દુઃખી પણ,પરંતુ પેહલા હું મારી ખુશી ની વાત કરીશ આજ હું ખુશ છું કેમ કે આજ મે મારી દીકરી ઓ ને આ સમાજ ના દિકરી પર નાં નાના વિચારો થી દુર એની શિક્ષણ ની પાંખો થી પોતાના સપનાની પાંખો આપી શક્યો.....અને હવે મારા દુઃખી થવાનું કારણ એ કે આજ મારા 3 લાડકવાયા મારા દીકરા મારા થી ઘણા દૂર જતા રહ્યા....ને અંત માં લખ્યું
લી.
સમાજ ના રિવાજો થી જીતેલો
એક ખુશ બાપ.....
આટલું વાંચ્યા પછી મારી અંદર થી કંઈ તૂટવાનો અવાજ આવ્યો ને હતુ મારા અઢળક પ્રશ્નો થી ભરેલું મારું મગજ....હવે આગળ હું કંઈ પણ વાંચવા સક્ષમ નોહતી...છતા હિંમત કરી....

આગળ નાં દરેક પત્ર માં હવે બાપુ એ મારા ને એની વચ્ચે નાં મતભેદ વર્ણવ્યા હતા....મારી દરેક સફળતા ની ખુશી,પોતાની જવાબદારી માં છૂપાયેલી એની મજબૂરી,અને સવથિ વધારે,પોતાનો મારા પ્રત્યે નો અખુટ વહાલ જે એ મારી નફરત ના લીધે મારા ઉપર છાનાછૂપી થી વરસાવતા રહ્યા ને દરેક પત્ર માં નીચે લખતા રહ્યા
લી.
દિકરી નાં પ્રેમ માટે તરસતો બાપ

આ બધા પત્રો વાંચ્યા પછી બાપુ પર ની નફરત હવે મને મારા પોતાનાથી થવા લાગી હતી....હવે મને મારી જાત પર પ્રશ્નો થતા હતા....કે તુ આ શું કરી બેઠી?? એનું તને પોતાને પણ ભાન છે...!!

આ વિચારો માં મારી નજર ડાયરી ના છેલ્લા પત્ર પર પડી જેનું શીર્ષક હતું,મારા સપના કેરા કંકુપગલા આજે ભુસાયા....

મેં વાંચવાનું શરુ કર્યું,બાપુ નો આ પેલો અને છેલ્લો પત્ર હતો જે મને સંબોધી નો હતો...

પ્રિય દિકરી,
હું તારા જીવન નો દોશી એવો તારો પિતા, જે ક્યારેય તારા દિલ માં પોતાના માટે વ્હાલ ના કમાઈ શક્યો....
પણ, મને માફ કરજે દિકરા, મારે તને આ સમાજ ના લીધે થઈ મારાથી દૂર કરવી પડી,કેમ કે મારું સપનું હતું કે મારી દરેક દિકરી પોતાના પગભર ઊભી રહી,પોતાની પાંખો થી,આ દુનીયા નાં આકાશ ને આંબે,
એનું જીવન સુધારે,સમાજ માં પોતાનું નામ સ્થાપે,પોતાના સ્વાભિમાન માટે પોતે લડે....અને આ દિવસ માટે મે ખુબ મેહનત કરી મારી લક્ષ્મી ને તમારી સરસ્વતી પાછળ ખર્ચી નાખી....જેનો મને તલભાર પણ શોક નોહતો...!!

પણ આ બાપ હારી ગયો,દિકરી નાં દહેજ સામે,અત્યાર સુધી તો હું ખુશ હતો કે મે મારી દીકરી ને સરસ્વતી નુ કન્યાદાન કર્યું છે,એને સ્વાભિમાન અને નીડરતા નો કરિયાવર આપ્યો છે,હું ખુશ હતો કે આ સમાજ માં બોલાતા શબ્દો કે દિકરી સાપ નો ભારો છે એ વિચારો સામે જીત મેળવી છે.....પણ ના દિકરી હું ખોટો હતો!!! કે હું સમાજ સામે ની મારી આ લડાઈ માં જીતી ગયો, પણ સાચું તો એ હતુ કે તારો આ બાપ હારી ગયો,સમાજ ના વિચારો સામે, દિકરી ના લગ્ન માં એના સાસરિયા વાળા ને દહેજ આપી મારા કાળજા નાં કટકા ને વેચવા સામે...

મને માફ કરજે દિકરી કે હું તને તારા જીવન ની ખુશી ના આપી શક્યો, પણ હું મજબૂર હતો મારા હાલાતો સામે, મારી હેસિયત લક્ષ્મી ખર્ચી સરસ્વતી આપી શકાય એટલી તો હતી, પરંતુ લક્ષ્મી ખર્ચી મારી ખરી લક્ષ્મી ને વેચી શકાય એટલી નહી.....!!!

મને ખબર છે મારું આ પગલુ તમારા દરેક ના જીવન માં બહુ તુફાનો લાવશે,પણ હવે તારા આ ખડગ જેવા બાપ ની ધીરજ ખૂટી ગઈ છે, થઈ શકે તો તમે બધા મને માફ કરી દેજો,પણ હવે તારો આ બાપ તૂટી ગયો છે,સમાજ ના ત્રાસ થી, એના વિચારો થી,એની બેશરમી થી, બસ અંત માં તો એટલું જ કહીશ, કે ઘર ની મોટી દીકરી હોવાના નાતે,તુ ઘર નો દીકરો બની મારા દરેક ફરજ પુરા કરજે,અને આ સમાજ થી દબાયા વગર તારા સ્વાભિમાન સાથે જીવજે, ને તારી નાની બેહનો ને હિંમત,અને મારા સંસ્કાર આપજે....

લી.
સમાજ ના વિચારો થી
થાકી,હારી ગયેલો એક મજબૂર બાપ...

આ પત્ર વાંચ્યા પછી, બાપુ નો તે દિવસ રેખાઓ બદલાયેલો ચેહરો મારી નજર સમક્ષ ફરતો રહ્યો,ને હું ખુદ ને કોસતી રહી કે શા માટે તે દિવસે મે એક વાર બાપુ ને ના પૂછ્યું કે બાપુ તમારી મૂંઝવણ નું કારણ તમારા આ દિકરા ની જણાવી શકશો? શા માટે મે આટલા વર્ષો બાપુ ને નફરત કરી? શા માટે હું આટલો વ્હાલો પિતાનો હાથ મારા ઉપર હોવા છતા પિતાના પ્રેમ થી અળગી રહી ગઈ? શા માટે હું એક દિકરી થઈ એક પિતાનું દુઃખ ના સમજી શકી?

પરંતુ મારા આ દરેક સવાલ નો જવાબ હતો માત્ર પસ્તાવો.....!!આ ડાયરી વાંચ્યા પછી હું એને ક્યાંય સુધી મારા દિલ ની પાસે રાખી,આટલા વર્ષો આંખ માં દબાવી રાખેલા મારા આંસુ ને ઠાલવતી રહી......

અને મારા આંખ ના છેલ્લા આંસુ સાથે સંકલ્પ લીધો કે આજ પછી કોઈ પણ બાપ અને એની દિકરી નાં સપના કેરા કંકુપગલા ક્યારેય ભૂસાવા નહિ દવ..અને સમાજ ના દરેક વ્યક્તિ કે જે પોતાની દિકરી,વહુ,કે પત્ની ને પોતાની ધૂળ બરાબર સમજે છે એ દરેક ને સ્ત્રી નું જીવન માં શું મહત્વ છે અને એક સ્ત્રી જો સહનશક્તિ ની મુરત બની શકે તો એ કાળી પણ બની શકે છે.....અને એક દિકરી પોતાના અને એના પિતાના સપના જીવવા માટે એ લક્ષ્મી થી વેચાય એના સાસરિયા ના મેહણા સહન કરી પિતાનો ભાર નહિ બને પણ એ જ લક્ષ્મી થી સમાજ ના એ લોકો ને પોતાના પગ ની ધૂળ બનાવી એના જવાબો થી એમના મોં બંધ કરાવશે.....

આ વાર્તા સાથે સમાજ ના દરેક વ્યક્તિ ને એટલુ જ કેહવાનું કે કોઈ ની દિકરી ને પોતાના ઘરે લઈજતા સમયે દહેજ ,કરિયાવર અને કન્યાદાન રૂપે દિકરી નાં પિતા પાસે રૂપિયા નહિ પણ દહેજ માં એના સંસ્કારો,કરિયાવર માં એનું શિક્ષણ અને કન્યાદાન માં પિતાનો કાળજાનો ટુકડો માંગજો.... અને એ પિતાના કન્યાદાન ને રૂપિયા થી નહિ પણ એના વહાલ થી તોલજો.... અને હા છેલ્લે આટલી વાત સ્વીકાર્યા પછી કદાચ ધનની અમીરાત તો નહિ થાય પણ...આ સમાજ ની આગળ ની પેઢીમાં સંસ્કાર,સ્વાભિમાન, સમભાવના ની અમીરાત તો જરૂર થી થશે

લી.
મારા વિચારો નું બીજ રોપતી
સંસ્કૃતિ