TREE books and stories free download online pdf in Gujarati

ઝાડ....



ઝાડ........ વાર્તા.દિનેશ પરમાર 'નજર '
****************************************
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
- અનિલ જોશી

****************************************
નગરપાલિકાના સીમાડાને અડીને, ત્યાર પછીની જમીનનો નવો ડેવલોપમેન્ટ પ્લાન થોડા સમય પહેલાં જ મંજૂર થયો છે તે જામીન પરના ખુલ્લા ખેતરોથી આગળ જ્યાં જિલ્લા મથકને જોડતો રસ્તો પસાર થાય છે તેના ખૂણા પર આવેલ " સ્પર્શ વૃદ્ધાશ્રમ" ના બહાર કમ્પાઉન્ડને અડીને સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડીઓના ખડકલાથી 'સ્પર્શ વૃદ્ધાશ્રમ' જીવંત થઈ ઉઠયું હતું.
અગાઉથી નક્કી થયા પ્રમાણે આ વૃદ્ધાશ્રમના અંદર દાખલ થતા આગળની ખુલ્લી વિશાળ જગ્યામાં આજે એકવીસમી માર્ચ ના 'વિશ્વ વન દિવસ' નિમિત્તે કલેકટર કચેરી અને નગરપાલિકાની કચેરીના અધિકારીઓ તથા પદાધિકારીઓના સાનિધ્યમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બધા મહાનુભાવો હાજર હતા કલેકટર સાહેબના આવી ગયા પછી વૃદ્ધાશ્રમના મેનેજર દ્વારા બધાનું સ્વાગત કરી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો.
અગાઉથી આગળના ભાગે કમ્પાઉન્ડમાં ધારે ધારે કરેલા ખાડામાં એક પછી એક મહાનુભાવ બાજુમાં મુકેલ વૃક્ષનો છોડ મૂકી પાવડાથી માટી વાળી, પાણીના ઝારાથી પાણી છાંટતા જ બાકીના હાજર લોકો તાળીઓથી વધાવતા જતા હતા. કેમેરામેન ફટાફટ ક્લીક કર્યે જતો હતો.

છેલ્લે...આશ્રમના મેનેજરે....
થોડા સમય પહેલાં આવેલા અને સાંઈઠે પહોંચવા આવેલા બાબુલાલ ચંપકલાલ પારેખ ઉર્ફે વૈધને આગળ કરી વૃક્ષ રોપવા કહ્યું. શરૂઆતમાં આનાકાની કરી પણ કલેકટરશ્રીએ રીક્વેસ્ટ કરતા તેઓ આગળ આવ્યા અને ખાડાની બાજુમાં રહેલ લીમડાનો છોડ મૂકી માટી વળવા લાગ્યા. લોકો તાળીઓ પાડી અભિવાદન કરવા લાગ્યા, નગરપાલિકાના એક યુવાને, તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને પાવડો લઈ બાકીની માટી વળવા લાગ્યો. તેની પર પાણીનો ફુવારો છાંટી તે એક તરફ જઈ ઉભા રહી ગયા.
નગરપાલિકા દ્વારા અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ હોઈ લોકો ન્યાય આપી ધીરેધીરે રવાના થવા લાગ્યા.
ત્રણ મહિના અગાઉ પોતાના એકના એક પુત્ર સાથે બોલાચાલી થતા રાતોરાત કોઈને પણ જાણ કર્યા વગર સીધા આ વૃદ્ધાશ્રમ પર આવી ગયેલા બાબુલાલ સામેના ઝાડ નીચેના બાંકડા પર આવીને બેઠા.. તેમની આંખો જીવન-પૂર્વાધને યાદ કરતા ભરાઈ ગઈ તેઓ ભૂતકાળમાં સરી પડ્યા...

*********

બાબુલાલને બરાબર યાદ છે કે તેઓ જ્યારે નાના હતા, તેમના દાદા ધરમદાસ પારેખ ખુબ સારા આર્યુવેદના જાણકાર હતા. ગામના ઘણાં લોકો તેમની પાસે દવા લેવા આવતા, તેઓ આપણા દેશના મૂલ્યવાન વૃક્ષ અને છોડ વિશે લોકોને સમઝ આપતા અને તેઓના રોગની દવા કરતા. તેઓ પોતાના રૂમમાં લાકડાના ઘોડા પર રાખેલી જડીબુટ્ટી, પાઉડર ઉકાળા વિગેરે આપતા. બાબુલાલ દાદા પાસે બેસીને તેમની વાતો ધ્યાનથી સાંભળતા.
પાંચમા ધોરણમાં હતા ત્યારે દાદાએ બાબુલાલની વર્ષગાંઠના દિવસે પોતાના ઘરે આંગણમાં તેના હાથે કમ્પાઉન્ડ દિવાલને અડીને લીમડાનો છોડ રોપાવેલો અને કહ્યું, " બાબુ આ આજથી તારો મિત્ર, એ તને દુઃખી નહીં કરે ઊલટાનું તે તારા દુઃખમાં મદદ કરશે."
"દાદા એ કેવી રીતે મિત્ર? આ તો ઝાડ થશે તે મારી સાથે વાત કરશે?" કુતૂહલવશ બાબુલાલ બોલ્યા.
"અરે બેટા, તારી સાથે રમતા ભણતા મિત્રો તો સમય આવ્યે છોડી પણ જશે... પરંતુ આ.. તો કાયમ તે અને તું જીવતા રહેશો ત્યાં સુધી સાથે રહેશો. "
સહેજ અટકી દાદા બોલેલા," આ મોટું થયા બાદ તને હિચકા ખવડાવશે, તું ગરમીમાં કંટાળીશ ત્યારે તે છાંયડાની ઠંડક આપશે. તે હવા શુધ્ધ કરશે. તેનું દાતણ તુ જીંદગીભર કરીશ તો ક્યારેક દાંતની તકલીફ નૈ થાય. હજુ એટલા બધા ગુણથી તે તારી મદદ કરશે કે ના પુછો વાત. "
પછી તો બાબુલાલ સમય સમય પર તેને પાણી પીવડાવતા, તેની એક મિત્રની જેમ કાળજી લેતા, સ્કુલે જતા સમયે જાણે તે સાંભળતો હોય તેમ " આવજે.... સાંજે મળીએ છે." તો સ્કુલેથી આવતા," દોસ્ત આવી ગયો છું. મઝામાં...? "જેવી વાતો કરતા.
સમય જતા તે છોડ ઘટાટોપ લીલાછમ વૃક્ષમાં ફેરવાઈ ગયો.
ઉનાળામાં રાત્રે તેનો ઠંડા પવનની લહેરો , તો દિવસે ગરમીમાં તેની નીચે જ્યારે ઠંડકની આહ્લાદકતા અનુભવતા વળી, ચૈત્ર માસમાં તેના મૉરનું સેવન કરતા અને દાતણ તો રોજ....
પણ... બાબુલાલ પાનખર ઋતુમાં લીમડાની પર્ણવિહીન હાલત જોઈ દુઃખી દુઃખી થઈ જતા.
તેના થડ પર હાથ ફેરવી વ્હાલ કરતા અને તેની સાથે વાતો કરતા, " બહુ તકલીફ પડે છે દોસ્ત?"
પણ... જેવો તે કૂણાં લાલાશ પાડતા, નવ પલ્લવથી શોભી ઉઠતો.. બાબુભાઈ ના ચહેરા પર રોનક આવી જતી.

*********

સમય તો વહેતો રહેતો હોય છે... પોતાની ગતિમાં...
સમયાંતરે દાદા ગુજરી ગયા, બાબુલાલ લગ્ન કરી ઘરે આવ્યા ત્યારે પત્ની રમિલાને લીમડો બતાવી કહે, "આ મારો નાનપણનો સારો અને સાચો દોસ્ત...."
પત્ની પણ એક નિર્દોષ અને નિર્વ્યસની માણસ, પતિ તરીકે મળ્યાનો સંતોષ અનુભવતી હતી.
કાળક્રમે બાબુલાલના પિતા ચંપકલાલ અને માતા જમનાબેન પણ દેવલોક પામ્યા. અને એક દીકરાની ભેટ આપી તેમની પત્ની પણ ટૂંકી બીમારીમાં મોટા ગામતરે ઉપડી ગયા.
હવે દીકરા કપિલને ભણાવવા અને ઉછેરવાનું કામ બાબુલાલના માથે આવી પડયું. તેઓ નગર વચ્ચેના મોટા બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મારવાડીની કરિયાણાની દુકાનમાં વર્ષોથી નોકરી કરતા હતા. એમ એમનું જીવન ગુજરાન ચાલતું હતું.
પ્રાઈવેટ નોકરીના કારણે બાબુલાલ પુરતું ધ્યાન કપિલના અભ્યાસમાં આપી નહોતા શકતા. તેના કારણે અને માંની છત્રછાયા વગર કપિલ ઝાઝું ઉકાળી ન શક્યો.
તે માંડ એસ એસ સી બે ટ્રાયલથી પાસ કરતા , બાબુલાલે તેમના સમાજમાં કપિલને પરણાવી દીધો.
હવે બાબુલાલની પણ ઉંમર થઈ હોઈ, તે પોતાની સાથે કપિલને મોટા બજારમાં બીજી દુકાનમાં નોકરી માટે લઈ જતા હતા.
કપિલની પત્ની વિમળા જબરી હતી. તેને નવા નવા કપડાં અને બ્યુટીપાર્લરનો શોખ હતો. કપિલનો પગાર મર્યાદિત હોઈ તે કપિલને પાડોશીની જેમ દુકાન કરવા વારંવાર દબાણ કરતી હતી.

*********
બાબુલાલનું વડીલોપાર્જિત બેઠાઘાટનું મકાન સોસાયટીમાં બહારના ભાગે પાલિકાના પાકા રસ્તા પર પડતું હતું. તેમની બાજુમાં રહેતા ઠાકોરલાલ રૂપાલાને પણ તેવીજ સિચ્યુએશન હતી.
ઠાકોરલાલના દીકરા પ્રવિણે તેમના મકાનના આગળના ભાગની વરંડાની જગ્યા પર કાટખૂણે દિવાલ કરી ઉપર પતરાં નાખી રોલિંગ શટર નાખી, દૂધ અને દૂધની બનાવટો, કોલ્ડ ડ્રિન્ક, વિગેરેની દુકાન કરી હતી.
કપિલની પત્ની વિમળા ત્યાં સતત રહેતી ઘરાકીને જોયા કરતી ને જીવબાળતી.
તે પોતે પણ આવી આગળના ભાગે દુકાન કરવા કપિલને સતત ચઢાવવાને કારણે એક દિવસ કંટાળી રાત્રે જમવા બેઠા ત્યારે પોતે આગળના ભાગે દુકાન કરવા માંગે છે.તેમ ચર્ચા કરતા પ્રથમતો બાબુલાલે ખાતા ખાતા હા તો પાડી.
" પણ બાપુજી ત્યાં નવી દુકાન કરવા માટે જૂના લીમડાને દૂર કરવો પડશે" એવું જ્યારે કપિલ બોલ્યો ત્યારે બાબુલાલનો હાથ ખાતા ખાતા હવામાં અટકી ગયો.
પરિસ્થિતીનો ખ્યાલ આવતા જાણે કોઈએ જાણ બહાર ખેંચીને ગાલ પર તમાચો મારી દીધો હોય અને જે ચચરાટ થાય તેવો ચચરાટ તેમના હ્રદયમાં વ્યાપી ગયો.
તેઓ ગુસ્સામાં બોલી ઉઠયા," તું આ શું બોલે છે ભાન પડે છે? તે ઝાડ ફ્કત લીમડો નથી આપણા ઘરનું સભ્ય છે."
"બાપુજી એ તમારા જુનવાણી વિચારો છે. જરૂર પડે તો દૂર કરવામાં શું વાંધો છે? આપણું જીવન એ થોડો ચાલવી આપે છે?" કપિલે સ્હેજ ઉંચા અવાજે સામે દલીલ કરી.
વળી પત્નીએ ફૂલ ચાવી ભરી હતી એટલે આગળ બોલ્યો, " તમે તો આખી જિન્દગી બીજાની દુકાનમાં ઢસરડા કરી વિતાવી પણ, મારાથી આ ગધ્ધાવૈતરું નહીં થાય તમે હા પાડો તો ઠીક ના પાડશો તો પણ હું દુકાન કરવાનો છું. " કટાણું મોં કરી કપીલ બોલ્યો.
એકના એક જડપુત્રની આવી વાત સાંભળી બાબુલાલ થાળી અધૂરી મૂકી ઉભા થઈ ગયા અને પગ પછાડી પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
તે રાત્રે જ બાબુલાલે ઘર છોડવાનો નિર્ણય કર્યો. અડધી રાત્રે તેઓ બહાર આવ્યા, લીમડા પાસે ગયા અને પોતાના બાળ સખા ને બાઝીને ખુબ રોયા," દોસ્ત તારુ કમોત નહીં જોવાય, મને માફ કરી દેજે." કહી પાછું વળીને જોયા વગર તેઓ જગતની તે દિવસની પોતાના માટેની ગોઝારી કાળી ડીબાંગ રાતમાં કાયમને માટે દૂર દૂર ચાલ્યા ગયા...

************
વૃક્ષારોપણના બીજે દિવસે સવારે વહેલા ' વૃદ્ધાશ્રમ'ની પ્રાર્થનામાં અને સવારના નાસ્તામાં બાબુલાલની ગેરહાજરીની વડીલો અને મેનેજરે નોંધ લીધી. પરંતુ તેઓ નિયમિત દસ વાગે વગર ચૂક્યે લોકો સાથે સત્સંગ કરવા જે બાંકડે આવીને બેસતાં તે પણ આજે ખાલી જોઈ મેનેજર અને બે વડીલ ચિંતા કરતા તેમના રૂમ પર ગયા, બૂમ પાડી પણ ઉત્તર ના મળતાં સાંકળ ખખડાવી.
જોયું તો બારણું આડસ સાથે ખુલ્લું હતું.
બાબુલાલ કાયમ માટે આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા.

**********

આજથી ત્રણેક મહિના અગાઉ દુકાન બનાવવા માટે કાપેલા લીમડાના થડિયાને સારા એવા પૈસામાં વેચી નાખનાર કપિલે કદાચ એજ પૈસાથી મરણ-નોંધની જાહેરાત છાપામાં આપેલ...
તેનું લખાણ આ મુજબ હતું.
મરણ-નોંધ ......
-------------------------
ખૂબજ દુઃખ સાથે જણાવવાનું કે અમારા પિતાજી સ્વ. બાબુલાલ ચંપકલાલ વૈધનું ગઈકાલ એકવીસમી માર્ચના રોજ દેહાવસાન થયેલ છે.
અમે ફક્ત પિતાજી જ નહીં પરંતુ એક વિશાળ ઝાડની છાંયા ગુમાવી નિરાધાર બન્યા છે.
ઈશ્વરને ગમ્યું તે ખરું...
લી.
તેમનો પુત્ર.
કપિલ બાબુલાલ વૈધ
ફર્મ - ( જૂના લીમડાની દુકાનવાળા)

*****************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED