શિક્ષકત્વ ની માનવતા ભાગ ૧
“જાગુ બહેન, જયશ્રી ક્રુષ્ણ , રાધે રાધે..” હસતાં હસતાં અમારા ચોથા વર્ગના કર્મચારી આનંદભાઈ આ રીતે સંબોધન કરે એટલે સમજી લેવાનું કે એ પછી નું વાકય હશે કે “ ચલો બુલવા આયા હૈ” અને અમે સમજી જઈએ કે ટ્રસ્ટી, આચાર્ય કે વહીવટી વિભાગમાં અમને કોઈ કામ માટે બોલાવવામાં આવ્યા છે!! એ જ આદત મુજબ આજે આનંદભાઈ એ એમના મજાકીયા મૂડમાં પણ જરા પારિવારિક ચિંતાથી મને કહ્યું કે “વાર્ષિક નિરીક્ષણ કરવા આવેલ સાહેબ આજે કેમ વારે વારે તમારા નામની જ લોટરી (મજાકમાં એ એમ કહેતા )કેમ કાઢે છે? તમને બોલાવવા મારે આજે પાચમી વાર આવવું પડ્યું છે !!” તો આ બાજુ અમારા વહીવટી વડાએ આચાર્યને કહ્યું, “ખબર નહીં આ વખતે આ નિરીક્ષક સાહેબને શું થયું કે એ વારે વારે જાગૃતિ બહેનનું કામ જોઈને એમની નહીં જેવી ભૂલો કાઢી એમને જ બોલાવે છે? આમ જોવા જઈએ તો જાગૃતિ બહેનનું કામ કોઈ દિવસ ભૂલ ભરેલ હોય નહીં અને આજે સાહેબ જે ભૂલો બતાવે છે એ ખરેખર કોઈ ભૂલ હોય એવું મને લાગતું નથી !!” ત્યારે આચાર્યને પણ નવાઈ લાગી કે, “આજે વાર્ષિક નિરીક્ષણમાં આવેલ ટીમ દ્વારા કઈક અલગ પ્રકારનું નિરીક્ષણ કરી કેમ થઈ રહ્યું છે?”
વાત જાણે એમ હતી કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વાર આવતું શાળા વાર્ષિક નિરીક્ષણ અંતર્ગત ટિમ સવારથી આવી પહોચી હતી. છેલ્લા ઘણા દિવસોની બધી તૈયારી બાદ આચાર્ય અને વહીવટી વડા નિશ્ચિંત હતા કે અમારી શાળા કે શિક્ષકો અને પ્રવૃતિઑ તો બીજી શાળામાં ઉદાહરણ રૂપ હોય, ને વહીવટી કાર્યમાં પણ ક્યારે પણ કોઈ કચાશ રહે નહીં એટલે વાર્ષિક નિરીક્ષણમાં કયાંય કોઈ પ્રશ્ન નડતો ના હોય.ને આજે આવું કેમ બન્યું ?
અને મારા અનુભવ મુજબ દર વર્ષે ગણિત વિજ્ઞાન શિક્ષિકા હોવાને નાતે નિરીક્ષક ટીમના કોઈ પણ સભ્ય મારા તાસમાં જરૂરથી આવે. ગમે તે શિક્ષકના તાસમાં આવે પણ અમારી શાળાના કાયમના નિયમ મુજબ દરરોજ અમારા સહુના તાસમાં નોંધપોથીમાં નોંધાયા મુજબના જ મુદ્દાઓ વ્યવસ્થિત ચાલતા હોય એટલે અમને તો કઈ ગભરાહટ કે ચિંતા ન હોય. એ મુજબ મારા તાસમાં આવેલ આ સાહેબે કોઈ જ સૂચન નહોતું કર્યું. ગણિતના તાસમાં દાખલાઓ અને વિજ્ઞાનના તાસમાં યોગ્ય પ્રયોગ સાથેનું મારૂ સંતોષકારક શિક્ષણ કાર્ય એમના માટે મારો દોષ ન શોધી શકવાના અસંતોષ રૂપ બની રહ્યું!
અમુક શાળાઓમાં બનતું હોય એવું કે નિરીક્ષણ ના દિવસે શિક્ષકો ચિંતામાં હોય ને આગલા દિવસે બાળકોને સૂચન આપતા હોય કે વ્યવસ્થિત રહેજો, શાંતિથી બેસજો, નોટ પૂરી કરી લાવજો. એ સાથે નિરીક્ષણ ના દિવસે બિલકુલ બી.એડ. માં ભણતા તાલીમાર્થી જેમ ખૂબ જ આયોજન પૂર્વક ને મુદ્દાસર ભણવાય.! ત્યાના બાળકો પાસે સાંભળ્યુ હોય કે બહેન રોજ આ મોટા સાહેબ આવતા હોય તો કેવું સારું. અમારા સર કે બહેન આ દિવસે કેટલું સરસ ભણાવે છે ? !! બહુ કડવી પણ અનુભવ આધારિત સત્ય હકીકત કહું છુ.
પણ હું નસીબદાર છુ કે બહુ સારી શાળામાં શિક્ષક છુ કે જ્યાં રોજ આયોજન બધ્ધ જ કામ થાય. એટલે મને કોઈ ચિંતા નહોતી, પણ આ સાહેબને શું પેટમાં દુખતું હતું એ સમજાતું નહોતું...ખેર અગાઉ કહ્યું એમ મારી સત્યનીતિ અને કર્મ નિષ્ઠાને પરિણામે મને કોઈ આંચ આવતી નથી... એ મુજબ આજે પણ મારો ખાસ કોઈ મોટો દોષ હાથ ન લાગ્યા ના અસંતોષ સાથે આ સાહેબશ્રીને કામ પૂરું કરવું પડ્યું.
એમના ગયા પછી મે મિત્રોને એમનું નામ પૂછ્યુ ને કહ્યું કે એ સાહેબ કોણ હતા ? એક મિત્રએ કહ્યું કે એ ફલાણા સાહેબ હતા અને એમની દીકરી તારા વર્ગ માં જછે. તું ઓળખતી નથી ?મે આશ્ચર્ય સાથે પૂછ્યુ : શું નામ છે એનું ? મિત્ર એ કહ્યું કે નામ નથી ખબર પણ તું એને સારી રીતે ઓળખે છે..હવે નવાઈ પામવાનો વારો મારો હતો એ મિત્રએ કહ્યું કે “તારા વર્ગમાં મંત્રીની ચુંટણીમાં રિધ્ધિ ઊભી હતી પણ ચૂંટાઈ નહીં અને બીજું કે વર્ગમાં રિધ્ધિ ગણિતનું ગૃહકાર્ય નહોતી લાવી ને તે એના પાપને બોલાવવાનું કહ્યું હશે ને એ ન આવ્યા તો તું રિધ્ધિને વઢી હશે અને તે એને કહ્યું હશે કઈક એ વાતનું વેર વાળ્યું આના પાપા આજે તારા પર !!”
( ક્રમશ:)