My 20years journey as Role of an Educator - 31 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૧

(30નો ભાગ 2)

( ગતાંકથી ચાલુ )

મારે આ હપ્તો લખવા પાછળનો હેતુ બે છે એક કે વાલીઓ માટે અને એ પણ દીકરીઓના એવા વાલી કે જે અતિ લાડને કારણે, પોતે જ એમની દીકરીના ખરાબ ભવિષ્યના નિર્માણના અધિકારી બની જાય છે !! ( બહુ જ અનુભવ યુક્ત અને સમજ પૂર્વકનું આ વાક્ય છે! )એની વાત કરવી છે.... કે સાથે બીજું કારણ, આવા આચાર્યને સલામ સાથે બીજા નેતાઓ માટે પ્રેરણારૂપ બને એટલે અહી આ વાત લખું છુ કે પોતાના શિક્ષકમાં પૂરો વિશ્વાસ હોવાને કારણે આટલા દિવસ મારા બદલે તેઓ(તેમના પતિ પણ) દંપતી આ વાલીશ્રીનો ત્રાસ સહન કરતાં રહ્યા!! ને સાચું સમજાવવાની કોશિશ કરતાં રહ્યા !!

હવે ચાંદની સાથે કઈ રીતે વાત કરવી એ મનોમંથન કરતી ઓફિસની બહાર નીકળી. બીજા દિવસે એ જ વર્ગની એની મિત્ર પાસે સાચી હકીકત જાણવાની કોશિશ કરતાં જણાયું કે મારૂ અનુમાન સાચું જ હતું.પાપા પાસે પોતાની ભૂલ છુપાવવા આ દીકરી ખોટું બોલી હતી. પણ એ તો નાની તરૂણી ! એ નહોતી જાણતી કે આટલો મોટો ઇશ્યૂ બની જશે. એની મિત્ર એ મને જણાવ્યુ કે એનો પગ દુખે છે એ સાચું પણ એટલો બધો નથી દુખતો કે એ નીચે ન બેસી શકે ... એણે મને આ વાત કહીને કહ્યું કે તું કોઈને કહેતી નહીં પણ હું પાપાને આવું બહાનું બતાવવાની છુ ત્યારે મે ને ખોટું ન બોલવા સમજાવી હતી ..પણ એ ન માની એટલે હું તમને આ વાત કહેવાની જ હતી કેમકે મારી મિત્ર ખોટું બોલે એ સારું ન કહેવાય ને ? ને બહેન તમે જ શીખવ્યું છે ને કે હમેશ સાચું બોલવું ? હું ખુશ એ વાતે હતી કે આ દીકરીએ મારી વાત કેટલી સારી રીતે સમજીને ઉતારી છે ને ચિંતિત એટલી જ હતી કે એની જ મિત્ર આ વાત ન અપનાવી શકી! મે એ દીકરીને ધન્યવાદ આપી અમારી વચેની વાત ખાનગી રાખવાના પ્રોમિસ સાથે વર્ગમાં મોકલી આપી.

મે ચાંદનીને રિસેસમાં મળવા બોલાવી,તો એ ડરતી, ગભરાતી આવીને કહે બહેન મે મારા પાપાને સમજાવ્યું પણ માનતા જ નથી. હું માફી માગું છુ બહેન સાચી હકીકત જાણવા છતાં મે કહ્યું: નહીં બેટા,હું તમારી માફી માંગુ છુ, કે મારા કારણે તમને તકલીફ થઈ. મૂળ વાત એ છે કે તમે મને જણાવો નહીં તો મને કેમ ખબર પડે કે તમે કોઈ તકલીફ માં છો? તમે જો એમ કહ્યું હોત કે નીચે બેસવામાં મને તકલીફ પડે છે તો હું તમને નીચે ન જ બેસડું ને? ચાંદનીની મોટી ભોળી આંખોમાં આંસુ આવી ગયા. રૂપાળી દીકરી ની ચહેરો લાલ થઈ ગયો ને મને કહેવા લાગી કે, બહેન તમે માફી ન માગો સાચું કહું છુ મારો જ વાંક છે. આખરે એણે નિખાલસતા સાથે સાચું કારણકહી, પોતે ખોટું બોલી હતી એ કબૂલ્યું !! એ કહે, બેન મારા પાપા કહેતા હતા કે કોઈ મોટી ઓફિસમાં તમારી ફરિયાદ કરવાના છે. બહેન મને બહુ ડર લાગે છે. પણ હું પાપાને સાચું નહીં કહી શકું તમારી પાસે સાચું બોલી શકી કે મે જ ખોટી રજૂઆત કરી હતી. !! બેન તમે કહેતા હતા ને કે જે સાચું બોલે તો કુદરત મદદ જરૂર કરે? તો હવે કુદરતી શાંતિ થઈ જશે ને ?” બસ, મારે તો આટલું જ જોઈતું હતું. બસ મને મારી કેળવણીની જીત દેખાઈ. ખૂબ જ પ્રેમથી મે એના આંસુ લૂછયા ને કહ્યું : મારી દીકરી સાચું બોલે એ જ મારૂ મોટું ઈનામ. હવે પાપાને જે કરવું હોય એ ભલે કરે. એમ સાંત્વન આપીને તેની સાથે થોડી હળવી વાતો કરી.

હકીકત એવીહતી કે ગણિત વિષય નાનપણથી એની કચાશ હતી ને અગાઉની શાળામાં પાપાની લાગવગ થી ( પદ ને સત્તાના જોહુકમીથી) એ એમ જ પાસ થતી આવી. એટલે અહી આવ્યા પછી અઘરું પડ્યું !! એટલે હવે જો અહી ઓછા ગુણ આવે તો અગાઉની જેમ વધારી શકાય નહીં એ ખબર હતી, ને પાપાને પ્રોમિસ આપ્યું હતું કે તે મહેનત કરશે પણ એ પોતાની આળસ અને આદતના જોરે પ્રોમિસ પાળી શકી,પરિણામે પોતાની ભૂલ કે લેશન ન કર્યું એ છુપાવવા પાપા પાસે ઊંધી ને ખોટી રજૂઆત કરી કે જેથી જો હું એના પાપા પાસે એની ફરિયાડ કરું તો એ મને જ ખોટા ગણી એમની દીકરીને ન વઢે!! આટલી વાતનો મોટો ઇશ્યૂ થશે એ નિર્દોષ તરૂણીને ક્યાં ખબર હતી? મોટા ભાગના આવા ઘણા પ્રશ્નો આપણે સહુ અનુભવતા જ હોઈએ છીએ

ને અગાઉના કિસ્સામાં કહ્યું એમ આગમાં ઘી હોમવા તૈયાર આપણી જ આસપાસના (કહેવાતા)મિત્રો તૈયાર હોય જ ! એના પિતાને ખોટી રીતે ચડાવવામા આવ્યા,પરિણામે તો ઘણું બન્યું એના પાપા એ પોતાના અહમને સંતોષવા શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી, મને અને મારી સાથે આચાર્ય અને શાળાને તકલીફ આપવાની કોશિશ કરી..પણ સત્ય મૌન હથિયાર પણ ધારદાર છે, જે મારો કાયમનો અનુભવ છે. એ મુજબ હું ચૂપ જ રહી, ઓફિસમાં અને ગાંધીનગર ઓફિસમાં પણ વગદાર વાલીશ્રીની વગ આ સમયે કામ ન આવી. કેમકે મારી સત્ય પ્રિયતા અને પ્રમાણિક્તા સાથે બાળ દેવો ભવની મારી ભાવના આખા શિક્ષણ જગતમાં સહુ કોઈ જાણતા હતા ( એક સ્પષ્ટતા જરૂરી કે આ સમયે હજુ હું રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા નહોતી એટલે એ રીતે મને કોઈ નહોતું જાણતું, પણ મારૂ ઉજ્જવળ શિક્ષકત્વ સહુ જાણતા હતા ) પરિણામે એમનો અહમ ન સંતોષતા એ છંછેડાઈને રહ્યા ને બીજો મોકો શોધવા લાગ્યા.

દરમ્યાન મારી અને ચાંદનીની દોસ્તી મજબૂત બની હવે એ મારી પાસે દાખલા શીખવા આવવા લાગી, હું સભાનતા પૂર્વક એની ક્ષમતા મુજબ એને હું શીખવવા લાગી,સાથે ઘરની વાતો પણ જાણવા લાગી એ મુજબ એ ખૂબ લાડકી હતી, ને પાપા એનો પડ્યો બોલ ઝીલતા. જેના અતિ પ્રેમને લીધે એ ક્યારેક પાપા પાસે ખોટું બોલી લેતી એ પણ ચાંદનીએ જ મને જણાવ્યુ!! ત્યારે હું અભ્યાસ સાથે આ વાત પણ એનામાં સુધારવની કોશિશ કરતી રહી. ભવિષ્યમાં આ આદત કેટલો મોટો ખતરો બની રહેશે એની મને બીક હતી. પણ હું મારી પરિસ્થિતી મુજબ તેને અસત્યથી દૂર રહેવા પ્રેરતી રહી. મારા અંદેશા મુજબ જ પાયો સાવ કાચો હોવાને લીધે એ ગણિતમાં પાસ ન થઈ દશમાં ધોરણનું વર્ષ એનું એળે જવાનું હતું જ એવું મને ખબર જ હતી! પણ તે છતાં મારા પ્રયત્નો એવ રહ્યા કે કદાચ એ પાસ થવા જેટલા ગુણ મેળવી જાય, પણ અફસોસ!! કે એ પાસ ન થઈ અને એના વાલીશ્રીને વધુ એક મોકો મળી ગયો – મારી વિરુદ્ધ ફરિયાદ કરવાનો !!

દશમાં ધોરણના ગુણ પત્રકો બધાને આપી દીધા પછી જોયું તો ચાંદનીનું ગુણ પત્રક બાકી હતું. સ્વાભાવિક છે કે શરમને કારણે લેવા નહોતી આવી. મારે તો વેકેશન હતું એટલે શાળામાં બાકીના પત્રકો જમા કરાવી , હું બહારગામ નીકળી ગઈ હતી.ફરી એ વગદાર વાલીશ્રી આચાર્ય બહેનશ્રીને ફરિયાદ કરવા આવી પહોચ્યા.પણ આચાર્યએ એમને શાંતિથી સમજવ્યું કે અમારા કોઈ શિક્ષક કોઈ વિધ્યાર્થી પ્રત્યે પક્ષપાત કદી ન રાખે. ને આમ પણ હવે આ ભાઈને ખબર હતી કે આચાર્ય ભલે તેમના કુટુંબના ખૂબ સારા મિત્ર હોવા છતાં ખોટી વાત તો નહીં જ સ્વીકારે એટલે એ પહોચ્યા શિક્ષણ ઓફિસે !! અહી પણ ન ચાલ્યું ને પછી ત્યાથી ગુણ પત્રક લઈને ગાંધીનગર ઓફિસે જ પહોચી ગયા ને એમની વગના જોરે શિક્ષણના ઉચ્ચ અધિકારીને રૂબરૂ મળી વાત કરી ને કહ્યું કે મારી દીકરી પ્રત્યે એના શિક્ષકે પૂર્વગ્રહ રાખ્યો છે અને એટલે મારી દીકરી નાપાસ થઈ છે તો મારે એમના વિરુધ્ધ ફરિયાદ નોંધાવવી છે. ને બીજું અગાઉ કર્યું હતું એમ પૈસા કે સત્તાની જોરે દીકરીને પાસ કરાવવાના પ્રયત્ન કર્યા પણ બોર્ડ પરીક્ષામાં તો આ શકી જ નહોતું !!

મૂળ વાત એવી બની કે આ વર્ષે એવું હતું કે 30 ગુણ શાળા તરફથી આંતરિક ગુણ તરીકે આપવામાં આવતા અને 70 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લઈ એ બેનાં કુલ 100 ગુણ ગણાતા. અહી ચાંદનીને મે આંતરિક ગુણ યોગ્ય જ આપ્યા હતા, પણ 30 માથી મે આપેલ આંતરિક ગુણ કરતાં પણ 70 માંથી તેણે મેળવેલ ગુણ ખૂબ ઓછા હતા. જે જોઈને ગાંધીનગરના શિક્ષણના ઉચ્ચ અધિકારી ગુણપત્રક જોઈ નવાઈ પામ્યા અને મારા વખાણ કરતાં બોલ્યા કે ભાઈ આવું મૂર્ખામીનું કામ ન કરતાં .. બહેને તો બરાબર જ ગુણ આપ્યા છે પણ આપની દીકરી જ ગણિતમાં નબળી છે એ સાબિત થાય છે!! હવે વગદાર વાલીશ્રી શરમાયા... જે વાત અહીની ઓફિસમાં કહવામાં આવી હતી એ જ ત્યાં કહેવામા આવી. એટલે વિલા મોએ પાછા આવ્યા ને આચાર્ય બહેનને કહે કે તમારી વાત બિલકુલ સાચી છે. હવે તમે જ ઉપાય બતાવો કે હું શું કરું ?બહેને સમજવ્યું કે તમારી દીકરી પ્રત્યેની આ અતિ પ્રેમ એના માટે ઝેર બની જશે. સાચી કેળવણી આપી, યોગ્ય રીતે એણે તૈયાર કરો. એમાંથી કેટલું સમજ્યા એ તો ખબર નહીં, પણ પછી થી એ શાળામાં ન દેખાયા..શાળા અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં ગયેલી એ દીકરી વિશે જાણવા મળ્યું કે હવે એ પોતાના પ્રિય પપ્પા ના આંધળા પ્રેમ નો લાભ લઇ એમની આખે અસત્યની પટ્ટી બાંધી, ખોટા મિત્ર વર્તુળના ગેરમાર્ગે વળી ગઈ છે !!! ( વો તો હોના હી થા ! ! જેનો મને ડર હતો જ !)

અહી સમાજ માટે પ્રશ્ન એ છે (મારી મનોવ્યથા ) કે શું ઓછું ભણેલા લોકો કે જેમને શિક્ષણના નિયમોની કોઈ ખબર જ નથી હોતી તે લોકો શું આપણને એવું શિક્ષણ શીખવવા મજબૂર કરતાં રહેશે કે જ્યાં પૈસા, પદ, સત્તાના જોરે સત્ય અને પ્રમાણિકતાને કોઈ સ્થાન જ નથી ? તો શું એ રાજકારણના હાથા બની શિક્ષકત્વ આવા અપમાનો સહન કરતાં જ રહેશે ? ક્યાં સુધી ? આ તો સારું કે હું (મારી સત્યતા ને કારણે ) મજબૂત બની ટકી રહી ને સારા આચાર્ય અને ટ્રસ્ટીમંડળનો મને સહયોગ મળ્યો કે જેથી મારી સત્યતા અને પ્રમાણિકતાને આંચ ન આવી ? કેટલાક કહેવાતા સારા શિક્ષકો પણ એ વાલીશ્રીની મદદે રહ્યા !!શું શિક્ષક કોઈ ખોટી વાતને મદદ કરી શકે ? એ પણ માત્ર આંતરિક અહમને પોષવા અને સારા શિક્ષકની લીટી ભૂસીને ટૂકી કરી, અસત્ય ના જોરે પોતાની મોટી કરે એ શું શિક્ષક કહેવાય ? અને જો કહેવાય તો એ કેવા ભવિષ્યનું નિર્માણ કરશે ? પણ જરૂર કહી શકું કે હજુ ણી જગ્યા એ આવું બની રહ્યું છે જ.. શું ઉતમ ભાવિ નાગરિક તૈયાર કરનાર સાચા શિક્ષક ની ઉતમતા જળવાઈ રહેશે ? આજની પેઢીમાં નૈતિકતાના મૂલ્યો કેળવનાર શિક્ષક કે શાળા કેટલી ? ને એમાંથી પણ એ કેટલા સુરક્ષિત ? અને જો આનો જવાબ ન આપી શકો તો હવે શિક્ષક પાસે ઉતમ નાગરિક તૈયાર કરશે એવી અપેક્ષા પણ છોડી દેવી !! એ સાથે બહુ કડવી પણ સત્ય હકીકત કહું છુ કે દરેક વાલીએ પોતાના સંતાનને પ્રેમ જરૂર કરવો પણ આખ ખુલ્લી રાખીને જ કરવો કેમકે આંખે પટ્ટી બાંધીને માત્ર અદાલતમા ન્યાય થાય પણ સંતાનને પ્રેમ તો આખ ખુલ્લી રાખી જ કરવો!! કે જેથી કરીને અજાણતા પણ તમે તમારા જ સંતાનના સુંદર ભાવિના નિર્માણ કર્તાને બદલે ખુદ વહાલા સંતનના ઉજ્જવળ જીવનના વિધ્વંશકર્તા ન બની જાઓ!!!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED