Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૯ (૨૮(૨)


તોફાનીઓ નો વર્ગ કે પ્રતિભાશાળી નો ??

સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં આ રીતે ભાગ લેતા લેતા સૌ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પણ વધ્યો અને મારા પ્રત્યે ના પ્રેમમાં પણ અનેક ગણો વધારો થતાં મારી વાતો ને હવે વધુ ધ્યાનથી અમલ કરતા થયા.ત્યાં મારો જન્મદિન આવ્યો...સાંજે કેક લઇને સહુ મારા ઘરે આવી,મને મોટી સરપ્રાઇઝ આપી.ખુશી થી મારી આંખોમાં આંસુ આવ્યા ને મે ફરી એક દાવ અજમાવ્યો ને કહ્યું કે શું તમે મને જન્મદિવસની કોઈ ભેટ નહિ આપો ? ત્યારે તે સહુએ કહ્યું કે બહેન આગલા વર્ષની વિધ્યાર્થિનીઓએ અમને કહ્યું હતું કે એમને તમારા માટે લીધેલ ગિફ્ટ તમે નહોતી લીધી ને એ પાછી આપીને એ પૈસા માંથી તમે ગરીબ અનાથ બાળકોને જરૂરી વસ્તુઓ અપાવી હતી.તો અમે પણ આવું જ કઈક આયોજન કરીને આવ્યા છીએ, ચાલો તમે અમારી સાથે..હું તો આનંદથી ભાવ વિભોર બની તેમની સાથે ગઈ, અનાથ બાળકો સાથે કેક કાપી, તે સહુને અમે કેક અન નાસ્તો ખવડાવ્યો!

પછી મે એ સહુને કહ્યું કે મને મારા જન્મદિને તમારા સહુ તરફથી ભેટ રૂપે એક પ્રોમિસ આપો કે હું તમને જે નવી ચેલેન્જ આપું તે તમે સ્વીકારશો ? સ્વાભાવિક પણે દરેકની હા જ હોવાની.. તેમના ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોઈને મને ખૂબ મજા આવી. મે કહ્યું કે બસ.. આ વખતેની પરીક્ષામાં તમારે માત્ર અત્યારે જેટલા ગુણ મેળવ્યા છે તેના કરતાં થોડા વધુ ગુણ મેળવીને મને અને સૌને બતાવવાનું છે કે તમે બધું જ કરી શકો છો!! બોલો છે મંજુર? થોડા અચકાતા હતા કે અભ્યાસ ની વાત માં કઈ રીતે જીતી શકીશું ? એવો વિચાર સૌના ચહેરા પર મને વંચાયો એટલે મેં ફરી કહ્યું કે તમે મારી વાત ધ્યાનથી સાંભળી ને ? મે એમ કહ્યું છે કે અત્યારે તમને જે ગુણ મળ્યા છે તેના કરતા થોડા જ વધુ ગુણ તમારે મેળવીને મને બતાવવાનું છે.,,૧૦,૨૦ કેટલાગુણ વધુ મેળવશો એ તમારા પર છોડી દીધું છે !! જો ના પડશો તો વિચારો કે તમારા બેનને કોઈ એમ કહી જાય કે તમારી દીકરી સારા ગુણ ન લાવી તો તમારા એ બેનું કેવું લાગશે ? પરિણામે અમુકે ઉત્સાહ થી અને અમુક એ થોડા અચકાતા મને આ વાતની હા પાડી. હવે સૌ ખૂબ સારી રીતે મહેનત કરવા લાગ્યા

જેના એક ઉપાય તરીકે મેં તેમને કહ્યું કે એવું થઈ શકે કે બે તાસની વચ્ચે આપણી આપણા કરતા થોડું વધુ સારું આવડતું હોય તેવી બહેનપણી પાસે બેસી અને તેની પાસે શીખીએ અથવા તેની સાથે વાંચીએ તો કેવું રહે? આ કહેવા અને કરવા પાછળનો મારો હેતુ એ હતો કે બે તાસની વચ્ચે ના સમયગાળામાં તેઓને જે મસ્તી તોફાન કરવાનું સૂઝતું હોય તે સમય માં તેઓ શીખવામાં વ્યસ્ત થઈ જાય તો સહુ શિક્ષકો ની એમના માટેની અવાજ કરવા અંગેની કે તોફાન કરવા અંગેની ફરિયાદ ઓછી થઈ જાય?!! મારો આ હેતુ બરાબર પાર પડ્યો. પરીક્ષા નજીક હોવાથી દરેક વિદ્યાર્થીઓ પોતાની રીતે જોડી પસંદ કરી બેસી ગયા અને બે તાસની વચ્ચે તેમની પાસે શીખવા લાગ્યા અથવા તો સાથે બેસી વાંચવા લાગ્યા અને જેના પરિણામે અભ્યાસ વધુ સારું કરી વધુ સારું પરિણામ લાવી શક્યા.. અલબત્ત 8 થી 10 વિદ્યાર્થીઓ તો એવી હોય જ કે જેમને ગ્રહણ શક્તિ ઓછી હોવાની કારણે કે બીજા કોઈ કારણસર કદાચ વધુ સારા ગુણ ન મેળવી શકી.... તે નિરાશ ન થાય તે હેતુથી વર્ગમાં પ્રથમ દસ નંબર મેળવેલી વિદ્યાર્થીઓને મે કહ્યું કે "તમારે સ્વયં આ ૧૦ દીકરીઓ માંથી કોઈ એક ને દત્તક લેવાની છે અને તેને દરરોજ તમારી અનુકૂળતા પ્રમાણે રીશેષમાં અથવા તો રજા પછી ભણાવીને, પાસ કરવાની જવાબદારી લેવાની છે.

સ્વાભાવિક પણે બાળકોની જ્યારે તમે જાતે નિર્ણય કરવાની છૂટ આપો ત્યારે તે પોતાની જવાબદારી સમજીને સ્વયં ઉત્તમ કામ કરે જ છે...એ મુજબ ખૂબ મોટી અને પીઢ વ્યક્તિઓની જેમ આ પ્રથમ દસ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીઓએ અન્ય ૧૦ વિદ્યાર્થીઓની દત્તક લઇને તેમના અભ્યાસની જવાબદારી સ્વયં સ્વીકારી. પરિણામે પ્રથમ કરતાં દ્વિતીય કસોટીનું પરિણામ વધુ સારું આવ્યું.

આમ તેમનો સ્વતંત્ર નિર્ણય લેવાનું,અન્યને મદદરૂપ થવાનું અને સહકારની ભાવના કેળવવાનું, કેળવણીનો હેતુ સાર્થક થયો. લગભગ ત્રણ મહિનામાં દરેક શિક્ષકો નવાઈ પામી ચૂક્યા અને પૂછવા લાગ્યા કે એવી તે કઈ જાદુ લાકડી ફેરવી ને આ બધી દિકરીઓને ડાહીડમરી કરી દીધી??? ત્યારે મેં હસીને માત્ર એટલો જવાબ આપ્યો કે "પ્રેમ અને બાળકમાં મુકેલ વિશ્વાસ એ દરેક પ્રશ્નનો જવાબ છે.."

આજે એ વર્ગની અમુક વિદ્યાર્થીની પાર્લર ચલાવે છે, અમુકબ મોટી ચિત્રકાર છે,અમુક એન્જિનિયર છે તો અમુક સારી લેખિકા કે કવિયત્રી છે,જે ગૃહિણી છે એના ઘરની પરફેક્ટ હેડ છે જ્યાં ખૂબ આયોજન પૂર્વક સુંદર કાર્ય થાય છે..અમુક સારી સમાજસેવકો પણ બની જેના કામમાં આજે પણ મને સાથે લઈ જઈ લોકોને મારી ઓળખાણ એના માર્ગદર્શક તરીકે કરાવી ગર્વ લે છે.અમુક ખૂબ સારી નર્સ બની,દર્દીઓને પ્રેમથી સેવા કરે છે ..!!

દરેક વાચક ને પ્રશ્ન :: કયા મૂલ્યને આધારે બાળક માટે તમે હોશિયારની વ્યાખ્યા બાંધો છો ? શું અભ્યાસના વિષયોમાં જ 90 ટકા લાવનારબાળક જ હોશિયાર હોય શકે ? શું ગણિત ન ગમતા બાળકને ખૂબ સારું મહેંદી રંગતા આવડતું હોય તો એ હોશિયાર ન કહેવાય ? શું કોઈ એક ધોરણમાં માત્ર 40 ટકા ગુણ મેળવતું બાળક પડોશના દાદાને મદદ કરે કે ઘર પાસે આવતા માંગનાર ગરીબને પ્રેમથી બેસાડી જમાડે તો એની માનવતા ની દ્રષ્ટિએ હોશિયાર ગણી શકાય કે નહીં? 30 ટકા પણ ન મેડવી શકતું બાળક બહેનની જન્મદિનની ઉજવણીનું તેમણે ગમતું ઉતમ પ્લાનિંગ કરનાર બાળકને એમ.બી.એ. સમકક્ષ કહી શકાય કે નહીં?