Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૮ (૧)

તોફાનીઓનો કે પ્રતિભાશાળીનો વર્ગ ? ( ભાગ ૧)

" બેન, તમે વર્ગમાં આવો ત્યારે કેવું મસ્ત મીઠું સ્માઈલ અમને આપો છો તો અમને મજા આવે છે, પણ બીજા શિક્ષકો અમને બધાને તોફાનીઓ કહીને અને ભણવામાં નબળા છો એમ કહી ને બધાથી અલગ કરી નાખે છે. અને જે શિક્ષક વર્ગમાં આવે તે સૌથી પ્રથમ તો અમને વઢે જ છે અને પછી ભણાવે છે પણ તેઓ શરૂઆતમાં આવીને અમને વઢે છે પછી અમે સારી રીતે ભણી શકતા નથી!! ૧ વાઇસ તાસમાં મારા વર્ગમાં ૮ ડ માં ગઈ ત્યારે આ ફરિયાદો મારી દીકરીઓ તરફથી મને મલી.

હંમેશની આદત મુજબ વાઇસ તાસમાં જાઉં ત્યારે વાતો કરું, વિદ્યાર્થિનીઓ ને સાંભળું ને એ બહાને એમના માં રહેલ રસ,રુચિ જાણી તેમની ક્ષમતાને પારખી શકું. આ એ સમયની વાત છે કે જ્યારે આઠમું ધોરણ માધ્યમિક વિભાગમાં હતું અને હું શાળામાં માધ્યમિક વિભાગમાં નવી આવી હતી, બહુ થોડા વર્ષોના અનુભવ હોવાને કારણે જુનિયર હોવાને નાતે મને આઠ ડ નો વર્ગ આપવામાં આવ્યો હતો..જે વિશિષ્ટ રહેતો...કેમકે એ વખતે બાળકોના આગલા ધોરણના ટકાવારીની આધારે વર્ગીકરણ કરવામાં આવતું, પરિણામે આગલા ધોરણમાં સૌથી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ બધી જ આ વર્ગમાં રહેતી!! આથી સ્વાભાવિક રીતે એ વર્ગમાં વિષય ભણાવતા વખતે શિક્ષકોએ ખૂબ ધ્યાન રાખવું પડતું, અલબત્ત ક્યારેક કંટાળો પણ આવી જતો હોય એવું બને. પણ જે બાળકોની ગ્રહણ શક્તિ ઓછી હોય અથવા એ વિષયમાં રસ ઓછો હોય તેને વારંવાર ટોકવાથી વધારે હતાશ થઈને કદાચ અભ્યાસ પ્રત્યે બિલકુલ નિરસ બની જતા હોય એવું પણ બને!

મારો કાયમનો નિયમ હતો કે વર્ગની સૌથી તોફાની વિદ્યાર્થીને મંત્રી બનાવો, પરિણામે શાળા માં એ વર્ગમાં કોઈની ફરિયાદ ન આવે ! સાથે તોફાની વિદ્યાર્થીને સલાહ-સૂચન વગર આત્મ અનુભવ દ્વારા સમજ ની કેળવણી આપી શકું... પણ અહીં તો બધા જ તોફાનીઓ !! હવે શું કરવું એ વિચારતા ઉતમ ઉપાય એ વિચાર્યો કે દર અઠવાડિયે મંત્રીઓ બદલાય... પરિણામે દરેક નો વારો આવી જાય અને બધાને નેતા ગીરી કરવા મળે ને મજા પણ આવે.સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે ભણવામાં થોડા પાછળ રહેતા વિદ્યાર્થીઓ નેતાગીરી કરવામાં આગળ રહેતા હોય તથા અભ્યાસ ન ગમતા એવા વિદ્યાર્થીઓને સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં રસ હોય.

આજે કદાચ એવું બન્યું હશે કે કોઈ શિક્ષક આવીને બહુ વઢયા હશે જેના પરિણામે તેઓએ ફરિયાદોનો ટોપલો મારી પાસે ઠાલવ્યો. મેં હંમેશની મારી આદત મુજબ હસતા હસતા કહ્યું કે તમે તો બધી મારી બહુ ડાહી દીકરી છો અને સત્યવાદી છો ને ? તો મને એ કહો કે કોઈ શિક્ષકને કારણ વગર ગુસ્સો આવે ખરો? મારી ડાહી દીકરીઓ માંથી કોઈથી થોડું પણ એવું વર્તન કર્યું હશે કે જેથી શિક્ષકોની ગુસ્સો આવી જાય? બોલો સચી સાચું કહો કે શું થયું હતું? હવે મારી સાથે એ દીકરીઓ પણ હસી પડી એમાંની એક સૌથી ચંચળ એવી દીકરીએ કહ્યું કે અભ્યાસમાં કોઈ વાત એવી આવી હતી કે જેમાંથી મે ટીખલ કર્યું પરિણામે આખો વર્ગ હસ્યો અને બધાને શિક્ષકની વઢ ખાવી પડી... મને પણ તેમની નિર્દોષતા ગમી અને તેમણે સાચું કહ્યું એટલે તેમની પ્રમાણિકતાના ઇનામરૂપે મારે તેને વઢવાનું નહોતું, એવું અમારું કમિટમેન્ટ હતું. મેં કહ્યું : મને તો ખબર છે કે તમે બધા ખૂબ હોશિયાર છો એટલે ફરી પાછા એ બધા મારી સામે જોઈ રહ્યા અને મને કહ્યું કે બહેન શું તમે પણ અમારા પર કટાક્ષ કરો છો? અમારા પરિણામ પત્રકો તમે નથી જોયા? અમે ક્યાં હોશિયાર છીએ ? ત્યારે મેં કહ્યું કે તમને બધાને ખબર છે કે હું કદી જૂઠું બોલતી નથી... તો હવે હું તમને સમજાવું કે તમે કઈ રીતે બીજા કરતા હોશિયાર છો ? ને એ તમારે બીજા વર્ગના વિદ્યાર્થીઓ પાસે સાબિત કરી બતાવવાનું છે કે તમે હોશિયાર છો બોલો આ મારી ચેલેન્જ મંજુર છે? સ્વાભાવિક રીતે એકસાથે હા માં જવાબ મળ્યો.. હવે મારી રજૂઆત સહેલી બની ગઈ... મેં એમને કહ્યું કે આજે સૌ મને કહેશે કે તેઓને શું કરવું ગમે છે ? વ્યક્તિગત દરેક વિદ્યાર્થીની પોતાનું નામ અને રોલ નંબર લખીને તેની નીચે તેમને કઈ પ્રવૃત્તિ કરવી વધુ ગમે છે તે મને જણાવશે.. તરત જ વર્ગમાં અવાજ અવાજ થઈ ગયો... ઉત્સાહમાં આવીને સૌએ ફટાફટ પેન અને પાનું કાઢ્યું અને મને લખીને આપ્યું.

હવે મૂળ વાત એ છે કે દરેક શિક્ષકે,વાલીએ અને સમાજે સમજવા જેવી છે: અભ્યાસના કોઈ એક વિષયમાં ઓછા ગુણ મેળવતો વિદ્યાર્થી નબળો ન કહી શકાય, કદાચ જે તે વિષયની ગ્રહણ કરવાની શક્તિ તેનામાં ઓછી હોય એવું બની શકે,અથવા તે વિષયમાં રસ ન ધરાવતો હોય, પણ સામે બીજો કોઈ એવો વિષય જરૂર હોય કે જે તેને વધુ ગમતો હોય. પરિણામે જે તે વિષયમાં તે માસ્ટરી ધરાવતા હોય એવું બની શકે...

અને અહીં પણ એવું જ બન્યું.મે મારું તીર છોડી દીધું. જે નિશાના પર લાગ્યું. કોઈ ચિત્ર ,કોઈ સંગીત, કોઈ સીવણ તો કોઈ મહેંદી, તો કોઈને સુશોભન,કોઈને ગાર્ડનિંગ, કોઈને સંશોધન, નેતાગીરી, તો કોઈને પાર્લરને કામ તો કોઈને સ્વછતાનું કામ કરવું ગમતું હતું.મે એ આખા વર્ગની વિગત ઘરે લઈ જઈને શાંતિથી વર્ગીકરણ કર્યુ ને દરેક માટે કામ નક્કી કરી આપ્યા..દરેકને ગમતા કામનો ઉતમ પ્રોજેક્ટ કે નમૂનો બનાવવા માટે કહ્યું...

પરિણામ સ્વરૂપ બુલેટિન બોર્ડ માટે એક એક થી ચડિયાતા પ્રોજેક્ટ બન્યા એટલું j નહિ પણ સાથે સુંદર આકર્ષક સુશોભન ની વસ્તુ સાથે એ બુલેટિન કાયમ પ્રથમ નંબર મેળવતું થવાને કારણે સહુનો ઉત્સાહ ખૂબ વધ્યો ... જેમને ગાર્ડન નું ગામ કામ ગમતું હતું તેમનું એક સરસ ગ્રુપ બનાવી, આચાર્યશ્રીની મંજૂરીથી એ મુજબ કામની વહેંચણી કરી આપી કે સવારે આવીને, રીસેસમાં અને રજામાં જતી વખતે શાળાના તમામ વૃક્ષોની ફળ-ફૂલ ની જાળવણી કરવી તેને પાણી પાવાનું વગેરે. પકૃતિ પ્રત્યેના તેમના પ્રેમના પરિણામ સ્વરૂપ શાળાના વૃક્ષો વધુ પલ્લવિત થવા લાગ્યા સુશોભનમાં રસ ધરાવતી વિદ્યાર્થીઓનું એક અલગ ગ્રુપ બનાવી તૈયાર રાખ્યું જ્યારે શાળામાં વર્ગ સુશોભન હરીફાઈ આવી, ત્યારે એ ટીમે વર્ગ ને ખૂબ સારી રીતે સજાવી, અભ્યાસના જ સુંદર નમુનાઓ દ્વારા ઉત્તમ કામગીરી કરી અને અ, , ક નાં વર્ગને પાછળ રાખી અમે પ્રથમ નંબર મેળવ્યો! આટલેથી ન અટકતા આગળ વધતા સંશોધનમાં રસ ધરાવતી વિદ્યાર્થીઓના ગ્રૂપ એ તો પાણી અંગે નો પ્રોજેક્ટ જાતે જ તૈયાર કર્યો .મારા માર્ગદર્શન્ માં આખા શાળા પરિવારમાંથી સૌ પાસે સુંદર રીતે વિગતો મેળવી,સંશોધન કરી અને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં ભાગ લઈ, જિલ્લામાં પ્રથમ નંબર મેળવી , રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા ગયા.તો ચિત્ર માં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર મારા વર્ગની દીકરી બની! તો જિલ્લામાં સંગીત માં ઉતમ ગાયન કરી શાળાનું નામ રોશન થયું મારા ૮ ડ ની એક અતિ ચંચળ દીકરી દ્વારા!

(ક્રમશઃ)