ચાર ધામ.... DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાર ધામ....

ચાર ધામ....વાર્તા... દિનેશ પરમાર 'નજર'
***************************************
મ્રુગજળ ની માયા છોડી ને, જળ સુધી જવું છે ;
અમને જે છેતરે છે - એ છળ સુધી જવું છે!
સદીઓના આ વજનને, ફેંકીને કાંધ પરથી -
જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે.
-'કાયમ' હજારી
***************************************
કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર નવ ઉપર ઉભેલી ગાડી નંબર ૦૯૦૩૧, અમદાવાદ જં. - યોગ નગરી ઋષિકેશ તેના નિયત સમય ૧૦: ૫૫ પ્રમાણે ઉપાડવાની થોડી વાર હતી.
અમદાવાદથી હરિદ્વાર અને ત્યાંથી ચાર ધામ યાત્રાએ જઈ રહેલ સંઘના ડબ્બા નંબર એસ - સાતમાં ગોઠવાયેલા યાત્રીઓમાં આનંદનો કોલાહલ ગુંજતો હતો.
તે ડબ્બામાં, યાત્રાએ જતા કાશીરામ મોરારજી પરીખનો નાનો દીકરો મહેન્દ્ર અને તેના પત્ની ઉષાબેન પ્રવેશ્યા અને બાપુજીને પગે લાગી તેમની તરફ થેલી ધરી.
પ્રશ્નાર્થ ભાવે કાશીરામ બોલ્યા, " આ શું છે?"
"બાપુજી આ તો રસ્તામાં ચાલે એટલે મેથીના થેપલા અને છૂંદો છે." ઉષા બોલી.
સહેજ મોઢું કટાણું કરી કાશીરામ બોલ્યા, "અરે! આની ક્યાં જરૂર હતી? રસિલાએ થેલો ભરીને નાસ્તા આપ્યા છે."
બંને ક્ષોભીલા થઈ ઉભા રહ્યા. પણ તેમની સાથે પ્રવાસે જતા ધીરૂભાઈ બોલ્યા," બાપા તમે પણ છોકરા આટલા પ્રેમથી લાવ્યા છે તો લઈ લો ને? "
કાશીરામે થેલી લઈને મૂકી ત્યાં ટ્રેન ઉપાડવાની ચેતવણી આપતી વ્હીસલની ચીસ ગુંજી ઉઠી.
મહેન્દ્ર અને ઉષા બાપુજીને પગે લાગ્યા અને પ્રવાસની બધા યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી નીચે ઉતર્યા.
થોડીવારમાં ટ્રેન ધીરેધીરે પાટા પર પોતાના મુકામ તરફ જવા શરૂ થઈ.......

**********

કાશીરામ પહેલા કોટ વિસ્તારમાં પોળમાં રહેતા હતા. તેમના દામ્પત્ય જીવન દરમ્યાન બે દીકરા, મોટો ગીરધર અને નાનો મહેન્દ્ર બંને એલિસબ્રિજ પાસેની પ્રખ્યાત સ્કુલમાં ભણતા...
પરંતુ જેટલું ગીરધરને ભણવાનો શોખ તેટલો મહેન્દ્રને દોસ્તો સાથે નદી કિનારે રખડવાનો....
સરવાળે ગીરધર ગ્રેજ્યુએટ થઈ સરકારી રેવન્યૂ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી લાગ્યો જ્યારે મહેન્દ્ર માંડ નવમું પાસ થતા, ફેકટરીમાં નોકરી જવાનો વારો આવ્યો.
થોડા સમય પછી ગીરધરે નદીની પેલે પાર સરસ મોટો ફ્લેટ લીધો. જ્યારે મહેન્દ્ર પોળના મકાનમાં જ રહેવાનું થયું.
ઉંમર થતા બંનેના લગ્ન કર્યા, ગીરધરની પત્ની રસિલા ભણેલી હતી તે પણ ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી હતી. જ્યારે મહેન્દ્રની પત્ની ઉષાબેન ઓછું ભણેલા પરંતુ પતિને મદદરૂપ થવા તે પોળમાં લોકોના ઘર કામ કરતા હતા.
કાશીરામના તેમની ઉંમરના મિત્રો હતા ત્યાં સુધી પોળમાં રહેવાનું ગમતું હતું પરંતુ હવે તેમના મિત્રોના બાળકો પણ નદીની પેલે પાર જતા રહેતા તેમના મિત્રો પણ રહ્યા નહોતા. તેમના પત્ની પણ હવે આ દુનિયામાં રહ્યા નહોતા એટલે તેઓ પણ ગીરધર સાથે રહેવા ગયા.
ગીરધરને એક પુત્ર અને એક પુત્રી હતી જે કોલેજમાં અભ્યાસ કરતા હતા.
જ્યારે મહેન્દ્રને એક પુત્ર હતો જે બારમાં ધોરણમાં હતો.
થોડા દિવસ અગાઉ તેમના સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ચાર ધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જવા આવવાના ટ્રેન બસ ભાડા અને રહેવા જમવાની સગવડ સાથે એક વ્યક્તિના અગિયાર હજાર ભરવાના થતા હતા.
કાશીરામ હોંશે હોંશે બંને ભાઈને વાત કરી, મહેન્દ્રનો હાથ ભીડમાં હોઈ તે પોતાના ભાગની રકમ આપી શકે તેમ ન હોઈ, હાલ મોટા ભાઈ ગીરધર સક્ષમ હોઈ તેમની પાસેથી લેવા જણાવતા કાશીરામનું મોઢું બગડી ગયું.
ગીરધર તો રેવન્યુ વિભાગમાં હોઈ સારી એવી ઉપરની આવક હોઈ અને તેની પત્ની પણ સરકારી નોકરી કરતા હોઈ તે સક્ષમ હોઈ તરત તેણે અગિયાર હજાર જેવી રકમ કાશીરામને આપતા તેઓ ખુશ થઈ ગયા.
અને મનમાં બોલ્યા, "આજ મારો ખરો દીકરો. "

********

સમાચાર આવેલા કે હરિદ્વાર એક રાત્રી રોકાયા બાદ ચાર ધામ શરૂ થયેલી યાત્રામાં પ્રથમ ધામ યમનોત્રી પહોંચી હતી, યમનોત્રી સુધી પહોંચવા પગથિયા ચઢવા મુશ્કેલ હોઈ ઘોડો કરેલો તેના પરથી પડી જવાથી, કાશીરામને પગે ફ્રેકચર થતા તેમને અમદાવાદ પરત મોકલવાનો નિર્ણય આયોજક દ્વારા કરવામાં આવ્યો.
આ તરફ બંને દીકરાઓને જાણ કરી દેવામાં આવી હતી. ગીરધરને અને તેની પત્નીને તેઓ નોકરી કરતા હોઈ બાપુજીની સંભાળ લઈ શકે તેમ નહોતા તેમ કહી તેઓએ આ માટે મહેન્દ્ર અને તેની પત્ની ઉષાને બાપુજીની સેવા કરવા જણાવ્યું.
મહેંદ્ર અને ઉષાતો પહેલેથી જ આર્થિક રીતે સક્ષમ ન હોવાથી મોટા ભાઈ અને ભાભીના ઇમ્પ્રેશનમાં હોઈ ના પાડવાનો પ્રશ્ન જ નહોતો.
જ્યારે રેલવે સ્ટેશન પર મહેન્દ્ર અને ઉષા, કાશીરામને લેવા આવ્યા તો તેઓ બોલી ઉઠયા, " ગીરધરને અને તેની પત્ની નથી આવ્યા?"
" બાપુજી તેમને નોકરી પર વધારે કામ હોઈ પોળના મકાનમાં રહેવાનું છે." બાપુજીનો સામાન ઉઠાવતા મહેન્દ્ર બોલ્યો.
ઉષા બાપુજીનો હાથ પકડી ધીરેધીરે રીક્ષા સુધી લઈ આવી. રીક્ષામાં બાપુજી અને મહેન્દ્ર ગોઠવાયા.
ઉષા બોલી, "બાપુજી સારી રીતે બેસી શકે તેથી તમે બન્ને ઉપડો હું પાછળ આવું જ છું. "

*********

બન્ને પતિ-પત્ની બાપુજીની ખુબ સારી સેવા કરતા હતા. તેમના ખાવા પીવામાં પણ પુરતું ધ્યાન આપતા હતા.
એકવાર ઉષાએ મહેન્દ્રને રસોડામાં બોલાવી કહ્યું, " બાપુજીને જલ્દી હાડકું સંધાય જાય તે માટે ગોળ અને ગાયના ઘીનો શીરો ખવડાવીએ. "
મહેન્દ્ર પ્રશ્નાર્થ ચહેરે ઉષા સામે જોઈ રહ્યો.
મહેન્દ્રનો ચહેરો વાંચી તરતજ ઉષા બોલી, " પૈસાની ચિંતા છે ને? મેં ઘરકામ કરી બચાવેલ થોડી ઘણી રકમ બચાવી છે, આપણે આમેય બાપુજી માટે કાંઇ કરી શકતા નથી, લો આ પૈસા અને લઈ આવો. "
મહેન્દ્ર ઝળઝળિયાં ભરી આંખે પોતાની પત્નીને જોઈ રહ્યો, અને પછી પીઠ ફેરવી ગયો.
આ બાજુ રસોડામાં કાન ધરી સાંભળતા કાશીરામ વાત સાંભળી વિચારમાં પડી ગયા.
" આ મારો દીકરો અને વહુ મજૂરી કરીને કમાય છે અને ટૂંકી કમાણીમાં સાંજે તો ખીચડી કઢી કે કચુંબર કે તળેલાં મરચાં ખાઈ ને ચલાવે છે તે મારી માટે કેવું વિચારે છે?"
તેમને અમદાવાદ પરત ફર્યાને ત્રણ દિવસ થઈ ગયા હતા પરંતુ હજુ એક ફોન કરી ખબર પૂછવાની તસ્દી ગીરધર કે તેની પત્નીએ લીધી ન હતી. તેઓ કાંઈ બોલી ન શક્યા.
લગભગ પંદર દિવસ પછી તેઓ આવ્યા." બાપુજી આ ચુંટણીનું એટલું કામ રહે છે કે આવી ન શકાયું. "
બાપુજી એ વિષાદથી રસિલા તરફ જોતા તેના બચાવમાં ગીરધરે કહ્યું, " તેને પણ ઓડિટનું કામ રહ્યું."
કાશીરામ કાંઈ બોલ્યા નહીં. થોડીવાર પછી કાશીરામે જોયું તો ગીરધરે રસિલાને ઈશારો કર્યો, પછી બાપુજી તરફ પૈસાનું કવર ધરી બોલ્યો," લો આ રાખો બાપુજી, આવતા રવિવારે આવીશું."
"બેટા મારે આ ખાટલામાં જ રહેવાનું છે, મારે નથી જરૂર." કાશીરામ બોલી બીજી તરફ જોઈ રહ્યા.
થોડી વાર રૂમમાં સન્નાટો છવાઈ રહ્યો. એટલામાં ઉષા હાથ લુછતાં લુછતાં રસોડામાંથી રૂમમાં આવી અને બોલી, "ભાઈ ભાભી જમવાનો સમય છે, જામીને જાવ. "
" ના ઘરે જમવાનું તૈયાર છે, અમે હવે રજા લઈએ, બાપુજીનું ધ્યાન રાખજો. " કહેતા બંને ઉઠયા અને રજા લીધી.
કાશીરામ ભારે હૈયે મનમાં બોલ્યા, " બેટા ફક્ત પૈસા ધરી દેવાથી ચાર ધામની યાત્રા કરાવ્યાના આશિર્વાદ ન મળે, ખરા અર્થમાં સંકટ સમયે કરેલી સેવાથી વડીલના રોમ રોમથી જે ગંગા, યમુનાના પવિત્ર ઝરણાં જેવા આશિર્વાદ નીકળે તે ચાર ધામની યાત્રા કરાવ્યા બરાબર છે."
પછી અત્યાર સુધી મહેન્દ્ર અને ઉષાને ઉપેક્ષિત રીતે જોતાં હતાં તેમની તરફ, આંખમાં ઉમટી આવેલ હેતના અશ્રુથી આશિર્વાદ વરસાવતા સામેની દિવાલ પર લટકતા ચાર ધામના પોસ્ટર તરફ સંતોષથી ક્યાંય સુધી જોઈ રહ્યા...........

***************************************