Fear.. books and stories free download online pdf in Gujarati

ડર..

આકાશમાં વાદળો ઘનઘોર ઘેરાયેલા હતા. રાતનો સમય હોવાથી એ વાદલા લાલ ચટક અને જાણે એકદમ ગુસ્સા ભરી નજરે જમીનને તાકતા હોય એવા ભાસતા હતા. એ વાદળનો ગુસ્સો જોઈ હું થરથર કાંપતી મારા પતિદેવ પર વરસી પડી હતી.

" કહ્યું છે ! આ સીઝન અને આવો સમય હોય ત્યારે મહેરબાની કરી રાતની મુસાફરી કરવાનું ટાળો, પણ સાંભળે કોણ મારું..? બસ પોતાનું ધાર્યું કરવું..!"

ડર અને ગુસ્સામાં વાદળો વરસતા વરસે પણ મારી આંખ વરસવા લાગી. એ જોઈ મારા પિતાદેવ બોલ્યા,

" એમાં રડવાનું શું છે..! આપણે પહેલીવાર આમ થોડા નિકળ્યા છીએ, અને બસ ત્રણેક કલાકમાં પહોંચી જઈશું અને વળી રસ્તો પણ ક્યાં અજાણ્યો છે પછી શું ચિંતા કરવાની..."

એટલામાં હોટલની લાઈટો દેખાઈ એટલે એ ફરી બોલ્યો ચલ આ વાતાવરણમાં મસ્ત ગરમ ચા પીવરાવું એટલે તારો મુડ બદલાઈ જાય."

અણે હોટલ સામે ગાડી ઊભી રાખી. અમે બંને અંદર ગયા, ચા પીધી, રાતના બાર વાગી ગયા હતા. હજુ ભાવનગર આવવાને ત્રણેક કલાકની વાર હતી. પીપળી ચોક હતો હજુ,
એ ગાડી પાસે જઈ ડ્રાઇવર સેટમાં બેઠા માવો ચોળતા હતા.
એ જોઈ મેં કહ્યુ,

" હું ફ્રેશ થઈને આવું."

હું સામે દેખાતા લેડીઝ ટોયલેટ લખેલા બોર્ડ તરફ ગઈ, અંદર પહેલાથી લાઈટ લબક-ઝબક થાતી હતી. અને એની સાથે મારો જીવ પણ, ન જોયેલા ચહેરા અને ન જોયેલા જીવ આંખ બંધ કરતા સામે આવી જતા હતા. ડરના માર્યા ફટાફટ ભાગી ગાડી તરફ મેં જોયું ગાડી ત્યા ન હતી. મને તો ધ્રાસકો પડયો. મ્હોમાં અવાઝ થીજી ગયો. અને ઝરમર વરસાદમાં જાણે મારું મગજ ધોવાય ગયું. આજુબાજુ નજર ફેરવવાની પણ હિંમત ન હતી. એટલામાં એમનો અવાઝ સંભળાયો,

" અહીં થોડું સ્પ્રે કરો અહીં બાકી છે. "

મેં અવાઝની દિશા તરફ નજર કરી, એ કોઈ માણસ સાથે વાત કરી રહ્યા હતા. એ માણસના હાથમાં થોડી મોટી કહી શકાય એવી સ્પ્રેની બોટલ હતી. એ ગાડીની આગળનો તથા બંને સાઈડના ગ્લાસ સ્પ્રેથી સાફ કરી રહ્યો હતો.અને મારા એ
એ માણસને ડિરેક્શન આપી રહ્યા હતા. એ જોઈ મારા જીવમાં જીવ આવ્યો. પણ સાથે ગુસ્સો તો હતો જ,
એટલે મેં નજીક જઈ કઈ બોલ્યા વગર ગાડીમાં બેસી ગઈ.
એ માણસ એનુ કામ પત્યુ એટલે દુર ખસ્યો અને અમે નીકળ્યા ત્યાથી. મેં ફરી મોકો જોઈ મારી બડબડ ચાલુ કરી,

" શું જરુર હતી અત્યારે સાફ કરાવાની, એ આ વરસાદમાં ક્યાં રહેવાનું છે સાફ..."

એણે જવાબ આપતા કહ્યુ.

" એ ગાડીના કાચ સાફ કરવાના સ્પ્રે હતો, એ ભાઈ એ કહ્યુ ડેમો જોવો એક વાર પછી ગમે તો લેજો, એટલે મે હા કહી, અને એ સાફ કરી બતાવતો હતો. "

" તમને ગમે ત્યા હોઈયે ગાડી સાફ કરવાની મગજમાંથી ન જાય કેમ..? "

" અરે પણ એમાં શુું ગુસ્સો ,ફ્રીમાં કરતો'તો કરાવી લીધી."

" બહુ સારું, ભુતને પિપળા મળી પણ જાય..!"

આમ બોલી અને અમે બંને હસવા લાગ્યા. એમણે જુના ગીતો ચાલુ કર્યા, અને સાથે સાથે ગણગણતા ગાડી સો-એકસોની ઝડપે રસ્તા પર પાણીના રેલાની માફક દોડતી હતી. લગભગ અર્ધી કલાક બરાબર ચાલી હશે ગાડી અને હું ઝોકે ચડી, પણ ગાડીની રફતાર ધીમી થવા લાગી,અને એ કઈ મુઝાંતા હોય એવું મને મહેસુસ થયું. એટલે પરાણે આંખ ખોલી પુછ્યુ.

" શું થયુ..?"

એ કંઈ નહીં બોલ્યા, પણ એના ચહેરા પર ચિંતા અને ગભરાહટ ચોખ્ખી દેખાતી હતી. એ જોઈ મારી ઉંઘ ઉડી ગઈ. અને મેં સામે જોયું તો ગાડીનો સામેનો કાચ અને બંને સાઈડના કાચ સાવ ધુંધળા પડી ગયા હતા. સામેથી આવતા વાહનની લાઈટ પણ મુશ્કીલથી દેખાતી હતી. વાઈપર કેટલીવાર ફેરવ્યા પણ કોઈ અસર નહીં, જેમ વાઈપર ફરે એમ વધારે બગડે કાચ, એક વાર ગાડી ઊભી રાખી, મારી ના છતા, કદાચ એ સ્પ્રેવાળાની કોઈ ગેંગ હોય, આવી રીતે ઊભા રાખી લૂંટવાની. તો! મારુ મગજ તો નકારાત્મકતા તરફ દોઠસોની સ્પીડે દોડવા લાગ્યું, પણ મારું સાંભળે કોણ..?
એણે ગાડી રસ્તાની સાઈડમાં ઊભી રાખી અને ગાડીમાં જુનુ અખબાર પડ્યું હતુ અનાથી કાચ સાફ કર્યા. અને ફરી એમે ગાડીમાં બેઠા ગાડી શરૂ કરી નીકળ્યા. વળી અર્ધો કલાક બરાબર ચાલી અને વળી પાછા કાચમાં ધાબા ધાબા બાઝવા લાગ્યા. દોઢ વાગવા આવ્યો હતો. હજુ ભાવનગરને બે કલાકની વાર હતી, વરસાદ ઝરમર હતો,પણ વાદળા અને વીજળીનો મીજાજ તો ખુંખાર હતો. ફરી એણે ગાડી ઊભી રાખી અને ગાડી સાફ કરવાનું કપડું હતું એનાથી સાફ કર્યા કાચ, પણ જેમ લુંછે એમ વધારે ધાબા બાઝે, હવે શું કરવું એ કપડું પણ સાવ ભીંનું થઈ ગયું. અર્ધી રાત્રે રસ્તા વચ્ચે ડીકકી ખોલી થેલો ખોલવાની હિંમત ન હતી. એમાં નેપકીન હતુ પણ શું કરવું, હવે તો એને પણ મનમાં ડર ઘુસ્યો હતો. પણ મારા બડબડના ડરથી પોતે ચહેરા પર હિંમતવાન છે એનો દેખાડો સાફ દેખાતો હતો. મેં મારા ડ્રેસનો દુપટ્ટો આપ્યો જે મલમલનો હતો એટલે પાણી જલ્દી ચુંસીલે, એ પણ કામ ન લાગ્યો, જેમ લુછે એમ ધાબા વધતા જાય, હવે તો એટલી હદે કાચ ખરાબ થઈ ગયેલો કે ગાડી બહાર કંઈજ દેખાતું ન હતુ. એમાં વરસાદ પણ હવે વધવા લાગ્યો. મેં તો આંખ બંધ કરી મનમાં ભગવાનનું નામ જપવાનું શરૂ કરી દીધુ.

" હે ભગવાન! મદદ કરો, હેમખેમ ઘરે પહોંચીને જોડ વાટે દિવા કરીશ પહેલા પછી પાણી પીઈશ, માતાજી એ સવારે પહેલા દર્શન કરી જઈશ.."

કેટલીય બાધા આખડી કરવા લાગી. એકદમ ધીમે ધીમે રસ્તાની કીનારી એ કીનારીએ ગાડી ચલાવી, એવુ લાગતુ હતું
બે કલાકનો રસ્તો એ હવે પાંચ કલાકે પસાર થશે અને સવારે જ ભાવનગર પહોંચીશું. એટલામાં થોડે દુરથી એક પીળો બલ્બ ચાલુ દેખાયો, અમે ધીરે ધીરી નજીક જતા જોયું તો એ પંચરવાળાની કેબીન હતી. બહાર ટાયરના ઢગલા પડયા હતા. જોતા મનમાં થોડી શાંતિ થઈ. પરંતુ બીજીજ ક્ષણે પાછો ડરે ઘેરોઘાલ્યો, આવા જંગલ જેવા રસ્તા પર એક નાનકડી કેબીન ટુટી ફુટી, લાકડાના ટેકે ડગમગતી હતી પવનમાં, વધતો વરસાદ પતરાની છત પર પડતા જે અવાઝ આવતો હતો એ વાતાવરણમાં ભયાનકતા પ્રસરાવતો હતો. તડ-તડ-તડ... એક મીનીટ અમે બંને એકબીજાની સામે જોઈ રહ્યા, કોઈ માણસ દેખાતુ ન હતુ. શું કરવુ એ અમને સમજાતું ન હતુ. એટલામાં અંદર ઓરડીમાંથી સંચરનો અવાઝ આવ્યો, જમીન સાથે ઘસડાતું એ પતરાનું બારણું ખુલ્યું. કદાચ એ માણસે ગાડીનો અવાજ સાંભળી જાગ્યો હશે. એ માથે કેબીન ઠાંકતો બહાર આવ્યો. અને અમને પણ થોડી હિંમત આવી પતિદેવે એ માણસ સાથે વાત કરી, અને એ બંને ગાડી નજીક આવ્યા. એ માણસે કાચ પર હાથ ફેરવ્યો, કપડું ફેરવ્યુ તો કાચ સાફ થઈ ગયો. પાછી ગાડી શરૂ કરી પાંચ મીનીટ શરૂ રાખી તો વળી પાછા ધાબા બાઝવા લાગ્યા. એ માણસ સમજી ગયો હતો કે હું બહુ ડરેલી હતી. એણે મારા પતિને કહ્યુ બેનને કહો, સામે પતરા નીચે ખાટલે બેસે, હું ડરતી ડરતી ત્યાં બેઠી જોયા કરતી હતી. પણ થોડો પણ અવાઝ આવે ઝબકી જતી એટલી ડરી ગઈ હતી.
એ માણસ ગાડી આસપાસ થોડા આંટા માર્યા, બોનેટ ખોલ્યું, પણ કોઈ ફોલ્ટ પકડાતો ન હતો. સાફ થઈ જાય પણ જેવી ગાડી ચાલુ કરે અને વળી ધાબા બાઝવાનું ચાલુ.....
આમાં ભાવનગર કેમ પહોંચવું....એ માણસે ઘણી મહેનત કરી, હું તો મનમાં માતાજીનું રટણ કર્યા કરું, એટલામાં એ માણસને કઈ યાદ આવ્યુ હોય એમ એણે મારા પતિને પુછ્યુ,

" સાહેબ ગાડી ચાલુ કરી ત્યારે એ,સી ચાલુ હતુ."

" હા, "

એ સમજી ગયો એણે કહ્યુ સાહેબ,

" હીટર કરો તો.."

અને એમણે ગાડી ચાલુ કરી હીટર ચાલુ કર્યુ. તો વરાળમાં
ધાબા બાઝેલા હતા એ ગાયબ થઈ ગયા. પછી સમજાયું
બહાર વરસાદ અને અંદર એસી ચાલુ હતુ. એના કારણે
બાફ થઈ જતો હતો કાચમાં અને ધાબા બાઝી જતા હતા.
હીટરની ગરમીથી એ ગાયબ થઈ ગયા. દસ પંદર મીનીટ ગાડી ચાલુ રાખી ત્યાજ રહ્યા. પણ બીજી વાર ધાબા થયા જ નહીં. અમને બંનેને શાંતિ થઈ, એ માણસનો ઉપકાર માન્યો, કે અટલા ખરાબ વાતાવરણમાં પણ એણે અમારી મદદ કરી.
અને અમે ત્યાંથી નિકળ્યા, હવે ગાડીમાં કોઈ પ્રોબ્લમ ન હતો.
પણ મારી ઉંઘ ઉડી ગઈ હતી. લગભગ કલાકમાં ભાવનગરની લાઈટો દેખાવા લાગી. અને મનમાં શાંતિ થઈ.
એ બે કલાકની રાત અતિ ભયાનક વિતી. રાતના બે કલાકનો સમય તો પસાર થઈ ગયો પણ એ ભયાનક યાદ કાયમ માટે યાદ રહી ગઈ. અને કસમ લીધી હવે રાતની મુસાફરી ન કરવી એ પણ એકલા તો કયારેય નહીં. હેમખેમ ઘરે પહોંચ્યા.
ઘરે જઈ માતાજીને જોડવાટે દિવા કર્યા અને પછી પાણી પીધું.
સવારે પહેલા મંદિર ગયા અને માતાજીનો મુસીબતમાંથી હેમખેમ ઉગારવા બદલ ઉપકાર માન્યા......

હા.. આ વાતમાં ડર સાચો હતો...કારણ કે બનવાકાળ ઘણુ બની શકતુ હતુ. એકલા બે જણા એમાં એક સ્ત્રી, હાલના
સમયને જોતા રુંવાડા ઊભા થઈ જાય છે. રાતની એ બે કલાક જાણે અમારા શરીરની ચેતના, વિચાર શક્તિ, સમજ બધુ હણી લીધુ હતુ...........

🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
23/5/21
રવિવાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED