સુંદરી - પ્રકરણ ૧૦૪ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૧૦૪

એકસો ચાર

આજે શુભ દિવસ છે. આજે સુંદરી અને વરુણના લગ્નનો દિવસ છે. સુંદરી અને વરુણના લગ્ન અમદાવાદથી દૂર એક રિસોર્ટમાં આયોજીત કરવામાં આવ્યા હતા. સુંદરી અને વરુણના લગ્નની વિધિ શરુ થાય તે પહેલાં જ એક બહુ મોટા સમાચાર દેશભરની ચેનલો પર ચમકવા લાગ્યા હતા. આ સમાચાર હતાં વરૂણનું ટિમ ઇન્ડિયાની ટ્વેન્ટી૨૦ ઉપરાંત વનડે ઇન્ટરનેશનલ ટીમમાં થયેલું સિલેક્શન. આ જ મહિનાના અંતમાં વરુણ લગભગ સવા મહિનાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો હતો.

બધુંજ યોજના અનુસાર જ પાર પડી રહ્યું હતું. સુંદરી અને વરુણના વડીલોએ એટલેજ આજનો દિવસ નક્કી કર્યો હતો કારણકે વરુણનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નજીક આવી ગયો હતો. આજે સુંદરીના વરુણ સાથે લગ્ન થઇ જશે એટલે વરુણ સાથે તે પણ ઓસ્ટ્રેલિયા જશે અને એ રીતે તે બંનેનું હનિમૂન પણ ઉજવાઈ જશે.

પરંતુ એ પ્રવાસ શરુ થવાને હજી વીસ દિવસની વાર હતી, આજે તો બંનેના જીવનનો સહુથી મહત્ત્વનો દિવસ છે. એ રિસોર્ટને ભવ્યાતિભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. બંને તરફથી અસંખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વરુણ, સ્ટાર ક્રિકેટર વરુણના લગ્નની કંકોત્રી હાથમાં હોવી એ અમદાવાદના લોકો માટે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું હતું, પછી ભલેને આ આમંત્રણ સુંદરીના પક્ષેથી કેમ ન આવ્યું હોય?

શું યુવાનો કે શું વડીલો? દરેક આ કંકોત્રી સાથે સેલ્ફી ખેંચીને સોશિયલ મિડીયામાં તેને શેયર કરીને ગર્વ અનુભવતા હતા. હર્ષદભાઈ અને પ્રમોદરાય બંનેએ ખર્ચ કરવામાં કશુંજ બાકી રાખ્યું ન હતું. લગ્ન સ્થળ ઝગારા મારી રહ્યું હતું.

સોનલબાને સુંદરી અને વરુણ બંને તરફથી આમંત્રણ મળ્યું હતું પરંતુ વરુણ સાથે ઈશાની બહેન તરીકે હતી એટલે સુંદરીને બહેનની ખોટ ન સાલે એટલે સોનલબા સુંદરીના પક્ષે હાજર રહ્યાં છે. ઈશાની માટે તો આનાથી મોટો આનંદનો કોઈ અવસર હતો જ નહીં. વળી, એની મૈત્રી શ્યામલ સાથે ધીરેધીરે મજબૂત બની હતી એટલે એનો આનંદ પણ બમણો હતો.

કૃણાલ જે વરુણનો બાળપણનો મિત્ર છે એના માટે પણ આજનો દિવસ સ્પેશિયલ હતો. તેણે શરૂઆતમાં વરુણ સુંદરીને પ્રેમ કરે તેનો વિરોધ કર્યો હતો પરંતુ જ્યારે વરુણનો પ્રેમ સાચો છે અને માત્ર આકર્ષણ નથી તેની ખાતરી થતાં તે પણ વરુણના પૂર્ણ સમર્થનમાં આવી ગયો હતો. આથી આજે કૃણાલ પણ વરુણનો અણવર બનીને આનંદિત હતો.

હર્ષદભાઈ અને રાગીણીબેન વરુણ જેવો સમજદાર દિકરો અને સુંદરી જેવી સમજદાર વહુ પામીને અતિઆનંદનો અનુભવ કરી રહ્યાં હતાં. વરુણ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે એ તો હવે એમના માટે બોનસ જેવું હતું.

વરુણે પોતાના પ્રેમ માટે જે મેચ્યોરીટી દેખાડી અને સુંદરીને પામવાની રાહ જોઈ અને સુંદરીએ સામે ચાલીને જ્યારે તેના પ્રેમનો સ્વીકાર કર્યો ત્યારેજ તેને પામી એ હકીકતથી આ બંને માતાપિતા ગૌરવ અનુભવી રહ્યા હતા.

પ્રમોદરાયનો સ્વભાવ ૩૬૦ ડિગ્રીએ ફરી ગયો છે એ હકીકત છે, પરંતુ તેમનો સ્વભાવ આટલી હદે ફરી જવા માટે વરુણ પ્રત્યેનો તેમનો અહોભાવ અને સેલિબ્રિટી જમાઈ મળ્યાનું અભિમાન પણ એટલુંજ જવાબદાર હતું.

જ્યારે શ્યામલ તો જ્યારથી પોલીસને શરણે થવાનો નિર્ણય લીધો ત્યારથી જ બદલાઈ ગયો હતો. તેની પાછળ પોતાના થનારા બનેવીની જ બહેન જે તેનાથી ખાસ્સી નાની હતી એવી ઈશાની પડી હતી એનાથી તેને શરૂઆતમાં ચીડ હતી પરંતુ હોસ્પિટલમાં અને બાદમાં ઘરે દરરોજ આવીને ઈશાનીએ તેને સાજા થવામાં જે મદદ કરી હતી તેનાથી તેના મનના કોઈ ખૂણે ઈશાની પ્રત્યે લાગણી જરૂર ઉભી થઇ હતી.

અરુણાબેન એટલેકે અરુમા જેને સુંદરી પોતાના માતાને સ્થાને ગણતી હતી અને તેઓ એવા પ્રથમ વ્યક્તિ હતાં જેણે સુંદરીને ભારપૂર્વક વરુણના પ્રેમનો સ્વીકાર કરવાનું કહ્યું હતું અને જ્યારે વરુણ માટે સુંદરીને પ્રેમની લાગણી થઇ ત્યારે તે એ બાબતે ગંભીર હોય તો જ આગળ વધવાની સલાહ આપી હતી તેઓ પણ આજે સહપરિવાર સુંદરી અને વરુણના લગ્નના આનંદમાં સહભાગી થઇ રહ્યાં હતાં.

તો વરુણને સુંદરી પ્રત્યે આકર્ષણ છે કે પ્રેમની લાગણી તે સ્પષ્ટ કરવાથી માંડીને સુંદરીની વિનંતીને માન આપતાં શ્યામલને સાચો માર્ગ દેખાડનાર અને સુંદરી અને વરુણના પ્રેમના માર્ગનો છેલ્લો કાંટો એટલેકે પ્રોફેસર જયરાજને સિફતથી બહાર કાઢી નાખનાર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને સોનલબાના પિતા અને વરુણમાં પોતાના શહીદ પુત્ર વરુણરાજને જોનાર કિશનરાજ પણ લગ્નમાં ખાસ હાજરી આપવા માટે આવી પહોંચ્યાં હતાં.

છેવટે એ ઘડી આવી પહોંચી વરુણનો વરઘોડો રિસોર્ટનું લાંબુ ચક્કર ફરીને માંડવે આવ્યો, જ્યાં સાસુની ભૂમિકા ભજવી રહેલા અરુણાબેને વરૂણનું સ્વાગત કર્યું. ત્યારબાદ સુંદરીને પણ લાવવામાં આવી અને સુંદરી અને વરુણ બંનેએ એકબીજાને હાર પહેરાવ્યો. છેવટે સુંદરી અને વરુણના લગ્નની વિધિ શરુ થઇ. સહુથી પહેલાં મંત્રોચ્ચાર અને ત્યારબાદ હસ્તમેળાપ થયો અને પવિત્ર અગ્નિના સાત ફેરા ફરીને સુંદરી કાયમ માટે વરુણની થઇ ગઈ.

બધાં જ મહેમાનો, વેવાઈઓ તેમજ વરવધુના ભોજન ગ્રહણ કર્યા બાદ કન્યાવિદાયનો સમય આવ્યો. વિદાય આપતી વેળાએ પ્રમોદરાય સુંદરીને ભેટીને ખૂબ રડ્યા. શ્યામલ પણ સુંદરીને ભેટ્યો, પણ રડ્યો નહીં, ઉલટું સુંદરી પિતાની ચિંતા ન કરે તેવો ભરોસો તેણે પોતાની બહેનને આપ્યો. વિદાય બાદ એ જ રીતે જાન રિસોર્ટનું ચક્કર મારીને રિસોર્ટના મુખ્ય બિલ્ડીંગમાં આવી પહોંચી.

અહીં આવ્યા બાદ અમદાવાદ રહેનારા મહેમાનોએ ચ્હા અને/અથવા શરબત/આઈસ્ક્રીમ ખાઈને વિદાય લીધી. બહારગામથી આવેલા મહેમાનો માટે રાત્રીરોકાણની વ્યવસ્થા હતી. આ સ્ટાર રિસોર્ટના સહુથી મોંઘા સ્યુટમાં સુંદરી અને વરુણની મધુરજની માટે ઈશાની અને વરુણના મિત્રોએ મળીને ખાસ સજાવટ કરી હતી. ઈશાની અને સોનલબા સુંદરીને અગાઉથી જ સ્યુટમાં લઇ ગયા હતા અને હવે તેઓ વરુણને લઇ જવા આવ્યાં હતા.

“ચલ ભઈલા... તું જેની રાહ જોઈ રહ્યો છે તે ઘડી આવી ગઈ.” સોનલબાએ વરુણને કહ્યું.

“એ ઘડી તો ક્યારનીય આવી ગઈ બેનબા... લગ્ન તો થઇ ગયાં મારાં.” વરુણ સોનલબાની વાત બરોબર સમજીને હસી રહ્યો હતો.

“બહુ દોઢડાહ્યો ન થા ભાઈ, ચલ ભાભી રાહ જોવે છે.” ઈશાનીએ વરુણનો હાથ ખેંચ્યો.

બંને બહેનો વરુણને સ્યુટના દરવાજા સુધી લઇ ગઈ અને સોનલબાએ દરવાજો ખોલ્યો.

“જા... હવે તમારી બંને વચ્ચે કોઈજ નહીં આવે.” સોનલબા હસતાં હસતાં બોલ્યાં.

“કાલે સવાર સુધી.” ઈશાનીએ ટમકું મુક્યું અને બધાં હસી પડ્યા.

“હવે તું દોઢડાહી ન થા કાગડી.” વરુણે શરમાતાં શરમાતાં ઈશાનીના માથે ટપલી મારી.

“બ્લશ થવાનું બંધ કર અને જા હવે, નહીં તો ભાભી તારી રાહ જોઇને થાકી જશે તો સુઈ જશે.” કહીને ઈશાનીએ વરુણને ધક્કો માર્યો.

વરુણ રૂમમાં પ્રવેશ્યો અને પાછળ વળીને બારણું લોક કર્યું ત્યાંજ સુંદરી દોડીને તેને પાછળથી વળગી પડી. સુંદરીની પક્કડ અત્યંત મજબૂત હતી. વરુણ સુંદરીના દુધથી પણ સફેદ હાથને પોતાની આંગળીઓથી સહેલાવવા લાગ્યો.

“મને ક્યારેય અલગ ન કરતો વરુણ...” સુંદરીએ ધીમેકથી કહ્યું.

“સવાલ જ નથી. તમારાથી અલગ થવા માટે આટલા બધા પાપડ નહોતા વણ્યા. વરુણ ફક્ત ને ફક્ત સુંદરી માટે જ દુનિયામાં આવ્યો છે એ કાયમ માટે નોટ કરી લ્યો.” વરુણ બોલ્યો.

“એય... આ તમે તમે શું છે? હવે હું તારી પત્ની છું.” સુંદરીએ ફરિયાદના સૂરમા કહ્યું અને વરુણને આલિંગનમાંથી મુક્ત કર્યો.

“પત્ની તો છો તમે, પણ... એક તો મારાથી સાત વર્ષ મોટાં વળી મારા એક્સ પ્રોફેસર એટલે માનભેર બોલાવવા પડેને?” કહીને વરુણ ખડખડાટ હસી પડ્યો.

“બહુ સારું... પણ મને એક વખત તું કહેને? મેં પણ આજે હિંમત કરીને તને તું કહેવાનું શરુ કરી દીધુંને?” સુંદરીએ વરુણની આંખમાં આંખ નાખીને કહ્યું.

“તું કે તમે મારા પ્રેમમાં જરાય ખોટ નહીં આવે સુંદરી...” વરુણે આટલું કહીને સુંદરીને ફરીથી આલિંગનબદ્ધ કરી લીધી.

થોડો સમય આજ રીતે આલિંગનમાં રહ્યા બાદ વરુણે સુંદરીનો ચહેરો પોતાની આંગળીથી ઉંચો કર્યો અને તેના ચહેરાને સતત નીરખતો રહ્યો.

“શું જોવે છે?” સુંદરીએ પૂછ્યું.

“એ જ કે આ જે થઇ રહ્યું છે તે સાચું છે? તું? મારી પાસે? મારી આટલી નજીક? કાયમ માટે? ઉફ્ફ સુંદરી... આઈ લવ યુ...” કહીને વરુણે સુંદરીના વળાંકભર્યા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને બંને એકબીજાના હોઠોનું રસપાન કરવા લાગ્યા.

વરુણે ત્યારબાદ સુંદરીના સમગ્ર ચહેરાને અને ગળાને પોતાના પ્રેમના ચુંબનોની વર્ષાથી ભીંજવી દીધાં. થોડા સમય આ જ રીતે એકબીજાને પ્રેમના વરસાદમાં નવડાવીને સુંદરી અને વરુણ એકાકાર થઇ ગયાં...

==::==

લગ્ન થયાના બીજા દિવસે સુંદરી અને વરૂણનું એ જ રિસોર્ટમાં રિસેપ્શન હતું જેમાં જાણીતા ક્રિકેટર્સ આવ્યા હતા અને કેટલાક ફિલ્મ સ્ટાર્સ પણ આમંત્રિત હતા. સુંદરી અને વરુણના લગ્ન જેટલાં ભવ્ય હતાં રિસેપ્શન પણ એટલુંજ ભવ્ય હતું.

વીસ દિવસ બાદ જ સુંદરી અને વરુણ ઓસ્ટ્રેલિયા જવા ઉપડ્યાં. અહીં પરિણીત ક્રિકેટર્સની પત્નીઓ સાથે સુંદરીને સરસ મિત્રતા થઇ ગઈ. વરુણ જેના પર ખૂબ આશા હતી તેણે ટ્વેન્ટી૨૦ અને પછી ટિમ ઇન્ડિયા માટે પહેલીવાર વનડે ઇન્ટરનેશનલ રમતાં જબરદસ્ત દેખાવ કર્યો. પોતાની પહેલીજ વનડેમાં વરુણે સેન્ચુરી મારી અને ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૩૭૫ રન અને નવ વિકેટો લઈને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતી લીધો.

ત્યારબાદ ટેસ્ટ સિરીઝ હતી, વરૂણનું નામ સિલેક્શનમાં જરૂર ચર્ચાયું પણ હજી તેને ટેસ્ટ મેચ રમવાની વાર છે એવું જણાતાં તેનું સિલેક્શન ન થયું અને વરુણ અને સુંદરી ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્થળોએ ફરી અને ભારત પરત આવી ગયાં.

==::==

લગ્ન બાદ અને સમગ્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન અને ઘરે પરત આવ્યા બાદ સુંદરી સતત એક વાત યાદ કરી રહી હતી અને એ વાત હતી કે તેના લગ્નના બરોબર એક દિવસ અગાઉ તેને કિશનરાજનો આવેલો ફોન. પરંતુ લગ્નનો આનંદ અને પછી વરુણ માટે અતિ મહત્ત્વની વિદેશી સિરીઝ બાકી હોવાથી સુંદરી ચૂપ રહી. હવે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ પંદર દિવસ વીતી ગયાં હોવાથી સુંદરીએ પોતાની એ યોજના પર અમલ કરવાનું નક્કી કર્યું.

એક બપોરે જ્યારે તે પોતાના રૂમમાં એકલી હતી ત્યારે...

==:: પ્રકરણ ૧૦૪ સમાપ્ત ::==