મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે ભાગ 26
ભૂત કેમ ભગાડવું ? ભાગ ૧
“હે બહેન, તમે સાચે આજે મારા ઘરે આવશો?” સુપ્રિયાના નિર્દોષ ચહેરા પર આનંદ સાથે અચરજ હતું. મે કહ્યું : “ હા બેટા આજે સાંજે જરૂર આવીશ તારા ઘરે હો.” અચાનક અચરજ સાથે ચિંતા ડોકાઈ : “ બહેન તમે મારા પાપા મમ્મીને મારી ફરિયાદ કરવા તો નથી આવવાના ને ?” મે હસીને કૃત્રિમ મો ચડાવી કહ્યું: “ બસ ને ? આટલો જવિશ્વાસ ને મારા પર ? હું તો તને શુભેછા દેવા આવવાની છુ હો” અને હવે એ દીકરીએ મારો હાથ પકડી કુદકા મારવા લાગી... કહે : “અરે વાહ જરૂર આવજો મજા આવશે....ને આપણે બહુ જ બધી વાતો કરીશું હો મારા ઘરે બેસીને હો..પણ તમે આવતા પહેલા મને મારી મમ્મીના મોબમાં કોલ કરજો હો એટલે એ મારા ટ્યુશ્નના બેન ને કહેશે. .. કે આજે મને વહેલી રજા આપે..” મે કહ્યું : “ હા કોલ જરૂર કરીશ પણ યાદ છે ને તારી બોર્ડની પરીક્ષા છે પંદર દિવસ પછી ? ને આપણે નક્કી કર્યું છે કે તારે સારી રીતે પરીક્ષા આપીને પછી આપણે નિરાતે વાતો કરવાની છે ?” તરત જ એ ડાહી ડમરી થઈ મને કહે, “ ભલે બહેન જરૂર.” કૂદતી ખુશ થતી પોતાનું સરનામું મને લખવી, રસ્તો સમજાવીને, રિસેસ પૂરી થતાં સુપ્રિયા પોતાના વર્ગમાં ભાગી.
બોર્ડની પરીક્ષા પહેલા હું હમેશ મુજબ ઓછી ક્ષમતા વાળા વિધ્યાર્થીઓના ઘરે શુભેછાઓ આપવા ખાસ જાઉં, પ્રેરણાત્મક પુસ્તક અને પેન તથા શુભેછા કાર્ડ લઈ મારી એ આદત મુજબ પ્રથમ સુપ્રિયાને ઘરે આજે જવાનું હતું. એ જમાનમાં હજી વોટ્સ એપ કે ફેસબુકનો જમાનો નહોતો આવ્યો. પણ ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલ એવો મોબાઈલનો ઉપયોગ માત્ર કોલ કરવા ઉપયોગમાં લેવાતા.એવા મારા મોબાઇલમા એના મમ્મીના નંબર તો હતા જ. કેમકે આ વર્ષ દરમ્યાન ઘણી વાર એના મમ્મી પાપા સાથે મે વાત કરી હતી.
દશમાં ધોરણમાં ભણતી સુપ્રિયા ભણવામાં બહુ જ નબળી, પણ ખરેખર તો એ ગરીબ માતા પિતાનું મંદબુધ્હિ બાળક હતું. પણ સમાજના બીજા માં બાપ જેમ આ લોકો પણ બાળક દીકરી હોવાથી તેની મંદ બુધ્હિ છુપાવવાની કોશિશ કરતા.પરિણામે સમાન્ય બાળકની જેમ ઉછેરવા જતાં હવે સુપ્રિયા બેમાં થી એક પણ બાજુની રહી ન હતી. હકીક્તમાં નાનપણમાં કઈક ખેચ આવવાની બીમારી થઈ જવાથી સુપ્રિયાનું મગજ પૂરું કાર્યક્ષમ ન હતું. પરિણામે તે ખૂબ મહેનત કરતી છતાં તેને યાદ ન રહેતું,પરિણામે ભણવામાં ખૂબ પાછળ રહી ગઈ હતી. પણ લાગણીની બાબતમાં દરેક વિધ્યાર્થિનીઓ કરતાં આગળ હતી એમ જરૂર કહી શકાય.મારો ને એનો પરિચય એ આઠમા ધોરણમાં આવી ત્યારે અલગ જ રીતે થયો. વર્ગમાં સાવ શાંત રહેતી સુપ્રિયાથી બધી વિધ્યાર્થિનીઓ થોડી ડરેલી ને એનાથી દૂર રહેતી.એ એકલી જ રહેવું પસંદ કરતી, રિસેસમાં પણ નાસ્તો એકલી જ કરતી કે ક્યારેક એકાદ બહેનપણી સાથે હોય. વર્ષની શરૂઆત હતી એટલે હજુ બધાને ઓળખવાના બાકી હતા એટલે મને થયું કે કદાચ અંતર્મુખી હોય, ધીમે ધીમે પરિચય કેળવી પછી એને સમજાવીશ. પણ બધા એનાથી કેમ ડરતા એ વાત સમજાતી ન હતી... ત્યાં એ વાતનો જવાબ મળે એવો બનાવ બન્યો...એક દિવસ રિસેસ માં મારા વર્ગની મંત્રી દોડતી આવી ને હાફતી, ગભરાતી મને કહે “બેન જલ્દી વર્ગમાં ચાલો સુપ્રિયાને ‘દોરો’ પડ્યો છે !!” હું તો નવાઈ પામી એની સાથે વર્ગ તરફ ઝડપથી જતાં મે પુછ્યું : “એ શું બેટા ?” મંત્રી કહે ; “બહેન તમને નથી ખબર ? એને કઈક વળગાડ છે ને ક્યારેક ગમે ત્યારે એ ભૂત એનામાં આવે ત્યારે એ બેભાન થઈ જાય, દાત કચકચવે, આખો ચડાવી દે,ને આખું શરીર કડક કરી નાખે. એટલે તો બેન બધા એનાથી બી ને દૂર બેસે છે....” એ બધા છેલ્લા 2 વર્ષથી સાથે એક જ વર્ગમાં હતા એટલે એ લોકો એને ઓળખતા હતા. હવે આખી વાત સમજાઈ ગઈ,હકીકતમાં એને ખેચ આવી જતી હતી.પણ વર્ગની બીજી વિધ્યાર્થિનીઓ એ રોગ વિષે ન જાણતી હતી ને કોઈએ આવી ભૂત વાળી વાત ફેલાવી દીધી હશે.! હું વર્ગમાં ગઈ, એ બેન્ચ નીચે પડી ગઈ હતી, ચોથા વર્ગના કર્મચારીની મદદથી તેને ઉચકીને પંખા નીચે સુવડાવી, પાણી છાટયું, તાત્કાલિક ઉપાય કર્યો ને એને નોર્મલ કરી બેન્ચ પર સુવડાવી..માથે હાથ ફેરવતા આશ્વાસન આપ્યું. એની આખ માથી પાણી વહેવા લાગ્યા. મે થોડી વાર એને રડવા દીધી. શાંત થયા પછી એ મને પૂછવા લાગી: “ બેન તમને બીક નથી લાગતી મારી? મને ભૂત આવે એટલે બધા દૂર ભાગી જાય મારી પાસેથી...બહેન તમે આ ભૂત ને કહેશો કે મારી પાસે ન આવે? મારે પણ બધા સાથે રમવું છે...આ લોકો ટોળીમાં બેસી નાસ્તો કરે છે એમ બધા સાથે નાસ્તો કરવો છે. પણ મારા આ ભૂત થી બધા બિયાવે છે ને મારી સાથે કોઈ નથી રમતું !!” નિર્દોષ દીકરીના ચહેરાની વેદના મને હલબલવી ગઈ. મે કહ્યું : “ હા બેટા, એ ભૂતને તો હું હમણાં જ ભગાવી દઉં…બોલ પણ તારે મારી મિત્ર બનવું પડે...” એની આખમાં બે આશ્ચર્ય હતા, એક હું ભૂતને ભગાડવાની હતી ને બીજું એને મિત્ર બાનવવાની છુ!! એ બેય વાત એના નાનકડા મનથી માની ન શકાય એવી હતી. મે કહ્યું બોલ છે વિશ્વાસ મારા પર ? તો લંબાવ હાથ દોસ્તીનો ? એ તો ખુશ થઈ ગઈ મને ભેટી જ પડી.. બધી વિધ્યાર્થિનીઓ નવાઈ સાથે અમને જોઈ રહી હતી. મે એને પ્રેમથી ભેટી, એના મો પરનો પરસેવો મારા સાડીના છેડાથી લૂછતા એને કહ્યું પણ મિત્ર બનતા પહેલા એક વચન આપવું પડશે કે લોકો ગમે તે બોલે પણ હવે પછી તારે જાતે કોઈને એમ નહીં કહેવાનું કે મને ભૂત આવે છે!! ફરી તે નવઇથી મને જોઈ રહી . પણ બહેનને મિત્ર બનાવવાની ખુશીમાં વધુ વિચાર્યા વગર એ વચન આપી દીધું. પછી તેની પાસેથી નંબર લઈને તેની મમ્મીને કોલ કરી બોલાવ્યા ને તેને ઘરે મોકલી આરામ કરવા કહ્યું. ( ક્રમશ: )