Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૫

ભાગ ૨૪(૨) ( ગતાંક થી ચાલુ)

ખૂબ સામાન્ય કહી શકાય એવી વાત હતી, પણ એ સામાન્ય મારા પક્ષે પણ વિદ્યાર્થી કે ખાસ કરીને તરુણાવસ્થામાં- જ્યારે કઈ વાત કઈ રીતે લેવાય છે, તે આપણે ક્યારેક નથી જાણી શકતા એની આ વાત છે. કવિતાને દરરોજ વર્ગમાં ગણિતના તાસમાં બહેન રોજ ઉભા કરે, એ વાત કઠતી હતી અને મારા પક્ષે બહુ સામાન્ય વાત હતી, કે જે વિદ્યાર્થી ગણિતમાં ઓછી ક્ષમતા ધરાવતી તેમની તેમની રીતે ઓછું કાર્ય આપી, પાસ કરવાનો પ્રયત્ન કરવો એ હેતુથી હું રોજ પ્રયત્ન કરતી પણ તેનો ઉંધો અર્થ આ નાનકડી દીકરીના મગજમાં લેવાઈ ગયો! જેના પરિણામ આવે તે ડિપ્રેશનમાં આવી ગઈ, આટલેથી વાત ન અટકતા આગળ વધીને મનોવૈજ્ઞાનિક સુધી પહોંચી ગઈ એ મારા માટે બહુ શોકજનક સમાચાર હતા. આ વિદ્યાર્થી પોતાના મનમાં અતિ વધુ લઇ લીધું હતું ને તે વાત કોઈ સાથે શેર ન કરી. ઘરે મમ્મી-પપ્પાને એ વાત કરતી કે મને શાળાએ જવું નથી એનું કારણ માત્ર આ હતું !! આ વાતની મને ખબર સુધ્ધા નહોતી કેમકે મારા મનમાં વ્યક્તિગત કવિતા પ્રત્યે કોઈ દ્વેષભાવ જ હતો. પણ એ વિદ્યાર્થી એવું સમજી બેઠી હતી આ ગેરસમજને કારણે આ મહાપ્રશ્ન સર્જાયો. ક્યારેક એવું પણ બનતું હોય કે સ્ટાફમાં એકબીજા પ્રત્યે તેજોદ્વેષ રાખવાને કારણે પણ નાનો પ્રશ્ન મોટો બનાવી દેવો એવું કેટલાક શિક્ષકો કરી શકતા હોય છે( બહુ શરમ જનક આ વાત છે પણ નછૂટકે અહી ઉલ્લેખ કરી રહી છુ કે જેથી સહુને ખ્યાલ આવે) અને મારી વિદ્યાર્થીનીઓમાં મારી લોકપ્રિયતા બીજા શિક્ષકોને આવું તેજોદ્વેષ કરવા પ્રેરિત એવું પણ બની શકે( દરેક જગ્યાએ આ વાત સમાન્ય છે જ એમાં કોઈ બેમત નથી.) અને આ બાબત બળતામાં ઘી હોમ્યું જેવી વાત થઈ

પ્રતિસ્પર્ધી માનતા એવા શિક્ષકો આ વાતને પકડીને બહુ મોટું સ્વરૂપ આપ્યું ,હું તો થોડી ક્ષણો ડઘાઇ ગઇ હતી કે આ શું બની ગયું? મોટા ભાગની વિદ્યાર્થીઓ પોતાની ખાનગી વાતો મારી સાથે શેર કરતી ત્યારે આ વિદ્યાર્થીની આવી નાની વાત પણ જે તેને મોટી લાગતી હતી તે મારી સાથે શેર ન કરી શકી એનો મને જિંદગીભરનો અફસોસ રહ્યો છે .. રજામાં આચાર્યશ્રીએ વિગતે વાત મને કરી અને મને ખૂબ અફસોસ થયો.કઈક વિચારે મે તાત્કાલિક બહેન પાસેથી કવિતાના પપ્પાના નંબર લઈ લીધા. ઘરે જઈને એ દિવસે જમવાનું ન ભાવ્યું. એ જ વિચારતી હતી કે અરે આ નાનકડા નિર્દોષ મન પર મે અજાણતા અત્યાચાર કર્યો છે!! હવે તેનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવું સતત આ વિચાર કર્યો. બપોરે આકાશવાણી ડ્યૂટી હોવાથી ત્યાં જઈ બધું કામ માંડ મન લગાવી પૂરું કરતાં સાત વાગ્યા. કવિતા ના પપ્પાને ફોન કર્યો. તો તેની મમ્મી હોય ઉપાડ્યો.મે મારી ઓળખાણ આપી એ સાથે જ તેના મમ્મી ના અવાજમાં ખૂબ ગુસ્સો આવી ગયો. પણ એક સ્વાભાવિક હતું! કોઈપણ માતા માટે પોતાની દીકરી થી વિશેષ આ દુનિયામાં કંઈ છે નહીં, સમજી શકાય એવી વાત હતી. મે ખૂબ સંયમપૂર્વક શાંતિથી અને પ્રેમથી તેમને કહ્યું કે તમારા ઘરની સરનામું આપો મારે આપની સાથે રૂબરૂ વાત કરવી છે. પણ માતૃહ્રદય એમ કંઈ થોડી માફ કરી શકે? એમનો ગુસ્સો વ્યાજબી હતો ત્યાં કવિતા ના પિતા એની પાસેથી ફોન લઈ અને મને સરનામું આપ્યું અને કહ્યું છે બહેન તમે જરૂર મારા ઘરે આવો કવિતાને પણ ગમશે. હું જાણું છું કે કવિતા અમારાથી ડરી ગઇ છે પણ વાંધો નહીં, તમે આવો.......

ખબર નહીં કેમ મારી સત્ય વાતનું અને પ્રાયશ્ચિતનો ranko એ ભાઈ ને સ્પર્શી ગયો.. સરનામું પૂછતા તેમનું ઘર ખૂબ દૂર હતુ. છતાં પણ હું ત્યાં ગઈ. એક મોટી ચોકલેટ અને પેન તથા ડાયરી લઇને એના ઘરે પહોંચી. કવિતા નો ચહેરો ખૂબ ઊતરેલોતો.તેના માતા મારા પ્રત્યે ખૂબ ગુસ્સામાં હતા, મારા પ્રત્યેનો તેમનો ગુસ્સો વ્યાજબી હતો હું તે સમજી શકતી હતી. મે વાતની શરૂઆત કરી, કવિતા ને કહ્યું કે બેટા હું તારા માટે એક ચોકલેટ લાવી અને એ દ્વારા ફ્રેન્ડશિપનું હાથ લંબાવું છું મારી મિત્ર બની શકે? ત્યારે કવિતાની આંખમાં આંસુ આવી ગયા અને મારા પ્રત્યેનો ડર જાણે મીણની જેમ ઓગળી ગયો. મેં કહ્યું મિત્ર એટલે જેની સાથે બધી વાતો શેર કરી શકાય સાચું ને? ત્યારે કવિતા એ હા પાડે તો મેં એને કહ્યું કે જો તું મારી સાથે બધી વાતો શેર ન કરી શકે તો એના વિકલ્પરૂપે હું આ ડાયરી અને પેન લાવી છું, તેને મિત્ર બનાવી લે ને એમાં તારા મનની વાતો લખી શકે છે અને પછી એ લખાઈ જાય પછી તને જેના પર વિશ્વાસ હોય તેમને વાંચવા આપી શકે અને મિત્ર તરીકે જો હું એ ડાયરી તારી પાસેથી મેળવી શકું તો હું મારી જાતની ધન્ય માનીશ!! પણ કોઈ એવો આગ્રહ તારી પાસે રાખતી નથી, તારી મરજી... અને બીજું કે જે રીતે બધાને ઊભા કર્યા એ પાછળનું મારો એવો કોઈ હેતુ નહોતો કે તું નબળી છે, મને તો તારું નામ પણ ખબર નહોતી, બસ મારી ઇચ્છા એવી છે કે આપણી શાળાની પરિણામ ૧૦૦ ટકા આવે અને જે વિદ્યાર્થીઓનીને ગણિત ઓછું ગમે છે તો તેમને એ વિષયમાં બહુ બોઆપું અને તેમને અલગ તારવીને તેમના માટેનું અભ્યાસક્રમ ઓછો ને સરળ કરી આપું. એટલા માટે હું રોજ તમને ઊભા કરી અને વર્ગમાં આ વાત કરું છુ.. પણ તને એ વાતમાં મજા ન આવતી હોય તો આવતીકાલથી તારી સાથે બધા જ આવા વિદ્યાર્થીઓની ઉભા કરવાનું બંધ હો!! બસ હવે તમે મજા આવશે? હવે તો તું શાળાએ આવવા માટે તૈયાર છે ને? મારી સામે તારા મમ્મી પપ્પાને પ્રોમિસ કર કે આવતી કાલે તું હસતા હસતા શાળા આવીશ....

આટલી નિખાલસ ચર્ચા એની સાથે કર્યા બાદ તેની માનો ગુસ્સો પણ થોડો હળવો થયો અને તે રડી પડ્યા. સાથે મારી આંખમાં પણ પશ્ચાતાપ ના આંસુ હતા. ને મે નિખાલસ કબૂલાત કરી, બહેન મારાથી અજાણતા આવી ભૂલ થઈ ગઈ છે હું કદી પણ કોઈપણ દીકરીનું દિલ જાણી જોઈને દુઃખાવતી નથી. બસ એક પરિણામ ના ટેન્શન માં, શાળાના વાતાવરણની પ્રથમ વાર મારા પર એટલી અસર કેમ થઈ ને મારાથી આ વાત કેમ થઈ એ હું પણ જાણતી નથી અને હું મારી જાતને આ બાબતે કદી માફ નહીં કરી શકું પણ પ્લીઝ તમે મને મદદ કરો અને આપણે સાથે મળી કવિતાને આ ડિપ્રેશનમાંથી જરૂરથી બહાર લાવી શું... ત્યારે માતા મને ભેટી પડ્યા અને વચન આપ્યું કે આપણી જરૂર સાથે મળી આ કાર્ય પૂર્ણ કરીશું. નાની બહેન, તેના પપ્પા અને મમ્મી ૩ ખુશ હતા. અને કવિતા તો એકદમ ખુશ હતી આજે તેના ચહેરા પર થોડું હાસ્ય દેખાયું. હું ખુશ થઈ, એના ઘરેથી લગભગ દોઢ કલાક પછી ઉઠી તેના હાસ્ય સાથે મારી ભૂખ ઉઘડી અને ઘરે જઈને મે શાંતિથી જમ્યું. કવિતા ના માં નો મેસેજ આવ્યો સ્માઈલી સાથે કે બહેન, આજે ઘણા દિવસે મારી દીકરી શાંતિથી જમી આપનો ખૂબ-ખૂબ આભાર... ખૂબ રાજી થઈ ઈશ્વરનો આભાર માની પથારીમાં પડી આવતા દિવસોમાં હવે કઈ રીતે કવિતાની હેન્ડલ કરવી એ વિચારો સાથે સૂઈ ગઈ.

વર્ગમાં બીજા દિવસે સૂચના આપી દીધી કે હવેથી રોજ હું આવું ત્યારે આ કોઈ જ વિદ્યાર્થીઓએ ઉ થવાનું નથી. હું વ્યક્તિગત તમારી પાસે તને મળી જઈશ. હવે મને તમારા નામ આવડી ગયા છે અને તમને જે નથી સમજાતું નથી તમે પ્રેમથી મારી પાસે શીખી શકો... પણ કવિતા સામેથી જ ઊભી થઈ અને મને પોતાની નોટ બતાવી. ઘણા વખતથી પોતાની ગણિત ની નોટ પૂરી ન કરનાર આ દીકરી આજે પ્રેમથી બે પ્રકરણ પોતાની નોટમાં પુરા કર્યા હતા અને હસતી હસતી મને બતાવતી હતી. હવે પછી તો આ દરરોજનું થઈ ગયું. ધીમે ધીમે રોજ સાંજે કવિતા સાથે વાતો કરતી અને તેનો મારા પ્રત્યેનો ડર દૂર કરવાના પ્રયત્ન કરતી. હું એને અવનવી વાતો દ્વારા તેનો આત્મ વિશ્વાસ ટકાવી રાખવામા મદદ કરતી. મેં એને કહ્યું કે દરરોજ તું લેશન નહિ બતાવ તો ચાલશે, પણ હું આવું ત્યારે તારે મને તારું ખુબ સરસ મીઠું સ્માઇલ જરૂર આપવાનું હો. જેથી મારો દિવસ સરસ જાય. આ વાત તેને વધારે સ્પર્શી ગઈ. અને એના સુંદર સ્માઇલ સાથે તે દરરોજ તેની ગણિતની નોટ પણ આપતી અને એક અઠવાડિયા પછી અચાનક આ નોટ સાથે વચ્ચે તેની પોતાની (મેં આપેલી) ડાયરી મને આપી. ઇશારાથી સમજાવ્યું કે નોટ વચ્ચે આ ડાયરી એટલે રાખી છે કે આપણા બે વચ્ચે ની વાત વર્ગમાં કોઈને ખબર ન પડે!! બસ આ દિવસ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હતો કે હું તેનો વિશ્વાસ સંપાદન કરવા સફળ રહી. નોટ સાથે ડાયરી લઈ લીધી ને રાતે નિરાતે વાચીશ એ વિચારે મારા પાકીટમાં મૂકી.

બસ નાની દીકરીની ડાયરીના એ શબ્દો મારી સાથે આપ સહુને પણ જરૂર ઢંઢોળી નાખશે!! દરેક શિક્ષકે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવા જેવો ખરો! દીકરીએ લખ્યું હતું કે બહેન, હું જે શિક્ષક પર વિશ્વાસ કરી બધી વાતો કરતી હતી તે ખરા અર્થમાં મારા મિત્ર બની રહેવા જોઈએને ? એ શિક્ષકે કેમ મને આવું ન સમજાવ્યું કે મારે તમારી સાથે જ સ્પષ્ટ વાત કરવી જોઈએ ? ને એના બદલે કેમ એમ કહ્યું કે આચાર્યને ફરિયાદ કરો – ગણિત શિક્ષક વિરુધ્ધ ? શું આપણે સહુ અમુક સમયે આપણા અહંકાર ને વચે લાવીને કે સ્વ જ સર્વસ્વ ની ભાવના યાદ રાખી, ક્યાક ક્યારેક તો શિક્ષક ધર્મ ચૂકી, આવું કઈક નથી કરી રહ્યા ને ? આપણા આંતરિક દ્વેષભાવ ને કારણે કોઈ કુમળી કળી મુરજાઈ તો નથી જતી ને ? ખેર જે થયું તે ... મે મારી રીતે દીકરીને એ વાત તરફથી પાછી વાળી લીધી, એ રીતે કે એને એ શિક્ષક પ્રત્યે પણ અભાવ ન આવે કે ભવિષ્યમાં કોઈ શિક્ષક્ના શિક્ષકત્વની પ્રતિમા ન ખરડાય ને એને નુકસાન ન પહોચે !!

દિવસો દરમિયાન આચાર્યશ્રીએ તેના માતા-પિતા સાથે સંપર્ક ચાલુ રાખ્યો, વચ્ચે એમને મળવા પણ બોલાવ્યા ત્યારે તેના પિતાએ કહ્યું કે હવે તેમની દીકરી ખુબ સરસ છે, મનોવૈજ્ઞાનિક સાથે પણ વાત થઈ છે અને હવે તેને કોઈ દવા કે કાઉન્સિલની જરૂર નથી, કેમકે કાઉન્સેલિંગને બદલે તે પોતાની ડાયરીમાં દરરોજ નાની નાની વાતો લખે છે એ યોગ્ય છે અને જાગૃતિ બહેન સાથે જ પોતાની વાતો રોજ ફોનમાં શેર કરે છે... તો આ વાત જાણી આચાર્યશ્રીને પણ નવાઈ લાગી અને વા શિક્ષકો કે જે નાની સમસ્યાને મોટી વાત બનાવવાના મૂડમાં હતા તે સૌ નવાઈ પામી ગયા કે એવું તે શું બન્યું કે કવિતામાં આટલો ફરક આવી ગયો? કેટલાક મિત્રો તે વિદ્યાર્થીના માતા-પિતાને ચડાવીને ખોટી રીતે ફરિયાદ કરવા પ્રયત્નો કરતા રહ્યા... પણ મારા દિલની સચ્ચાઇની અને એ દીકરી પ્રત્યેની સાચી મમતા તથા મારા પશ્ચાતાપ ના કારણે મારા સાચી દિશામાં પ્રયત્નો સફળ થયા અને એ દીકરી ખૂબ સારા ગુણ સાથે પાસ થઈ ગઈ. ધોરણ 11 અને 12 માં પણ એ સતત મારા પ્રયત્નો કોન્ટેક્ટ માં રહેતી અને હું એની સમજાવવાનો પ્રયત્ન કરતી કે કોઈ શિક્ષક જ્યારે તમને વઢે, ત્યારે તે તમારા સારા માટે હોય છે, નહીં કે તમારા પ્રત્યે દ્વેષ ભાવથી હો ને ! આ વખતે એ મને કહેતી કે બહેન, આ વાત મને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ છે અને એ જ વાત હું મારા બીજા મિત્રોને પણ સમજાવી રહી છું..દીકરી,તેના માતા પિતા અને કુદરતે મને જરૂર માફ કરી હોય એમ કોલેજમાં કે કદાચ હવે તો એ અભ્યાસ પણ પૂર્ણ કરી ગયેલ કવિતાનું વ્યક્તિત્વ ખીલ્યું!! ને એ કળી મારી નાની ભૂલને કારણે મુરજાઈ જાત પણ મારી નૈતિકતા અને અંદરની તાકાતને કુદરતનો સાથ મળી જ ગયો