સુંદરી - પ્રકરણ ૯૬ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૯૬

છન્નુ

ત્યાંજ શ્યામલનો ફોન રણક્યો અને એણે ખિસ્સામાંથી ફોન કાઢીને જોયું તો સુંદરીનો કોલ હતો એટલે તેણે કોલ રિસીવ કર્યો અને ઈશાનીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે ઈશાની શાંત થઇ.

“હા બોલ સુના... હમમ... હમમ... અત્યારે? હા પણ... ના ખાસ કોઈ નથી પણ... ઠીક છે હું આવું છું. દસ મિનીટ રાહ જો મારી... હા... આવ્યો!” આટલું કહીને શ્યામલે કૉલ કટ કર્યો.

“હા તો હું કહેતી હતી કે મારો ભાઈ...” ઈશાનીએ ફરીથી વાત શરુ કરી પરંતુ...

“સોરી... આપણે તમારા ભાઈની વાત પછી ક્યારેક કરીશું. મારે અત્યારે થોડું અરજન્ટ જવાનું છે.” શ્યામલે ઇશાનીને વચ્ચે જ રોકી.

“કશો વાંધો નહીં, તમે જઈ આવો હું અહીં જ ઉભી છું. દુકાનની ચિંતા ન કરતા.” ઈશાની બોલી.

“ના, મને વાર લાગશે. હું થોડીવાર દુકાન બંધ કરીને જ જાઉં છું. આપણે કાલે મળીએ,” કહીને શ્યામલ ચ્હા બનાવવાનો સામાન દુકાનમાં જ ગોઠવવા લાગ્યો.

ઇશાનીને કદાચ આ ગમ્યું નહીં. તેને હજી પણ શ્યામલ સાથે વાત કરવી હતી અને ખાસકરીને એના સેલિબ્રિટી ભાઈ વિષે, પણ શ્યામલે અધવચ્ચે જ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું અને એટલુંજ નહીં તેણે તેને રાહ જોવાની પણ ના પાડી.

“ઠીક છે.” આટલું કહીને ઈશાનીએ બે ચ્હા અને મસ્કાબનના પૈસા કાયમની જગ્યાએ મૂકી દીધા અને મોઢું બગાડીને ફૂડકોર્ટના મુખ્ય દરવાજા તરફ પગ પછાડતાં પછાડતાં ચાલવા લાગી.

શ્યામલ આ જોઇને હસ્યો, તેણે ગેસ બંધ કર્યો અને રિક્ષામાં દુકાનવાળા હિસ્સાને તેણે શટર પાડીને બંધ કર્યો અને પછી ત્રણ તરફ તાળાં મારીને ચાવી પોતાના ખિસ્સામાં મુકીને ફૂડકોર્ટના પાછલા દરવાજા તરફ ચાલવા લાગ્યો. ફૂડકોર્ટના પાછલા દરવાજાની બહાર યુનિવર્સિટીને જોડતો રસ્તો હતો જે મોટેભાગે ખૂબ ઓછી અવરજવર સાથે શાંત રહેતો.

શ્યામલ ફૂડકોર્ટની બહાર નીકળ્યો અને તેણે ડાબે-જમણે જોયું તો ડાબી તરફ થોડે દૂર એક મોટી કાર ઉભી હતી જેની બહાર સુંદરી ઉભી હતી. સુંદરીએ પોતાનો હાથ હલાવ્યો અને શ્યામલનું ધ્યાન ખેંચ્યું. જવાબમાં શ્યામલે પણ હાથ ઉંચો કરીને પોતે ત્યાં આવી રહ્યો છે એવો ઈશારો કર્યો.

“સોરી ભાઈ તમને અચાનક જ બોલાવવા પડ્યા, પણ મને એમ થયું કે આ વાત જેટલી જલ્દી પૂરી થાય એટલું સારું.” સુંદરીએ શ્યામલના પહોંચતા જ તેને કહ્યું.

“કશો વાંધો નહીં. ક્યાં છે?” શ્યામલે હસીને સુંદરીને પૂછ્યું.

“અંદર, પાછલી સીટમાં બેઠા છે. તમે ત્યાં બેસો હું આગળ બેસું છું.” સુંદરીએ કારનો પાછલો દરવાજો ખોલ્યો.

શ્યામલે કારનો દરવાજો પુરેપુરો ખોલીને અંદર જોયું તો અંદર વરુણ તેનું ચિતપરિચિત સ્મિત કરતો બેઠો હતો. શ્યામલના અંદર જવાની સાથે જ સુંદરીએ દરવાજો બંધ કર્યો અને પોતે કારની પાછળથી ચાલતી ચાલતી ડ્રાઈવર સીટ તરફ ગઈ અને તેનો દરવાજો ખોલીને ડ્રાઈવર સીટ પર બેઠી.

“શિવભાઈ...” વરુણે આટલું કહીને શ્યામલનો હાથ પકડી લીધો.

“કેમ છે તું? બહુ મોટો માણસ થઇ ગયો હેં ને?” શ્યામલે વરુણનો હાથ દબાવ્યો.

“અહં... બીજા માટે તમારા માટે નહીં. તમેજ મને શરૂઆતમાં એ આત્મવિશ્વાસ અપાવ્યો હતો જેને લીધે હું કદાચ અહીં પહોંચ્યો છું.” વરુણે વિવેક કર્યો.

“તે દિવસ માટે મને માફ કરી દેજે.” શ્યામલે વરુણની માફી માંગી

“માફી શેની? તમે તો તે દિવસે એક શબ્દ પણ બોલ્યા ન હતા અને તમારું એ દિવસનું રિએક્શન એક ભાઈનું હતું, જે કોઇપણ ભાઈએ આપ્યું હોત. તમારી જગ્યાએ હું હોત તો મેં પણ કદાચ આમ જ કર્યું હોત. એટલે પ્લીઝ, ડોન્ટ બી સોરી.” વરુણનો સૂર મક્કમ હતો.

“હવે તો તું મારી દુકાને સાવ નહીં આવી શકે. આટલો મોટો ક્રિકેટર થઇ ગયોને?” શ્યામલે હસતાં હસતાં કહ્યું.

“પણ હું તમારે ઘરે આવી જઈશ. તમારા હાથની ચ્હા તો હું ખૂબ મિસ કરું છું શિવભાઈ.” વરુણે પણ સ્મિત કર્યું.

“પણ હવે હું ત્યાં નથી રહેતો. પરમદિવસે જ મેં ઘર શિફ્ટ કર્યું.” શ્યામલે જવાબ આપ્યો.

“હા તો ત્યાં આવી જઈશ. તમને પહેલેથી જ કૉલ કરી દઈશ એટલે તમે તૈયાર રહો અને હું ફટ કરતો તમારા ઘરમાં ઘુસી જઈશ. અને આપણે બપોરનો ટાઈમ રાખીશું એટલે ખાસ કોઈ હોય નહીં.” વરુણે આઈડિયા આપ્યો.

“ના એમ નહી...” મૂંઝાયેલા શ્યામલે સુંદરી સામે જોયું.

“હું આજકાલ તૂટેલા સબંધો જોડવામાં બીઝી છું યુ નો!” શ્યામલની મૂંઝવણ જોઇને આગળ બેઠેલી સુંદરી હસતાં હસતાં બોલી પડી.

“એટલે?” વરુણને નવાઈ લાગી.

“એટલે એમ કે પપ્પા અને શ્યામલભાઈના સબંધો મેં હજી થોડા દિવસ પહેલા જ ફરીથી જોડી દીધા છે એટલે હવે અમે ત્રણેય એકસાથે મારા ઘરે જ રહીએ છીએ. આજે મેં તમારો અને શ્યામલભાઈનો તૂટેલો સબંધ જોડ્યો.” સુંદરીના ચહેરા પર ગૌરવપૂર્ણ સ્મિત હતું.

“વાહ! તો તો બહુ સરસ. તો હું ત્યાં આવી જઈશને? હું તમારે ઘરે ટપકી પડીશ કોઈ દિવસ.” વરુણે કહ્યું.

“ના... ના... ના...” અચાનક સુંદરીને કોઈએ ચીટીયો ભર્યો હોય એમ તે બોલી પડી.

“કેમ? તમારે ઘેરે હું આવું એ તમને નહીં ગમે?” વરુણને સુંદરીના આ પ્રતિભાવથી આંચકો લાગ્યો.

“એમ નહીં વરુણ. સુંદરીનો કહેવાનો મતલબ છે કે તું... આવડો મોટો ક્રિકેટ સ્ટાર જેના મારા પપ્પા પણ ફેન છે એને આમ અચાનક તો ઘરે ન આવવા દેવાયને? એમ!” શ્યામલે સુંદરીની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો.

“ઓહો! એટલે અંકલ પણ? અને આ તમે મને સ્ટાર સ્ટાર કહીને શું બોલાવો છો? પ્લીઝ. તમે લોકો તો આવું ન બોલો. હું ફક્ત વરુણ છું તમારા માટે અને મને એ રીતે જ ટ્રીટ કરશો તો જ મને ગમશે અને કમ્ફર્ટેબલ લાગશે.” વરુણ ફરિયાદના સૂરમાં બોલ્યો.

“હા, તમને કોઈજ હવે સ્ટાર નહીં બોલાવે. પપ્પાને અમારે તમને વ્યવસ્થિતપણે મેળવવા છે એનો પણ પ્લાન કરીએ આપણે.” સુંદરીએ કહ્યું.

“હા તો જલ્દી પ્લાન કરો. મારે શિવભાઈએ બનાવેલી ચ્હા પીવી છે.” વરુણે ઉતાવળ દર્શાવી.

“ચ્હા તો હું પણ સરસ બનાવું છું ઓકે?” સુંદરીએ ખોટેખોટું મોઢું બગાડ્યું અને પછી હસવા લાગી.

“એ ફરી ક્યારેક, અત્યારે તો મને શિવભાઈના હાથની ચ્હા પીવાની જ તલબ લાગી છે. બોલો ક્યારે આવું તમારા ઘરે?” વરુણ હવે ઉતાવળો થયો હતો.

“અમમ... કોલેજનું ફંક્શન પતી જાય એટલે તરતજ, એન્ડ આઈ પ્રોમિસ કે એ ફંક્શન પછી એકાદ બે દિવસમાં જ તમે મારે ઘરે આવશો, પપ્પાને મળવા.” સુંદરીએ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“અને એ દિવસે મારી ચ્હા સાથે નાસ્તો પણ કરાવીશ તને, પેટ ભરીને!” શ્યામલે પણ સુંદરીના આત્મવિશ્વાસમાં પોતાના વિશ્વાસને જોડી દીધ્યો.

“ઓકે તો ડન છે. કોલેજ ફંક્શન પતે એટલે હું તમારા બંનેની પાછળ પડી જઈશ.” વરુણ પણ હસી પડ્યો.

“પાક્કું. તો હું હવે નીકળું? દુકાન લાંબો સમય બંધ નહીં રાખી શકાય.” આટલું કહીને શ્યામલે કારનો દરવાજો ખોલ્યો.

“શ્યોર, પણ શનિવારે તમારે ફંક્શનમાં જરૂર આવવાનું છે શિવભાઈ, મને સહપરિવાર આમંત્રણ છે અને તમે મારા પરિવારના જ સભ્ય છો ઓકે?” વરુણે શ્યામલને આગ્રહ કર્યો.

“અરે! ના એમ મારે દુકાન મુકીને ન અવાય અને હું ત્યાં શું કરીશ? મારા જેવા વ્યક્તિની ત્યાં કોઈજ જરૂર નથી, તમે એન્જોય કરો બંને જણા.” શ્યામલે વિવકથી વરુણના આગ્રહને નકાર્યો.

“મને ખબર છે શિવભાઈ તમે શા માટે ના પાડો છો. શિવભાઈ, તમે મારા મહેમાન હશો, ઓસંખાવાની જરૂર નથી.” વરુણે ભારપૂર્વક કહ્યું.

“તમારી કોલેજના સ્ટુડન્ટ્સ મારી દુકાને ચ્હા પીવા આવતા હોય છે એ બધા મને ઓળખી જશે.” શ્યામલે છેવટે પોતાની મજબૂરી રજુ કરી.

“તો સારુંને? જે તમારી દુકાને ચ્હા પીવા નથી આવતા એ સ્ટુડન્ટ્સને પણ ખબર પડી જશે કે તમારા જેવી વર્લ્ડક્લાસ ચ્હા આખા અમદાવાદમાં બીજું કોઈ જ નથી બનાવતું એટલે એ લોકો પણ સોમવારથી તમારી દુકાને ચ્હા પીવા આવશે. તમારું બ્રાન્ડીંગ થશે શિવભાઈ.” વરુણે હસીને કહ્યું.

“તું નહીં જ માન એમને?” શ્યામલે છેવટે હથિયાર મૂકી દીધા.

“ના.” વરુણે પોતાનો ચહેરો સપાટ કરી દીધો.

“ઠીક છે તો હું જરૂર આવીશ.” શ્યામલે આટલું કહીને પોતાનો હાથ લંબાવ્યો જેને વરુણે પકડી લીધો અને દબાવ્યો.

સુંદરી આ બંને વચ્ચે રહેલા આદરભાવ અને પ્રેમને જોઇને ગદગદ થઇ રહી હતી કારણકે છેવટે તો આ બંનેમાંથી એક તેનો ભાઈ હતો અને બીજો એ વ્યક્તિ હતો જેને તેણે મનોમન પોતો જીવનસાથી માની લીધો હતો.

વરુણ અને શ્યામલ બંને એકબીજાને ભેટ્યાં અને ત્યારબાદ શ્યામલ ત્યાંથી પોતાની દુકાન તરફ ચાલવા લાગ્યો. વરુણ અને સુંદરી પોતપોતાની મૂળ જગ્યાએ ગોઠવાયા અને વરુણે સુંદરીને ઘરે મુકવા પોતાની કાર સ્ટાર્ટ કરી.

શ્યામલ પોતાની દુકાને આવ્યો અને જોયું તો ઈશાની જે તેના ગયા પહેલાં જ પગ પછાડતી જતી રહી હતી તે અત્યારે તેની દુકાનના મુંઢા પર બેઠી બેઠી તેની રાહ જોઈ રહી હતી. હવે શ્યામલને એવું લાગવા લાગ્યું કે ઈશાની તેની પાછળ જ પડી ગઈ છે આથી એ થોડો ગુસ્સે થયો, પરંતુ ઈશાનીનો તરત ખોટું લાગી જનારો સ્વભાવ તેને યાદ આવી ગયો એટલે તેણે કાયમની જેમ મૂંગા રહેવાનું જ નક્કી કર્યું.

“હાઈ! આવી ગયા?” શ્યામલે જેવું દુકાનનું શટર ખોલ્યું કે ઈશાની આદત અનુસાર બોલી પડી.

“હમમ... તમે તો જતા રહ્યા હતાને?” શ્યામલે કંટાળાભર્યા સૂરમા કહ્યું.

“હા, પણ એમ હું મારા ભાઈ વિષે તમને કહ્યા વગર કેવી રીતે જાઉં? આઈ એમ સો એક્સાઈટેડ. મારા બધા જ ફ્રેન્ડ્સને ખબર છે કે મારો ભાઈ કોણ છે, ખાલી તમને જ ખબર નથી.” ઈશાની બોલી.

“કોઈ દેશનો કિંગ છે શું તમારો ભાઈ.” તપેલી ને સ્ટવ ઉપર મુકતા શ્યામલ બોલ્યો.

“ના, કિંગ તો નથી પણ કિંગથી ઓછો પણ નથી.” ઈશાનીના ચહેરા પરની ઉત્તેજના વધી જ રહી હતી.

“અચ્છા? કોણ છે એ?” શ્યામલે માચીસ સળગાવવાનું શરુ કર્યું.

“વરુણ ભટ્ટ! ધ વરુણ ભટ્ટ! ઇન્ડિયન ક્રિકેટનું નવું સેન્સેશન!” ઈશાનીએ અત્યંત ગૌરવથી તેના ભાઈ એટલેકે વરુણનું નામ લીધું.

અને શ્યામલે સળગાવેલી માચીસ તેના હાથમાં જ રહી ગઈ. તે ત્યાંને ત્યાં જ સ્થિર થઇ ગયો. અચાનક જ તેના મનમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા. બે ઘડી એને ઇશાનીને શું પ્રતિક્રિયા આપવી એ જ ખબર ન પડી. અચાનક જ તેની નજર સમક્ષ ભવિષ્યનું કોઈ દ્રશ્ય આવી ગયું અને જેવી માચિસનો અગ્નિ એની આંગળીને સ્પર્શ્યો કે...

“તમે પ્લીઝ અહીંથી જાવ અને હવે ફરીથી ન આવતા. તમે આવશો તો હું દુકાન છોડીને જતો રહીશ પ્લીઝ જતા રહો.” શ્યામલે ગુસ્સામાં પોતાના બંને હાથની હથેળીઓ જોરથી પછાડી અને ઈશાનીની નજર સાથે પોતાની નજર ન મળે એનું ધ્યાન રાખ્યું.

શ્યામલના વર્તનમાં આવેલા અચાનક પરિવર્તનથી ઈશાનીને આઘાત લાગ્યો એ ડઘાઈ ગઈ અને શ્યામલ સામે જોવા લાગી અને પછી ભીની આંખ સાથે ફૂડકોર્ટના મુખ્ય દરવાજા તરફ દોડી ગઈ...

==:: પ્રકરણ ૯૬ સમાપ્ત ::==