Ascent Descent - 47 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 47

પ્રકરણ - ૪૭

આધ્યા ઘણીવાર સુધી રડતી રહેલી સોનાને ચૂપ કરાવતાં શાંતિથી પૂછવા લાગી, "શું થયું સોના? હવે તો બોલ...તો મને કંઈ સમજાય. હવે તો આપણે નક્કી કરી દીધું છે કે આપણી લાઈફમાં ના મલ્હાર કે ના ઉત્સવ રહેશે..."

"જેટલી ઝડપથી અને સહેલાઈથી તું બોલી એટલું સહેલું છે ખરેખર કોઈને ભૂલવું? હું કેટલો પ્રયત્ન કરું પણ કોણ જાણે ઉત્સવને હું ભુલાવી શકતી નથી. જીવનમાં પહેલીવાર કોઈને સાચો પ્રેમ થયો છે એ પણ કદાચ... આમ ગુમાવી દેવો પડશે...હવે તો ફક્ત મને જ નહીં પણ એને પણ મારા માટે લાગણી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે."

આધ્યા ખુશ થતાં બોલી, " કેમ એણે તને કંઈ કહ્યું?"

" કોઈ સ્પષ્ટ રીતે નહીં.. પણ આડકતરી રીતે."

આધ્યા: " હમમ...હાલ કોઈ નિર્ણય કરીશ નહીં. થોડો સમય રાહ જો. એ સામેથી કંઈ તો કહેશે જ ને એને એવું કંઈ હશે તો પછી જે થાય તે. પરંતુ ઉતાવળે કોઈ નિર્ણય કરવો છે. એવું હશે તો હું મલ્હાર પાસે એનાં વિશે માહિતી જાણીશ."

" તું શું મલ્હારને ભૂલી શકીશ? મલ્હાર સાચું કહેશે ખરાં? ઉત્સવ એનો ફ્રેન્ડ જ છે ને?"

" એ વાત સાચી છે પણ મને જ્યાં સુધી ખબર છે એ ખોટું નહીં કહે. ભલે એ કહે પણ નિર્ણય તો તારું દિલ કહે એમ જ કરજે."

" હમમમ... જોઈએ હવે નિયતિએ આપણાં માટે શું ખેલ કરાવવાનાં બાકી રાખ્યાં છે.", સોના બોલી

આધ્યા : " યાર આજે તો કામ પણ નથી કંઈ. હવે ધીમે ધીમે જ કરવાનું રાખવું પડશે. તો સમય જશે. હવે નવું કામ આવે ત્યારે વાત. આ તો ફટાફટ પૂરું થઈ જાય છે."

સોના બોલી, " કદાચ આજે નવું કામ નહીં આવે. કાલે જ કંઈ થશે. ઉત્સવનો ફોન હતો કે એને કોઈ અગત્યનાં કામ માટે જવાનું છે તો નહીં આવી શકે. બીજા કોઈને અહીં મોકલવાનું એને યોગ્ય ન લાગતાં એણે આજે ના કહી દીધી છે."

" હમમમ... ચાલ તો આજે આપણે મજા કરીએ પેલાં બે જણાની સાથે...આપણે ખોટી જગ્યાએ ફસાઈ ગયાં અને એ બે ને મજા છે ને?" કહેતાં સોનાનું મન હળવું થતાં બેય જણા બહાર હોલમાં આવી ગયાં...!

**********

કર્તવ્ય ફરી એકવાર એ અંતરાના કોઠા પાસે પહોંચ્યો. આજે એનો આત્મવિશ્વાસ વધારે ઝળકી રહ્યો છે. પણ એને એની આખી ઓળખ બદલીને પહેરવેશ પણ બદલી દીધો છે. એની સાથે કેટલાંક માણસો પણ છે. એણે જોયું આ જગ્યા થોડી સાઈડમાં હોવાથી આજુબાજુ કોઈ રહેઠાણ કે ઓફિસ કે એવું એકદમ નજીકમાં કંઈ જ નથી. ત્યાં બહાર એને એક સફેદ કલરની મોટી ગાડી પડેલી દેખાઈ. એ એની શંકા મુજબ એ ગાડી પાસે ફટાફટ પહોંચ્યો. અને અપેક્ષા મુજબ એનાં ફુઆની ગાડી હશે પણ એનો નંબર તો અલગ દેખાયો. આવી ગાડી એમની પાસે એમણે ક્યારેય જોઈ નથી. એ વિચારવા લાગ્યો કે કોણ હોઈ શકે?

એની યોજના મુજબ એ ત્યાં મેઈનગેટ પાસે પહોંચી ગયો. એણે જોયું કે પેલાં દિવસ કરતાં આજે સિક્યોરિટી વધારી દેવાઈ છે મતલબ કંઈ તો છે જ. એણે થોડી વાતચીત પછી અંદર જવા પરમિશન માગી. એ સિક્યોરિટી કર્તવ્યને બદલાયેલાં વેશમાં ઓળખી ન શક્યો. કે આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલાં અહીં આવેલો છે. બધાં સરદારજી જેવાં કપડાંમાં આવેલાં છે.

એણે ના કહેતા જ કર્તવ્ય બોલ્યો, " તમારાં સાહેબ એ જ મને અહીં કામથી બોલાવ્યો છે. એવું હોય તો ફોન કરીને પૂછી લો. હું વાત કરાવી આપું. સાહેબ અહીં આવ્યાં તો છે જ ને? કે મને બોલાવીને એ ભુલી નથી ગયાં ને કે પછી એમને આવતાં મોડું થયું હોય." કર્તવ્યને એટલાં આત્મવિશ્વાસ સાથે બોલતાં સાંભળીને એ ભાઈ થોડો ગભરાયો. એ ધીમેથી બોલ્યો, " સાહેબ તો આવ્યાં છે. પણ એ કોઈને અંદર આવવા પરમિશન નથી આપતાં. ભાગ્યે જ કોઈ આવવાનું હોય તો એ મને કહીને જ જાય પણ એ એ આજે કંઈ બોલ્યાં નથી. "

"કદાચ એ ઉતાવળમાં ભૂલી ગયાં હોય ન હોય. લો હું જ વાત કરાવી દઉં. હું અંદર રિપેરિંગ કરાવવાનું છે કંઈ એ માટે મળવા આવ્યો છું." કહીને એણે કોઈને ફોન લગાડ્યો ત્યાં જ એ વ્યક્તિ બોલ્યો, " વાંધો નહીં સાહેબે કહ્યું છે તો આપ જઈ શકો છો એમને અંદર ગયાં બાદ ફોન કરીએ એ એમને પસંદ નહીં પડે. ખોટી વઢ ખાવી પડશે.." એ સાથે જ મોટો ઉચો મેઈનગેટ ખુલતાં જ કર્તવ્ય અને સાથે આવેલાં ત્રણેય જણા અંદર પ્રવેશ્યાં.

અંદર પહોચતા પહેલા તો બહાર કોઈ દેખાયું નહીં. કર્તવ્યને જે રીતે જાણ છે એ મુજબ એણે કંઈ પણ બોલ્યાં વિના ચારે તરફ નજર નાખી. ચોમેર શાંતિ છવાયેલી દેખાઈ. આ વખતે તો એણે બહું સાવચેતીથી કામ કરવાનું છે. સીધી જ યોજના મુજબ એની સાથે આવેલો એક વ્યક્તિ એક રૂમમાં દરવાજા પાસે પહોંચ્યો જે રૂમમાં અંતરાએ કર્તવ્યને બધી વાત કરી હતી. એણે દરવાજો ખટખટાવ્યો. બે ત્રણવાર દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહીં. એ વ્યક્તિ પછી એમ જ દરવાજાની સાઈડની બાજુએ ઉભો રહી ગયો સાથે જ કર્તવ્ય અને બીજાં બે જણા પણ એક સાઈડમાં કોઈને નજર ન પડે એમ સંતાઈને ગોઠવાઈ ગયાં.

લગભગ અડધો કલાક થયો કોઈ બહાર આવ્યું નહીં. કર્તવ્ય એ ફરી નજર કરી તો આજુબાજુના બધાં રૂમમાં ફક્ત બે જ રૂમ અંદરથી બંધ દેખાયાં બાકી બધાને બહારથી લોક છે. કર્તવ્ય વિચારવા લાગ્યો કે સિક્યોરિટીના કહેવા મુજબ કોઇ તો છે જ અંદર. એ સાહેબ ફુઆ છે કે બીજું કોઈ એ જોવાનું છે. દરવાજો અંદરથી લોક છે અને બપોરનો એક વાગ્યાનો સમય છે એટલે આ સમયે લગભગ કોઈ સૂવે નહીં.

થોડીવાર રાહ જોવાનું વિચાર્યું ત્યાં જ એ દરવાજો ખૂલ્યો. એ સાથે જ બધાં સજાગ થઈ ગયાં. બધાની નજર કોણ બહાર આવે છે એ પર મંડાઈ રહી છે ત્યાં બહાર એક પુરુષ આવ્યો એ પણ કેપરી અને ટીશર્ટ પહેરીને જાણે ઘરમાં ફરતાં હોય એ જ રીતે. એ વ્યક્તિ ત્યાંથી સામે એક રૂમમાં તરફ જવા ગયો ત્યાં જ બધા એને જોઈને આશ્ચર્ય પામ્યા. પણ જે દરવાજા પાસે વ્યક્તિ છે એનાં હાથ કદાચ એ વ્યક્તિને જોઈને રીતસરના ધ્રુજી રહ્યાં છે. એ હિમ્મત કરીને ધીમેથી રૂમની અંદર પ્રવેશીને જોયું તો એક સુંદર યુવાન છોકરી એને પલંગ પર પડેલી દેખાઈ. એનાં કપડાં પણ કદાચ અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યાં છે. પણ સૂતી છે કે બેભાન એ સમજાતું નથી.

એ વ્યક્તિ ગભરાઈને ફટાફટ બહાર આવ્યો ત્યાં જ એને રૂમમાંથી બહાર નીકળેલા માણસને બહાર આવતો જોયો એ સાથે જ એણે વ્યક્તિને સીધો ગળાથી પકડીને કહ્યું, " દગાખોર! બેશરમીની પણ હદ હોય? આવાં કામ કરો છો અહીં? દુનિયાની સામે મહોરું પહેરીને ફરો છો.?"

એ વ્યક્તિ જરા હેબતાઈ ગયો. બીજું કોઈ આજુબાજુ દેખાયું નહીં એટલે એ ગુસ્સામાં બોલ્યો, " તમે કોણ? અહીં અંદર આવવાની પરમિશન કોને આપી તમને? અને મેં શું કર્યું છે?"

" હવે ખોટું બોલવાની જરા જરૂર નથી. હું અંદર કેમ આવ્યો એ તો ચોક્કસ કહીશ પણ પહેલાં એ કહો કે આ અંદર છોકરી કોણ છે?"

એ સાથે જ એ વ્યક્તિએ ગુસ્સામાં એ કેપરીના ખિસ્સામાંથી એક પિસ્તોલ નીકાળીને કહ્યું, " અહીંથી નીકળે છે કે પછી? મારાં વ્યક્તિગત જીવનમાં દખલ કરનાર તું છે કોણ?" કદાચ એણે કહ્યું તો ખરાં પણ તરત જ એનો અવાજ શાંત પડી ગયો.

ધ્રૂજી રહેલાં હાથે એ વ્યક્તિએ પોતાની લગાડેલી નકલી મૂછો, દાઢીને ઉપરનો પહેરવેશ બધું જ કાઢી દીધું. પછી એ બોલ્યો, "હવે ઓળખો છો કે હું કોણ છું? કે હજુ વધારે ઓળખાણ આપું?"

હવે ગભરાવાનો વારો કદાચ એ વ્યક્તિનો હતો. એને પરસેવો વળી ગયો. પિસ્તોલ રીતસરની હાથમાંથી નીચે પડી ગઈ. એ ફક્ત એટલું જ બોલી શક્યો, " ઉત્સવ બેટા તું?"

ભરાઈ આવેલી આખો સાથે ઉત્સવ બોલ્યો, " આજ પછી મને ક્યારેય બેટા કહેશો નહીં. મારો બાપ છે અત્યારે અને આજ ઘડીથી મરી ગયો છે. આ દિલીપ ઝરીવાલા મારી નજરમાંથી હંમેશાં માટે ઉતરી ચુક્યો છે."

"બેટા તું જેવું સમજે છે એવું નથી. તારી ગેરસમજ થાય છે મને લાગે છે કે તને કોઈએ ઉધી રીતે સમજાવ્યો છે આપણાં આટલાં સારાં સંબંધોમાં તિરાડ પાડવા.. કોઈને આપણી ઈર્ષા આવતી હશે..."

ઉત્સવ જોરથી બોલ્યો, " એવું હોઈ શકે કદાચ પણ આ અંદર કોણ છે? કદાચ મમ્મી જ હશે ને? જેની સાથે તમે લગભગ પોણો કલાકથી રૂમ બંધ કરીને અંદર હતાં."

" અરે બેટા એ તો..."

" શું એ તો?" કહેતાં ઉત્સવે એ નીચે પડેલી બંદુક લઈને કહ્યું, " આવાં પિતા હોય એનાં કરતાં તો ન હોય એ સારું?" ને એની આંખો લાલઘૂમ બની ગઈ ને બે જ મિનિટમાં ગોળીઓનો અવાજ આરપાર વીંધાઈ ગયો...

ઉત્સવે એનાં પિતાને આ રીતે મૃત્યુ આપી દીધું એ યોગ્ય હશે? સાચે જ દિલીપ ઝરીવાલા આ દુનિયા છોડી દેશે? આ કર્તવ્યના પ્લાનનો ભાગ હશે કે પછી અણધારી ઘટના? જાણવા માટે વાચતા રહો, " આરોહ અવરોહ - ૪૮

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED