આરોહ અવરોહ - 46 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 46

પ્રકરણ - ૪૬

કર્તવ્ય રોજ કરતાં આજે વહેલા ઉઠી ગયો. એ આજે કામ કરવાનું બધું શિડ્યુલ બનાવવા લાગ્યો. એક સપનું સાકાર કરવાની ધૂન લાગી. એનાં સામે એક ચહેરો તરવરી રહ્યો છે એ મનોમન બોલ્યો કે હવે તો તમારાં લોકોની મુક્તિની જ મારો ધ્યેય! સામાન્ય રીતે લગભગ એ નવ વાગે ઓફિસ પહોચે એની જગ્યાએ ફટાફટ એ સાત વાગ્યે તો તૈયાર પણ થઈ ગયો.

સાત વાગે તો પોતાની બેગ લઈને નીચે આવ્યો ત્યાં શિલ્પાબેન એને જોઈને બોલ્યાં, " ફટાફટ નાસ્તો પતાવીને નીકળ. મને હતું જ કે તારી આજની સવાર વહેલાં પડશે."

"મમ્મી તને કેવી રીતે ખબર?"

"તારી મા છું... દીકરાનાં મનને એટલું તો સમજું જ ને...તારાં મનમાં ઘણી ગડમથલ ચાલી રહી હશે. આખી રાત વિચાર્યા બાદ તે નિર્ણય કર્યો હશે. લે ફટાફટ ખાઈ ને જજે..."

કર્તવ્ય ખુશ થઈને શિલ્પાબેનને હગ કરીને બોલ્યો, " લવ યુ મમ્મી, થેન્કયુ ફોર સપોર્ટિંગ મી..." પછી ફટાફટ નાસ્તો પતાવીને એ બોલ્યો, " મમ્મી આજે તારાં સારાં આશીર્વાદ આપજે કે જે કામ કરવાનો છું એમાં સફળ થાઉં." શિલ્પાબેને સ્મિત સાથે આશીર્વાદ આપતાં કર્તવ્ય તરત જ ઓફિસ જવા નીકળી ગયો...!

ઓફિસ પહોંચતા જ એણે ફટાફટ ઓફિસનું કામ શરુ કર્યું. એક પછી એક કામ પતાવીને એણે સવાર સવારમાં એક બે મિટીંગ પણ ગોઠવી દીધી. લગભગ અગિયારેક વાગતાં જ એણે એક મોટાં ટેન્ડર માટે ચારેક દિવસ પહેલાં એનાં પપ્પાને બોલાવીને મિટીંગ કરી હતી આજે એ બહાર પડવાનું છે. એનાં માટે ચિતિંત પણ છે કારણ કે આ ટેન્ડર મેળવવું એ એનું સ્વપ્ન છે. એ જાણે છે કે જો મળશે તો પણ એણે એના માટે રાતદિવસ મહેનત પણ કરવી અને કરાવવી પડશે. એનાં માટે ગણતરીની મિનીટ બાકી છે ત્યાં જ એનાં મોબાઈલમાં એનાં ફુઆ એટલે કે અંતરાના પપ્પાનો ફોન આવ્યો. એના ધબકારા વધી ગયાં. આ બધું બન્યાં પછી કર્તવ્યને હતું કે કોઈ તો ત્યાનું એવું વ્યક્તિ હશે જ જે એમને બધી માહિતી આપશે અને એમનો ફોન આવશે જ.

પણ ત્રણ દિવસ સુધી ન એમનો કોઈ ફોન નહોતો આવ્યો કે ન અંતરાનો. એ હજુ અંતરાને પર પણ ભરોસો કરી શકે એમ નથી કારણ કે કદાચ એ ફરીવાર એનાં પિતાની જોહુકમીમા ફસાઈ જાય તો કદાચ એ ફરી પણ જાય. ભલે એ એની તકલીફોથી ઘણી દુ:ખી છે પણ સાથે જ એ એ મુશ્કેલીઓ સાથે ઘડાઈ પણ ગઈ છે.

એણે કંઈ વિચાર્યા બાદ ફોનમાં કોલ રેકોર્ડિંગ શરૂ કરીને ફોન ઉપાડ્યો. એણે શાંતિથી કંઈ જ ખબર ન હોય એમ રૂટિનની જેમ જ વાર શરું કરી.

પણ એની અપેક્ષા વિરુદ્ધ એમણે કંઈ પણ એવું કહ્યાં વિના સામેથી પહેલાની જેમ જ ફક્ત ઓફિસની વાતચીત કરી અને ખબરઅંતર પૂછ્યા. અને ફોન મૂકવાની વાત કરી ત્યાં જ કર્તવ્ય ધીમેથી બોલ્યો, " ફુઆ મિશનનું કામ કેવું ચાલે? ઘણાં લોકોનું બહું સારું કામ ચાલે છે. તમે તો કર્યુ જ છે હશે મને વિશ્વાસ છે. થોડું તમારું કામ પણ હતું કે એક બે જગ્યાએ મોટાં માણસોનો હાથ છે એવું જાણવા મળ્યું છે આથી એ બંધ કરાવવાનું કામ અઘરું છે. કદાચ તમે મદદ કરી શકો તો? તમારી ઓળખાણ બહું સારી છે બધે તો..."

દિલીપ જરીવાલા બોલ્યાં, " બેટા તું કહે તો કરવું તો પડશે જ ને? તું કહે મને મારાથી કંઈ થાય તો ચોક્કસ કરીશ. આખરે મિશનને પાર તો પાડવું જ પડશે ને? તારી ફોઈ તો આ સાંભળીને એટલી ઉત્સુક અને ખુશ છે ને. વળી, હું એમાં આગવી ભૂમિકા ભજવું છું એ સાંભળીને એ વધારે ખુશ છે. તને ખબર જ છે એ આટલાં સમયથી બધું સ્ત્રીઓનાં હક એમની સાથે થતાં અન્યાયો માટે લડતી આવી છે. એ તો મને રોજ કહે છે બહું કમાઈ લીધું છે પણ કર્તવ્યને આ કામ માટે જે પણ જરૂર પડે તો કરજો. એ તો ઉત્સવને પણ આમાં જોડાવા કહેતી હતી પણ મેં કહ્યું કે હું છું ને? વળી એનાં પર ઓફિસની જવાબદારી હોય કારણ કે મારે ઘણીવાર ઘણાં કામ માટે અવારનવાર થોડાં દિવસો માટે બહાર જવાનું થતું હોય છે. આજ કાલ કંપની જરાય કોઈનાં ભરોસે ના મુકાય. એટલે જ એને જોડાવાની ના કહેવી હતી પડી મારે."

"ફુઆ કંઈ વાંધો નહીં. તમે છો તે એટલે મારે જોવાનું જ ન હોય.. હું તમને પછી એ જગ્યાની વિગતો મોકલી તમે જોઈ લો કારણ કે હજુ એનો માલિક કોણ છે એ હજુ ત્યાનાં માણસો દ્વારા ખબર પડી નથી. હું પ્રયત્ન કરું છું શોધવાનો. ચાલો..જયશ્રી કૃષ્ણ!" કહીને ફોન મૂકાઇ ગયો. ને કર્તવ્ય હસીને વિચાર કરવા લાગ્યો કે ખરેખર હું એમની સામે રમત રમી રહ્યો છું કે પછી એ મારી સાથે રમત રમી રહ્યાં હતાં. એમની વાતમાં અણસાર પણ નહોતો કે એમને કંઈ ખબર છે સાચે જ એમને ખબર નહીં હોય કે પછી અંતરાની વાત ખોટી તો નહીં હોય ને કે એ એનાં પિતા છે.

કર્તવ્ય વિચારવા લાગ્યો કે એવું હોય તો એ પોતે ફોટામાં એમને કેવી રીતે ઓળખી શકે? કારણ કે મેં એટલે જ એને અમારાં બંનેનો એકલાનો નહીં પણ પાચ જણાનો ભેગો ફોટો બતાવ્યો હતો. એ પરથી એની વાત પણ ખોટી હોય એવું ન માની લેવાય. છતાં એણે મનમાં એક યોજના ઘડીને આજથી જ એનો અમલ કરવાનું નક્કી કર્યું.

ત્યાં જ તો એણે લેપટોપમાં યાદ આવ્યુ કે એ વાતમાં પોતાનુ અગત્યનું કામ ભૂલી ગયો એટલે ફટાફટ ટેન્ડર માટેનું ફાઈલનું ઓપન કર્યું ત્યાં જ એ ખુશી મિશ્રિતભાવ સાથે ઉછળી પડ્યો કે જે મોટાં મહત્વનાં કરોડોના બજેટ વાળા ટેન્ડરની ચિંતા હતી એ જ આજે એની કંપનીને મળી ગયું છે. એ જોતાં જ એણે તરત જ એણે દીપેનભાઈને ફોન કરીને કહ્યું, " પપ્પા તમે જોયું કે નહીં? આપણને ટેન્ડર મળી ગયું છે. થેન્કયુ સો મચ પપ્પા.."

"હા બેટા. મને શું કામ થેન્કયુ કહે છે બેટા? આ માટે તો તું ત્રણ વર્ષથી મહેનત કરી રહ્યો હતો. એ તારું સ્વપ્ન હતું.... તું એનો હકદાર છે એ કોઈ મારી કે બીજા કોઈની મહેરબાની કે ઉપકારથી નથી મળ્યું. "

કર્તવ્ય ખુશીથી બોલ્યો, "એ બરાબર. પણ છેલ્લા સમયે ટેન્ડરમા હરીફોના નવા નામ જોઈને હું થોડો નર્વસ થઈ ગયો હતો પણ છેલ્લા સમયે તમે મને યોગ્ય રીતે મિટિંગમા આવીને મને દિશા ચીધી આથી જ આ શક્ય બન્યું છે."

" એ મારી ફરજ છે બેટા એક પિતા તરીકે..." ત્યાં જ કર્તવ્યના ફોનમાં અંતરાનો ફોન આવતો દેખાયો. એણે ફટાફટ "પછી વાત કરુ" કહીને ફોન મૂકી દીધો.

પણ ઉપાડતાં સુધીમાં ફોન બંધ થઈ જતાં એણે સામેથી એનાં એ નંબર પર ફોન કર્યો પણ એક જ રીગમાં ફોન કપાઈ ગયો. કર્તવ્યને લાગ્યું કે કદાચ એ કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? એણે ત્યાં તરત જવાનું તો વિચાર્યુ પણ સાથે બુદ્ધિથી થોડું કામ લેવાનું વિચાર્યું. કારણ કે એક પણ ઉતાવળું પગલું આખી બાજી પલટાવી શકે છે. એણે કંઈક વિચારીને તરત જ બે ફોન કર્યા અને ફટાફટ પોતાની ઓફિસને લોક કરીને નીકળી ગયો...!

********

આધ્યા આજે ફરી ઉદાસ બનીને ત્યાં સોફા પર બેઠી છે. એ વિચારવા લાગી કે એ કેમ વારેઘડીએ મલ્હાર વિશે વિચારીને એ દુ:ખી થઈ રહી છે. એણે કહી તો દીધું કે મલ્હારને ભૂલી જઈશ પણ એ એનાં માટે બહું અઘરું છે. જેટલું એ એને ભુલવાની કોશિષ કરી રહી છે એટલો જ એ જાણે એનાં દિલ અને દિમાગ પર વધારે હાવી થતો જાય છે. એ વિચારવા લાગી કે સોના કેટલો સહેલાઈથી આ સંબંધને સંકોરવા લાગી છે એની પાસેથી કોઈ સોલ્યુશન મેળવું એમ વિચારતી એ ઉભી થઈને બધા પાસે પહોંચીને મુડ ફ્રેશ કરવા ગઈ ત્યાં જ એણે જોયું કે નેન્સી અને અકીલા તો મસ્ત મજાની કરતા ટીવીમાં કાર્ટુન જોઈને હસી રહ્યાં છે. પણ આ બાજુ સોના ન દેખાઈ. એ જોવા લાગી અહીં નથી તો ક્યાં ગઈ હશે? એણે રૂમમાં જોયું તો એ સોફા પર આડી પડેલી દેખાઈ.

આધ્યાએ વિચાર્યુ કદાચ ઉઘ આવી હશે તો સૂઈ ગઈ હશે પણ એટલે એ રૂમની બહાર નીકળવા ગઈ ત્યાં જ એને એક ડૂસકું સંભળાયું. એ ફરીથી અંદરની તરફ ગઈ તો સોના સૂતી નથી પણ એ રડી રહી છે. એને આમ જોઈને આધ્યા ગભરાઈને બોલી " શું થયું સોના? કેમ આમ અચાનક? તારી તબિયત તો ઠીક છે ને?"

સોના કંઈ પણ જવાબ આપવાને બદલે આધ્યાનો હાથ પકડીને બેઠી થઈને એને વળગીને ઘણીવાર સુધી રડતી જ રહી... આધ્યા સોનાને શું થયું હશે એ સમજવાનો પ્રયત્ન કરતી રહી...!

શું થયું હશે સોનાને? એનું રડવાનું કારણ શું હશે? અંતરા સાચે જ મુસીબતમાં હશે? કર્તવ્યની યોજના શું હશે? એને કોઈ સચ્ચાઈ મળશે ખરી? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૭