આરોહ અવરોહ - 43 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 43

પ્રકરણ - ૪૩

કર્તવ્ય અંતરાની સામે જોઈને દુ:ખ સાથે બોલ્યો, " અંતરા એ મારાં સગાં ફુઆ છે અને મારી મમ્મીના સગા કાકાના દીકરા પણ...! "

અંતરા તો સાંભળીને અવાક બની ગઈ. પછી જાતે જ કર્તવ્ય એ પોતાની ઓળખ પણ આપી. એ બોલ્યો, " અમારાં ઘરમાં આજે પણ એમનો પડ્યો બોલ ઝીલાય છે. એમનો નિર્ણય હોય એટલે કોઈ સામે એક શબ્દ પણ ન કહે એટલો બધાને વિશ્વાસ છે. દીલીપફુઆ એટલે એક સરળ અને આદર્શ વ્યક્તિ કહેવાય. પણ ચહેરા પાછળનો બીજો ચહેરો આજે દેખાયો. હું શું કહું એ સમજાતું નથી. એ મારાં ફૂઆ મારી સાથે મારાં આ મિશનમાં પણ છે. એ તો આ બધાં માટે કેટલા ઉત્સુક બનીને કહેતાં હતાં કર્તવ્ય ચિંતા ન કરીશ હું તારી સાથે જ છું...પણ આ શું? એટલે મારી સામે સાથે રહીને દુશ્મનો સાથે મારી વિરુદ્ધ કાવતરાં ઘડવામાં એ પણ શામેલ હશે જ. સારું થયું થોડું વહેલાં સમજાઈ ગયું."

અંતરા : " હવે તો તમે કંઈ કરશો નહીં ને? કારણ કે તમે કદાચ ઘરે કહેશો તો પણ એ લોકો જ કંઈ કરતાં તમને રોકશે. આખરે ઈજ્જતનો પણ સવાલ થશે! તમારાં ફોઈની જિંદગીનો પણ સવાલ! પણ વહેલું સમજાયું મતલબ?મારાં માટે તો જિંદગી બરબાદ જ છે ને?"

કર્તવ્ય ચૂપ રહ્યો એટલે અંતરા ફરી બોલી, " ચિંતા ન કરો. મને તો આ જિંદગીની આદત પડી ગઈ છે મારી સાથે જ આ બધાં આવનારને પણ...તમે અમને છોડી દો અમારી કિસ્મત પર. કદાચ અમારાં નસીબ જ એવાં હશે. બે પળ માટે તમને પોતીકા માનીને મનની વ્યથા ઠાલવી દીધી પણ કદાચ અમારું નસીબ બદલવા કુદરત પણ હવે સક્ષમ નથી. "

કર્તવ્ય બધું જ વિચારીને શાંતિથી બોલ્યો, " તે કેમ એવું વિચારી લીધું કે આ બધું સાંભળીને કંઈ પણ કર્યા વિના આમ ચાલ્યો જઈશ? હું એવી લડત શરૂ કરીને બેઠો છું જેમાં બધાં સંબંધોને પર રાખીને એક તટસ્થતાથી કામ કરવું પડશે. હું આમ એક એકને છોડી દઈશ તો કદાચ અંતમાં મારાં હાથમાં કંઈ જ નહીં આવે. વહેલાં એટલા માટે કે મે મિશનની ફાઈનલ કમિટી નક્કી કરી હતી ગઈ કાલે એમાં ફુઆ પણ મુખ્ય લોકોમાં શામેલ હતાં.

પણ હવે બધો જ પ્લાન બદલાઈ જશે. હું પણ તમને દેખાડીશ હવે ફુઆ કે કોઈની જિદગી ખરાબ કેમ કરાય છે?

"હવે અત્યારે કંઈ નથી કરવાનું બસ હું કહું એમ કરવાનું છે તને બધું હું સમજાવી દઉં છું.આ વાત કોઈને કહીશ નહીં વડે આપણી વચ્ચે કોઈ આવી વાતચીત થઈ છે. બધું જ યથાવત રીતે કામ શરું ચાલું રાખજે. લે આ મારું કાર્ડ કંઈ પણ એવું લાગે તો ફોન કરી શકે છે. શક્ય હોય તો તારો નંબર આપ. હું કોઈ ફોર્સ નહીં કરું. પણ મારો વિશ્વાસ તોડીને કંઈ કરતી નહીં." કહીને એણે અંતરાને એનો ફોન આપી દીધો.

અંતરાએ સામેથી એને નંબર આપ્યો. પછી જાણે કંઈ બન્યું ન હોય એ રીતે ત્રણેય જણા રૂમમાંથી બહાર આવ્યા. પછી કર્તવ્ય એ કહ્યું, " વેદીને છોડી દો. ચાલો આપણે પાછાં જવાનું છે ખોટી જગ્યાએ આવી ગયાં છીએ. આપણી ભૂલ થઈ ગઈ છે" કહીને એણે બધાની સામે અંતરાની માફી માગી.

સ્નેહલભાઈ અને વંદનભાઈ તો એકબીજાની સામે જ જોઈ રહ્યાં કે કર્તવ્ય આ શું કઈ રહ્યો છે. એમની માહિતી એકદમ સાચી છે વળી આ કોઠો છે અને એક પણ કોઠાને આ રીતે શરું ન રાખવો એ જ તો મિશન છે તો પછી કર્તવ્ય...! ક્યાંક કર્તવ્ય પણ આ અંતરાની મોહપાશમાં? વિચારતા જ બંનેએ પોતાના મનને રોકી લીધું. પણ એ લોકો કર્તવ્ય એ એક ઈશારો કરતાં કંઈ પણ બોલ્યા વિના એની સાથે જ બહાર નીકળી ગયાં....!

કર્તવ્ય એ સ્નેહલભાઈ અને વંદનભાઈને બહાર એક જગ્યાએ મળવા માટે કહ્યું. એ સાથે જ બંને સમજું હોવાથી કર્તવ્ય પર વિશ્વાસ રાખીને કંઈ પણ વધારે પૂછપરછ કર્યા વિના નીકળી ગયાં.

એ જ દિવસે બપોરે મળીને કર્તવ્ય એ બંનેને બધી વાતો ટુકમાં કરી દીધી. એ સાંભળીને સ્નેહલભાઈ બોલ્યાં, " પણ હવે શું કરીશું? તું મિશનમાં આવા લોકોને છોડી દઈશ?"

કર્તવ્ય હસીને બોલ્યો, " ભાઈ એકને એકને છોડતો જઈશ આ મિશનમાં ફક્ત હું જ બચીશ કદાચ એકલો...ચાલો બહું જલ્દીથી મળીએ...." કહીને બધાં છૂટાં પડ્યાં...!

********

આધ્યા એ લોકોને એ બંગલામાં આવ્યાં પછી આજે નવમો દિવસ છે. ઉત્સવે આપેલાં કામને કારણે બધાનો સમય નીકળી રહ્યો છે. ઘરમાં રહેવાનું હવે જાણે બધાં માટે એક મજાનું કામ બની ગયું છે. પણ આધ્યાના મનમાં હજુય ઉત્સવ કોને લઈને આવશે એની રાહ છે. એનું દિમાગ આ ઓફિસના કામમાં બધાની સરખામણીએ વધારે દોડી રહ્યું છે એને પોતાને મનમાં થઈ રહ્યું છે કે મને કેમ આ બધું ફટાફટ મગજમાં બેસી જાય છે મેં તો ક્યારેય આવું કંઈ કર્યું નથી.

સાજનો સમય છે. બધું કામ પતાવીને બંગલાની એક જગ્યાએ થોડી ખુલ્લી જગ્યાએ આધ્યા ઉભી છે. બહારથી આવતાં ઠંડા પવનની મજા માણી રહી છે. સોનાને લોકો અંદર ટીવી જોઈ રહ્યા છે. એને ત્યાં બાજુનાં બંગલામાં એક યુવાન કપલ હીંચકે એકબીજાનાં હાથ પર હાથ રાખીને બેઠેલું દેખાયું.

આધ્યાની આખો ત્યાં અટકી ગઈ. કોણ જાણે કોઈ જ એવો સંબંધ ન હોવા છતાં એની નજર સમક્ષ મલ્હારનો ચહેરો તરવરી ઉઠ્યો. એનાં ચહેરા પર અજાણતાં જ ખુશીની લહેર છવાઈ ગઈ.

વિચારોમાં મગ્ન આધ્યાને ત્યાં ઊભા ઊભા લગભગ અડધો કલાક થઈ ગયો છે. જાણે હજુય પણ એનું દિલ જાણે એને અહીં એકાત માણવા એને રોકી રહ્યું છે ત્યાં જ ફટાફર નેન્સી આવીને બોલી, " આધ્યાદીદી ચાલો ફટાફટ..."

આધ્યાએ જાણે કંઈ સાભળ્યું જ નહીં. નેન્સી બોલી, " દીદી ક્યાં ખોવાઈ ગયાં? " એ સાથે જ એ જાણે વર્તમાનમાં આવતા બોલી, " શું થયું? કેમ આટલી ઝડપથી આવી? કંઈ થયું છે?'

સોના : " હા, આપણાં ત્યાં કોઈ આવી ગયું છે. એ તમને મળવા ઈચ્છે છે." એ સાથે જ " અહીં કોણ હશે હવે?" એ વિચારે એનાં પગ સ્તબ્ધ બનીને ભોય સાથે જાણે જડાઈ ગયાં...!

આધ્યા ગભરાઈ કે માડ છુટકારા પછી હવે કોણ આવ્યું હશે? એ બોલી, " પણ તમે કોઈ અજાણ્યા વ્યકિતને દરવાજો ખોલીને આવવા કેમ દીધો? "

" પણ દીદી એ તો ઉત્સવભાઈ સાથે અંદર આવી ગયાં તો કેમ ના કહેવી? પણ એમણે તમને એકલાને મળવાની પરમિશન માગી છે. શું કહું?"

આધ્યા મનમાં વિચારતા બોલી, " મને એકલીને કોઈ શું કામ મળે? પણ કોણ છે એ તો કહો? એમનેમ કોઈને કેમ આવવા દઉં હું એકલામાં મળવા."

"ઠીક છે તો હું ના કહી દઉં છું. પણ અકીલા અને સોનાદીદીએ તો હા કહી દીધી છે."

આધ્યાને સોના અને અકુલાસ હા કહી એ સાંભળીને એનું મન વિચારે ચડી ગયું. એક વાર વિચાર આવ્યો કે કદાચ મલ્હાર હોય તો? પણ એ કેવી રીતે અહીં આવે એ વિચારીને અફસોસ કરતી બોલી" ઠીક છે તો હું બહાર આવું છું... " કહીને એ નેન્સીની પાછળ બહાર આવવા ગઈ ત્યાં જ એની સામે એક વ્યક્તિ રૂમમાં પ્રવેશતો દેખાયો. એ વ્યક્તિને જોતાં જ આધ્યાના પગ થંભી ગયાં. જાણે એ પુતળું બનીને ઉભી રહી ગઈ.

એ વ્યક્તિ શાંતિથી એક સ્મિત સાથે એટલું જ બોલ્યો, " આવી શકું અંદર? તમારી સાથે થોડીક વાત કરી શકું?"

આધ્યા કંઈ જવાબ આપે એ પહેલાં જ નેન્સી બોલી, " દીદી હવે હું જાઉં? કદાચ આધ્યાની ચુપકીદીમા જ એની હા છે એ સમજીને નેન્સી રૂમની બહાર નીકળી ગઈ.

આધ્યા તો જાણે સ્વપ્ન જોતી હોય એમ બોલી, " તું અહીં? મતલબ તમે અહીં? કંઈ સમજાયું નહીં. તમને કેવી રીતે ખબર પડી કે અમે અહીં છીએ? તમે અહીં કેવી રીતે પહોંચ્યા?" આટલું બોલતાં જ આધ્યાના ચહેરા પરનું સ્મિત છૂપું ન રહી શક્યું.

એ યુવાન હસીને બોલ્યો, " પહેલાં કહો તમને કેવું છે? એ દિવસે હું આવ્યો ત્યારે તમારી તબિયત બહું ખરાબ હતી. પણ મારે તમને એમ મૂકીને જતાં રહેવું પડ્યું. ફરીથી આવ્યો પણ તમને મળી ન શકાયું."

આધ્યા ફક્ત એટલું જ બોલી શકી, " બસ સારું છે કોઈ ફરિશ્તાની કૃપાથી. પણ કદાચ હવે બધું જ સારું થઈ જશે એવું લાગે છે.." કહેતાં આધ્યાનું મન જાણે શું કહું કે શું કરું એ વિમાસણમાં મૂકાઈ ગયું. "

કોણ હશે આવનાર વ્યક્તિ? મલ્હાર કે કર્તવ્ય કે પછી બીજું કોઈ? આધ્યા શા માટે ખુશ હશે? આધ્યાનું જીવન બદલાશે કે કેમ? કર્તવ્ય હવે મિશનને આગળ કેમ ધપાવશે? જાણવા માટે વાંચતા રહો ,આરોહ અવરોહ - ૪૪