Ascent Descent - 34 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 34

પ્રકરણ - 34

આધ્યાને લોહીની બોટલો ચડાવી અને ઈન્જેક્શન અને દવાઓ આપ્યાં પછી લગભગ બે દિવસ થઈ ગયાં છે. એની તબિયતમાં પણ સુધારો આવ્યો છે. તાવ આવવાનો પણ બંધ થયો છે. ચહેરા પરની ફિકાશ પણ હવે થોડી ગુલાબી ગાલ બનીને એનાં ચહેરાને વધારે સુદર બનાવી રહી છે આજે.

બધાં આધ્યાને સારું થતાં ખુશ છે. સાથે જ આધ્યાની સાથે રહેવાની ત્રણ જણાની પરમિશનથી બધાને રાહત છે બાકી હોસ્પિટલમાં બેથી વધારે લોકોને દર્દી સાથે રહેવાની પરમિશન જ ન મળે. હજુ સુધી તો આ કારણે રહેવાની ચિંતા નહોતી થઈ.

ડૉક્ટર રાઉન્ડમાં આવવાની તૈયારી થઈ છે. આજે આધ્યાને સારું લાગી રહ્યું છે.

આધ્યા: " આજે યાર મને થોડું કોઈ વ્યવસ્થિત માથું તો ઓળાવી દો. ત્રણ દિવસમાં કેવી ભૂત બની ગઈ છું. "

બધાએ સાથે મળીને આજે એ ફ્રેશ થઈને આવતાં એને ફટાફટ થોડી તૈયાર કરી દીધી. એક સારું થયું કે બધાં અનાયાસે પોતાની કપડાંની બેગ સાથે લાવ્યાં છે બાકી તો શું કરત? કપડાં લાવવાનાં પણ પૈસા હોવા જોઈએ ને? જો કર્તવ્યએ જમવાની કોઈ વ્યવસ્થા ન કરી હોત બધાની તો કદાચ જમવાના જ ફાફા પડી જાત.

અકીલા: " મુજે તો લગતા હે વો જો ભી હે વો શાયદ કિસી ભી તરહ હમે જાનતા હે. વરના કોઈ પેશન્ટ કે સાથ હમારે ખાને કા ભી ઈન્તજામ થોડા કરતા હે? વો કોઈ ઈન્સાન નહીં ફરિશ્તા હે હમારે લિયે."

"હા કંઈ તો છે જે કુદરત સંકેત બતાવી રહ્યો છે." નેન્સી પોતાનું માથું સરખું કરતાં બોલી.

બધાં વાતોમાં મશગૂલ છે ત્યાં જ ડૉક્ટર આવીને સીધી આધ્યા સામે જોઈને બોલ્યા, " અરે મિતાલી આજે તો તું મુડમાં લાગે છે ને કંઈ? ઘરે જવાની તૈયારી કરી દીધી છે કે શું? તારી વીકનેસ પણ ઓછી થઈ ગઈ લાગે છે."

ઘર શબ્દ સાંભળીને કોઈનાં પણ ચહેરા પર ખુશી છવાઈ જાય એની જગ્યાએ સહુનાં મોઢા જાણે ઉતરી ગયાં. બધાં એકબીજા સામે જોવા લાગ્યાં.જાણે ઝાટકો લાગ્યો હોય એમ બધાં ઉભા રહી ગયા.

પરિસ્થિતિ સંભાળતાં સોના બોલી, " હા, ડૉક્ટર હોસ્પિટલમાં તો કેટલા દિવસ રહેવાનું હોય? આજે એને સારું લાગે છે એટલે જ આજે પોતે ઉભી થઈને રૂમમાં આટા મારે છે. પણ ઘરે જઈને કોઈ તકલીફ નહીં થાય ને? એવું હોય તો એકાદ દિવસ પછી ડિસ્ચાર્જ લઈએ..તમે કહો તો બાકી અમને કંઈ વાધો નથી"

" હમમમ.. સરસ આજે જોઈ લઈએ રાતે કોઈ પ્રોબ્લેમ ન થાય તો આવતી કાલે ડિસ્ચાર્જ પ્લાન કરી દઈશું, બરાબરને?"

ડિસ્ચાર્જ શબ્દ સાંભળીને બધાનાં મોઢા પર ફરીવાર ખુશીને બદલે ચિંતાની રેખાઓ ઉપસી આવી.

ડૉક્ટર તો રાઉન્ડ પતાવીને નીકળી ગયાં ત્યાં જ આધ્યા બોલી, " હવે શું કરીશું? અહીંથી રજા થયાં પછી ક્યાં જઈશું?"

"હું પણ એ જ વિચારું છું." સોના ચિતામાં બોલી.

"ફરીથી તબિયત ખોટી રીતે ખરાબ કરું? કે બે દિવસ વધારે રોકે? ત્યાં સુધી કોઈ વ્યવ્સ્થા કરીએ તો?

નેન્સી: " ના દીદી. બિમારીને વધારે રાખવી યોગ્ય નથી. એને વધારે રાખીએ તો મહેમાન નહીં ઘરજમાઈ બની જાય છે. કંઈક વિચારીએ."

"કોઈ ઘર પણ શોધી દઈએ પણ એડવાન્સ પેમેન્ટ? બહું મોટો સવાલ છે મુબઈની ધરતીનો. કારણ કે હજુય આધ્યાને અહીથી ઘરે ગયા પછી બેડરેસ્ટ સાથે જ યોગ્ય ખોરાક પણ આપવો પડશે. એ બધું કેવી રીતે સેટ થશે?" સોના ખુરશીમાં બેસતા બોલી.

"અહીંથી જતાં પહેલાં મારી એ ફરીશ્તાને રૂબરૂ મળવાની ઈચ્છા છે. પછીથી જ અહીથી ક્યાંક જઈશું. અહીંથી નીકળ્યા પછી ફરીવાર શકીરાથી બચવું પડશે હવે તો." આધ્યા પોતાનું દિમાગ હળવું કરતાં બોલી.

રાત પડતાં જ આ બધું વિચારતાં બધાં સુવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગ્યાં...!

*************

જુના શકીરા હાઉસના વોચમેન ચાચાએ આપેલી હિન્ટ મુજબ થોડી તપાસ ઝીણવટભરી તપાસ બાદ મલ્હાર બાન્દ્રાના એ વિસ્તારમાં પહોંચ્યો. એની સાથે એક બે બીજાં લોકો પણ છે. એની ધારણા મુજબ ક્યાંક શકીરાહાઉસનું બોર્ડ દેખાશે. એ શોધતો શોધતો કેટલાક અમીર લોકોનાં બંગલાઓની નજીક પહોંચી ગયો. બહારથી જોતાં એને કોઈ તાળો મળતો નથી. આખરે એણે થોડી પૂછપરછ શરૂ કરી. ઘણાં શરીફ લોકોને પૂછયું કોઈની પાસેથી કંઈ ખબર ન મળી. એ પાછો જવાની તૈયારીમાં જ છે ત્યાં જ એની નજર સામે દૂર આવીને ઉભેલી એક ગાડીને અંદર મોટાં બંગલામાં જતાં જોઈ. એ ધીમેથી પોતાની ગાડીમાં એ તરફ ગયો.

એણે જોયું કે અહીં એક નહીં પણ ત્રણ ત્રણ વોચમેન એ પણ સતર્ક રીતે ચોકી કરી રહ્યાં છે. બાકીનાં બંગલાઓમાં એણે નજર કરી તો બધે ફક્ત એક જ વોચમેન છે. એની નજર સામે જ બીજી પણ મોટી ગાડી આવી અને અંદર તરફ સીધી ગઈ. વોચમેને એમને કંઈ પૂછયું પણ નહીં. એને એવું પણ થાય છે કે કદાચ એક જ પરિવારનાં લોકો હોય! ત્યાં જ એક ત્રીજી ગાડી આવીને સીધી અંદર જતાં એને થયું આટલી ગાડીઓ એક પછી એક જરુર કોઈ મોટી જગ્યા લાગે છે. એને કંઈ શંકા ગઈ કે રાતનાં આ સમયે આવી રીતે ગાડીઓનું આવી રીતે આવવું આ કોઈ ઘર જ છે કે પછી..? એનું મન વિચારોમાં ખોવાયું.

એ ગાડીમાં બેસીને એક રાઉન્ડ મારવા નીકળ્યો. રાતનો સમય હોવાથી લોકોની અવરજવર પણ બહું ઓછી દેખાઈ રહી છે. ત્યાં ચક્કર મારતાં જ એને બે ચાર લગભગ પાત્રીસેક વર્ષની ઉમર આસપાસનાં લોકોને એક મોટી મર્સિડીઝ પાસે ઉભેલા જોયાં. એમને જોઈને લાગ્યું કે અમીર પરિવારના નબીરાઓ છે. એ ધીમેથી કોઈ અજનબીની જેમ પહોચીને ગાડી ત્યાં ઉભી રાખીને બોલ્યો, " એક્સક્યુઝ મી...! " કહીને એણે થોડી એની કોડવર્ડની ભાષામાં કોઈ નજીકમાં રહેલાં નાઈટ સેન્ટર માટે પૂછ્યું.

એક વ્યક્તિ સિગારેટનો કશ મારતો બોલ્યો, " નયે લગતે હો યહા પે... યહા બહોત નજદીક મેં એક નયા સેન્ટર ખુલા હે. હમ તો ગયે નહીં પર ચક્કર લગા કે આઓ. નયા નયા હે... પર માલ તો અચ્છે હી હોગે."

મલ્હારે એડ્રેસ આડકતરી રીતે પૂછી પછી બોલ્યો " બહાર નામ લગા હોગા ના કોઈ?"

" માલ કી ફિકર કરો ના! નામ મેં ક્યા રખા હે. ચાલીસ નંબર હે... એડ્રેસ તો બતા દિયા."

મલ્હાર 'થેન્ક્સ' કહીને એ તરફ પહોંચ્યો. એ ત્યાં પહોંચ્યો એડ્રેસ મુજબ તો એનો શક સાચો નીકળ્યો કે એણે જે લોકોને અંદર જતાં જોયાં હતાં એ જગ્યા જ એક વેશ્યાગૃહ છે. પણ ન કોઈ બોર્ડ કે કોઈ એવું ચિહ્ન કે કોઈને પણ આ જગ્યા વિશે ખબર પડે.

એ પોતે પણ ગાડી લઈને એ તરફ પહોંચ્યો. કે તરત જ વોચમેન એ એને રોક્યો. એની બધી વિગતો માગી.

ધીમેથી એણે પૂછ્યું, " આ હમણાં જ ખુલ્યું છે કે શું?"

" હા..ના...સાહેબ." થોડો ખચકાયો

" ક્યાંક શકીરાહાઉસ જ તો નથી ને?" ચોકીદાર થોડો ચમક્યો.

ત્યાં જ બીજો વોચમેન એને સાચવતાં બોલ્યો, " નહીં સાહબ..ટાઈમ વેસ્ટ મત કરો. દૂસરે લોગ આયેગે તો નંબર નહીં લગેગા."

ધીમેથી એણે આસપાસ નજર નાખી પછી કહ્યું, " ભૈયા મે તો પૈસા દેનેવાલા હી હું અંદર પર મુજે સિર્ફ ઈતના બતાવો કી યે વો હી શકીરા હાઉસ હે ના? મે વહા કા રેગ્યુલર કસ્ટમર હું. મેં બહોત ઢૂંઢને કે બાદ યહા પહુચા હું. અગર આપકો નહીં બતાના હે તો કોઈ બાત નહીં બહાર કિસી કો પૂછતાં હું . જાના તો મુજે શકીરાહાઉસ કી લડકીયો કે પાસ હી.' કહીને મલ્હાર ફરી ગાડીમાં બેસવા ગયો ત્યાં જ એક ચોકીદાર મલ્હારને હાક મારીને ફક્ત ઈશારામાં 'હા' કહીને બીજાં ચોકીદારને ખબર ન પડે એમ આટા મારવા લાગ્યો.

એ સાથે જ મલ્હાર ફટાફટ ત્યાં ગયો. એણે એ ચોકીદાર પાસે જ પોતાની માહિતી લખાવી. એ બોલ્યો, " આજકલ યહા ઈતની પુછપરછ કયું હો રહી હે? બાકી શકીરાહાઉસ મેં તો એસા કુછ નહીં થા."

કુછ લડકિયા ગાયબ હો ગઈ હૈ યહા સે ઇસલિયે યે સબ હે. મેમ બહોત પરેશાન હે."

"એસે સખ્ત બંદોબસ્ત મે ભી?"

" મેમ તો પાગલ જેસી હો ગઈ હે. અભી ભી તપાસ ચાલુ હે." ફટાફટ બીજાં ચોકીદારને આવતા જોઈને એ ચોકીદાર ફટાફટ બોલ્યો, " સાબ આપ અબ અંદર જા શકતે હો."

મલ્હાર કદાચ ચોકીદાર ની વાત સમજી ગયો એ ફટાફટ અંદર પહોંચ્યો. અંદર પહોંચતા જ નવી જગ્યાએ નવી ગોઠવણ દેખાઈ. એને નજર સામે પહેલાં જ ત્યાં સોફા પર ગોઠવાયેલી શકીરા દેખાઈ. એ સમજી ગયો કે આ એજ મેડમ છે જે આધ્યાને ચક્કર આવતાં ભોય પર પડેલી છોડીને જતી રહેલી. પણ મલ્હારને જોતાં જ એ જાણે પોતાની જગ્યા પરથી સફાળી બેઠી થઈ ગઈ અને ફટાફટ એની નજીક આવીને ઉભી રહી ગઈ...!

શકીરા કેમ મલ્હારને જોઈને આમ ઉભી થઈ ગઈ? મલ્હારને આધ્યા મળશે ખરાં? આધ્યાની હોસ્પિટલમાંથી રજા બાદ એ લોકો શું કરશે? એમની નવી જિંદગી કેવી રીતે શરું થશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - 35

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED