આરોહ અવરોહ - 33 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 33

પ્રકરણ - 33

કર્તવ્યની ગાડી એડ્રેસ મુજબ એક વિશાળ બંગલાના કમ્પાઉન્ડ પાસે આવીને ઉભી રહી. ત્યાં જ એને બહાર ઉભેલા બે બોડીગાર્ડ દેખાયાં. કર્તવ્યની ગાડી ઉભી રહી કે તરત જ બે જણાએ આવીને કહ્યું, "હેલ્લો, મિસ્ટર કર્તવ્ય? એમ આઈ રાઈટ?"

કર્તવ્ય તો આ જગ્યાને જ જોઈ રહ્યો કે આટલી મોટી વિશાળ જગ્યા. જાણે કોઈ અલગ દુનિયા હોય એવું લાગી રહ્યું છે. શહેરથી થોડે દૂર આવલી આ અનોખી જગ્યા.

કર્તવ્ય બોલ્યો, " યસ.."

" પ્લીઝ કમીન" કહેતાં જ એણે એક ફોન લગાડ્યો ત્યાં જ તરત જ એક મોટી વાઈટ કલરની ગાડી આવીને ઉભી રહી. ગાર્ડે કહ્યું, " આપ બેસી જાઓ. હું તમને લઈ જાવ છું "

કર્તવ્ય બોલ્યો, "મારે તો આર્યન ચક્રવર્તી સાહેબને મળવાનું છે. એમની સાથે વાત થઈ ગઈ છે. એ ઘરે જ એવુ કહ્યું છે એમણે તો મને."

"ત્યાં જ જઈએ છીએ સાહેબ." કહીને ગાડીમાં બેસીને એણે ગાડી એ મેઈન ગેટની અંદર લીધી ત્યાં જ ખબર પડી કે અંદર બંગલા સુધી પહોચવા માટે ગાડીમાં બેસીને જવાનું છે. અંદર તો આખી મોટા ગાર્ડન, મોટાં સ્વીમીંગ પુલ, મ્યુઝિયમ જેવી સુંદર મનમોહક જગ્યા વગેરે જોઈને એ નવાઈ પામ્યો કે આ માણસની અમીરી તો જો? એની પાસે શું નથી? છતાં... એ વિચારી રહ્યો છે ત્યાં જ ડ્રાઈવર બોલ્યો, " સર યહાં સે ઉતરના, જો ગેટ દિખેગા વહા અંદર ચલે જાના. સાહબ અંદર હોગે."

કર્તવ્ય પોતે પણ શહેરના એક મોટાં બિઝનેસમેનનો કમાતો ધમાતો તો દીકરો છે. એનો બંગલો પણ કંઈ કમ નથી. છતાં એને બધું બહું વધારે લાગી રહ્યું છે ત્યારે એક સામાન્ય માણસની આ જોઈને શું સ્થિતિ થાય! જાણે કોઈ ફરવાના સ્થળે આવી ગયાં હોય એવું લાગે જ ને?

" થેન્કયુ" કહીને ગેટ પાસે પહોંચ્યો ત્યાં જ ખુદ મિસ્ટર આર્યન ચક્રવર્તી બહાર એને લેવા માટે બહાર આવી રહેલા જોઈને એને નવાઈ લાગી. એક સાવ સાદા સફેદ લેગા ઝભ્ભામાં એમનો એક નવો અવતાર જ લાગી રહ્યો છે. બહારની દુનિયામાં સોના અને હીરાના આભુષણો અત્યારે ફક્ત એક વીટીં સિવાય કંઈ જ પહેરેલુ નથી.બહારની દુનિયા સામે કોઈ દિવસ શુટબુટ વિના ન જોયેલા માણસને આવી રીતે પણ જોઈ શકાય એ જોઈને નવાઈ લાગી.

એક ઉમળકાભેર આવીને તેઓ બોલ્યા, " અરે કર્તવ્ય કેમ અહીં ઉભો છે? આવને અહીં અંદર. હું તને લેવા જ આવ્યો છું બહાર."

એનો હાથ પકડીને ખુશીથી એને અંદર લઈ ગયાં. ત્યાં જ વિશાળ આકર્ષક એવાં મોટાં બહારના હોલમાં કર્તવ્યને બેસાડયો. બે જ મિનિટમાં પાણી,નાસ્તો, ચા બધું જ આવી ગયું. એ બધી જ વસ્તુઓ ચાંદીનાં વાસણોમાં છે.

" બોલ બેટા, શું થયું કંઈ પ્રોબ્લેમ છે?" મિસ્ટર ચક્રવર્તીએ સીધો વાતનો દોર સાધતાં કહ્યું.

" અંકલ અમુક ન્યુઝ મુજબ ઘણાં લોકો સુધી આપણાં મિશનની વાત પહોંચી ગઈ છે. આપણી સાથે જ જોડાઈને આપણાં વિરોધી લોકો આપણને બહારથી સપોર્ટ કરી રહ્યાં છે અને પાછળ એનાં જ વિરુદ્ધ ષડયંત્ર." કર્તવ્ય એ થોડું ખચકાઈને કહ્યું.

" હા તો બોલ કરવાનું શું છે? તારાં દિમાગમાં શું દોડી રહ્યું છે?"

"એ જ કે આ બધામાંથી વિશ્વાસુ લોકોને ઝડપથી અલગ કરી દેવા પડશે. કેટલાક લોકો જે કદી બિઝનેસમાં મારી સામે નહોતા એ લોકો ઈનડાયરેક્ટ રીતે હરીફાઈમાં ઉતર્યા છે કદાચ એમાં મને પછાડીને મને આ મિશન માટે થોડો નબળા પાડીને મારું મનોબળ ઘટાડવા મથામણ થઈ રહી છે. હવે શું કરવું કંઈ જ સમજાતું નથી. મને એમ થાય છે કે શું લોકોને બહારનાં જમવામાં જ આટલો રસ હશે? ઘરનાં ચોખ્ખા સાત્વિક ભોજનની હવે કોઈ કિંમત જ નથી રહી? "

કર્તવ્યનો કહેવાનો મતલબ સમજીને થોડીવાર કંઈ વિચાર્યા બાદ મિસ્ટર આર્યન બોલ્યા, " એનાં અનેક કારણો પણ હોય છે. એ હું તને પછી વાત કરીશ. પહેલા તું મને જણાવ મિશનનું કામ આગળ વધી રહ્યું છે હજું એમ જ છે?"

"કામ તો થયું જ છે, થાય પણ છે, ત્રણ સ્ત્રી સમ્માન માટેની મોટી સંસ્થાઓ શરું કરાઈને અમૂક જે કોલ સેન્ટરો કે વેશ્યાગૃહો બંધ થયાં છે એ દીકરીઓ અને સ્ત્રીઓને શિફ્ટ પણ કરાવાઈ છે. બજેટ મોટું છે પણ કદાચ તમે આપેલું ફંડ અડધું ત્યાં વપરાયું છે. તમને બધી વાત કરવાની પણ હજુ બાકી રહી છે પણ અંકલ એ લોકો આ જિંદગીની બહું ખુશ છે. આ સંસ્થાની માહિતી મળતાં કેટલીક ઘરમાં જ રહેતી પણ ઘણાં આતરિક શોષણથી પીડિત સ્ત્રી જાતે જ ત્યાં આવવા નામ નોધાવી રહી છે. પણ સાથે જ ઘણાં આઘાતજનક લોકોનાં પરાક્રમ પણ છે. પોતાની સત્તા અને સંપતિના જોરે બધું દબાવવાવાની ઘરખમ કોશિશ થઈ રહી છે."

"પૈસા તું કહે એટલાં આપીશ. મેં તને સોંપેલા કામને હું પણ ધારું તો એક ઝાટકે કરાવી શકું એમ છું પણ એક જ ઘટનાએ મારી અંતરાત્મા ને ઢંઢોળી દીધી છે. મેં પણ આવાં કામો બહું કર્યાં છે. પણ હવે એ મારી ભુલના પ્રાયશ્ચિત રૂપે આ હું બધાં જ માટે કરી રહ્યો છું. તું તારું કામ ક્યાંય પણ અટકે અડધી રાતે પણ મને ફોન કરજે. "

થોડી બધી આગામી આયોજનની રૂપરેખાની વાત થયાં પછી કર્તવ્ય બોલ્યો, " અંકલ તમારાં ઘરમાં બીજું કોણ છે? આન્ટી.."

ત્યાં જ એક હાક મારતાં એક સુંદર સ્ત્રી ત્યાં આવેલી દેખાઈ. ઈશારો કરીને બોલ્યાં, " આ મારી પત્ની છે. બસ બે જ જણા છીએ હવે એકમેકનો સહારો." કહીને એમણે એની પાસે બેસાડી.

કર્તવ્ય બે ઘડી એ સ્ત્રી સામે જોઈ જ રહ્યો કે આટલી સુંદર સ્ત્રી કદાચ ઉમરમાં પણ એમનાથી નાની હશે. કદાચ બીજાં લગ્ન... એનાં મનમાં ઘણાં સવાલો થયાં પણ કંઈ બોલ્યો નહીં.

એ બોલ્યાં, " આટલી બધી જ સંપતિની રખેવાળી માટે ફક્ત અમે બે જ છીએ." સામે લટકેલો બીજો હાર પહેરાવેલો એક સુંદર સ્ત્રીનો ફોટો જોઈને એને પાકુ થયું કે કદાચ આ એમની બીજી પત્ની જ છે.

"અંકલ શાંતિથી હવે જીવન પૂર્ણ કરવાનું છે બીજું તો શું? આટલી અમીરતા કોઈની મેં જીવનમાં પહેલીવાર જોઈ છે." આ સાંભળીને જ જાણે મિસ્ટર એન્ડ મિસીસ ચક્રવર્તીનો ચહેરો ઉતરી ગયો...!

"સોરી અંકલ. મને લાગે છે તમને દુભવ્યા છે. સાચું કહું અંકલ બધાનો સપોર્ટ કરનાર અને હોસલો આપનાર આજે હું પોતે હારી ગયો હતો એટલે જ તમારી પાસે આવ્યો. પણ તમે મને એક હિમ્મત આપી છે. ચાલો હું નીકળું ત્યારે."

"અરે બેટા, આમ જમ્યા વિના જવાતું હશે કંઈ? આજે ડીનર અહીં જ લેવાનું છે. અમને પણ ગમશે. આખો દિવસ બે જણા એકલા જ હોઈએ છીએ. " મિસિસ ચક્રવર્તીની આંખોમાં કદાચ એકલતાની વેદના સ્પષ્ટ જણાવી આવી.

" હું પણ એવું કહું છું." કહીને એમની પત્નીને આશ્વાસન આપતાં મિસ્ટર ચક્રવર્તી બોલ્યાં

"થેન્કયુ સો મચ, પણ અંકલ ફરી કોઈવાર. આજે હમણાં સાત વાગે મારે એક અરજન્ટ મિટીંગ છે. મારે પહોચવું પડશે."

"શક્ય હોય તો રોકાઈ જાઓ બાકી ફરીવાર પાક્કું. તારાં ફોનની રાહ જોઈશ."

" ચોક્કસ અંકલ" કહીને એ ઉભો થઈ ગયો. ત્યાં જ "એક મિનિટ બેટા" કહીને મિસીસ ચક્રવર્તી ફટાફટ અંદર જઈને એક બોક્સ લઈ આવ્યાં અને નાનકડું બોક્સ કર્તવ્યના હાથમાં આપીને કહ્યું, " લે આ તારાં માટે. અમે આવનાર દરેક મહેમાનને એમનેમ ખાલી હાથે કદી મોકલતા નથી. અમારા તરફથી નાનકડી ગિફ્ટ."

છેવટે આનાકાની બાદ આગ્રહને વશ થઈને કર્તવ્ય એ બોક્સ લઈને ફટાફટ ફરી ઓફિસ જવા નીકળી ગયો...!

*********

કર્તવ્યને એ મિસ્ટર ચક્રવર્તીના ઘરે રહેલો સ્ત્રીનો ફોટો હજુય એનાં મનમાંથી નીકળી રહ્યો નથી.એનાં મનમાં ઘણાં સવાલો છે. એ કદાચ મનોમન કુદરતનો આભાર માનતો બોલ્યો કે હે દયાળુ! તે મને બધું જ સમપ્રમાણમાં આપ્યું છે બસ આ જ રીતે હરહંમેશ મારી સાથે રહીને મારી સાથે મારાં હાથે સારાં કામ જ કરાવજે. ભૂલેચૂકે પણ કોઈનું દીલ દુભાય એવું કામ ન કરાવીશ.

ફરી એ વાતોને વિરામ આપીને અત્યારની બિઝનેસ મિટીંગ માટે એનું દીમાગ દોડવા લાગ્યું.

કર્તવ્ય હવે પોતાનો બિઝનેસ પોતાની રીતે આગળ ધપાવી રહ્યો હોવાથી એનાં પપ્પા દીપેનભાઈ એને કોઈ રોકટોક ન કરે. આજે એને મનમાં થયું કે ખરેખર એને પપ્પાના આટલાં વર્ષોના બિઝનેસના અનુભવની જરૂર છે. આટલો મોટો કોન્ટ્રાક્ટ જવા દેવો એ જરાય પરવડે એમ નથી. એણે ફટાફટ ફોન કરીને એનાં પપ્પાને આવવા માટે જાણ કરી દીધી... જાણે એને એનાં પિતા સાથે વાત કર્યા બાદ અહેસાસ થયો કે માણસ ગમે તેટલો આગળ વધે પણ એને એક પીઠ થામનારની તો અંતિમ શ્વાસ સુધી જરૂર પડતી જ હોય છે. એક જીવનની નવી શીખ આજે મેળવતો કર્તવ્ય  ફટાફટ ઓફિસ પહોંચી ગયો...!

આધ્યાનુ જીવન હવે બદલાશે ખરાં? મલ્હાર આધ્યા સુધી પહોંચવા શું કરશે? નવું શકીરાહાઉસ એને મળશે ખરાં? શકીરાની કહાની અહીં જ ખતમ થઈ જશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - 34