અંગત ડાયરી - મધર્સ ડે Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - મધર્સ ડે


અંગત ડાયરી
શીર્ષક : મધર્સ ડે
લેખક : કમલેશ જોષી

પહેલા એક કડવી વાત. તમે માનશો? મારો એક મિત્ર માતાની મહાનતા વિશેનો એક પણ આર્ટિકલ વાંચી નહોતો શકતો કે એક પણ વાત સાંભળી નહોતો શકતો. કોઈ પોતાની માતાના વખાણ કરે ત્યારે પણ આ મિત્રનું ગળું સૂકાવા માંડતું. ભીતરે અજાણી વ્યાકુળતા, ગમગીની છવાઈ જતી.

લોકડાઉન દરમિયાન પિતા બનનાર એ મિત્રે મસ્ત વાત કરી : “નવ મહિના એટલે બસ્સો સીત્તેર દિવસ એટલે બસ્સો સીત્તેર સવાર, બસ્સો સીત્તેર બપોર અને બસ્સો સીત્તેર રાત્રિ થાય, એવો અહેસાસ મને આ વખતે થયો. હું તો માનતો હતો કે સંતાન પ્રાપ્તિ એટલે જાણે ઉત્સાહથી વીતતા નવ મહિના, પ્રેગનન્સી કન્ફર્મેશન, પંચમાસી-સીમંતનો પ્રસંગ અને બાળકની ડીલીવરી, ધેટ્સ ઓલ.” આટલું કહી સહેજ ગંભીર અવાજે એણે ઉમેર્યું, “બાળકના જન્મમાં માનો જે રોલ છે એની સરખામણીએ પિતાનો રોલ તો દસ ટકા પણ નથી. ખરેખર મા તે મા.”

એક સ્ત્રી જીવન દરમિયાન કેટલા બધા રોલ ભજવે છે: દીકરી, બહેન, પત્ની, મમ્મી, સાસુ, દાદી વગેરે. વ્હાલ વરસાવતી દીકરીના રોલમાં રહેલી નિર્દોષતાથી છલકતી સ્ત્રી જયારે પત્નીના રોલમાં આવે છે ત્યારે એકદમ ભવ્ય બની જાય છે અને જયારે એ માતાના રોલમાં પ્રવેશ કરે છે ત્યારે એનામાં દિવ્યતાનો પ્રકાશ જોવા મળે છે. ઘોડિયામાં સૂતેલા બાળકને ઝુલાવવાથી શરુ કરી નિશાળના દરવાજે પ્રવેશતા બાળકને ટાટા - બાયબાય કરતી મમ્મીના મુખ પર બાળક માટે જે મમતા છલકતી હોય છે એના કરતા અનેક ગણી વધુ શ્રધ્ધા બાળકની આંખોમાં મા માટે જોવા મળતી હોય છે. માને જોઈને બાળકની આંખોમાં જે આનંદનો ચમકારો જોવા મળે છે, એ ચમકારો કદાચ કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કરતી વખતે અર્જુનની આંખોના ચમકારાના કુળનો હોય છે. પેલા મિત્રે આંસુ ભરી આખે એક કરુણ સત્ય કહ્યું : "સંતાનનો જન્મ થાય પછી જ આપણને આપણા માતા-પિતાએ કરેલા ઉછેરની, લાડકોડની સાચી કિંમત સમજાય છે."
કોણ જાણે કેમ બાકી બધા રોલમાં એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપતી સ્ત્રી સાસુ અને વહુ તરીકેના રોલમાં થોડી નર્વસ, થોડી નબળી, થોડી વિલન ટાઈપની બની જતી હોય એવી ફીલિંગ એંસી નેવું ટકા કુટુંબોમાં જોવા મળે છે. (જો હું ખોટો હોઉં તો વધુ સારું.) દીકરાનો ઉછેર કરવા માટે પોતાના લોહીનું ટીપેટીપું નીચોવી દેનાર મમ્મી કદાચ દીકરા માટે ઓવર પઝેસીવ બની જતી હશે? લગ્નના બે-ત્રણ વર્ષ વીત્યા પછી પુરૂષો સેન્ડવિચ જેવી સ્થિતિમાં કેમ મૂકાઈ જતા હશે? એક તરફ બધું જ છોડીને આવેલી પત્ની અને બીજી તરફ સાવ ખાલીખમ થઈ ગયેલી માતા. અહીંથી જ માના હૃદયની કરુણતા શરુ થાય છે.
તમે પોતે કહો. છેલ્લે તમે તમારી મમ્મીને ક્યારે ‘આઈ લવ યુ’ કહેલું? મમ્મી સાથે છેલ્લું હગ ક્યારે કરેલું? બાળપણમાં એક પ્રશ્ન તમને ખૂબ પૂછવામાં આવ્યો હશે : 'તું કોનો દીકો? મમ્મીનો કે પપ્પાનો?' ત્યારે મને ખાતરી છે કે તમે મમ્મી જ કહ્યું હશે. આજે એ પ્રશ્ન નવા સ્વરૂપે આવીને ઊભો છે? 'તું કોનો? મમ્મીનો કે પત્નીનો?' નાનપણમાં ફટાક કરતો જવાબ આપવાની તમારી બાળસહજ બુદ્ધિ હતી એ અત્યારે બહેર મારી જાય છે. તમે નહીં માનો, પણ એવા કેટલાય દીકરાઓ છે જેમણે છેલ્લા બે-પાંચ વર્ષથી પોતાની મમ્મી સાથે વાત પણ નથી કરી. 'મધર્સ ડે'ના પવિત્ર દિવસે, આ કરુણતામાં સહેજ અમથો ઘટાડો કરી શકાય તોય ભયો ભયો.

પેલા મિત્રે કહેલી છેલ્લી વાત: "હું તો કદાચ આખી જિંદગી મારી મમ્મીની યાદોને ભીતરે દફનાવીને કણસતો રહેત, પણ મારી પત્નીએ અમારા ટેણીયાના જન્મના ત્રીજા જ દિવસે જે કહ્યું એ મારા જીવનનો મોટામાં મોટો ટર્નીંગ પોઈન્ટ હતો. 'તમને ટેણીયાના સોગંદ છે, મમ્મીને આજે ને આજે જ તેડી લાવો.' મારી મમ્મીએ આવતા વેંત અમારા ટેણીયા પર ચુંબનોનો જે વરસાદ વરસાવ્યો એ જોઈ હું ધરાઈ ગયો. મેં આંસુ ભરી આંખે મારી વાઈફને ‘થેંક્યું’ કહ્યું."

મોટી ઉંમરે જીવનસાથી નાના બાળકની જેમ ચીસો પાડીને રડી નહીં શકે, પણ એની ભીતરે ઉઠેલી મમ્મી માટેની તડપ નાના બાળક જેટલી જ તીવ્ર અને શુદ્ધ હશે. સાસુ અને વહુના ઝઘડામાં માતૃત્વ અને પત્નીત્વ ઘવાય ન જાય એ જોવાની જવાબદારી પણ સ્ત્રીની જ છે ને. પચાસ, સાંઠ કે સીત્તેર વર્ષની મમ્મીના આખા જીવનનો થાક ઉતારી દે એવું મા-દીકરાના મિલનનું શુભ કાર્ય કરવાનું બીડું વહુએ ઝડપી લેવું જોઈએ. જે પુરુષ સાથે પત્ની ભવિષ્યના પડાવો પાર કરવાની છે એ જ પુરુષ સાથે માતા ભૂતકાળના અનેક પડાવો પસાર કરી ચૂકી છે અને હવે બહુ થોડા આખરી પડાવો એની પાસે બચ્યા છે. પુત્ર વિયોગની વ્યથા, તાજા જન્મેલા બાળકની હળવી ચિચિયારીથી તડપી ઉઠનારી નવી નવી મા બનેલી પત્નીથી વધુ કોણ સમજી શકે? સર્જનની તાકાત ઈશ્વરે સ્ત્રીને જ આપી છે ને!
મારું તો સજેશન છે કે 'મધર્સ ડે'ના દિવસે, વાણી, વર્તન અને વિચારો ભૂલી જવા બાબતે, મમ્મીઓને દસ ટકા નહીં, પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપશો તોયે ધોમ નફો કમાશો. આપણા શાસ્ત્રોના મંત્ર વાક્યો “માતૃ દેવો ભવ” અને “જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી”નું સમર્થન કરતો 'મધર્સ ડે' દરેક માતાને ‘ફળે’ એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
- kamlesh_joshi_sir@yahoo.co.in