સુંદરી - પ્રકરણ ૯૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૯૨

બાણુ

“હા, કાલે તો શું હમણાં એકાદ-બે વિક પણ આ રીતે મળવું પોસિબલ નથી.” સુંદરીને હજી વરુણની પહેલી ના ની કળ વળી પણ ન હતી કે વરુણે તેને બીજો આઘાત આપ્યો.

“પણ મેં કેટલા વિશ્વાસથી પ્રિન્સીપાલ સરને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો જ. મારા આખા પ્લાન પર તમે પાણી ફેરવી દીધું વરુણ. આ પ્લાન પર કેટલું બધું આધાર રાખતું હતું તેની તમને ખબર નથી. તમે મને પ્રોમિસ આપ્યું હતું એના પર તો આ બધું નક્કી કરી દીધું હતું. હવે હું પ્રિન્સીપાલ સરને શું કહીશ?” સુંદરીના સૂરમાં ભારોભાર હતાશા સંભળાઈ રહી હતી.

“એક મિનીટ, એક મિનીટ, એક મિનીટ. મને લાગે છે થોડું કન્ફ્યુઝન છે અહીંયા. મેં તમને અને પ્રિન્સીપાલ સરને આવતીકાલે મળવાની ક્યાં ના પાડી?” વરુણને આશ્ચર્ય થયું.

“કેમ? તમે હમણાં તો કહ્યું કે હમણાં મળવાનું પોસીબલ નથી, ઈનફેક્ટ આવનારા એક થી બે વિક પોસીબલ નથી?” હવે સુંદરીને નવાઈ લાગી.

“યાદ કરો મેં શું કહ્યું? મેં કહ્યું કે હમણાં આ રીતે મળવું પોસિબલ નથી. કહ્યું હતુંને?” વરુણે સુંદરીને પોતે ખરેખર શું કહ્યું હતું યાદ દેવડાવ્યું.

“હં? હા... કદાચ... પણ એનો મતલબ તો એ જ થયો ને કે આપણે હમણાં નહીં મળી શકીએ?” હવે સુંદરી ગૂંચવાઈ.

“ના એનો મતલબ એવો થયો કે હમણાં એક-બે વિક આપણે પબ્લિકમાં નહીં મળી શકીએ. યુ નો, શ્રીલંકન સિરીઝ હમણાંજ પતી છે. પબ્લિકની મેમરીમાં છે બધું એટલે જો હમણાં હું કોઈ પબ્લિક પ્લેસમાં જઈશ તો આપણે બધાં હેરાન થઈશું અને જે વાત તમારે અને પ્રિન્સીપાલ સરે મને કરવાની છે એ આપણે શાંતિથી નહીં કરી શકીએ. પ્લસ મિડિયાનું તો તમે જાણો જ છો?” વરુણે વાત સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો.

“હું હજી નથી સમજી શકતી. મને ક્લિયરલી કહો, આપણે કાલે મળીશું? કે પછી નહીં મળીએ?” સુંદરીએ પોતાની ગૂંચવણ દૂર કરવા હવે વરુણને રીતસર વિનંતી કરી.

“આપણે મળીશું ચોક્કસ મળીશું, પણ બહાર નહીં મારે ઘરે અને કાલે શું આજે, અત્યારે તમને પસંદ પડે એ ટાઈમે. ક્લિયર?” વરુણે છેવટે સુંદરીના મનની ગૂંચવણ દૂર કરી.

“ઓહ! થેન્ક ગોડ. તમે તો મને બે ઘડી ગભરાવી મૂકી હતી વરુણ. પણ એક પ્રોબ્લેમ છે. મેં પ્રિન્સીપાલ સરને લંચ મીટ માટે કહ્યું હતું.” સુંદરીએ પોતાની બીજી સમસ્યા જણાવી.

“તો એમાં ક્યાં વાંધો જ છે? આપણે ભેગા લંચ કરીએ, મારે ઘરે?” વરુણે આ સમસ્યાનો ઉકેલ પણ જણાવ્યો.

“ના, એમ આંટીને કેટલી બધી તકલીફ પડે? આટલા બધા લોકોની રસોઈ બનાવવી પડે?” સુંદરીને પોતાના કોઈ કામ માટે રાગીણીબેનને તકલીફ નહોતી આપવી.

“અરે! એમાં શું? મમ્મી તો ચેમ્પિયન છે એમાં. એકવાર એણે એકસાથે અને એકલા હાથે પચાસ જણાની રસોઈ બનાવી હતી, જ્યારે કાલે તો આપણે છ જ જણા હોઈશું.” વરુણે સુંદરીને સંકોચ ન કરવાની સલાહ આપી.

“ના, ના કશું બીજું વિચારીએ. મને સ્યુટ નથી થતું.” સુંદરીએ વરુણના આ વિચારને નકાર્યો અને બીજું કશું ન સુઝતા કાયમની જેમ પોતાની આંગળી દાંત વચ્ચે દબાવી.

“તો એક કામ કરીએ. તમે અને પ્રિન્સીપાલ સર પાંચ-સાડાપાંચની આસપાસ આવો આપણે બધું ડિસ્ક્સ પણ કરીએ અને સાથે હાઈ-ટી લઈએ. ચ્હા સાથે થોડો ભારે નાસ્તો. વ્હોટ સે?” વરુણે આઈડિયા આપ્યો.

“હા એ થઇ શકે. પણ આંટીને કહેજો કે પ્લીઝ બહુ ધમાલ ન કરે.” સુંદરીએ વિનંતી કરી.

“નહીં કરે, એની ચિંતા ન કરશો. તો આ પાક્કું રાખીએ. આવતીકાલે સાંજે પાંચ-સાડાપાંચે તમે અને પ્રિન્સીપાલ સર મારે ઘરે આવો છો, રાઈટ?” વરુણે વાત પાક્કી કરવા પૂછ્યું.

“હા, આ જ બરોબર રહેશે. થેન્ક્સ વરુણ, તમે મારા હ્રદય પરથી એક મોટો ભાર હળવો કરી દીધો.” સુંદરીએ વરુણનો આભાર માનતા કહ્યું.

“અરે! જુઓ હવે તમે રૂલ્સ તોડી રહ્યા છો. એમાં થેન્ક્સ શેના? મેં ફક્ત મારું વચન જ પાળ્યું છે.” વરુણે સુંદરીને યાદ અપાવ્યું.

“હા એ તો છે જ અને તમે ન પાળત તો તમારો કાન પકડીને પણ તમારી પાસેથી આ પ્રોમિસ પળાવત, તમારી પ્રોફેસર છું ને?” આટલું કહીને સુંદરી હસી પડી.

“એ તો હું ક્યારેય નહીં ભૂલું મેડમ.” જવાબમાં વરુણ પણ ખૂબ હસ્યો.

“તો કાલે મળીએ? જે એરેન્જમેન્ટ થશે એ હું તમને અપડેટ્સ આપતી રહીશ, કારણકે પ્રિન્સીપાલ સરે તમારું ઘર જોયું નથી એટલે મારે જ એમને લઇ આવવા પડશે. ત્યાં સુધી બાય!” સુંદરીએ કહ્યું.

“શ્યોર, તો મળીએ આવતીકાલે, બાય!” વરુણે જવાબ આપતાં કહ્યું.

ત્યારબાદ વરુણ પોતાના મોબાઈલના સ્ક્રિન પર લખેલા SVBને જોઈ રહ્યો અને સુંદરી જ કૉલ કટ કરે એની તેણે રાહ જોઈ અને છેવટે સુંદરીએ કૉલ કટ કર્યો એટલે એ બેડ પરથી ઉભો થયો અને લિવિંગરૂમ તરફ ચાલવા લાગ્યો જ્યાં તેનું પરિવાર ટીવી જોઈ રહ્યું હતું.

બીજી તરફ સુંદરી પોતાની યોજના હવે જરૂર પાર પડશે એ વિચારીને અત્યંત ખુશ થઇ ગઈ હતી અને તેણે પણ પોતાના મોબાઈલ સ્ક્રિન સામે એક સ્મિત સાથે જોયું અને પછી સ્વગત જ બોલી પડી, “હજી તો એક બીજું મોટું પ્રોમિસ, આપણા બંનેના જીવનને બદલી નાખતું પ્રોમિસ તમારે આપવાનું છે વરુણ... હું હવે તમને એમ સહેલાઈથી નહીં છોડું.” અને પછી હસી પડી.

“મમ્મી, પપ્પા કાલે એ અને મારી ફર્સ્ટ કોલેજના પ્રિન્સીપાલ સર અહીં મને મળવા આવવાના છે, સાંજે. મેં ચ્હા-નાસ્તાનું કહ્યું છે.” લિવિંગરૂમમાં પ્રવેશતાંની સાથે જ વરુણ બોલ્યો.

“એ એટલે કોણ?” ઈશાનીએ ટમકું મુક્યું.

“હા, ભાઈ... આ એ એટલે કોણ?” હર્ષદભાઈ પણ ઈશાની સાથે જોડાયા.

“ઈશાનીની થનારી ભાભી અને તમારી વહુ.” વરુણે વાત વધુ ન આગળ જાય અને પોતાની વધુ મશ્કરી ન થાય તેનું ધ્યાન રાખ્યું.

“ઓહોઓઓઓઓ...” ઈશાની અને હર્ષદભાઈ બંનેએ એકબીજા સામે જોયું અને સાથે જ બોલ્યા.

“મમ્મી, સોરી તને પૂછ્યા વગર જ મેં ઇન્વાઇટ કરી દીધા, તને કોઈ વાંધો નથીને?” વરુણે રાગીણીબેનને પૂછ્યું.

“મારી વહુ મને મળવા આવતી હોય તો મને શું વાંધો હોય? શું બનાવવું એ મને કહી દેજે.” રાગીણીબેનના ચહેરા પર સુંદરીને ફરીથી મળવાનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

“કાલે મમ્મીને રજા, કાલનો નાસ્તો હું બનાવીશ.” અચાનક જ ઈશાની બોલી પડી.

“પત્યું. ઓ કાગડી, મેં એમને અને પ્રિન્સીપાલ સરને અહીં ત્રાસ આપવા માટે નથી બોલાવ્યા. મમ્મી, નાસ્તો તું જ બનાવજે.” વરુણ બોલ્યો.

“તું આટલા બધા દિવસ ઘરની બહાર હતો એટલે તને ખબર નથી, ઈશાની હવે ઘણુંબધું બનાવે છે, અને ટેસ્ટી પણ, પૂછ તારા પપ્પાને.” રાગીણીબેને હર્ષદભાઈ તરફ ઈશારો કરતાં કહ્યું.

“હા વરુણ, એમાં ના નહીં. ઈશાની છેલ્લા થોડા દિવસોમાં ઘણું સરસ રાંધવાનું શીખી ગઈ છે. ખબર નહીં અચાનક જ કેમ એને આ કુકિંગનો શોખ જાગ્યો. જે હોય તે મને તો બહુ મજા કરાવે છે.” હર્ષદભાઈએ રાગીણીબેનની વાતમાં હકારનો સૂર પુરાવ્યો.

“યસ! હવે બોલ?” ઈશાનીએ વિશ્વાસ સાથે વરુણને પૂછ્યું.

“સેવ મમરા નથી બનાવવાના. મેં હાઈ-ટી કીધું છે એટલે ગરમાગરમ નાસ્તો જોઇશે, પેટ ભરાય એવો.” વરુણને હજી પણ ઈશાનીની રસોઈકળા પ્રત્યે શંકા હતી.

“તું કહીશ એવો નાસ્તો બનાવીશું અને હું પણ એને મદદ કરીશ, એમ કાઈ એ લોકોના આવ્યા પહેલાં હું થોડી અહીં બેઠી રહેવાની છું? તું ચિંતા ન કર.” રાગીણીબેને વરુણને ધરપત આપી.

“નાસ્તો કોઇપણ બનાવે, ચ્હા તો ઈશાની જ બનાવશે, આ પણ એક મોટું પરિવર્તન એનામાં આવ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઈશુ ચ્હા બહુ મસ્ત બનાવે છે.” હર્ષદભાઈએ પોતાનો નિર્ણય કહ્યો અને એ સોફા પરથી ઉભા થયા અને પોતાના રૂમ તરફ સુવા માટે ચાલવા લાગ્યા.

“હું ગઈકાલથી ઘરમાં છું, મને તો એણે ચ્હા ન પીવડાવી? કેમ કાગડી? મારામાં કાંટા ઉગ્યા છે?” વરુણે ગુસ્સો કર્યો.

“યુ હેવ ટુ રિક્વેસ્ટ મી. પપ્પા પણ કાયમ એમ જ કહે ઈશુ બેટા, જરા તારી સ્ટાઈલની મસ્ત ચ્હા બનાવીશ? પછી જ હું ચ્હા બનાવું છું. તું પણ રોજ બોલ, તને પણ રોજ ચ્હા પીવા મળશે.” ઈશાનીએ પોતાની તોફાની આંખો નચાવતાં કહ્યું.

“ચલ, ચલ. હું કાઈ એમ નવરો નથી.” વરુણે છાશિયું કર્યું.

“તો પડ્યો રહે જ્યાં છે ત્યાં.” સામે ઈશાનીએ પણ મોઢું બગાડ્યું.

“હવે તમે બંને ઝઘડવાનું બંધ કરો તો નક્કી કરીએ કે કાલે શું નાસ્તો બનાવીશું?” રાગીણીબેને બંને ભાઈ બહેનને મુખ્ય એજન્ડા યાદ દેવડાવ્યો.

“એની તું ચિંતા ન કર મમ્મી, મેં આખું મેન્યુ વિચારી લીધું છે. કાલે સવારે હું મોલમાંથી બધું લેતી આવીશ. ભાભી કાલે જ ભાઈને પ્રપોઝ કરી દેશે એવો નાસ્તો બનાવીશ.” ઈશાનીએ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“પ્રપોઝ કરશે? મને તો એવું લાગે છે કે તારા હાથનો નાસ્તો ખાઈને એ કદાચ મને મળવાનું પણ બંધ કરી દેશે.” વરુણ હસી રહ્યો હતો.

“વળી? હું હોઈશને? અને એની રસોઈ ખૂબ સારી થાય છે, કાલે તું પણ જોઈ લેજે.” રાગીણીબેને વરુણને ફરીથી ધરપત આપી.

“ચાલો આ પણ જોઈ લઈએ. ઓલ ધ બેસ્ટ કાગડી!” આટલું કહીને વરુણ ઉભો થયો અને ઈશાનીના ગાલ પર હળવેકથી ટપલી મારીને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો.

રૂમમાં પ્રવેશીને વરુણે બારણું બંધ કર્યું અને બારણાને પોતાની પીઠ અડાડીને ઉભો રહ્યો અને બોલી પડ્યો...

“ગયા વખતે તો તું અચાનક જ આપણે ઘરે આવી હતી અને એ પણ ટેન્શનમાં, પણ આવતીકાલે તું એક નવા વાતાવરણમાં આવીશ જ્યારે આપણે બધાં જ ખુશ હોઈશું. તને આ ઘરમાં મારે એક વખત હસતી જોવી છે અને એટલેજ મેં બહાર મળી શકાય એમ નથી એવું બહાનું બનાવ્યું સુંદરી... કાલની મુલાકાત પછી હવે તું કાયમ માટે આપણા ઘરમાં બહુ જલ્દીથી આવી જાય એવા મારા પ્રયાસો હું કરવા લાગીશ...”

==:: પ્રકરણ ૯૨ સમાપ્ત ::==