Vitamin-M, The Money Sachin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vitamin-M, The Money

અંધકાર તો કાયમી છે, તેના પર સૂરજની રોશની પડે અને અજવાળું ફેલાય છે. તેવી રીતે જ ઉદાસીનતા અને દુઃખ-દર્દ રૂપી દુષ્કાળ તો કાયમી છે, પરંતુ તેના પર ખુશીઓનો વરસાદ થાય તો જ જિંદગીમાં જીવવા લાયક હરિયાળી છવાય. આ ખુશીઓનો વરસાદ કોણ વધારે કરી શકે, તેના માટે બે બાબતો વચ્ચે સતત હરીફાઈ થતી આવી છે. પૈસા કે પ્રેમ ???

થોડા દિવસ પહેલા સમાચાર મળ્યા કે, શહેરના ખ્યાતનામ ડોક્ટરને કોરોના ભરખી ગયો. પૈસા પુષ્કળ કમાયા તેમણે, પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી તેઓ એકલા જ રહેતા. ખાવા-પીવાની તમામ વ્યવસ્થા જાતે જ કરી લેતા. તે દિવસે પણ ખાવાનું હાજર હતું, પણ ખવડાવવા વાળું કોઈ નહોતું. ઓક્સિજન-વેન્ટિલેટર બધી સગવડ થઈ ગઈ હતી, પણ "ચિંતા ન કરતા, તમે જલ્દીથી સાજા થઈ જશો" એવું કહેવા વાળું કોઈ નહોતું. થોડુંક લાગણીશીલ હુંફાળું વાતાવરણ મળ્યું હોત, તો ડોકટર કોરોનાને હરાવી દેત કદાચ. પણ અફસોસ કે પ્રેમ અને હૂંફની ઊણપને પૈસાની પહોંચ પૂરી ન કરી શકી !


એક રીક્ષા ચાલકને ફરિયાદ કરતા સાંભળ્યો
" આ કોરોનાએ તો બોવ કરી હો !, મારા મમ્મીને દાખલ કર્યા હતા હોસ્પિટલમાં. ડોકટરોએ તો હાથ જ ઊંચા કરી દીધા. કહેવા લાગ્યા 'માજી હવે લાબું નહીં ખેંચે' પણ મેં સાજા કરી દીધા મમ્મીને. એ પણ પેલા મોંઘા ઇન્જેક્શન કે ઓક્સિજનના બાટલા વગર "
મને આ સાંભળીને આશ્ચર્ય થયું. આવું કઈ રીતે બની શકે?
તેને કહ્યું
" મેં ડોક્ટરવાળી વાત મમ્મીથી છુપાવી. જ્યારે મળવાનું થાય ત્યારે એને હું ખોટું કહેતો કે 'તારી તબિયતમાં ઘણો સુધારો દેખાય છે એવું ડોકટર કહે છે અને હવે તો તને જલ્દી રજા પણ આપી દેવાના છે. ચાલ હવે તું તૈયાર થઈ જજે, નહિતર તારા હાથનું જમ્યા વગર હું માંદો પડી જઈશ "
તે રીક્ષા ચાલકના મમ્મીને ખરેખર બે દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. સારવાર માટે પૂરતા પૈસાની તંગી સામે આશ્વાસન અને પ્રેમરૂપી હૂંફ કામ કરી ગયા તથા કોરોનાને એક રીક્ષા ચાલકના મમ્મીએ હરાવી દીધો.

ઈશ્વરનું અદશ્ય, સૌથી સુંદર અને અમૂલ્ય સર્જન એટલે પ્રેમ, બાકી પૈસા તો આપણા મનુષ્યની ઊપજ છે.
અહીં મોટા ભાગના એવા વહેમમાં જીવતા હોય, કે પ્રેમ તો પૈસાથી ખરીદી લઈશું. પણ એ પૈસાથી ખરીદેલો પ્રેમ માત્ર ક્ષણિકાનંદ છે. તમે તમારું પૈસાનું પ્રભુત્વ થોડુંક ઝાંખું કરી નાખો, એ પોતાનો પ્રેમ સાવ અદશ્ય કરી નાખશે.

પ્રેમ માત્ર આપી શકાય છે અને પામી શકાય છે. પ્રેમનું કનેક્શન લાગણીથી જોડાયેલ હોય છે. જેવી એકબીજા પ્રત્યેની લાગણી ખતમ, પ્રેમનું કનેક્શન તૂટી જશે. પછી તે પ્રેમની પાઇપલાઈનમાં કરોડો રૂપિયાની પટ્ટીઓથી સાંધા મારશો, તો પણ તે કનેક્શન પાછું નહીં જોડી શકાય.

મને આજે બિઝનેસમાં કરોડો રૂપિયાની ખોટ ગઈ. આટલા વર્ષોની મહેનતથી ઊભું કરેલું એમ્પાયર સાવ નષ્ટ થઈ ગયું. હવે શું કરીશ, મારી પાસે કોઈ પ્લાન નથી? " Everything will be Alright, મને વિશ્વાસ છે તારી આવડતથી પૈસા તો તું કાલે કમાઈ લઈશ " કોઈ આવું કહેવા વાળું હોય, તો પૈસા ગુમાવ્યાનો અફસોસ ઓછો થઈને નવેસરથી શરૂઆત કરવાનો આત્મવિશ્વાસ મળતો હોય છે. અને એટલે જ જો પ્રેમ સાથે હોય, તો પૈસા કમાવવા એ કંઈ અઘરી વાત નથી ! પૈસા તો ચહેરા પરના પિમ્પલ જેવા છે, આવે અને જાય. પણ પ્રેમ ચહેરા પરના એ તલ જેવો છે, જે આજીવન સાથે જ રહેશે.

ઉચ્ચ ગુણવતા વાળા જીવન માટે પ્રેમ અને પૈસા બંનેનું પોતપોતાનું મહત્વ છે. તો સવાલ એ થાય કે, પૈસા અને પ્રેમ કેટલા પ્રમાણમાં જરૂરી છે ???
સંતુલિત જિંદગી જીવવા માટે માત્ર જરૂરિયાતો પૂરી થઈ શકે એટલા પૈસા પૂરતા છે. કોઈ માટે ત્રણ ટકનું ભોજન જરૂરિયાત હોય, તો કોઈ માટે લક્ઝરીયસ કાર અને આલીશાન બંગલો ! પરંતુ આ બધાની વચ્ચે ખુશીઓના વરસાદ પર ઉદાસીનતા કે દુઃખ-દર્દ રૂપી દુષ્કાળ હાવી ન થઈ શકે એટલો ઓછામાં ઓછો પ્રેમ હોવો એ જિંદગીની પ્રાથમિક જરૂરિયાત છે.

_સિક્સર: આજકાલ પૈસાથી પણ પ્રાણવાયુ નથી મળતો. પણ જો લાગણીથી લોથપોથ દવા મળી જાય તો પ્રાણવાયુ ખરીદવાની જરૂર જ ના પડે કદાચ !_

Spread Some Positivity and Take care of your loved ones...
#Thanks for Reading


-સચિન(SK)