સુંદરી - પ્રકરણ ૮૮ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૮૮

અઠ્યાશી

“હાઈ... કેમ છો?” વરૂણનું હલ્લો સંભળાતા જ સુંદરીએ ઉત્સાહભેર કહ્યું.

“એકદમ મજામાં તમે?” વરુણ સુંદરીનો મીઠો અવાજ સાંભળતા કાયમની જેમ પીગળવા લાગ્યો હતો.

“અરે વાહ! તમે તો મારા ખબર પણ પૂછ્યાં? થેન્ક્સ!” સુંદરીના અવાજમાં તોફાન હતું.

“એટલે? હું સમજ્યો નહીં.” વરુણ ગૂંચવાયો.

“હા, મને એમ કે તમે અત્યારે પણ મારા કેમ છો ના જવાબમાં ફક્ત સ્માઈલ જ કરશો તમારા ફોનની સામે, પણ એ તો હું જોઈ નહીં શકું.” સુંદરી હવે વરુણની મશ્કરી કરવાના બરોબર મૂડમાં હતી.

“હેં?” વરુણને ખબર ન પડી કે સુંદરી શું કહેવા માંગતી હતી.

“અરે! હમણાં થોડી વાર પહેલાં જ જ્યારે મેં તમને વોટ્સએપ પર તમારા ખબર પૂછ્યાં ત્યારે તમે જવાબમાં ફક્ત સ્માઈલી જ મોકલ્યું હતુંને? એટલે મને એમ લાગ્યું અત્યારે પણ તમે ફક્ત સ્માઈલ કરી દેશો.” અને સુંદરી ખડખડાટ હસી પડી.

“અરે એમ! એ તો મને ખબર ન પડી કે હું શું જવાબ આપું એટલે જસ્ટ સ્માઈલી મોકલી દીધું.” વરુણે પોતે નિર્દોષ હોવાની દલીલ પ્રસ્તુત કરી.

“જબરા છો હોં વરુણ તમે. તમે હજી પણ ઓસંખાવ છો ને? જો આમ જ મારી સાથે વાત કરતા રહેશો તો મારે અત્યારે તમને જે કહેવું છે એ હું તમને કેવી રીતે કહી શકીશ?” સુંદરીએ ફરિયાદના સૂરમા કહ્યું.

“ના ના, હું જરાય ઓસંખાયો ન હતો. સાચું કહું તો થોડો ટેન્શનમાં છું.” વરુણે હકીકત જણાવી.

“કેમ? શું થયું? કોઈ પ્રોબ્લેમ?” સુંદરી અચાનક ચિંતિત થઇ ગઈ.

“ના પ્રોબ્લેમ નથી અને જે છે એ મારો પોતાનો જ છે અને મેં જ ઉભો કર્યો છે. સાચું કહું તો આ ટુરની એટલીસ્ટ એક મેચ રમવી છે એવી તીવ્ર ઈચ્છા મને હું અહીં આવ્યો ત્યારથી જ મને સતત થઇ રહી છે. જો પરમદિવસે આપણે જીતી જઈશું તો કદાચ મને ત્રીજી મેચમાં રમવાનો ચાન્સ મળશે અને એ પણ શ્યોર નથી. મારે મારી ટીમને જીતતી જોવી પણ છે અને એમાં રમવું પણ છે. પણ અત્યારે એવા કોઈજ સિગ્નલ્સ નથી દેખાતા કે હું આ ટુરની એક મેચ પણ રમી શકું.

મારા બધા જ ટીમ મેટ્સ એટલા ફ્રેન્ડલી છે કે એમાંથી કોઈ ઇન્જર્ડ થાય એવું પણ હું ઈચ્છતો નથી. પહેલી મેચ પહેલાંની ટિમ મિટિંગમાં મારું સિલેક્શન ન થયું ત્યારથી જ મનમાં આ ગડમથલ ચાલી રહી છે અને એને કારણે નાહકનું ટેન્શન મારા મગજમાં લઈને ફરી રહ્યો છું.” વરુણે પોતાને નડી રહેલી સમસ્યા અંગે સ્પષ્ટતા કરી.

“તમારી પરિસ્થિતિ સમજી શકું છું વરુણ. હું તમને ક્રિકેટને લગતી કોઈ સલાહ આપી શકું એવી સ્થિતિમાં તો નથી પણ એટલું કહીશ કે બધું ભગવાન પર છોડી દો. મારો પોતાનો અનુભવ છે, એનાથી ઘણો ફાયદો થાય છે. બીજું એ કહીશ કે આ દસ દિવસ જે તમે સિનિયર્સ સાથે વિતાવશો અને ઇન્ટરનેશનલ ક્રિકેટને નજર સામે જોશો એ અનુભવ અમૂલ્ય છે અને આ અનુભવનો લાભ તમને આવનારા સમયમાં જરૂર જરૂર મળશે.” સુંદરીએ વરુણને સાચી સલાહ આપીને સધિયારો આપવાનો પ્રયાસ કર્યો.

“હું કોશિશ કરીશ. હવે મને એમ કહો કે તમે મને કશું કહેવાના હતા? મેસેજમાં પણ તમે લખ્યું હતું કે તમે કોઈ ખાસ વાત કરવા માંગો છો?” વરુણને તાલાવેલી થઇ.

“હા, એ તો હું પૂછીશ જ પણ તમે તમારું આ ખોટેખોટું અને ખાસ ઉભું કરેલું ટેન્શન દૂર કરી દેશો એનું પ્રોમિસ આપો તો જ.” સુંદરીના અવાજમાં મક્કમતા હતી.

“આઈ પ્રોમિસ. આજથી જ બલ્કે અત્યારથી જ હું લોંગ ટર્મ વિચારવાનું શરુ કરી દઈશ અને મારી કરિયરને નિખારવા પર જ ધ્યાન આપીશ, બસ? હવે કહો તમારે મને કઈ ખાસ વાત કરવાની છે?” વરુણ હવે સુંદરી પાસેથી એ વાત કોઇપણ રીતે સાંભળવા માંગતો હતો અને એ પણ તરત જ.

“ઓકે, મારે જે વાત કરવાની છે એમાં પણ મારે તો તમારું પ્રોમિસ જ જોઈએ છીએ બીજું કશું જ નહીં, બોલો આપશો?” સુંદરીએ હવે મૂળ વાત પર આવતાં કહ્યું એ સ્મિત કરી રહી હતી.

“ચોક્કસ. મારે એ વાત જાણવી પણ નથી અને અત્યારથી જ એ પણ પ્રોમિસ આપું છું. બોલો બીજી કોઈ ખાતરી જોઇશે? ચાલો હવે તો કહો વાત શું છે?” વરુણની ઉત્કંઠા ચરમસીમા વટાવી રહી હતી.

“બસ તમારે મને એ પ્રોમિસ આપવાનું છે કે શ્રીલંકાથી તમે પાછા આવો પછી અડધા દિવસ માટે હું તમને જે જગ્યાએ લઇ જવાનું કહું ત્યાં તમારે મારી સાથે કોઇપણ પ્રશ્ન કર્યા વગર આવવાનું છે, અને ડોન્ટ વરી હું તમને તકલીફ પડે એવી કોઈજ જગ્યાએ અને કોઈજ સમયે ત્યાં નહીં લઇ જાઉં. મને તમારા બિઝી શેડ્યુલમાંથી ફક્ત ચારેક કલાક જ જોઈએ છીએ. આપણે એ આખો પ્રોગ્રામ સાથે બેસીને જ નક્કી કરીશું. બોલો આપો છો પ્રોમિસ?” સુંદરી હવે વરુણને વચને બાંધવા માંગતી હતી.

“તમે કહ્યું જ છે કે તમે મને કોઈજ તકલીફ ન પડે એ જગ્યાએ અને મને ગમતા સમયે ત્યાં લઇ જવાના છો તો મને શો વાંધો હોય? હું પ્રોમિસ આપું છું. તમે કહેશો એ દિવસે અને એ જગ્યાએ હું તમારી સાથે કોઇપણ પ્રશ્ન કર્યા વગર આવી જઈશ અને ચાર કલાક માટે નહીં એ આખો દિવસ જ તમારા માટે ખાલી રાખીશ, ઈઝ ધેટ ઓકે?” વરુણે સુંદરીને વચન આપ્યું.

“થેન્ક્સ... થેન્ક્સ અ લોટ! આમતો મને વિશ્વાસ હતો જ કે તમે ના નહીં જ પાડો પણ હવે તમે પ્રોમિસ આપીને મારા મન પરથી એક મોટું ટેન્શન દૂર કરી દીધું છે.” સુંદરીના અવાજમાં આનંદ હતો.

“હમમ... એવું તે શું છે કે મારા એક નાનકડા પ્રોમિસને કારણે તમારું મોટું ટેન્શન દૂર થઇ ગયું? ચિંતા કરવા જેવું તો નથીને?” વરુણને નવાઈ લાગી.

“ના ના એવું કશું નથી. એ તો તમે અમદાવાદ પાછા આવો, મને ફરીથી લંચ કરવા... કે ડિનર માટે ક્યાંક લઇ જાવ ત્યારે જ તમને કહીશ. હવે આગળ આ બાબતે કોઈજ પ્રશ્ન નહીં ઓકે? આ ત્રીજું વચન મારે જોઈએ છીએ.” સુંદરી ફરીથી મસ્તીના મૂડમાં આવી ગઈ.

“ઠીક છે, ઠીક છે... હું નહીં પૂછું. તમારા પર પુરેપુરો વિશ્વાસ છો અને મેડમ તમે કહેશો તો મરવા પણ તૈયાર થઇ જઈશ તમારા માટે બસ?” વરુણ પણ હવે તેના મૂળ સ્વભાવ પર પરત આવ્યો.

“ઓહો! ફલર્ટિંગ? હેં?” સુંદરી હસી પડી.

“હા, થાય એ કરી લેવું.” વરુણ પણ સામે હસતાં હસતાં બોલ્યો.

“કશું જ નહીં કરું. મજ્જા પડી! બસ ફિલ ફ્રી!” સુંદરી હસી રહી હતી પણ વરુણના એ એક નિર્દોષ ફ્લર્ટથી એનું એક એક રુવાડું ઉભું થઇ ગયું.

“સો? વોટ્સ નેક્સ્ટ?” વરુણ હવે એકદમ હળવો થઇ ગયો હતો.

“કશું નહીં. તમે ડિનર કરી લીધું? કાલે તો ખાલી પ્રેક્ટીસ જ હશે ને?” સુંદરીએ પૂછ્યું.

“હા, કાલે ઓપ્શનલ પ્રેક્ટીસ છે, પણ હું તો જવાનો. આઈ ડોન્ટ વોન્ટ ટુ લુઝ માય ટચ.” વરુણે જવાબ આપ્યો.

“એ બહાને કેપ્ટન અને કોચને ઈમ્પ્રેસ પણ કરી શકાયને?” સુંદરીએ હસતાં હસતાં કહ્યું.

“હા, એ તો છે જ!” વરુણે પણ હસીને જવાબ આપ્યો.

“બસ! તો પછી હવે આરામ કરો અને પછી કાલે પાછા આપણે વાત કરીશું. હવેથી મારે વાત કરવી હશે તો તમને પહેલાં મેસેજ નહીં કરવો પડેને?” સુંદરીએ પૂછ્યું.

“ના, જસ્ટ એટલું કહી દો કે રાત્રે તમે કેટલા વાગ્યે ફ્રી હોવ છો? હું સીધો જ કૉલ કરી દઈશ.” વરુણ બોલ્યો.

“ફ્રી હોઉં ત્યારે કે પછી એકલી હોઉં ત્યારે? મિસ્ટર જરા ક્લેરીફાય કરશો?” સુંદરી હસતાં હસતાં બોલી.

“અમમ... બંને!” વરુણે પણ ગોળગોળ જવાબ આપ્યો.

“વેરી સ્માર્ટ! રાત્રે નવ પછી મારા રૂમમાં જ હોઉં છું. કાલે તમારી મેચ નથી એટલે, નહીં તો હું અને પપ્પા સાથે જ મેચ જોતા હોઈએ છીએ અને મેચ સાડાદસ અગિયારે પતે પછી જ હું ઉપર મારા રૂમમાં આવું.” સુંદરીએ વરુણને પોતાને એ ક્યારે કૉલ કરી શકે એની સ્પષ્ટતા કરી.

“તો કાલે સવાનવની આસપાસ મારો કૉલ આવશે. રાહ જોશોને?” વરુણને ખ્યાલ હતો જ કે સુંદરી ના નહીં જ પાડે.

“હા. ચોક્કસ. ચાલો હવે સુઈ જાવ.” સુંદરીએ વરુણને યાદ દેવડાવ્યું.

“થોડીવાર પછી, પહેલાં તો જરા ન્હાઈશ પછી સુઈ જઈશ.” વરુણે કહ્યું.

“ઓહ ઓકે! તો ન્હાઈ લો અને પછી શાંતિથી સુઈ જાવ અને કાલે ખૂબ પ્રેક્ટિસ કરો. કાલે મળીએ રાત્રે સવાનવે! બાય!” સુંદરીએ આટલું કહીને કૉલ કટ કર્યો.

વરુણ થોડો સમય ફોન સામે જોઇને સ્મિત કરતો રહ્યો. એને પણ એ જ લાગણી થઇ રહી હતી જે અત્યારે તેનાથી હજારો કિલોમીટર દૂર પોતાની બેડ પર ઉંધી સુઈ રહેલી સુંદરીને થઇ રહી હતી. વરુણને એક વાતની તો ખાતરી થઇ ગઈ હતી કે સુંદરી હવે એની નજીક આવવા માંગે છે જેની ઈચ્છા તેને છેલ્લા લગભગ સાડાત્રણ-ચાર વર્ષથી હતી. વરુણ ખૂબ ખુશ થઇ ગયો અને તે સુંદરીના કૉલ આવ્યાં પહેલાં જે ટેન્શન અનુભવી રહ્યો હતો તેમાંથી સાવ મુક્ત થઇ ગયો હોય એવું તેને લાગવા લાગ્યું.

બે ઘડી તો વરુણને લાગ્યું કે તે સુંદરી સાથે અત્યારે જે વાત થઇ અને સુંદરીએ જે રીતે તેની સાથે વાત કરી એ બધી જ વાત તે અત્યારેજ સોનલબાને કૉલ કરીને કહી દે, પણ પછી થયું કે સોનલબા કદાચ અત્યારે સુવાની તૈયારી કરતાં હશે અને આ સમયે એમને કૉલ કરવો એ કિશનરાજ ઘરમાં હશે તો એમને પણ યોગ્ય નહીં લાગે. એટલે વરુણે આવતીકાલે સવારે સોનલબા સાથે આ વાત શેર કરવાનું નક્કી કરીને એ વિચારને માંડી વાળ્યો, પરંતુ સુંદરી સાથે આજે જે રીતે તેને મુક્તમને વાત કરવા મળી તેનો આનંદ તેના મનમાં સમાઈ શકતો ન હતો.

વરુણે ફોનનું હેન્ડલ ક્રેડલ પર મુક્યું અને ન્હાવા ગયો. દસેક મિનીટ નાહ્યા બાદ વરુણ જ્યારે ટુવાલભેર બહાર આવ્યો ત્યારે તેના મોબાઈલ પર વોટ્સએપ નોટીફીકેશન ઝબકયું. વરુણે મોબાઈલ ઉપાડ્યો તો ‘SVB’ના નામે પાંચ અનરીડ મેસેજીઝ હતાં. વરુણને નવાઈ લાગી કે હમણાં તો સુંદરીએ તેની સાથે આટલી બધી વાતો કરી તો ફરીથી કેમ તેને મેસેજ મોકલવાની જરૂર પડી?

વરુણે આતુરતાથી ફોનને અનલોક કર્યો અને વોટ્સએપ ખોલ્યું અને સુંદરીના અનરીડ મેસેજ જેવા ઓપન કર્યા કે તેની આંખો પહોળી થઇ ગઈ અને તેના શરીરમાં એ વિજળી પસાર થઇ ગઈ જેનો અનુભવ તેણે કદાચ પહેલાં ક્યારેય નહોતો કર્યો કારણકે સુંદરીએ પણ આવું અગાઉ ક્યારેય નહોતું કર્યું.

==:: પ્રકરણ ૮૮ સમાપ્ત ::==