Vish Kanya - Vish Purush books and stories free download online pdf in Gujarati

વિષ કન્યા - વિષ પુરૂષ

વિષ કન્યા - વિષ પુરુષ


....મને હવે આંખથી લોકોને ઓળખતા આવડી ગયું છે.સામે વાળાની આંખ હસે છે તો મારી આંખ પણ હસી ને ઉત્તર આપે છે.હવે હોઠની કોઈ કિંમત રહી નથી...કારણકે હોઠનું સ્મિતતો માસ્કે છીનવી લીધું..! અને. આ છીનવાયેલા સ્મિત સાથે કોરોનાએ જાણે માણસને જીવતો બૉમ્બ જ બનાવી દીધો...!
છુઆછુત-અસ્પૃશ્યતા માટેની ચળવળો- આંદોલનો અને કાયદાઓ ઘડાયા. ત્યારે ખબર નોહતી કે કોઈ પર છુઆછુત નો ઝુલ્મ ગુજારવાની સમગ્ર માનવ જાતને આની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે.!
આજે વિશ્વમી સમગ્ર માનવ જાત એક બીજાની નજરમાં અસ્પૃશ્ય છે.!!!!!!
કોઈ કોઈને અડકવા તૈયાર નથી..કોરોના રાક્ષસે તેને સુધારેલું નામ આપ્યું "સોશિયલ ડિસ્ટન્સ"....
અહીં પણ ભૂલ તો થઈ જ..ફિઝિકલ ડિસ્ટન્સ હોવું જોઈતું હતું..પણ ના કોરોના ને તો સોશિયલ ફન્ડા પર ઘા કરવો હતો ને...એટલે સોશિયલ ડિસ્ટન્સ.... અહીં થી કોરોના કહેર ની શરૂઆત થઈ એમ કહીએ તો ખોટું નથી.
સામાજિક રીતે જોઈએ તો લોકો આમેય એકબીજાથી દૂર તો જઇ જ રહ્યા હતા પણ કોરોના એ તેમાં ઘી હોમ્યુ....!!
લોકડાઉન ના શરૂઆત ના દિવસોમાં એક ગામ થી બીજે ગામ જવા માટે પ્રતિબંધો થી સંબંધો છેટા થવા માંડ્યા. મોબાઈલનો આભાર માનો કે આવે વખતે લોકો એ વધુમાં વધુ વિડિઓ કોલનો ઉપયોગ કર્યો...અને અમુક જણે જુના ગાડા વાટો પકડીને પોલીસની નજરથી બચી ને પણ સગા સબધીને ત્યાં પહોંચવાની કોશિશ કરી...
કેટલાય લગ્નની કંકોતરીના થપ્પા લઈ ને વતનમાં આવ્યા ઇ આવ્યા... લગ્નની વાત તો દૂર પણ ખુદ પોતે જ્યાં ના ત્યાં ફસાઇ ગયા...!કોરોના એ લગ્નવાછું ઓ ના અરમાનો પર કાળો પડદો પાડી દીધો..!!
એ દિવસોમાં સરકાર તરફથી મળેલા ચણા ને લોકોએ બાફીને ખાધા કે પશુને ખવરાવ્યાં ખબર નહીં પણ કોરોના એ લોકોને લોઢાના ચણા ખાવા મજબૂર કર્યા...!

..શરૂઆતમાં ટી. વી.પર નેતાઓ, ડોક્ટરો ને જાગૃત લોકો કોવિડ નાઇટી(19) ..કોવિડ નાઇટી એવું બોલતા એટલે લાગતું કે કોઈ સૂટબુટ માં અંગ્રેજ અફસર હશે..થોડા દિવસ માં નિવેડો આવી જશે....પણ પાછળ થી રોન કાઢી ને કોરોના જેવું છીછરું નામ ધારણ કરી ને પોતાનો રંગ બતાવ્યો... તે હજી સુધી ચાલુ છે..!!
કોરોનાએ ધરતીકંપની જેમ જ લોકો ને લાલચુ બનાવ્યા.કોઈ વેપારીએ ડબલ દામ લેવાના શરૂ કર્યા...તો એવાને કોરોનો થોડીક ક્ષણ ફળ્યો પણ તંત્રની લાલ આખે એને ઉગાડા કરી નાખ્યા...ને સોશિયલ મીડિયામાં બેઇજ્જતી થઈ..આમ અહીં કોરોના એ ઈજ્જત ના ધજાગરા કરાવવા સુધી ની મતિ ભ્રષ્ટ કરી.
કોરોનાને માનવ સંબંધો ગમતા જ નથી.લોક ડાઉન માં બધા ને છેટા રાખ્યા...તોય ગામડા ના લોકોએ રાત્રે સુમસામ સડક પર જઈ ફરજ પર ના પોલીસ કર્મચારીઓને ચા થી માંડી ખાવાનું આપી આવતા.
કોરોના એ તો જાણે માણસ જાત ને તન -મન-ધન થી પછાડવાનો જાણે રીતસરનો પ્રોગ્રામ જ બનાવી નાખ્યો હોય એમ શરૂઆતમાં માનસિક રીતે કેટલીયે ભ્રમણાનો ભોગ મનુષ્યના ચિત્તને બનાવ્યો..ચિત્ત ભ્રમ ની સ્થિતિમાં મુકાયેલ માનવ મન અનેક ચિત્ર વિચિત્ર કલ્પનાઓ , આક્ષેપો નો ભોગ બની રહ્યું ( હજી ચાલુ છે)..
આ ચીન વાળાનું કાવતરું છે.
કોરોના કોઈ રોગ જ નથી
લોકો ને ડરાવવા માટે ના કિમીયા છે...

વગેરે. વગેરે કેટકેટલીએ અફવાઓને સત્યની નજીક લઈ જઈને ભ્રમણા ના વહેણ માં વહેતા કર્યા.
...કોરોનાને લઈ ને વ્યક્તિથી માંડી તંત્ર પણ કેટલીય ભ્રમનનો ભોગ બન્યું..મહાનગરોમાં લોકો ને શેરી માં બેસવાની મનાઈ...સોશિયલ ડિસ્ટન્સ જાળવે તો પણ નહીં...અરે અગાસીમાં પણ ના બેસવાનું..ડ્રોન કેમેરા થી જો અગાસી માં .. હા તમારી ખુદની અગાસી માં માત્ર ઘરના જ સભ્યો પણ બેઠા ને કેમેરામાં ઝડપાઇ ગયા તો કાર્યવાહી શરૂ....!!અરે અવાજ તો ઠીક પણ અમુક કેસ માં તો હસવાનો અવાજ આવવાથી પણ કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું..અડવાથી થાય પણ હસવાથી કોરોનો થઈ જાય ....????
માણસ જાતને હસાવવાનું ભુલાવી દેનાર કોરોનાએ એટલે જ દરેક વ્યક્તિના ચહેરા પર ફરજીયાત માસ્ક લગાડાવ્યું હશે...ખબરદાર જો હસ્યાં છો
તો......!! વાહ રે કોરોના વાહ તેરા જાદુ ચલ ગયા...!!
આ ભ્રામક વિચાર માં તંત્ર અટવાયું ત્યારે દૂર ઉભો કોરોના હસી રહ્યો હતો.......!!!!

. અને આ માસ્કવાળુંતો એવડું ધોકે ચડ્યું કે મારા ગામની બેંકમાં કોરોના સહાય લેવા આવનાર લોકો પર ગામની જ નિમાયેલી સમિતિને ચોકી કરવી પડી અને કેટલીયે જીભા જોડી નો સામનો કરવો પડ્યો.રીતસર જાણે એકબીજા પર ઝેર ઓકવાનું ચાલુ કર્યું..
કોરોનાએ જાણે મનુષ્યના મસ્તિષ્કનો હિસ્સો કબજે કરી લીધો હોય તેમ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર એક બીજા સામે ઝેરી નાગની જેમ ફૂંફાડા મારવાના મૂડ માં જ રહેવાનું...!
કાંચ ચડાવેલ ગાડી માં જતા એક કપલને પોલીસે રોક્યાઅનેકહ્યું કે તમારું માસ્ક નાકથી નીચું છે એમ કહી તરત જ મોબાઈલ ફોટો પાડી લીધો. પેલા બન્ને જણા માસ્ક પેરી નીચે ઉતર્યા અને દલીલો...ઝેરી દલીલો ચાલુ થઈ..."સાહેબ આ મારી પત્ની છે..અમે બેડ રૂમ માં વગર માસ્કે સુઈ જઈ છીએ.. અને અત્યારે ગાડી માં અમારા બે સિવાય કોઈ નથી..વળી મારા માસ્કનું રબર ઢીલું થઈ ગયું છે. અમને પણ કોરોનાની બીક છે સાહેબ..!
એ ના ચાલે દન્ડ ભરવો પડશે. પોલિસે પણ તીખા ઝેરીલા તેવર સાથે કહ્યું.
પેલા ભાઈએ કહ્યું કઈ વાંધો નહીં હું ઓનલાઈન દન્ડ ભરુ છું ચલો.એટલે ખાખી વર્ધિ માંથી ઝેરની પિચકારીની જેમ ઉત્તર આવ્યો "અમને કોઈ ઓન લાઇન પેમેન્ટ ની સૂચના નથી ..રોકડા આપો."
પેલા એ કહ્યું દેશના વડા એ નાગરિકો ને કોરોનામાં કેસ લેસ વ્યવહાર પર ભાર મુક્યો છે તો તમે દેશ ના શુ છો..મારી પાસે માત્ર બસો રોકડા છે ...બોલો??"
અને ઉગ્ર બોલા ચાલી વચ્ચે એક બીજા સામે ઝેરીલા આક્ષેપો થવા લાગ્યા. સોશિયલ મીડિયા ઓર આ વાયરલ થયેલ વિડિઓ જોયો ત્યારે લાગ્યું કે જ
ણે ચૂંચો કોરોના દૂર ઉભો રહી ચૂંચી આંખ થી આ તમાસા ની મોજ લઈ રહ્યો હતો.....!!!!!
..અને ક્યારેક તો આ કોરોના એ એટલી નફ્ફટાઈ બતાવી કે માસ્ક માટે દંડ વસુલ કરનાર પોતે વગર માસ્કે વસુલાત કરતા સગી આખે જોયા ...કોઈ દલીલ કામ ન આવે. વાંક કોઈ નો નથી, પણ કોરોનાએ બધા ને એક બીજા પ્રત્યે શકાશીલ બનાવી નાખ્યાં...!
માનવ સંબંધોમાં કોરોના એ વાવેલી શક ની ગાંઠ ભવિષ્યમાં કેવો રંગ બતાવશે એ તો ભગવાન ને ખબર પણ....લાગે છે કોરોનાની સહુથી વધુ નકારાત્મક અસર બાળકો પર પડી રહી છે...

બાળક જ્યારે વડીલો સાથે નીકળે છે ને સામે કોઈ સંબંધી માસ્ક પેરેલા મળે એટલે બાળક તરત જ પેલા ટી. વી. માં દેખાતા કાર્ટૂન ગુંડા સાથે મનોમન સરખામણી કરવા લાગી જાય છે..બાળ માનસ માં આની કેવી તીવ્ર અસરો વર્તાશે એતો સમય બતાવશે...!
પણ ,સ્કૂલો કોલેજોની સાથે આંગણ વાડીઓ બન્ધ થતા બાળકો ઘરમાં ગુગળાઈ રહ્યા છે. વળી અમે બે અમારા બે ની નીતિ અપનાવીને ને આજે લગભગના ઘરમાં એક કે બે જ બાળકો છે .ત્યારે આ કોરોના કાળમાં બાળકને ઘર માં તની ઉંમરના બાળકો ની ખોટ સાલે છે. વળી બાળક નથી પાડોશી ના ઘેર જતું કે નથી શેરી માં આનંદ લઇ શકતું...વિકાસના નામે ગામડાની શેરીઓ પણ કોંક્રેટ સિમેન્ટ ની બનતા ધૂળ તો અહીં થી પણ ગઈ...ને બાળકને ધૂળ માં રમવાની ખુશી છીનવાઈ ગઈ.
વળી બાળક આ સમય માં ઘરમાં જ વધુ રહેતું હોવાથી ઘરના મોટેરાની વાતો સાંભળી ને વધારે ઉંમર કરતા વધુ સમજદાર થતું જોવા મળ્યું છે અને બાળક તેનું બચપણ ગુમાવી રહયુ છે.. જે જોખમ ગણી શકાય.
આવા સમયે બાળકો ની જિજ્ઞાસા વૃત્તિ ને સંતોષવા..મા -બાપ પોતાની જવાબદારી માંથી છટકવા બાળક ને મોબાઇલ હાથમાં પકડાવી દે છે..! એમ વળી કોરોના કાળમાં ઓન લાઇન શિક્ષણ માટે તંત્ર એ પીઠ થાબડી....!
વાહ રે કોરોના કેવા કેવા સમીકરણો બદલાવી નાખ્યા તે તો.....!!!
લોક ડાઉન માં થોડી છૂટ છાટ મળતા મુંબઈ થી માદરે વતન આવવા કાફલાઓ નીકળી પડ્યા ત્યારે તેને ખબર નોહતી કે વિડિઓ કોલ કરીને ખબર અંતર પૂછનાર વતન વાસી ઓ તેમને કેવા ધૂતકારસે
..વતનથી દુર રહી, જે શેઠિયાઓએ પોતાના ગામડા ગામ માં પશુ માટે અવાળા.. સ્કૂલો..સમાજવાડીઓ અરે સ્મશાન સુધા ગામવાસીઓ માટે સવલત ઉભી કરનાર ને કોરોનામાં એજ ગામ ના લોકો ઝેર ઓકવા મંડ્યા " ખબર દાર જો ગામ માં પગ દીધો છે તો ટાંટિયા ભાગી નાંખસુ..ચેક પોસ્ટ પર રૂપિયા દઈ ને નીકળ્યા છો એમને? અરે અમને બધા ને કોરોના દઈ ને મારવાની મેલી મુરાદ છે?" આવા અનેક ઝેરીલા વેણ એ શેઠિયા શાહુકારો ને સાંભળવા પડ્યા.. અરે જે ગામ નું પ્રવેશદ્વાર જેને બનાવી આપ્યું હોય એને જ ગામ ના પ્રવેશ બંધી!!!!
આમેય કોરોન્ટાઇન તો સરકારના નિયમ મુજબ જ થવાનું હતું ..ક્યાં કોઈના ઘરે રાખવાનું હતું...પણ વતનવાસી ઓ આ શેઠિયાઓ નું ઋણ ચૂકવવાનો અવસર ચુકી ગયા... સ્થાનિક મહિલા મંડળો અને યુવક મંડળો ધારત તો નિયમો નું પાલન કરી ને ઘર વાપસીઓ નું સન્માન સાચવી શક્યા હોત..!
પણ આ બધા વૈમનસ્ય ના કારણે વતન થી દુર રહેતા વતન વાસીઓ ને વતન ના સ્થાનિક જણ માંથી વતન ની માટી ની ખુશ્બુ કરતા પણ સ્વાર્થની ગંધ વધુ આવવા લાગી અને તેના કારણે વતનથી દુર ગયેલો જણ વતનની માટી ને ગુંજે ભરવાના બદલે ખંખેરી ને ચાલતો થયો....!ફટ્ટ રે મુવા ભૂંડા કોરોના. ...તે તો વતન ની મિટ્ટી ને પણ કલંકિત કરી...!!

અરે યુદ્ધ થાય તો બે દેશ વચ્ચે થાય.. ધરતીકંપ થાય તો કોઈ એકાદ દેશ માં થાય..ત્યારે આવી આપત્તિને પહોંચી વળવા અન્ય દેશો સહાય માટે દોટ મૂકે છે..પણ આ તો કોરોના ...!! વિશ્વનો કોઈ ખૂણો ખાલી ના રાખ્યો જ્યાં કોરોના નો ભય ના હોય. તેવા માં કોઈ કોઈની વહારે ના આવે. ઉલ્ટાના દરવાજા બંધ..!! જ્યાં છો ત્યાંજ જીવો અને મરો જેવી સ્થિતિ આ કોરોનાએ ઉભી કરી...!!!!!!!
....અરે માનવ જાત તો ઠીક પણ આ બેશરમ કોરોના એ ભગવાન ના ઘર પણ બન્ધ કરાવી નાખ્યા. મન્દિર ..મસ્જિદ... બધાને એક જ ઝાટકે તાળા મારી દીધા...! કોરોના જાણે ભગવાનથી પણ ના ડરતો હોય તેમ મૂછમાં હસી રહયો.....!
પણ અહીં એક વાત નોંધવા જેવી છે કે કોરોના ના બહાને ભગવાને જાણે માનવ જાત ને સૂચિત કરી દીધા કે તમે આટલા વિશાળ મન્દિર ,મસ્જિદ બનાવો છો એ કયાંક તમારા અહંકાર નું પ્રતીક છે. તમને તમારી તખ્તીની શક્તિ વધારવી છે નહીં જે ભક્તિ ની...!!!!!
અરે મારુ ઘર તો એક ગોખલામાં જ છે..ગર્ભ મંદિરમાં ગોધાયેલો હું તો ઠેર નો ઠેર જ છું....!!
તમે તમારા માટે મોટા હોલ મન્દિર માં બનાવ્યા છે..તો જાવ હવે અહીં તમારું કાઈ કામ નથી..! એમ કહી ઘર ભેગા કર્યા.
પણ ઘણા એ ભક્તિ ની શક્તિ વધારવા આ કોરોના નો ઉપયોગ કર્યો અને ઘરમાં જપ તપ કર્યા...!

..
..શેરીમાંથી કંચનકાકી નીકળ્યા ને મને હાથ દઈને હરીઓમ કરવા આગળ આવ્યા... તો હું પાછો હઠી ગયો.ત્યારે કાકીએ મને જે વાત કરી એ સમજવા જેવી છે. મને કહે ' એમ પાછા હટો નહી, આપણે અડકવાનું નથી. એ સાચું પણ જુવો મારા બે હાથની વચ્ચે સાડીનો છેડો આડો ભરાયો છે. આ પ્રથા આપણી જૂની છે.. તમે નવી સુધરેલી પ્રજા ઘડી ઘડી હાથ ધુવો બેઠા... ઓલી મુતર જેવી શીશીયુ ખિસ્સામાં ખણીને ફેરો બેઠા ..શુ કયો એને તમે...???"
મેં કહ્યું " સેનેટાઈઝર "
"આ એ તમે જે કયો ઇ..."
કાકી કઈ બોલે એ પહેલાં ધનજીભાઈ અગાઉ થી ઉભા આ સાંભળી રહ્યા હતા તો તેને ટાપસી પુરાવી" હાચી વાત હો અમે બધા ને મળીયે તઇએ આ ખભા ની પછેડી હાથ આડી રાખીયે ને મંદિર પણ આ પછેડી પાથરી ને માથું ટેકવીએ.."
મેં કીધું "...પણ કાકા આમાં છેટા રેવાનું છે ને આ વાયરસ સાડી ને પછેડીમાં પણ રહી જાય.."
કાકી આ સાંભળી છણકો કરતા બોલ્યા" ધૂળ નહીં ને રાખ... પેલા ઘરે ઘર ગાયું ભેસુ હતી તે છાણ વાસીદા કરતા તે આ કાય ના થતું હાથ પવીતર થઈ જતા..." ને જતા જતા ગોફણીયો ઘા કરતા ગયા અને બોલતા ગયા.." મારા પિટિયા હંગી ને ધોતા નહીં ઇ દી માં દહ વાર હાથ ધુવે છે.....!!"
કાકી ની વાત સાવ કાઢી નાખવા જેવી નોહતી..ગ્રામ્ય સંસ્કૃતિ ની રહેણી કરણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તો હતો...જે હોય તો જે શેરીઓ માં પ્રભાતિયાં ગવાતા ત્યાં આવા વખ ઘોડેલા વાર્તા લાપ ચાલુ થયા કોરોના ની કમાલ...!
...કોરોના ના કારણે સામાજિક રીત રિવાજો પર કારમો ઘા થયો છે. દિવાળી ઈદ એમને એમ ગયા ..કોઈ કોઈ ને ગળે મળવાનું નહીં . કોરોનાએ બધા ને શક ના દાયરા માં ગોઠવી દીધા કોણ ઝેરી હોય કઈ નક્કી નહીં..!
બધા એક બીજા ની નજરમાં ઝેરી છે. સામે મળે તો આંખ આડા કાન કરી સર્પની જેમ સરકી જાય છે..બધા એકબીજાની નજર માં ઝેરી સાપ......!!
સાલું નાના હતા ત્યારે ટેકરા પર પથ્થરો ઉઠલાવીને વીંછી કાઢતા ને વીંછીના બચ્ચા ને હાથની હથેળીમાં રમાડતા ,ત્યારે પણ ઝેર નોહતું ચડ્યું..અને સપના બચ્ચા ને અળસીયા સમજીને હાથમાં પકડ્યા છે પણ તોય ઝેર નોહતું ચડ્યું ને આ કોરોનાએ તો માણસ જાત ને એટલી ઝેરીલી બનાવી નાખી કે અડકવા માત્રથી કોરોના ઝેર ચડી જાય... અરે માણસને ક્યાં ..કોઈ નિર્જીવ પદાર્થને કોરોના ગ્રસ્ત વ્યક્તિ અડકે તો ત્યાં પણ કોરોના નું ઝેર છોડતો જાય..!!!!
અગાઉ રાજાશાહી યુગમાં માં એક રાજા બીજા રાજા ને મહાત કરવા જેમ વિષ કન્યા તૈયાર કરીને મુકતા. તેમ જાણે અત્યારે એકબીજા ને મહાત કરવા વિષ પુરુષો ને વિષ કન્યા ખુલે આમ ફરી રહ્યા છે..કોણ કોરોનાનું વિષ લઈને ફરતું હોય તે કહેવું મુશ્કેલ..!બે હજાર વિસ (2020) નું વર્ષ જાણે "વિષ વર્ષ" બની રહ્યું ...!!!!
આ કોરોના નો કહેર ને કેમ સમજવો????.
સોડિયલ મીડિયામાં સમાચાર વાયુ વેગે ફેલાયા કે હાઇવે પર ફલાણી જગ્યાએ કોઈ અજાણ્યો શખ્સ બેઠો છે.લોક ડાઉનમાં આ માણસ ક્યાંથી આવ્યો કોણ છે તે જાણવા પોલીસ કાફલા ની સાથે કોરોના સ્પેશિયલ ટીમ પોહચી લોકેશન પર..અને લાકડી ના ગોદા થી જેમ સાપ કે અજગર ને પકડે તેમ પેલી વ્યક્તિ ને હડ હડ કરતો નાખ્યો કોરોના ગાડી માં.
અને હાશકારો એવો અનુભવ્યો કે જાણે કોઈ ઝેરી પ્રાણીને પિંજરે પુરવા માં સફળતા મળી હોય...!
..તો બીજા કિસ્સા માં હોસ્પિટલમાં જ એક કોરોના સંક્રમિત મહિલા તેના રૂમ માંથી બહાર આવી ને હાસ્ય સાથે બધાને અડકવાની કોશીષ કરતી હતી.હોસ્પિટલનો સ્ટાફ જેમ કોઈ હિંસક પ્રાણી પાછળ પડ્યું હોય તેમ બહાર દોડતા ગયા...
આ દ્રશ્યો જોયા પછી એમ લાગે કે કોરોના જાણે કહી રહ્યો છે કે કોબ્રા કરડશે તો કદાચ હજી બચી જશો.. પણ મારો ડસેલો પાણી પણ નહીં માંગે....!!!
અરે એથીય એક કરુણ દ્રશ્ય તો હોસ્પિટલમાં ફ્રન્ટ લાઇન વૉરિયર જેને કહી શકાય તેવી નર્સ બહેન ના જીવનમાં બની
કેટલાય દિવસો થી તેવો ઘેર નોહતા ગયા .ને ઘરે એક ઢીંગલી જેવી નાની દીકરી પપા ના હવાલે હતી.એક દિવસ એ દીકરી ને બાપ બાઇક પર આવે છે અગાઉ થી અન્ય સિસ્ટરો સાથે દરવાજા પાસે માસ્ક પેરી ને ઉભેલી મ્મીને તેનીનાની દીકરી દૂરથી જ ઓળખી જાય છે..(. ચહેરો માસ્ક થી ઢંકાયેલો હોવા છતાં)અને રાડા રાડ કરી મૂકી છે..મા ને ભટવા વલખા મારે છે. બાપ તેને છાતી સરસી ચાંપી ને મનાવે છે પણ પોતાના આંસુ ક્યાં છુપાવવા...!! બને બાપ દીકરી રડતા રડતા દૂર રડતી મમી ને કમને બાય બાય કરે છે.આ દ્રશ્યો જોનારા બધા મીણ ની જેમ પીગળી ગયા..શાબાશી એ બાપ ને દેવી ઘટે કે રોજ રાત્રે કેટલા બહાના થી મમી વગર એને
સુવડાવતો હશે....ફ્ટ લાનત છે કોરોના તને..
કોરોનામાં એક માત્ર માણસ જ ઝેરી સાબિત થયો. પશુ પંખી ને જીવ જંતુ બાકાત રહ્યા એ કોરોનાની ભલાઈ બીજું શું...!!
જોયું કોરોનામાં પર્યાવર્ણ કેવું સુધરી ગયું...માણસની જાત ઘરમાં ભરાણો તો નદીઓ સરોવરો કેવા કાંચ જેવા ચોખા નિર્મળ થઈ ગયા..માણસની ગેરહાજરીમાં જલ વાયુ નું પ્રદુષણ નહિવત થઈ ગયું...દૂર માઈલો સુધી ડુંગરો સ્પષ્ટ દેખાવા મડયા..!અંતે એજ નક્કી થયું કે માણસ જ ઝેર ફેલાવે છે.અહીં કોરોનાનું ઉપરાણું લેવાનો જરાય ઉદેશ્ય નથી. ભાઈ માણસ છે..થોડું જાજુ તો રેવાનું..પણ એના કારણે કાઈ કોરોના ને થોડો સ્વીકારાય. ....!!!!!!!!
..
...શ્રમિકથી માંડી શેઠિયા સુધીના જીવન ઉથલપાથલ થઇ ગયા. લોકડાઉનમાં ઘરે કોઈ કામવાળી આવે નહીં અને શેઠાણીઓને જાતે બધું કરવાનો વારો આવ્યો ત્યારે કોરોના જાણે આવા શેઠિયાના ઘેર સોફા પર બેઠો બેઠો દાંતીયા કાઢતો હતો.!!
અરે જીવન તો જીવન પણ આ કાળમુખા કોરોનાએ તો મરણ પણ બગાડ્યા. દેરક ધર્મ માં જન્મથી મરણ ની અનેક ક્રિયાઓ હોય છે તેમ મરણની ક્રિયા દરેક ધર્મ માં નોખું મહત્વ ધરાવે છે. પણ કોરોના ગ્રસ્ત મૃત શરીરને પડીકાની જેમ વીંટી સગા સંબંધી ઓને અંતિમ દર્શન વગર જ અંતિમ ક્રિયા કરી નાખવામાં આવે.. અરે મૃત્યુ એ તો માણસનું આખરી સન્માન....!! પણ અહીં કોરોનાં એ કાળો કેર એવો વર્તાયો કે મોત નો મલાજો તમે ધારો તો પણ ના જાળવી શકો..કોરોના જેને આભડયો એ તો જાણે સગા સંબંધીઓ માટે વિષ પુરુષ/ વિષ કન્યા બની ગયા...!આવનાર સમય માટે આ ખતરાની ઘન્ટડી સમજવી....!!!!
કોરોનાએ લાલચુ લોકોને મોક પણ આપ્યા.ઇમ્યુનિટી વધારવાની સોશિયલ મીડિયા પર જાહેરાતો નો રાફડો ફાટ્યો.. તો વળી કેટલાક આયુર્વેદ ડોક્ટરોતો જે દવા લેવા જાવ એમ આ ઇમ્યુનિટી વધારવાની દવા જબરદસ્તી પકડાવે....! આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાય ઉટ વૈધો બજારમાં ઉતરી પડ્યા...ને ગભરુ પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું....
પણ સાલું એક વાત છે કે કોરોના માં કોઈ ભુવા ભોપાડા ધંધા માટે બહાર ન આવ્યા...કે અમે કોરોના જંતર મંતર થી મટાડી દઈશું....!!સારું એટલા અંશે પ્રજા બચી ગઈ...!
..દેશ દુનિયા ના બુદ્ધિજીવીઓ સંશોધકો ઉંધે માથે થયા તો પણ નરી આંખે ના દેખાનાર આ કોરોના વાયરસને ભડાકે દેવામાં કેટલી સફળતા મળી એ તો જ્યારે આ 2021 માં ખબર પડશે....તેમ છતાં વેકસીનની શોધ 2021 માટે સુવર્ણયુગ હશે એમ માનીએ તો પણ , જેમ દેશની એક સરહદ પર શત્રુઓ સામે પડકાર જીલો ત્યાં બીજી સરહદ પર શત્રુ ઓ તૈયાર જ હોય તેમ , કોરોનાએ તેના બીજ ભાઈને જન્મ આપીને જાણે વિશ્વ ને હંફાવવાની નેમ લીધી હોય...!
શોધાયેલી વેકસીન નું કાઉટડાઉન ચાલુ છે ત્યારે આ બીજા અનામી વાયરસને આ જ રસી કારગત નીવડશે કે કેમ તે યક્ષ પ્રશ્ન પ્રજા માનસને ગભરુ બનાવે છે...કોરોના કહેર તો જાણે કોઈ મોટી વૈશ્વિક યોજના લઇ ને નીકળી પડયો હોય તેમ લાગે છે....!

સમુન્દ્ર મથનમાં અમૃતતો જેને પીવાનું હતું તેને પી લીધું પણ વિષ તો મહાદેવે તેના કંઠમાં ધારણ કરી લીધું.પણ આ કોરોના કાળમાં વેકસીન ની શોધના મંથન માંથી કદાચ વિપરીત અસર નું વિષ નીકળે તો આપણી પાસે કોઈ
મહાદેવ નથી....!!એ વિષ તો બધાને સરખે ભાગે વહેચી ને પીવું પડશે....
રામ રાજ્યના સપના જોનારી અયોધ્યાની પ્રજાને જરાયે ખબર નોહતી કે એક જ રાત માં મથરા અને કૈકઇ અયોધ્યા માટે કોરોના જેવો કહેર વર્તાવશે.... પણ રાવણ વધ માટે આ કહેર જરૂરી હતો... અને એટલે જ ....સાવ અંગત રીતે અણસાર તો એ આવે છે ભારત જેવો આધ્યાત્મિક દેશ વિશ્વ સતા તરફ જઈ રહ્યો છે ત્યારે આ કહેર તેમાટે નિમિત્ત બને તો નવાઈ નહીં... !!!
..
બાકી જીવન મરણનું જ્ઞાન તો ભગવતગીતામાં શ્લોકે શ્લોકે વેકસીનની જેમ ભર્યું છે...!જીવન મરણ એ કુદરતી પ્રક્રિયાનો ભાગ છે... હા એ વાત ચોક્કસ કે હાલ જન માનસ માં કોરોના ના કારણે થતું મૃત્યુ કલંકિત મૃત્યુ ગણાવા લાગ્યું....એ કોરોના એ કરેલ નબળી માનસિકતાનું પરિણામ જ કહી શકાય...!!
પ્રકૃતિમાં પાનખર ચાલુ થઇ છે.પાનખર એ વસંતની પહેલી શરત છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી બોધ પાઠ લઈએ અને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી અદા કરીયે..સંતોષી જીવન સાથે અમૃતરૂપી પિયુષ સહુને પાઈયે....નહીં કે વિષ પુરુષ -વિષ કન્યા બની ને ઝેર ઓકીયે....!
કોરોના નો અસ ભૂંડો કાળ જતો રહે તે સાથે જ આ વૈષીલી ઘટનાઓને ભૂલવાની કળા હસ્તગત પ્રકૃતિમાંથી કરી લઈએ...!
વસંત આવી ગયા પછી પ્રકૃતિ પાંખરને યાદ નથી કરતી.એતો વસંત નો વૈભવ લૂંટાવે છે. તેમ આપણે પણ લૂંટવા કરતા લૂંટાઈ જવામાં જીવનનું સામર્થ્ય સમજીએ...
આવો આપણે સહુ વસંત ની વેકસીન લઈએ ને જીવન ને ફરી પાછું થનગનાટ વાળુ બનાવીએ......!!!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED