The Next Chapter Of Joker - 14 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 14

Written By Mer Mehul

“તમારું નામ સાગર છે ને..!” જુવાનસિંહ પૂછ્યું. કૉન્સ્ટબલ સાગરે હકારમાં માથું ધુણાવતાં ‘યસ સર’ કહ્યું.

“મારાં માટે માઇલ્સ સિગરેટનું પેકેટ લઈ આવશો ?” જુવાનસિંહ પોકેટમાંથી વોલેટ કાઢી, પાંચસોની નોટ ધરીને કહ્યું, “સાથે લાઈટર પણ લેતાં આવજો.”

“શરમાવશો નહિ સર…હું લઈ આવું છું.” સાગરે કહ્યું અને એ બહાર નીકળી ગયો. જુવાનસિંહે હળવું હસીને નોટ વોલેટમાં રાખી. જુવાનસિંહે તપાસ આગળ ધપાવી. બોક્સમાં છેલ્લી બેગ હતી, જુવાનસિંહે એ બેગ બહાર કાઢી. બેગમાં નિરોધનું પેકેટ હતું.

‘નિરોધ…!’ જુવાનસિંહ મનમાં ગણગણ્યા.

જુવાનસિંહે એ બેગ પણ સાઈડમાં રાખી. ત્યારબાદ તેણે બ્લ્યુ ફાઇલ હાથમાં લીધી અને બધા સ્ટેટમેન્ટ વાંચવા લાગ્યા. આજુબાજુનાં લોકોનાં જણાવ્યા અનુસાર જ્યારે પોલીસની જીપ આવી ત્યારે જ ઘટનાં વિશે ખબર પડી હતી. નોકરોનાં સ્ટેટમેન્ટ પણ રસપ્રદ હતાં. બધાં જ નોકરોનાં સ્ટેટમેન્ટમાં એક વાક્ય સરખું હતું, ‘અમને દસ વાગ્યે રજા આપી દીધી હતી’

જુવાનસિંહ ફરી વિચારે ચડ્યા.

‘જો બધા જ નોકરોને રજા આપી દેવામાં આવી હતી તો સબ ઇન્સ્પેક્ટર હિંમતને જે રેન્ડમ કૉલ આવ્યો હતો એ કોણે કર્યો હતો ?’

સહસા બીજીવાર રૂમનો દરવાજો ખુલ્યો. આ વખતે હાથમાં માઇલ્સ સિગરેટનું પેકેટ અને લાઈટર લઈને સબ ઇન. હિંમત ઉભો હતો. તેણે દરવાજો નૉક કર્યો એટલે જુવાનસિંહે મસ્તક વડે અંદર આવવા ઈશારો કર્યો.

“મને કંઈ સમજાયું નહીં સર….” રૂમમાં પ્રવેશીને હિંમતે પૂછ્યું, “તમે તો….”

“હા હું સિગરેટ નથી પીતો….” જુવાનસિંહે ઊભા થતાં કહ્યું, “મને પેલાં છોકરા પાસે લઈ જાઓ.”

“જરૂર...” કહેતાં હિંમત આગળ ચાલ્યો. જુવાનસિંહ તેની પાછળ પાછળ રૂમ બહાર નીકળ્યાં. બંને બેરેક તરફ આગળ વધ્યાં.

બેરેક પાસે જઈને જુવાનસિંહ ઉભા રહ્યાં. બેરેક પાછળ ગિરફ્તાર કરેલા થોડાં કેદીઓ હતાં જેને હજી કોર્ટમાં હાજર નહોતાં કરવામાં આવ્યાં. ખૂણામાં એક છોકરો બે પગ વચ્ચે માથું દબાવીને બેઠો હતો.

“જુદી સેલમાં લઈ આવો એને.” જુવાનસિંહે હુકમ કર્યો.

“જી સર...” હિંમતે કહ્યું.

હિમતે એક કૉન્સ્ટબલને હુકમ કર્યો એટલે કૉન્સ્ટબલે બેરકેનું બારણું ખોલ્યું અને એ છોકરાને બહાર આવવા જણાવ્યું. એ છોકરો ઉભો થયો, નીચી નજર રાખીને બહાર આવ્યો.

“ચાલ મારી પાછળ….” હિંમતે કહ્યું. એ છોકરો નીચી નજર રાખીને હિંમત પાછળ ચાલવા લાગ્યો. હિંમત તેને ખાલી સેલમાં બેસારી આવ્યો.

“રેકોર્ડિંગ કરવાનું છે સર ?” હિંમતે જુવાનસિંહને ઉદ્દેશીને પૂછ્યું.

“હા.. અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દેતાં.” જુવાનસિંહે કહ્યું.

“જી બિલકુલ….” કહેતાં હિંમત કંટ્રોલરૂમ તરફ આગળ વધ્યો. જુવાનસિંહ બીજી સેલ તરફ ચાલ્યાં. ધીમેથી સેલનો દરવાજો ખોલી એ અંદર પ્રવેશ્યાં. પેલો છોકરો હજી નીચી નજર રાખીને ખુરશી પર બેઠો હતો. જુવાનસિંહે તેની સામેની ખુરશીમાં બેઠક લીધી.

“શું નામ છે તારું ?” જુવાનસિંહે શાંત અવાજે પૂછ્યું.

“મારું નામ અવિનાશ છે સર….” અવિનાશે પૂર્વવત નીચી નજરે કહ્યું.

“અવિનાશ….” જુવાનસિંહે કહ્યું, “અવિનાશનો અર્થ જાણે છે તું ?”

“જેનો વિનાશ શક્ય નથી એ.” અવિનાશે ધીમેથી કહ્યું.

“તું એવું માને છે ?” જુવાનસિંહે થોડાં કઠોર અવાજે પૂછ્યું.

અવિનાશે ડરતા ડરતા નકારમાં માથું ધુણાવ્યું.

“તો…શા માટે વિનાશ કરવા પર ઉતર્યો છે ?” જુવાનસિંહે પૂર્વવતથી થોડાં વધુ કઠોર અવાજે કટાક્ષમાં કહ્યું.

“મેં કોઈ વિનાશ નથી કર્યો સર, પોલીસની ગેરસમજ થઈ છે.” અવિનાશે એ જ ડર સાથે કહ્યું.

“તો એ રાત્રે તું ત્યાં શું કરતો હતો ?” આ વખતે જુવાનસિંહ રીતસરનાં બરાડ્યા.

“સર…સર..પ્લીઝ.” અવિનાશ પણ ધ્રુજી ઉઠ્યો.

“એ રાત્રે તું રમણિક શેઠનાં ઘરે શું કરતો હતો ?” જુવાનસિંહે બીજીવાર પુછ્યું.

“સૉરી સર…એ હું તમને નહિ જણાવી શકું….” અવિનાશે હતી એટલી હિંમત એકઠી કરીને મક્કમ અવાજે કહ્યું.

“તું મારી સાથે આંખો મેળવીને વાત કેમ નથી કરતો ?” જુવાનસિંહ સહેજ નરમ થયાં, “પોલીસતંત્રમાં જે વ્યક્તિ આંખો મેળવવાનું ટાળે છે તેને ગુન્હેગાર ગણવામાં આવે છે.”

અવિનાશે ડરતા ડરતા નજર ઊંચી કરી. થોડી પળો બાદ અવિનાશ અને જુવાનસિંહની આંખો ચાર થઈ. જુવાનસિંહની આંખોમાં થોડો ગુસ્સો જણાતો હતો, સામે અવિનાશની આંખોમાં ભય હતો. એક મિનિટ માટે જુવાનસિંહ અવિનાશને અપલક નજરે જોતાં રહ્યાં.

“મને ઓળખે છે તું ?” જુવાનસિંહે મૌન તોડીને પૂછ્યું.

“ના….” અવિનાશે કહ્યું.

“તો કાર્ડ પાછળ મારું નામ શા માટે લખ્યું હતું ?” જુવાનસિંહે કહ્યું.

“મેં કોઈ કાર્ડ પાછળ કોઈનું નામ નથી લખ્યું સર….” અવિનાશે કહ્યું, “મને કોઈ કાર્ડ વિશે ખબર નથી.”

“ઠીક છે….” કહેતાં જુવાનસિંહે પોકેટમાં હાથ નાંખ્યો અને માઇલ્સ સિગરેટનું પેકેટ અને લાઈટર કાઢ્યું. સિગરેટનાં પેકેટમાંથી એક સિગરેટ કાઢી જુવાનસિંહે સિગરેટને બે હોઠ વચ્ચે દબાવી. પછી એ જ સિગરેટ હાથમાં લઈ તેણે અવિનાશનાં ચહેરાનું નિરીક્ષણ કર્યું.

“તું નર્વસ લાગે છે…સિગરેટ પી લે…મગજ થોડું શાંત થશે.” જુવાનસિંહે સિગરેટનું પેકેટ અવિનાશ તરફ ધરીને કહ્યું.

“સૉરી સર…હું સિગરેટ નથી પીતો…એક ગ્લાસ પાણી મળશે તો તમારો આભારી રહીશ.”

જુવાનસિંહનો ચહેરો સહેજ કરમાયો. તેણે હાથમાં રહેલી સિગરેટ પેકેટમાં રાખી. એક કૉન્સ્ટબલને બોલાવીને એક ગ્લાસ પાણી મંગાવ્યું.

"આજે તને કોર્ટમાં હાજર કરવાનો છે….” જુવાનસિંહે કહ્યું, “જો તું અહીં ગુન્હો કબૂલ કરીશ તો હું ઉપરી અધિકારી પાસે સિફારીશ કરીને તારી સજા ઓછી કરાવી શકીશ પણ જો એકવાર કેસ કોર્ટમાં ચાલ્યો ગયો તો હું કંઈ નહીં કરી શકું.”

“હત્યાની સજા ફાંસી અથવા ઉમરકેદ હોય છે એ મને ખબર છે…જો મેં ગુન્હો કબૂલ કર્યો તો મારે ફાંસીનાં માંચડે લટકવું પડશે અથવા પૂરું જીવન જેલમાં જ પસાર કરવું પડશે…પણ મેં જે ગુન્હો કર્યો જ નથી એ હું કબૂલ શા માટે કરું ?”

“એ રાત્રે રમણિક શેઠ નામનાં વ્યક્તિનાં ઘરે તું શું કરતો હતો એ તારે નથી જણાવવું તો પહેલો સસ્પેક્ટ તું જ ગણાય છે. કોર્ટમાં પણ તારી પૂછપરછ માટે ચૌદ દિવસ આપવામાં આવશે. એ ચૌદ દિવસમાં અમે તારી સાથે મનફાવે એવો વ્યવહાર કરીશું…ફરી એકવાર વિચારી લે…જો તે મર્ડર કર્યું છે તો કોઈ પણ સંજોગોમાં તું બચી નહિ શકે…માટે પોતાનો અને પોલીસનો સમય બરબાદ ના કર...” જુવાનસિંહે છેલ્લી વાર અવિનાશને સમજાવવાની કોશિશ કરી.

“સર અત્યારે હું એક જ વાત કહીશ…મેં કોઈનું મર્ડર નથી કર્યું.” અવિનાશે મક્કમ અવાજે કહ્યું.

જુવાનસિંહ ઊભાં થયાં. બરાબર ત્યારે જ કૉન્સ્ટબલ હાથમાં પાણીનો ગ્લાસ લઈને સેલમાં પ્રવેશ્યો.

“પાણી આપો એને અને હતી એ જ સેલમાં લઈ જાઓ.” જુવાનસિંહે હુકમ કર્યો અને બહાર નીકળી ગયાં.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED