Andhtv Nivaran Saptah books and stories free download online pdf in Gujarati

અંધત્વ નિવારણ સપ્તાહ

અંધત્વ નિવારણ સપ્તાહ
૧લી એપ્રિલથી ૭ એપ્રિલ અંધત્વ ઉત્પન્ન કરતા પરિબળો અને પરિસ્થિતિઓ અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૬૦થી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને આ શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે વિવિધ સરકારી અને બિન સરકારી સંસ્થા ઓ દ્વારા ઉજવણી કરી આ અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવે છે. એક તારણ મુજબ વિશ્વમાં સૌથી વધુ પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિઓ ભારત દેશમાં વસે છે.વિશ્વમાં કુલ અંધજનોની સંખ્યા આશરે ત્રણ કરોડ ૭૦ લાખ છે, જેમાંથી એકલા ભારતમાં જ આવા વ્યક્તિઓની સંખ્યા ૧ કરોડથી વધુ છે એટલે કે વિશ્વમાં ત્રણ પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિઓ પૈકી એક ભારતીય છે અને તેમના ઉત્થાન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓ કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ programme for control of blindness 1976માં શરૂ કરવામાં આવ્યો હતો.જેનો મુખ્ય હેતુ અંધત્વ ને 1.4% થી 0.25% કરવાનું હતું. વર્ષ 2001- 2002માં અંધત્વનો વ્યાપ કેટલા પ્રમાણમાં ઘટયો તેનો સર્વે કરવામાં આવ્યો હતો.. તે મુજબ વર્ષ ૨૦૦૬ ૨૦૦૭ માં અંધત્વ નો વ્યાપ ૧.૧ ટકાથી ઘટીને એક ટકા થયો હતો. વર્ષ 2020 સુધીમાં 0. 30 ટકા નુ લક્ષ્ય સાધવા નુ મિશન હતું. વર્ષ 2014 15 ના આંકડા જોતાં ગુજરાતમાં ત્રણ લાખ ૯૯ હજાર 632 ઓપરેશન કરવાનો લક્ષ્યાંક હતો, તેની સરખામણીએ 6લાખ 45 હજાર740 મોતિયાના ઓપરેશન થયા.જ્યારે ગુજરાતમાં આંખોના દાનનો લક્ષ્ય અંક 4000 રાખવામાં આવ્યો હતો તેની સરખામણીએ 8548 આખો દાનમાં મળી હતી! આમ આ કાર્યક્રમની જોઈએ તેવી સફળતા મળી રહી છે.
અંધત્વનુ મુખ્ય કારણ વિટામિનની ઊણપ અને કુપોષણ જવાબદાર માનવામાં આવે છે. દેશના અંતરિયાળ ગામડામાં રહેતા લોકો પાસે પ્રાથમિક આરોગ્ય સંભાળની સગવડ ન હોવાથી તેઓ આ બીમારીનો શિકાર બનતા જોવા મળે છે. જો કે આમાંથી મોટાભાગના નેત્રહીન એવા છે જેમાં યોગ્ય સારવાર સમયસર મળી જાય તો એમની અકારણ લાચાર બનતા અટકાવી શકાય. સમાજમાં અંગરૂપ એવા પ્રજ્ઞાચક્ષુઓ સંગીત શિક્ષક સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કચ્છમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની સંખ્યા થોડી વધુ છે. જોકે આ તમામ લોકો જન્મથી જ નેત્રહિન નથી, મોટાભાગના નેત્ર પર ઇજા થવાથી કે શીતળા જેવા રોગોને કારણે આંખોનું નૂર ગુમાવ્યું છે. તો કેટલાક લોકો મોતિયાની તકલીફ ધરાવે છે જેમાં દર વર્ષે ઉમેરો થતો જાય છે. પોષણનો અભાવ અને અન્ય કારણસર દેશમાં મોતિયાનું પ્રમાણ વિશ્વના અન્ય દેશો કરતાં વધુ જોવા મળ્યું છે. સાજી સારી વ્યક્તિઓએ જીવનમાં અંધકારથી બચવા આંખની કાળજી જરૂર લેવી જોઈએ. ખાસ તડકામાં નીકળતી વખતે આંખોને સૂર્યપ્રકાશથી રક્ષણ મળે તેવા ચશ્મા નો ઉપયોગ જરૂર કરવો. કાર ચલાવતી વખતે સતત આંખ પર પવન આવતો હોય છે જે આંખના પાણીની સૂકવી નાખે છે અને અંધાપા નું કારણ બની શકે છે. તેથી કાર ચલાવતી વખતે એરકન્ડીશન ચહેરા ઉપર સીધું આવે તેમ રાખવું ન જોઈએ. ક્રિકેટ કે ફૂટબોલ જેવી રમત રમતી વખતે સ્વિમિંગ કરતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને કેમિકલ ફેક્ટરીમાં કામ કરતી વ્યક્તિઓએ આંખોને રક્ષણ મળે તે માટે ગોગલ્સ પહેરવા જોઈએ. આજના યુગમાં મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધ્યો છે, કોમ્પ્યુટર પર સતત કામ કરતા તેના કિરણ આંખમાં રેટીનાને નુકસાન કરી શકે છે. આથી કોમ્પ્યુટર પર કામ કરતી વખતે થોડા થોડા સમયના અંતરે આંખને આરામ આપવો, સમયાંતર આંખ ઠંડા પાણીથી ધોવી, કમ્પ્યુટરના કિરણોથી રક્ષણ મળે તેવા ખાસ પ્રકારના સ્ક્રીન કોમ્પ્યુટર પર લગાવવા અને એવા પ્રકારના ચશ્મા નો ઉપયોગ કરવો કે જેથી આંખોને કમ્પ્યૂટરના નુકસાનકારક કિરણોથી રક્ષણ મળે. એક સંશોધન મુજબ ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓની આંખમાં કેટરેકટર કે ઓપ્ટિક નર્વ ને નુકસાન થાય છે તેથી ધૂમ્રપાન છોડવું,એ શરીર અને કુટુંબ માટે આવશ્યક છે. સારા પ્રસંગોએ ખાસ કરીને સ્ત્રીઓમાં ચહેરા પર અને આંખનો મેકઅપ થતો હોય છે રાત્રે આંખનો મેકઅપ સાફ કરીને સૂવું જોઈએ કેમ કે લાંબો સમય આંખમાં મેકઅપ રહેતા તેના કેમિકલ્સને કારણે આખોમાં બળતરા સાથે જ લાંબા સમય આંખોને નુકસાન થવાની સંભાવના રહે છે. આંખોની કાળજી માટે અને તેને સ્વસ્થ રાખવા માટે પાલકની ભાજીનો ઉપયોગ રોજના ભોજનમાં આવશ્યક છે, જેમાં ભરપૂર માત્રામાં લ્યુટેન અને ન્યુટ્રીશન હોવાથી આંખ ની ઝાંખપ અને આંખની તકલીફ દૂર કરવામાં ફાયદાકારક છે. આ ઉપરાંત લીલા ધાણા, ગાજર એપીકોટ, blueberries જેવા બીટાકેરોટિન થી ભરપૂર ખોરાક ઉપયોગમાં લેવાથી આંખોની ફાયદો થાય છે જેમ રોજ ભોજન માટે સમય ફાળવીએ છીએ તેમ નિયમિત આંખની કસરત માટે પણ સમય ફાળવવો જોઇએ. જેનાથી આંખ સતર્ક બને છે. સપ્તાહમાં બે દિવસ વાળમાં તેલનું મસાજ કરવું પણ જરૂરી છે જે મગજમાં બીટા તરંગોને વધારે છે. યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી આંખની નસોની આરામ મળે છે. શરીર અને આંખના આરામ માટે સામાન્ય રીતે સાતથી આઠ કલાકની ઊંઘ અચૂક લેવી જરૂરી છે. નેત્રહીન વ્યક્તિઓને શક્ય તેટલી મદદ કરી અને યથાશક્તિ ફાળો આપી તેમના કલ્યાણ માટે મદદરૂપ થઈએ.ખાસ તો ચક્ષુહીન વ્યક્તિઓ માટે સ્વસ્થ આંખો ધરાવતી વ્યક્તિઓએ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. મૃત્યુ પછી પણ આપણે દુનિયા જોવી હોય તો ચક્ષુ દાન જરૂર કરી જવું જોઈએ એવું કહેવાય છે. આજે જ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ચક્ષુદાન ફોર્મ ભરી જઈએ અને આપણી આસપાસ રહેતી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને વધુમાં વધુ મદદ કરી અને તેમના પ્રત્યે દયા નહિ પણ કરુણા, માનવતા દાખવી તેમને સ્વમાનથી જીવવા મદદરૂપ થઈએ એ જ આ સપ્તાહની ઉજવણી ની યથાર્થતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED