સુંદરી - પ્રકરણ ૮૧ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૮૧

એક્યાશી

ઈશાનીએ શ્યામલના જે હાથનો ખભો પકડ્યો હતો એ જ હાથને શ્યામલે કોણીએથી વાળીને તેને શાંત રહેવાનો ઈશારો કર્યો. પરંતુ ઈશાની રઘુના અચાનક હુમલાથી, ભલે પછી તે શાબ્દિક હુમલો જ હતો તેમ છતાં તે અત્યંત નજીકથી કરવામાં આવ્યો હતો તેથી તેનાથી ખૂબ ગભરાઈ ગઈ હતી. ઈશાનીનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો, એના શ્વાસ અત્યંત ઝડપથી ચાલી રહ્યા હતા અને દર સેકન્ડે એ શ્યામલના ખભા પર પોતાની આંગળીઓની પકડ મજબુત બનાવતી તેની પીઠ પાછળ વધુને વધુ છુપાવાનો પ્રયાસ કરી રહી હતી.

“અરે! તું તો આ ચાવાળાની દિવાની નીકળી... થોડું તો સ્ટાન્ડર્ડ રાખ હેં? ચલ એમ ગભરાવાનું ન હોય, હું તને થોડો ખાઈ જવાનો છું, આપણે બંને મજા કરીશું. પ્રોમિસ બસ? ચલ, આવી જા મારી પાસે ઈશુબેબી... આવી જા તો..!” આટલું કહીને રઘુ શ્યામલ અને ઈશાની તરફ ધસ્યો.

રઘુએ હાથ લાંબો કરીને શ્યામલના ખભા પર ઈશાનીની આંગળીઓ હતી તે હાથને પકડવાની કોશિશ કરી, પરંતુ રઘુ ઈશાનીની આંગળીને સ્પર્શ કરે એ પહલાં જ શ્યામલે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર ચ્હા હલાવવા માટે વપરાતો સ્ટીલનો ગરમાગરમ ચમચો સીધો ઉકળતી તપેલીમાંથી જ ઉપાડીને રઘુના કાંડાના ભાગ નજીક ચાંપી દીધો.

“એની માને...” રઘુથી બૂમ પડાઈ ગઈ.

રઘુની બૂમ સાંભળતાની સાથેજ આસપાસના દુકાનવાળાઓ અને જેટલા પણ ગ્રાહકો હાજર હતા તે તમામનું ધ્યાન શ્યામલની દુકાન તરફ ખેંચાયું. રઘુ શ્યામલે અચાનક આપેલી પીડાથી રીતસર કુદકા મારી રહ્યો હતો અને કુદકા મારતાં મારતાં પણ તેને ખ્યાલ આવ્યો કે આસપાસના લોકો તેની તરફ જ જોઈ રહ્યા છે એટલે હવે અહીં હાજર રહેવું તેના માટે યોગ્ય નથી.

“તને ખબર નથી હું કોણ છું. એક છોકરીને બચાવવા જતાં તું મોટી તકલીફમાં આવી ગયો છે, ચાવાળા! છોકરીઓ તો આ રઘુની લાઈફમાં આવતી જતી રહે છે, પણ એક વખત કોઈ મને તકલીફ આપીને મારી નજરે ચડી ગયોને તો પછી એને હું લાઈફ ટાઈમ ભૂલતો નથી. તને પણ યાદ રાખીશ.” આટલું કહીને રઘુ પીડા થઇ રહેલા હાથને બીજા હાથમાં પકડાવીને ફૂડકોર્ટના દરવાજા તરફ દોડ્યો.

“ચાલો તમને રિક્ષા સુધી મૂકી જાઉં, તમે હવે સીધા જ ઘરે જતા રહો.” શ્યામલે પાછળ વળીને ઇશાનીને કહ્યું.

“મને બહુ બીક લાગે છે. એ મારો પીછો કરશે તો?” ઈશાનીએ રડમસ અવાજે અને આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો.

“એને અત્યારે સારા ડોક્ટરની જરૂર છે એટલે એ તમારો પીછો નહીં કરે. ચાલો બહાર રિક્ષા સુધી તમને લઇ જાઉં, અને હમણાં અહીં આવતા નહીં થોડા દિવસ, પ્લીઝ.” શ્યામલે ગેસ સ્ટવ બંધ કર્યો અને ચાલવાનું શરુ કર્યું.

ત્યારબાદ શ્યામલે પોતાની દુકાનરૂપી રિક્ષાના ત્રણ તરફના શટર્સ શ્યામલે અડધા બંધ કર્યા.

“આશિષભાઈ હું જરા બે મિનીટમાં આવ્યો, સ્હેજ ધ્યાન રાખશો?” શ્યામલે બાજુની ઈટાલીયન ફૂડ ટ્રકના માલિકને વિનંતી કરી.

જવાબમાં આશિષભાઈએ હકારમાં ડોકું હલાવ્યું.

ઈશાની પોતાનાથી થોડેક દૂર ચાલી રહેલા શ્યામલની પાછળ દોરવાઈ. ઈશાનીનું ધ્યાન સતત બહાર દરવાજા તરફ જ હતું કે ક્યાંક રઘુ પાછો ન આવે અને એ પણ પોતાના ગુંડા સાથીદારોને લઈને. ઈશાની સતત ગભરાઈ રહી હતી, જ્યારે શ્યામલ કોઇપણ પ્રકારના ડર વગર ચાલી રહ્યો હતો. બંને ફૂડકોર્ટના દરવાજા પાસે આવી ગયા. અહીં આ સમયે કાયમ ત્રણ-ચાર રિક્ષાઓ ઉભી રહેતી.

“ક્યાં છે તમારું ઘર?” એક રિક્ષા પાસે ઉભાં રહીને શ્યામલે ઇશાનીને પ્રશ્ન કર્યો.

“અહીં જ નવરંગપુરામાં.” ઈશાનીએ ગભરાયેલા અવાજમાં જ કહ્યું.

“ભાઈ, આમને નવરંગપુરા લઇ જશો?” શ્યામલે રિક્ષાવાળાને પૂછ્યું.

જવાબમાં રિક્ષાવાળાએ ઇશાનીને હા પાડીને પાછળ બેસવાનો ઈશારો કર્યો.

“તમે પણ સાથે આવતા હોત તો...” રિક્ષામાં બેસતાં પહેલાં ઈશાનીએ શ્યામલને ફરીથી આજીજી કરી.

“કશું નહીં થાય. તમે શાંતિથી ઘરે પહોંચી જશો અને મેં કહ્યું એમ થોડા દિવસ અહીં ન આવતાં.” શ્યામલે ફરીથી ઇશાનીને સધિયારો આપ્યો.

કમને ઈશાની રિક્ષામાં બેઠી અને શ્યામલના ઈશારા કરવાથી રિક્ષાવાળાએ રિક્ષા ચલાવી મૂકી.

==::==

“બે દિવસથી કોલેજ કેમ નથી જતી? લેક્ચર્સ નથી તારે?” રાગીણીબેને ઇશાનીને પૂછ્યું.

“તારે થોડું વેકેશન છે? તારું સેમેસ્ટર તો ફેબમાં પતી ગયું હતુંને?” આ જ સમયે વરુણ તૈયાર થઈને રૂમની બહાર આવ્યો અને રાગીણીબેનના પ્રશ્નમાં પોતાનો પ્રશ્ન પણ જોડી દીધો.

“મારે થોડા દિવસ બ્રેક જોઈએ છીએ. રૂટીનથી કંટાળી ગઈ છું. મન્ડેથી કોલેજ જઈશ.” મોબાઈલમાં ગેમ રમતાં રમતાં ઈશાનીએ જવાબ આપ્યો.

“આજે તો હજી થર્સડે થયો અને છેક મન્ડે જવાની વાત કરે છે તું? આમ ના ભણાય બે!” લેક્ચર્સ તો ભરવા જ પડે, પછી ગમે તેવો કંટાળો આવતો હોય.” ઘરના દરવાજા પાછળ જૂતાં-ચંપલ મુકવાના બોક્સમાંથી પોતાના શુઝ બહાર કાઢતાં વરુણ બોલ્યો.

“મારે કેમ ભણવું એની મને ખબર છે. તું કોલેજમાં ભણતો હતો અને સુંદરીભાભીના વિચારોમાં જ ખોવાયેલો રહેતો હતો અને લેક્ચર્સ બંક કરતો હતો ત્યારે હું તને કશું બોલતી હતી?” ઈશાનીએ ગુસ્સામાં આવી જઈને કહ્યું.

“ઈશાનીઈઈઈઈઈ...” વરુણથી ગુસ્સામાં બૂમ પડાઈ ગઈ.

રાગીણીબેને પોતાના હોઠ પર આંગળી મુકીને વરુણને ચૂપ રહેવા અને શાંત રહેવાનો ઈશારો કર્યો, વરુણ સોફા પર બેસીને શુઝ પહેરવામાં લાગી ગયો.

“કોલેજમાં કોઈ તકલીફ તો નથીને બેટા? કોઈ તને હેરાન તો નથી કરતુંને?” રાગીણીબેને ઈશાનીના માથે હાથ ફેરવતાં કહ્યું.

“ના, મમ્મી મેં કહ્યુંને કે મારે બ્રેક જોઈએ છીએ? હું મન્ડેથી જઈશ કોલેજ, પ્રોમિસ.” ઈશાનીએ રાગીણીબેનનો હાથ પકડી લીધો.

“હું નીકળું મમ્મી.” વરુણ શુઝ બાંધીને ઉભો થયો અને પોતાના જમણા હાથની પહેલી આંગળીમાં રહેલી ચાવી ફેરવતાં બોલ્યો.

“ધ્યાનથી ચલાવજે, નવી કાર છે.” રાગીણીબેને ઈશાનીની બાજુમાં બેઠાબેઠા જ કહ્યું.

“હા મમ્મી.” વરુણે હસીને જવાબ આપ્યો.

“સોરી ભાઈ!” આટલું કહીને ઈશાની દોડીને વરુણને વળગી પડી.

“ઇટ્સ ઓકે, કાગડી! તું મોટી થઇ ગઈ છે એનો મને ખ્યાલ છે જ, પણ ખબર નહીં તું મને હજી પણ નાની જ લાગે છે. તારી ચિંતા થઇ એટલે કહ્યું. તું તારે આરામથી મોજ કર ઘરમાં. આઈ નો, દરરોજ કોલેજ જવું, ત્યાં ભણવું, ઘરે આવવું આ બધું રૂટીન થઇ જાય એટલે કંટાળો તો આવે જ. બાય ધ વે અત્યારે હું તારી ભાભીને લંચ કરાવવા જાઉં છું.” છેલ્લું વાક્ય બોલીને વરુણે ઈશાની સામે આંખ મારી.

“શું વાત છે!? મમ્મી??” ઈશાનીએ એક મોટા આશ્ચર્ય સાથે રાગીણીબેન સામે જોયું.

“મમ્મી-પપ્પાને તો કાલે આપણે કાર લેવા ગયા હતા ત્યારની ખબર છે.” વરુણે હસતાં હસતાં કહ્યું.

“શું યાર. ખાલી મને જ નહીં કહેવાનું?” ઈશાનીએ મોઢું બગડ્યું.

“કીધું હોત તો અત્યારે તારું ઉતરી ગયેલી કઢી જેવું મોઢું જોવાની મજા ન આવતને?” વરુણે હસીને ઈશાનીના માથે ટપલી મારી.

“ચલ, ઓલ ધ બેસ્ટ! લવ યુ!” આટલું કહીને ઈશાનીએ કાયમની જેમ વરુણના બંને ગાલ ખેંચ્યા અને પછી સહેજ ઉંચી થઈને વરુણના ગાલ પર હળવેકથી પ્રેમભર્યું ચુંબન કરી લીધું.

વરુણ પણ ખુશ થતો થતો, ઘરની પાછળ ગેરેજમાં પાર્ક કરેલી કાર તરફ ચાલવા લાગ્યો.

==::==

“Hii, હું આવી ગયો છું.” સુંદરીની સોસાયટીના ગેઇટ પાસે પહોંચવાની સાથેજ વરુણે તેને વોટ્સ એપ પર મેસેજ કર્યો.

“આઈ એમ રેડી, બસ આવી બે જ મિનીટમાં.” તરતજ સુંદરીનો જવાબ આવી ગયો.

સુંદરીનો જવાબ આવતાંની સાથેજ વરુણ મલકાઈ ઉઠ્યો, એનું દરેક રુવાડું ઉભું થઇ ગયું અને એના હ્રદયમાં પહેલાની જેમ જ એક અજાણ્યો પણ ગમતો ભાર ઉભો થવા લાગ્યો.

વરુણ સુંદરીને એસજી હાઈવે પર જે સ્ટાર હોટેલના રેસ્ટોરાંમાં લંચ માટે લઇ જવાનો હતો તે માટેનો રસ્તો સુંદરીની સોસાયટીના ગેઇટની વિરુદ્ધ દિશામાં હતો એટલે વરુણની કાર ગેઇટની સામે ઉભી હતી અને સુંદરીએ રસ્તો ક્રોસ કરીને તેની પાસે આવવાનું હતું. વરુણ સતત સુંદરીની સોસાયટીની ગલી તરફ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સુંદરી આજે કેવી લાગતી હશે.

આ ગલીમાં ડાબી તરફ આવેલો સહુથી છેલ્લો બંગલો સુંદરીનો હતો એટલે દરવાજો ખોલીને સુંદરી જેવી બહાર આવી કે વરુણને તરતજ દેખાઈ. ધીમેધીમે સુંદરી ચાલતી ચાલતી સોસાયટીના મેઈન ગેઇટ તરફ ચાલી રહી હતી કે વરુણને તેની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી.

“ઓહ માય ગોડ!” જેવી સુંદરીની આકૃતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ કે વરુણના મોઢામાંથી એક ઉચ્છવાસ સાથે નીકળી પડ્યું.

સુંદરીએ બ્લ્યુ જીન્સ અને સફેદ ટીશર્ટ પહેર્યું હતું. તેણે ટીશર્ટ જીન્સમાં ખોંસી દીધું હતું, તેના વાળ ખુલ્લા હતા, આંખો પર ગોગલ્સ ચડાવ્યા હતા અને ડાબે ખભેથી વિરુદ્ધ દિશામાં લટકે એ રીતે એક નાનકડું પર્સ જેવું પહેર્યું હતું. અને આથી સુંદરીનું સુંદર શરીર તેના તમામ ઉભારો તેમજ વળાંકો સાથે વરુણને દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વરુણ તો સુંદરીની ચાલ પ્રત્યે પણ પહેલેથી જ ઘાયલ હતો એટલે જેમ જેમ સુંદરી નજીક આવવા લાગી તેમ તેમ વરુણના હ્રદયના કટકા થવા લાગ્યા. સુંદરીને આ પ્રકારના પહેરવેશમાં જોવાની વરુણને આદત ન હતી એટલે તેનો રોમાંચ વધવા લાગ્યો.

સુંદરી છેવટે મેઈન ગેઇટ પર આવીને આસપાસ જોવા લાગી પણ તેણે રસ્તાની સામે કારમાં બેઠેલા વરુણ સામે ન જોયું. વરુણને તરતજ ખ્યાલ આવી ગયો કે સુંદરી તેને જ શોધી રહી છે એટલે એ કારના દરવાજામાંથી બહાર નીકળ્યો અને “હલ્લો!” કહીને બૂમ પાડી.

તરતજ સુંદરીનું ધ્યાન વરુણ પર ગયું અને એક ચમકતી તેમજ મોંઘીદાટ કારના ખુલેલા દરવાજા પાસે ઉભા રહેલા વરુણને જોઇને તેની આંખો પહોળી થઇ ગઈ. તેણે પણ વરુણ સામે હાથ હલાવ્યો અને પોતે રસ્તો ક્રોસ કરીને તેની પાસે આવે જ છે એ પ્રકારનો ઈશારો કર્યો.

વરુણે પોતાની આદત અનુસાર જમણા હાથનો અંગૂઠો સુંદરી સામે હલાવીને એણે સુંદરીનો ઈશારો સમજી લીધો છે એમ જણાવ્યું અને તે બીજું કોઈ તેને ઓળખી જાય એ પહેલાં કારમાં બેસી ગયો.

સુંદરીએ પણ પહેલાં જમણી તરફ અને પછી ડાબી તરફ જોઇને સહેજ ભારે એવા વાહનવ્યવહાર ધરાવતો રસ્તો ક્રોસ કરવાનું શરુ કર્યું.


==:: પ્રકરણ ૮૧ સમાપ્ત ::==