Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની....26

આખી રાત પ્રિયા આંસુ સારતી બેસી રહી હતી. બીજાં દિવસે સવારે સુશીલ ઉઠ્યો, એ પ્રિયા પાસે ગયો. એણે પ્રિયાને સમજાવી.

"શું કામ કષ્ટ આપે છે, પોતાની જાતને....હું દુબઈ રીટર્ન છોકરો છું, મિત્રો સાથે ક્યારેક જ ડ્રીંક કરી લઉં છું. રોજ ક્યાં ડ્રીંક કરું છું? પીવું મને ગમતું પણ નથી......, આ તો મીત આવ્યો એ વાતની એટલી બધી ખુશી થઈ હતી કે...."

"પણ....સુશીલ...., લગ્ન નક્કી કરતાં પહેલાં તારે મને આ વાત જણાવવી જોઈતી હતી."

"મારી ભૂલ થઈ ગઈ બસ...., હવે મને માફ કરી દે...તને નથી ગમતું તો આજથી....હું નહિ પીવું...બસ..."

આવી બધી ડાહી - ડાહી વાતો કરીને એ પ્રિયાને ફોસલાવી રહ્યો હતો. એની વાત સાંભળી પ્રિયા રાતનો બધો જ ગુસ્સો ભૂલી ગઈ. ને એણે સુશીલને માફ કરી દીધો.

પણ..., પણ થોડાં દિવસો પછી સુશીલ ફરીથી ઘરમાં પીને આવ્યો. ઘરમાં ફરી માથા-કૂટ થઈ. આ વખતે પણ પ્રિયા રડી, ખૂબ રડી...., કોઈ એને સહારે નહોતું, એકલી જ પોતાની જાત સાથે હતી. આ બાબતે એ કમલેશ કે માયા સાથે વાત કરી શક્તી નહોતી. સાસુ - સસરાનું વલણ પોતાનાં દીકરા પ્રત્યે પક્ષપાતી હતું. એ ત્રણેય એવું જ સમજતાં હતાં કે પ્રિયા તો સામાન્ય ઘરની છે, એટલે એને બોલવાનો, પોતાનું માનસિક દુ:ખ વ્યક્ત કરવાનો કોઈ અધિકાર હોતો નથી. જેમ - જેમ મીત મોટો થતો ગયો તેમ - તેમ પ્રિયા વધુ ને વધુ ચૂપ થતી ગઈ. પોતાનાં માટે ન વિચારેલી જિંદગીનો સ્વીકાર કર્યે જતી હતી. સુશીલની આદતો એને માનસિક ત્રાસ જેવી લાગતી હતી.

બધું જ પહેલાં જેવું નોર્મલ ચાલવા માંડ્યું હતું. મીતનાં ભવિષ્ય માટે પણ પ્રિયાએ સુશીલ સાથે સમાધાન કરી લીધું હતું. પ્રિયાને એકવાર ખબર પડી જતાં સુશીલ હવે વધારે બિંદાસ થઈ ગયો હતો ને અવાર- નવાર હવે એની સામે જ ડ્રિંક કરતો હતો, પ્રિયાએ પ્રેમથી એને વાળવાનો પ્રયત્ન કરી જોયો, ક્યારેક ગુસ્સો દેખાડી, એનાથી નારાજ રહીને એણે એને પીતાં અટકાવવા માટે પ્રયત્ન કરી જોયાં પણ સુશીલે પીવાનું ન છોડ્યું. આમ તો પીવું એ સામાન્ય વાત જ ગણાય. એમાંય ખાસ કરીને પૈસાવાળાં છોકરાંઓનાં તો આવાં બધાં શોખ રહેવાનાં જ. પણ પ્રિયા, કે જે એક સાધારણ ઘરની યુવતિ કે જેણે ન તો પોતાનાં ઘરમાં કે ન તો ઘરની આજુ- બાજુમાં ક્યારેય કોઈને પીતાં જોયાં હતાં કે સાંભળ્યાં હતાં, એનાં માટે આ વસ્તુ સહન કરવી એ અસહ્ય પીડાથી કમ નહોતું. પોતાનાં જીવનસાથી માટે જે લક્ષણો માટે એ અપેક્ષા રાખી રહી હતી, એનાંથી સાવ વિપરીત લક્ષણો સુશીલમાં એક પછી એક જોવાં મળ્યાં હતાં. સુશીલ લગભગ રોજ પીતો, રોજ રાત્રે મોડો ઘેર આવતો, પ્રિયા સામે મોટે - મોટેથી બોલતો, ગાળાગાળી કરતો, રોજ એને ગરીબ હોવાનું મ્હેણું મારતો, ટૂંકમાં પ્રિયાને પોતાની તાકાતનાં જોરે ખોટી રીતે દબાવીને રાખતો હતો.


પ્રિયા પાસે ચૂપચાપ સહન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહિ. ન તો એ સુશીલને છોડી શક્તી હતી કે ન તો એને સહન કરી શક્તી હતી. આ બધી પરિસ્થતિમાં એને લલિત યાદ આવ્યો, એને થયું કે લલિત સાથે વાત કરશે તો મન થોડું હળવું થઈ જશે, ને આગળનો કંઈક રસ્તો પણ મળશે...લલિતનો મોબાઈલ નંબર એની પાસે હતો જ, એટલે એણે લલિતને ફોન કરી મળવા માટે બોલાવ્યો. લલિતે એને એક રેસ્ટોરન્ટમાં મળવા માટે બોલાવી.

"હાય...."

"હાય...."

"બહુ દિવસ પછી મળવા માટે બોલાવ્યો.......!"

"હા....." એટલું કહી પ્રિયા સ્હેજ હસી ને પછી તરત જ એની આંખમાં આંસુ આવી ગયાં. એ જોઈને લલિત જરા ડરી ગયો...

"શું...થયું.....? કેમ આંખમાં પાણી આવી...ગયાં. ...?"

આ સાંભળી પ્રિયાથી રહેવાયું નહિ ને એણે સુશીલની આદતો જે પોતાને અયોગ્ય લાગતી હતી એ વિશેની વાત લલિતને કહેવા માંડી.