પ્રકરણ - ૨૪
આધ્યા શકીરાહાઉસથી નીકળીને ગાડીમાં એનાં જેવી બીજી છોકરીઓ સાથે જ નવી જગ્યાએ આવી પહોંચી. એને મોહમયી નગરી મુંબઈની માયાનો તો બહું સીધો સ્પર્શ નથી કારણ કે એણે શકીરા હાઉસ સિવાય બે-ચાર વાર સિવાય ક્યારેય બહાર નીકળવાની તક જ મળી નથી. છતાં આજે રાતનાં સમયે પણ બહારની દુનિયા જોવાની તક મળી એનાંથી જાણે શરીરની વેદના જાણે થોડી હળવી થઈ હોય એવું લાગ્યું.
લગભગ એક કલાક જેવું થયું એ પણ રાતનાં સમયે અને કદાચ ગાડીનાં કાચમાંથી બહાર દેખાતી માનવ વસ્તી, લોકોને જોઈને એને લાગ્યું કે કદાચ આ આખો વિસ્તાર બદલાઈ ગયો છે. લોકો પણ થોડાં બદલાયેલા બધું થોડો વિસ્તાર પણ બદલાયેલો લાગ્યો. એને થોડાં મનોમંથન પરથી ખબર પડી કે આ વિસ્તારની નજીક અમીર લોકોના મોટાં મોટાં બંગલા છે મતલબ પહેલાંના વિસ્તાર કરતાં અહીં અમીરોની સંખ્યા વધારે હશે. પણ આવાં વિસ્તારમાં આવું સેન્ટર એ પણ અમાન્ય રીતે ચલાવવું અઘરું તો પડે જ પણ આવું નિર્ણય અને એ પણ ઈમરજન્સીમાં કરવાનું કારણ ન સમજાયું .
બાકીનાં કોઈને તો જાણે કંઈ ફરક ન પડ્યો બહું એમ જ બધાં રાતનાં એ અગિયાર વાગ્યાનાં સમયે પણ વાતોની મહેફિલ જમાવી રહ્યાં હતાં. ત્યાં જ ગાડી ઉભી રહેતાં વાતોને એક અલ્પવિરામ મળ્યું અને બધાં ગાડીમાંથી બહાર નીકળીને નવી જગ્યાને જોઈ રહ્યાં...!
આધ્યા વિચારવા લાગી કે આ જગ્યામાં ફરી એકવાર તેને પોતાની જાતને ગોઠવવી પડશે? આમ તો કંઈ નવું નથી કામ તો એ જ ને? રોજ કોઈનાં માટે ફરી એકવાર પોતાની જાતનું અર્પણ...એ પણ કમને છતાં કોઈ કેસ નહીં કે કોઈ અપરાધભાવ નહીં. બસ પૈસા માટે, પૈસા પણ કોના માટે? એમાંથી ફક્ત બે ટાઈમનું જમવાનું મળે? કપડાં પણ કેટલી મથામણ પછી...અને સ્વતંત્રતાનાં નામે શૂન્ય! શું કામ? એનાં મનમાં કેટલીય ભૂતકાળની વાતો માનસપટ પર છવાઈ ગઈ પણ કોણ જાણે અત્યારે એને એ પોતે જ યાદ ન કરવા ઈચ્છતી હોય એમ એને દૂર હડસેલીને ફરી વર્તમાનમાં આવી ગઈ.
આધ્યાને એકવાર થયું કે અત્યારે શકીરાની ગેરહાજરી છે વળી રાતનો સમય. ચાલી ભાગી જ જાઉં. આમ પણ એ કંઈ કરવાની નથી. ત્યાં જ એને થોડે દૂર આગળ રસ્તામાં આવેલી એક હોસ્પિટલ યાદ આવી. એને થયું હોસ્પિટલ મોટી છે મારી કંઈ સારવાર તો થશે જ ને?
એક ભાઈ જેની દેખરેખ હેઠળ શકીરાએ બધાંને અહીં મોકલ્યા છે એ ભાઈ એ જગ્યામાં બધાંને અંદર મોકલવા માટે ફટાફટ એકવાર અંદર જોવાં ગયો ત્યાં જ બધાં એકબીજાં સાથે વાતોમાં મશગૂલ છે એ સમયે ખબર નહીં આધ્યાને શું સૂઝ્યું કે એણે અહીંથી હંમેશાં માટે ભાગી જવા માટે મનને તૈયાર કરી દીધું. ધીમેથી સરકીને એ ફટાફટ બધાંથી થોડે દૂર જતી રહી...!
*********
થોડીવારમાં જ એ ભાઈ પાછો આવી ગયો. બધાં ફટાફટ પોતાનાં સામાન સાથે અંદર જવાં લાગ્યાં. કેટલાક લોકોનું આ નવા લોકોની આગમન સાથે થઈ રહેલી ચહલપહલ પર નજર ગઈ. પણ શકીરાનાં આદેશ અનુસાર દરેક જણ એકદમ સાદા કપડામાં, કોઈ જ મેકઅપ કે અલંકાર વિના હોવાથી કોઈ એમને ઓળખી ન શકે આ લોકો કોણ છે કે અનુમાન પણ કદાચ લગાવી ન શક્યાં. વળી એક બંગલા જેવી જ જગ્યા છે સાથે બહાર કોઈ પણ જાતનું બોર્ડ કે કંઈ જ નથી કે જેથી કોઈને સમજ પડે કે આ ખરેખર શું છે? આટલાં લોકોનું ફેમિલી હોય એ પણ સમજાતું નથી.
પેલાં ભાઈએ બધાંને અંદર મોકલી દીધાં કે તરત જ એ બીજાં લોકોને લેવા માટે પોતાની ગાડીમાં નીકળી ગયાં. બધાં અંદર પ્રવેશી ગયાં ત્યાં જ અચાનક એક જણાનું ધ્યાન ગયું કે આધ્યા તો અહીં છે નહીં. એ આપણી સાથે જ આવી હતી છે. એ છોકરી જોરથી બોલી, " આધ્યા કહાં હે? હમ લોગો કે સાથ હી થી ના બહાર? અચાનક કહાં ગઈ?"
આધ્યા ઘણાં સમયથી અને વળી એનાં મળતાવડા સરળ સ્વભાવને કારણે દરેકને એનાં માટે લાગણી અને ચિંતા થઈ. બધાં ત્યાં જોવાં લાગ્યાં પણ કોઈ દેખાયું નહીં. બે ત્રણ જણાંએ બહાર જોવાનું વિચાર્યું અને એ બંગલાના દરવાજા પાસે પહોંચ્યાં ત્યાં જ ખબર પડી કે દરવાજો બહારથી બંધ કરાયો છે. કોઈ હવે અત્યારે બહાર જઈ શકે એમ નથી.
ત્યાં જ પાયલ નિસાસો નાખતાં બોલી, " યે કામ મેમ કા હી હે, ઉનકો ઈતના ભી ભરોસા નહીં હે, ઉનકો લગા હોગા કી ઉનકે આને તક અગર હમ યહાં સે ભાગ જાયે તો? ઇન્સાનિયત નામકી ભી કોઈ ચીજ હોતી હે કી નહીં?"
"હમારી કિસ્મત કભી નહીં બદલ શકતી અબ. બસ બદકિસ્મતી કી જગહ બદલી હે. પર આધ્યા કી તબિયત ભી ચાર દિન સે ઠીક નહીં કે કહી બહાર ગિર ન ગઈ હો. હમ લોગો બાતો મેં મશગુલ હો ગયે હમે ધ્યાન રખના ચાહિયે થા. વો હમમે સે કિસી કો ભી કુછ હોતા હે તો તુરંત હેલ્પ કરતી હે." દિવ્યા દુઃખી સ્વરે બોલી.
પાયલ : " ઓર મેમ ચિલ્લાયેગી વો તો અલગ. હમ સબ કો રિમાન્ડ પે લેગી. અબ ક્યા કરેંગે?"
"એક બાદ અંદર દેખ લેતે હે કહી વો કોઈ રૂમમે ચલી ન ગઈ હો."
બધાં છુટાછવાયા થઈને એ મોટાં વિશાળ બંગલામાં ફરી વળ્યાં. આખો ખાલીખમ બંગલો. ફક્ત આધુનિક મોટાં મોટાં બેડ, અને અટેચ્ડ ઈન્ટિરીયર જે એમની પ્રાથમિક જરૂરિયાત કહી શકાય. બહારથી કોઈને લાગે પણ નહીં કે આટલી મોટી જગ્યા હશે. આ જગ્યા શકીરાહાઉસ કરતાં ત્રણગણી મોટી છે. બધાં ફરી એ જ જગ્યા પર આવી ગયાં બસ હવે બીજાં લોકો આવે અને દરવાજો ખૂલે એની રાહ જોવા લાગ્યાં...!
**********
આધ્યા ચાલતી ચાલતી મોટી હોસ્પિટલ એને જે તરફ દેખાઈ હતી એ રસ્તે એક દુપટ્ટો બાંધીને સાઈડનાં રસ્તે નીકળી. ક્યાંક વિચારોનું ધોડાપૂર તો ક્યાંક દેખાતી દુનિયાદારી, પોતાની લાચારી, આ વિસ્તારની અમીરાત ગલીએ ગલીએ દેખાઈ રહી છે સાથે દુનિયામાં વખણાતી મુંબઈની મોહભરી એક જીજીવિષા!
પણ એનામાં રહેલો તાવ અને વધારે પડતી અશક્તિને કારણે હવે એનાં માટે વધારે આગળ ચાલવું અશક્ય બની ગયું. કોઈ સાધનમાં બેસવું એ પણ રાતનાં સમયે ખતરાથી ખાલી નથી. આધ્યાએ એક વાર મનમાં વિચારી પણ લીધું કે શું થશે? જે દરેક સ્ત્રી જાતને જેની બીક હોય પોતાની જાતને બચાવવાની એવું જ ને? પણ એને તો હું અનેકોવાર કુરબાન કરી ચૂકી છું. હવે કોને સુરક્ષિત રાખવાનું ? એને પોતાની વિવશ બનેલી જાત પર હસવું આવી ગયું.
બીજી જ ક્ષણે એની સામે મલ્હારનો સુંદર માસૂમ ચહેરો તરવરી ઊઠ્યો. એનાં મનમાં એક વિચાર ઝબૂક્યો કે એણે મલ્હારને મલવા માટે ગોઠવણ કરાવી અને હવે એ પોતે જ નવાં શકીરાહાઉસને તિલાંજલિ આપીને નીકળી ગઈ તો કદાચેય મલ્હાર અહીં સુધી પહોંચશે તો એ મને કેવી રીતે મળશે? વળી બહાર મારી ઓળખ શું? હું કેવી રીતે દુનિયા સામે મારી ઓળખ આપીશ? કોઈ બીજી નોકરી પણ કેવી રીતે મળશે એને? ન કોઈ ઓળખાણ કે ન કોઈ પોતાના નામનું સર્ટિફિકેટ. બસ થોડું ઘણું ભણતર. પણ એ ભણતરની આજે કોઈ વેલ્યુ પણ હશે કે નહીં એ પણ ક્યાં ખબર છે?
મલ્હારે આપેલા પૈસામાંથી અડધાં તો અકીલાને આપ્યાં અને પાંચસો ચોકીદારને હવે એની પાસે ફક્ત બે હજાર વધ્યા છે. આટલાં પૈસાથી તો કદાચ મુંબઈના આ પોશ વિસ્તારમાં કેસ ફી પણ માંડ નીકળી શકે. પોતાનું જે પણ ઓળખ છે એ બધું જ તો શકીરાનાં હવાલે છે. એને પોતાનાં ઝડપી નિર્ણય પર પસ્તાવો થયો. હવે શું કરે કંઈ સમજાયું નહીં.
થયું કે કાશ મલ્હારને એની કોઈ ઓળખ પૂછી હોત તો પણ કંઈ શક્ય બનત! પણ કોણ જાણે એણે મને એનાં વ્હાલમાં સ્પર્શ વિના જ એવી હૂંફ આપી કે એવું આકર્ષણ કે લગાવ મને કોઈને પોતાને દેહ સોંપ્યા પછી પણ નથી થયો. કંઈ તો છે આ મલ્હારમાં... આવાં અઢળક લોકો આવીને ગયાં પણ હું મલ્હારને કેમ ભૂલી શકતી નથી. હું આટલાં મોટાં મુંબઈમાં કેવી રીતે શોધું? કાશ એની કોઈ અટક કે ઓળખ પણ ખબર હોત!
એનું ધ્યાન ગયું કે કેટલાક લુખ્ખા તત્વો એનાં દેહને ખરાબ નજરે નીહાળીને થોડી થોડીવારે એની સામે નજર નાખીને કંઈ હસીને મજાક કરી રહ્યાં છે. હવે એનામાં ત્યાં સુધી નવાં શકીરાહાઉસ સુધી પરત ફરવાની પણ કોઈ ત્રેવડ નથી કે નથી એમનો પ્રતિકાર કરવાની. વિચારોમાં ગરકાવ બનીને ઉભેલી આધ્યાને ત્યાં થોડીક અંધકાર જેવી જગ્યાએ જ શારીરિક સંતુલન જતું રહ્યું અને આંખે અંધકાર છવાઈ ગયો અને એ ભોંય પર ઢળી પડી...!
શું થશે હવે આધ્યાનું? એનું જીવન હવે બદલાશે કે કિસ્મતની ફૂટેલી આધ્યા કોઈ નવી મુસીબતમાં ફસાઈ જશે? આધ્યાનું મલ્હારને મળવાનું સ્વપ્ન આ સાથે જ રોળાઈ જશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૫