Ascent Descent - 23 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 23

પ્રકરણ - ૨૩

કર્તવ્યની અશ્વિને જીવનસાથી બનાવવા વિશેની વાત માત્રથી કર્તવ્ય ગુસ્સામાં ઉભો થઈ જતાં જ બાજી સંભાળતાં દીપેનભાઈ બોલ્યા, " શું થયું બેટા? તારી મમ્મી તને પૂછે ફ્ક્ત. તને ન ગમે તો બીજી કોઈ છોકરી જોઈશું. તું પહેલાં શાંતિથી બેસી જા પહેલાં.જમવાનું પતાવી દઈએ તો સારું. અન્નને કોઈ દિવસ ઠુકરાવાય નહીં."

સુસંસ્કારોથી સિંચિત કર્તવ્યને પોતાની ભૂલ સમજાતાં 'સોરી' કહીને ખુરશી પર ફરી બેઠો અને બધાંએ મનમાં અનેક સવાલો સાથે જમવાનું પતાવી દીધું પછી થોડીવારમાં દીપેનભાઈએ શાંતિથી પૂછ્યું, " બેટા અશ્વિને તું ઓળખે છે? તારાં રિએક્શન પરથી એ તો ખબર પડી કે તું કોઈ રીતે એને ઓળખે છે. શું પ્રોબ્લેમ છે તું અમને કહે તો અમને ખબર પડે અમે આગળ વિચારીએ જ નહીં. તને દેખાવથી નથી ગમતી કે શું છે? આજ સુધી તારી કે કોમલની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ કર્યું છે ખરાં? એ દીકરી હોવાં છતાં એનાં કોઈ અરમાનોને અમે અધૂરા નથી રાખ્યાં તો પછી શાંતિથી કહે છે હોય તે. અમારાં માટે બેય સરખાં છો બેય જણાં ખુશ રહો એ અમારાં માટે જરૂરી છે."

" પપ્પા એ તો મને ખબર છે કે તમે મારાં અને દીદીમા કોઈ દિવસ ફરક રાખ્યો નથી પણ દીદી પણ કદાચ આવી છોકરી માટે કદી હા નહીં પાડે."

"હું દેખાવને એટલું મહત્વ ક્યારેય નથી આપતો. મમ્મી એ અમારી બાજુની કોલેજમાં જ હતી. ત્યાં મારાં અમૂક ફ્રેન્ડસ પણ હતાં. એક નંબરની અભિમાની, રૂપિયાનો એટલો ઘમંડ છે, એનાં કપડાં તો તું જવાં જ દે...એવી છોકરીને જીવનમાં આવે તો સત્યનાશ થઈ જાય."

"બેટા એ તો ઘણાં દૂરથી એવાં લાગે એવું ન પણ હોય. વળી, આજકાલ તો લોકો ફેશનનાં જમાનામાં એવું તો બધું સ્વીકારવું પડે. કપડાં પરથી એવું અનુમાન ન લગાડાય. મને ખબર છે તું તારાં પપ્પા જેવો સિમ્પલ છે એટલે કદાચ તને ન ગમે..."

કર્તવ્ય એ વાત અટકાવતાં કહ્યું," મમ્મી, સોરી હું પપ્પાની બાબતમાં કંઈ કહીશ તો તને ખરાબ લાગશે પણ પપ્પાને ગમે કે ન ગમે તને આજ સુધી કંઈ પણ પહેરવાની, કરવાની , ક્યાંય પણ જવા આવવાની ના પાડી છે ખરી? લોકો પોતાની પત્નીને વફાદાર પણ રહી શકતાં નથી આજકાલ...આટલી અમીરી હોવાં છતાં કોઈ અન્ય સ્ત્રી સામે ખરાબ નજરે જોયું હોય એવું પણ કદી જોયું નથી. અને હું તને ઓળખું છું અને તને જાણું છું ત્યાં સુધી તું કોઈ પણ રીતે પપ્પાથી અસંતુષ્ટ નહીં હોય કે તને ક્યારેય એવો વિચાર આવ્યો હોય કે એનાં કરતાં બીજાં કોઈ સાથે લગ્ન થયાં હોત તો સારું..."

ના છૂટકે હવે શિલ્પાબેન બોલ્યાં," તારાં પપ્પા એ તો તારાં પપ્પા જ છે‌. એમનાં જેવો પતિ આખાં ચોખા પૂજ્યા હોય એને જ મળે. મારી કોઈ એવી ઈચ્છા નથી જે એમણે પૂર્ણ ન કરી હોય."

"હમમમ. તો મારે પણ કોઈ પણ છોકરીનો એવો જીવનસાથી બનવું છે. હું એવું ઈચ્છું છું કે જે પણ મારાં જીવનમાં આવે એને કોઈ દિવસ આટલી પણ તકલીફ ન પડે. તું શોખીન છે ફેશનેબલ છે પણ તને તારી મર્યાદા ખબર છે. આ છોકરી તો મારે હવે તમને શું કહેવું એ સમજાતું નથી. કદાચ તમે સમજી ગયાં હશો કે હું શું કહેવા માગું છું. બસ એ આપણાં ઘરમાં આવશે તો કોઈ ખુશ નહીં રહી શકે. હવે મમ્મી પ્લીઝ તું આ છોકરી વિશે ફરી ક્યારેય કહીશ નહીં."

"સોરી બેટા. અમને તો એમ કે સારાં મોટા પરિવારની દીકરી છે તો એટલે‌‌... કંઈ નહીં બીજી કોઈ સારી છોકરી શોધીશું. એનાં મમ્મી-પપ્પાએ સામેથી થોડી ઈચ્છા બતાવી એટલે. આમ તો આપણી જ્ઞાતિ પણ અલગ છે પણ આજકાલ તો કંઈ એવું જોતું નથી. "

કર્તવ્ય થોડો અકળાતા બોલ્યો, " મમ્મી હમણાં મારી પાસે સમય નથી. લગ્નની હજું વાર છે. મે હજું કંઈ એ વિશે વિચાર્યું નથી. હું હમણાં મારાં એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છું. પછી એ પૂર્ણ થતાં એ વિશે વિચારીશ. મને થોડો સમય આપ."

ફરી એકવાર એક સીધો વાર કરતાં શિલ્પાબેન બોલ્યાં," બેટા એ શેનો પ્રોજેક્ટ છે? ઓફિસનો જ છે ને?"

આવો સવાલ આજ સુધી કદી દીપેનભાઈએ પણ નથી કર્યો. એ ઓફિસમાં જેટલું પણ કામ વધારે નવાં પ્રોજેક્ટ કરે ક્યારેય કોઈ એને રોકટોક ન કરે. દીપેનભાઈ ઓફિસે અમૂક સમય સુધી જ રહે છે. એને બધી છૂટ પણ આપવામાં આવી છે કે એ એની મુજબ નિર્ણય પણ લઈ શકે. આજ સુધી ઓફિસનાં કામમાં તો ક્યારેય કંઈ પૂછ્યું નથી, આજે કેમ આવું પૂછ્યું એ પણ એની મમ્મી દ્વારા એ કર્તવ્યને સમજાયું નહીં.

કર્તવ્ય હસીને બોલ્યો, " કેમ મમ્મા શેનો પ્રોજેક્ટ એટલે? કંઈ સમજાયું નહીં. હવે તું પણ ઓફિસ આવવાનું શરું કરવાની છે કે શું?"

"આપણી કંપનીનાં કામ સિવાયનો કોઈ પ્રોજેક્ટ તું ચલાવી રહ્યો છે કે શું?"

કર્તવ્યને હવે સમજાયું કે એની મમ્મીને કંઈ માહિતી મળી છે.એટલે એ બોલ્યો, " હા મમ્મી, કેમ શું થયું?"

"બેટા તું સમજે છે એટલું કદાચ તારાં એ પ્રોજેક્ટનું કામ સરળ નથી. પુરૂષપ્રધાન સમાજ તો સદીઓથી છે પણ આજે પણ સ્ત્રીઓ પ્રત્યેની જે સંવેદના કે વિકારની ભાવના હજું એ જ સ્તરે છે કે પછી વધારે વિકૃત બની છે એવું કહી શકાય. લોકો આવું કામ થતું રોકવા અથાક પ્રયત્નો કરશે કારણ કે એનાં વિના એ પુરુષજાત જ રહી શકે એમ નથી."

કર્તવ્ય સમજી ગયો કે એની મમ્મી એ લોકોને કોઈ રીતે ખબર તો પડી જ ગઈ છે એટલે હવે આ છુપાવવાનો કોઈ મતલબ નથી. એ બોલ્યો," તમને લોકોને કંઈ રીતે ખબર પડી એ તો મને નથી ખબર પણ દરેક જણાં કેમ આ બાબતે આવું વિચારે છે કે આ કામ શક્ય નથી. તું પણ એક સ્ત્રી છે તારી એક ઈચ્છા પણ જ્યારે હોમાય છે કે મુરઝાય છે તને કેટલું દુઃખ થાય છે જ્યારે એ લાખો માસુમ છોકરીઓ, સ્ત્રીઓ એમની તો જિંદગી જ છડેઆમ નંદવાય છે, ઈજ્જત વેચાય છે, ઈચ્છાઓનું સરેઆમ કતલ થાય છે તો શું એ લોકોને આમ જ એ હાલ પર છોડી દેવાય? કોઈએ તો પહેલા કરવી પડશે ને? દરેક જણાં એવું વિચારે તો?"

"બેટા પણ એમાંના બધાં થોડાં મજબૂર હોય છે? કેટલાકનો તો શોખ હોય છે? "

"એ શોખની સંખ્યા માત્ર દસ ટકા હોય છે બાકીનાં નેવું ટકા મજબૂરીમાં મૂંઝાય છે. ઘણાં બધાં તો પરિવાર વિનાનાં જ હોય છે તો કેટલાક પરિવારની ગરીબીને વશ થઈને. એક ગરીબ સ્ત્રીને તમે પરિવારનો હિસ્સો ન બનાવી શકો, એને કદાચ નોકરી પણ ન આપી શકે, પણ એ જ અમીરીમાં મહાલતા પુરૂષો એ છોકરીઓ, એ સ્ત્રીઓ સાથે સૂઈ શકે છે, વાહ! ત્યારે એમની અમીરી ધૂળમાં રગદોળાઈ જતી નથી કારણ કે એ બધું બંધ બારણે ને રાતનાં અંધારે થાય છે‌. મને તો લોકોની ગંદી અને સાવ નિમ્નકક્ષાની એ માનસિકતા જ સમજાતી નથી."

કર્તવ્યની ઉંડી સમજણ અને સ્ત્રીઓને માન અપવવાની જે ધગશ, એક ફરજ જેવું માનીને એ આટલો મોટો પ્રોજેક્ટ સંભાળી રહ્યો છે એની વાત સાંભળીને એનાં મમ્મી-પપ્પા બેય મંત્રમુગ્ધ બની ગયાં. એમને સામે શું કહેવું કંઈ સમજાયું નહીં. આજે એમને એમનાં સંસ્કારો અને ઘડતર પર ગર્વ થઈ રહ્યો છે.

દીપેનભાઈ : " બેટા આટલી નાની ઉંમરે તું આવું વિચારી રહ્યો છે એ અમારાં માટે ગર્વની વાત છે પણ આ વસ્તુને થતી અટકાવવામાં કેટલાય મોટાં માથાં સંડોવાયેલા છે એ કદાચ તને ખબર પણ હશે‌. ક્યાંક આ બધામાં તું મુશ્કેલીમાં ન મૂકાઈ જાય એની અમને ચિંતા થાય છે."

" મને શું થવાનું છે પપ્પા? હું કંઈ ખોટું કામ થોડો કરું છું કે કોઈ મને જેલમાં પૂરી દેશે."

"બેટા એવું તો કદાચ સારું કહી શકાય પણ સીધી રીતે જે લોકો ન કરી શકે એને ઉલટી રીતે પાર પાડવા વિરોધીઓ મથામણ કરવા લાગે. એ લોકો કંઈ એટલે કંઇ પણ કરી શકે. મોટાં માણસો જેટલાં જ સારાં એટલાં જ ખરાબ પણ હોય છે માત્ર અમૂક ટકા લોકોને બાદ કરતાં."

કર્તવ્યને સાર્થકે પણ કરેલી આ વાત યાદ આવી પણ એને પોતાનો વિશ્વાસ અને મન મક્કમ કરતાં કહ્યું, "મને કુદરત પર પૂર્ણ ભરોસો છે. એ સારાં કામ માટે પરીક્ષા જરૂર લેશે પણ અંતે જીત તો સત્ય અને સારપની જ કરાવશે. આખરે સૃષ્ટિને સર્જન કરીને પાસાંઓ પાડનાર એ જ છે તો એનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમેટવાની તાકાત એનામાં જ હોય છે. જે થશે એ સારું જ થશે." કહીને કર્તવ્ય પોતાનાં રૂમમાં જતો રહ્યો...!

 

કર્તવ્ય પોતાનું મિશન પૂર્ણ કરી શકશે ખરાં? આધ્યાની નવી જગ્યાની સફર કેવી રહેશે? એ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ બની શકશે? આધ્યાની મલ્હારને મળવાની ઈચ્છા પૂર્ણ થશે ખરી? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૪

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED