આરોહ અવરોહ - 17 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 17

પ્રકરણ - ૧૭

સોના કામ પતાવીને થોડીવાર શાંતિથી બેસીને કંઈ વિચારી રહી છે ત્યાં જ આધ્યા આવી. આધ્યા થોડીવાર ઉભી રહી પણ સોનાનું ધ્યાન જ ન હોવાથી છેલ્લે આધ્યાએ એને ટપલી મારતાં જ એ જાણે ભાનમાં આવી હોય એમ ઝબકીને બોલી, " અરે આધ્યા તું? ક્યારે આવી?"

આધ્યા : " હું તો ક્યારની આવી છું પણ તું ક્યાં ખોવાઈ ગઈ છે. કંઈ ચિંતા છે કે શું?"

"અરે ના એવું કંઈ ખાસ નહીં. પણ તને કેવું છે?"

આધ્યા એની બાજુમાં બેસતાં બોલી, " કંઈ સમજાતું નથી મને તો દવાની અસર રહે ત્યાં સુધી સારું રહે છે ને અસર ઉતરતાં જ પાછું એનું એ. સમજાતું નથી કંઈ કે આખરે શું થઈ રહ્યું છે"

" મને તો

એમ થાય છે કે કાલે ક્યાંક બતાવી દીધું હોત તો સારું થાત."

સોના : " મને ખબર હોત કે આટલું મોડાં સુધી એ નહીં આવે તો તને હું જ બતાવવા લઈ જાત. પણ એકવાત કહું કોઈ તો એનું જાસૂસ છે જે એને એકેક પળની ખબર આપી રહ્યું છે. આપણે બહું સાવચેત રહેવું પડશે. પેલો છોકરો જે રાત્રે આવ્યો હતો એને મેં મોકલી દીધો હતો એની એને ખબર પડી ગઈ તો એ મારી પાસે પૈસા માંગતી હતી. હું ક્યાંથી લાવું પૈસા? આજ સુધી કોઈ દિવસ આપણી કમાણીના પૈસા આપણને આપ્યાં છે ખરાં? કે કોઈ એવું સ્વજન પણ છે કે જે આપણી મદદ કરે? "

આધ્યાનું મન ફરીવાર મલ્હારની વાત સાંભળીને અટવાઈ ગયું. એ ફરી એકવાર નિરાશ બની ગઈ.

" સોના , એવું તને કેવી રીતે ખબર પડી કંઈ થયું છે?"

સોના : " કોણ જાણે છેલ્લા બે ચાર દિવસથી અહીં બધું બદલાઈ રહ્યું હોય એવું લાગે છે. બધું એ જ છે વર્ષોથી આપણે એ જ પ્રમાણે , શકીરાનાં નિયમમાં પોતાની જાતને ઢાળીને કામ કરી રહ્યા છીએ. પણ જાણે હમણાં જ બધું બદલાઈ રહ્યું છે. માથાં પર કંઈ બોજ હોય એવું લાગી રહ્યો છે."

" મેં કહ્યું છે ને ભલે શકીરા અત્યારે શાંત બનીને બેઠી છે પણ એ નાગીનની જેમ સમય સાચવીને ફૂંફાડો ચોક્કસ મારશે. મારું મન જ્યારે જ્યારે વ્યાકુળ બને છે ત્યારે ચોક્કસ કંઈ થાય છે આવું એકવાર નહીં અનેક વાર બન્યું છે. એવું અત્યારે પણ થાય છે કે નક્કી કંઈ તો થશે જેનાથી જિંદગી બદલાઈ જશે..."

સોના : " કોની તારી?"

" એ નથી ખબર મારી કે બધાની. પણ બધાંને આંચકો લાગશે એવું કંઈ થવાનું છે." ત્યાં જ નેન્સી ઝડપથી આવીને બોલી, " દીદી આજે કંઈ વારો આવી પડવાનો છે. મેમે બધાંને બપોરે બે વાગે બોલાવ્યા છે. ચોક્કસ સમયે હાજર રહેવાનું છે. બપોરે બરાબર જમી લેજો કદાચ સાંજે જમવાનું મળે કે ના પણ મળે..."

" આવું ન બોલ નેન્સી, ક્યારેક અજાણ્યે જીભ પર આવતાં શબ્દોમાં સરસ્વતી ખુદ બિરાજમાન થઈને બોલતી હોય છે. માટે એવું કંઈ પણ ન બોલ."

નેન્સી : " આમ પણ આપણી જિંદગીમાં લઈ શું લેવાનું છે, બસ જીવતાં પુતળાની જેવી જિંદગી છે. બસ કુદરતને માથે રાખીને આત્મહત્યા કરી શકતા નથી અને જીવન પણ માનવી જેવું જીવી શકતા નથી. આનાથી વધારે ખરાબ શું સ્થિતિ થઈ શકશે આપણી? કોઈ આપણને અહીંથી નીકાળવા માટે સુપરમેન તો આવી જવાનો નથી ને? "

આધ્યા વિચારવા લાગી, " એક પળે મલ્હાર ને જોતા મને લાગી ગયું હતું કે કદાચ મારી જિંદગી બદલાઈ શકે છે. એણે એનું વચન નીભાવ્યુ પણ ખરું. એ આવ્યો પણ ખરો પણ હું એને મળી ન શકી‌. એ છે તો કોઈ સારો માણસ જ. પણ કદાચ નસીબ જ..."

આધ્યા એક નિસાસો નાખતાં બોલી, " કાશ એવું કોઈ આવી શકતું હોત. ક્યારેક એવું લાગતું હોય છે કે કદાચ આપણું જીવન બદલાશે પણ એ આપણી ઠગારી આશાઓ જ હોય છે. નસીબ કુદરતનાં હાથમાં જ હોય છે."

પણ સોના તો સેન્ટી થવાનાં બદલે શકીરા શું કહેવાની હશે એ વિચારવામાં એનું દિમાગ લાગી ગયું. ભલે એ ગમે તે કરશે પણ કોઈ પણ રીતે એ મારી પાસે પંદર હજાર રૂપિયા વસૂલશે તો ખરાં...

સોના: " ચાલો જે થશે તે બધાનું થશે..." કહીને પછી બપોરે મળીએ અને શું થશે એમ વિચારે બધાં પોતાનાં કામે લાગી ગયાં....!!

*******

બે વાગતાં જ બધાં ભેગાં થઈ ગયાં. બધાં અંદર ગૂસપૂસ કરી રહ્યાં છે કે શકીરા આમ તો કોઈને બોલાવતી નથી ભેગા કરીને આજે શું હશે? એટલામાં જ શકીરા આવતાં અવાજ શાંત પડી ગયો. કોલાહલ જાણે એક ઝાટકે શમી ગયો. બધાં એનાં રંગીન મિજાજને જોઈ રહ્યાં. એનો સ્વભાવ જ એવો છે કે ક્યારે ખુશ હોય ને ક્યારે એનું મગજ છટકી જાય જરાં પણ ખબર ન પડે.

શકીરા આવીને બધાં સાથે પ્રેમથી વાત કરતાં બોલી, " કેસે હો સબ? ઠીક હો ના. આજ એક મેં આપ સબસે એક બહોત અચ્છી ખબર જેને જા રહી હું. આપ સબ બહોત ખુશ હો જાઓગે."

બધાં એકબીજાંની સામે જોવાં લાગ્યાં કે શું ખુશખબર હશે વળી? શકીરા અને સારાં સમાચાર આપે એ વાત જાણે ગળે ઉતરે એમ નથી.

શકીરા બધાંનાં હાવભાવ જોઈને બોલી," ચિંતા મત કરો અભી રાહ નહીં દેખની પડેગી ઇતની. ચલો અભી આપકો એસે પુરાને શકીરા હાઉસ મેં નહીં રહેવા પડેગા. એક ખુલ્લી જગહ નયે એટમોસ્ફિયર મેં જાયેંગે."

આટલું બોલીને ચુપ જઈ જતાં બધાં વિચારવા લાગ્યાં શકીરા હાઉસમાં નથી રહેવાનું મતલબ, આપણને અહીંથી છોડી દેશે કે કાઢી મૂકશે કે પછી...ખુશ થવું કે ચિંતા કરવી?

શકીરા : " ફટાફટ અપના સામાન પેક કર લો સબ..."

સોના: " મતલબ? મેમ કુછ સમજ નહીં આયા."

"શકીરાહાઉસ દૂસરી જગહ જા રહા હે‌‌.‌...હમ સબ વહાં પે જા રહે હે."

કોઈને સમજાયું નહીં કે અચાનક આવો નિર્ણય? બીજી જગ્યાએ શિફ્ટ કરવું એ કંઈ નાની વાત થોડી છે અને એ પણ મુંબઈમાં...વળી આ કોઈ નાનું મકાન લેવાની તો વાત નથી, બહું મોટી અને સારી જગ્યા જોઈએ તો જ લોકો આવે... કારણ કે આવવાંવાળા પણ અમીર ઘરનાં નબીરા જ ને? આટલો મોટો પ્લાન ઘડાઈ ગયો કોઈને ભણક પણ ન આવી.

અકીલા: " લેકિન નયા બનને મેં સમય તો જાયેગા ના તો અભી સે કેસે જાયેંગે..."

શકીરા : " હે ના ખુશખબર? સબ ખુશ હુએ કી નહીં? યે તો બતાઓ પહેલે..."

કોઈ કશું બોલ્યું નહીં ફક્ત હકારમાં પરાણે જાણે માથું ધુણાવી દીધું. અહીં રહેલાં કોઈને તો બીજું કોઈ ઘરબાર તો નથી. જે છે એ શકીરાહાઉસ જ દરેક માટે ઘર છે. કદાચ સારી ખોટી લાગણીઓ અહીં જ ગૂંથાઈ છે આવી રીતે અચાનક છોડીને બીજે શિફ્ટ થવાનું?

દરેકનાં ચહેરા કદાચ ઉતરી ગયેલા દેખાઈ રહ્યાં છે.

શકીરા હસતાં હસતાં બોલી, " ક્યા હુઆ સબકે મૂહ ક્યું લટક ગયે હે? મુજે તો લગા કી સબકો નયા ઘરમે જાને મેં કિતની ખુશી મિલતી હે ઓર તુમ લોગ હો કી...કીચડ મેં સડને કી આદત હોય ગઈ હે ના. "

સૌથી વધારે નિરાશા આધ્યાના ચહેરા પર ફરી વળી. એ કંઈ બોલી જ નહીં. ઘણાં લોકો તો ઘણું બધું પૂછવા પણ લાગ્યાં. આધ્યાનાં મનમાં પહેલો ચહેરો મલ્હારનો દેખાયો કે હવે એ આધ્યાને કદી મળશે જ નહીં?

આ શકીરા હાઉસ બંધ થઈ જશે તો એને નવી જગ્યાની ખબર કેમ પડશે? નવી જગ્યાએ એ કેવી રીતે આવશે? એનાં નામ સિવાય બાકી તો કંઈ ખબર છે જ નહીં.

શકીરા : " ચલો ફટાફટ રેડી હો જાઓ સબ. પેકિંગ કર લો સબ અપનાં અપના સામાન. આજ રાત કો હી દસ બજે કે બાદ શિફ્ટીગ કરવા હે..."

અકીલા બધાંની અપોન્ટમેન્ટ લેતી હોવાથી તરત જ બોલી, " તો આજ રાત કો કોઈ અપોઈન્ટમેન્ટ નહીં?"

સોના સીધો જ વાર કરતાં બોલી, " ફિર આપકા નુકસાન નહીં હોગા મેમ?"

શકીરા હસીને બોલી, " સબ હોગા...શકીરા કભી લોસ નહીં કરતી. જો ફ્રી હોંગે વો પહેલીવાર મેં જાયેંગે બાકી કે લોગ વો કામ નિપટાકે લેકિન કલ સુબહ તક હમ સબ વહાં પે પહુંચ જાયેંગે."

આધ્યાનાં મનમાં કંઈક ઝબકારો થતાં એ બોલી," લેકિન જાના કહાં હે? મતલબ ઈસી એરીયા મેં કી દૂર કહી પે? વહા કા નામ ભી શકીરાહાઉસ હી હોગા?"

"તુજે ક્યું જાનના હે? વો સબકો વહા જાકે હી માલૂમ પડેગા. ચિંતા મત કરો."

અકીલા કદાચ આધ્યાની ચિંતા સમજી ગઈ...પણ શકીરાનો ફરી એકવાર હુકમ થતાં જ દરેક જણ ફટાફટ ત્યાંથી નીકળીને પોતપોતાના રૂમમાં વિખેરાઈ ગયાં અને જવાની તૈયારી કરવા લાગ્યાં...!

શું હવે આધ્યાને મલ્હાર ક્યારેય નહીં મળે? શકીરાએ આવો નિર્ણય અચાનક કેમ લીધો હશે? કર્તવ્ય મિસ્ટર આર્યન ચક્રવર્તીની તકલીફ દૂર કરી શકશે? એટલા મોટાં માણસને શું તકલીફ હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૧૮