" કૉલેજની એ દુનિયાની વાત કંઈક જુદી જ હતી, રોજ મળતાં, સાથે બેસતાં, આંખોમાં આંખો પરોવીને વાતો કરતાં, સમય ક્યાં પૂરો થઈ જતો તેની ન તો મને ખબર રહેતી ન તને.... પણ હવેની વાત કંઈક અલગ છે દેવ,એ દિવસો ચાલ્યા ગયા, એ સમય પણ ચાલ્યો ગયો. હવે તારે મને ભૂલી જવી પડશે...!! અને મારે પણ તને ભૂલી જવો પડશે...!! છૂટકો જ નથી, મારી પણ કંઈક મજબુરી હોય ને તું સમજતો કેમ નથી..?? " આનલ દેવને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી રહી હતી.
પણ, દેવ આ વાત ન તો માનવા તૈયાર હતો કે ન તો સ્વીકારવા તૈયાર હતો. તે ફરિયાદ કર્યે જતો હતો પરંતુ તેની ફરિયાદનું આનલ પાસે આજે કંઈજ આવે તેમ ન હતું, આનલે મક્કમપણે આ નિર્ણય લઈ લીધો હતો...!!
આનલ અને દેવ બંને કૉલેજમાં એકજ ક્લાસમાં સાથે જ ભણતાં,
દેવ સાથે તેની પહેલી મુલાકાત કૉલેજ કેમ્પસમાં જ થઈ હતી. નિરજા દેવની કઝિન સિસ્ટર અને મિનલની બેસ્ટ ફ્રેન્ડ હતી કૉલેજના પહેલા જ દિવસે નિરજાએ દેવ સાથે મિનલની ઓળખાણ કરાવી હતી. અને મિનલ અને આનલ પણ બેસ્ટ ફ્રેન્ડ હતાં, મિનલે આનલની ઓળખાણ દેવ સાથે કરાવી.આમ, બધાનું એક ગૃપ બની ગયું. બસ, પછી તો ફ્રી પિરિયડમાં, રીસેસમાં અને કોલેજમાંથી છૂટતી વખતે રોજ દેવને મળવાનું થતું. બંને વચ્ચે મિત્રતા થઈ અને હાસ્યની અદલાબદલી ક્યારે શબ્દોમાં પરિણમી, શબ્દોની વહેંચણી, લાગણીઓ અને વિચારોની વહેંચણી સુધી પહોંચી વિચારોની ગુણવત્તા અને સામ્યતા વ્યક્તિત્વ આકર્ષણ તરફ ઝૂક્યા અને બે સંવેદનાઓનો ઝુકાવ ક્યારે પ્રેમના સેતુમાં બંધાઈ ગયો તે વિચારવાનો સમય જ ક્યાં મળ્યો..?? બંને પ્રેમનાં સેતુથી જોડાઈ ગયા.
પણ બધાનો પ્રેમ ક્યાં પરિપૂર્ણતાએ પહોંચી શકે છે..?? દેવ અને આનલની સાથે પણ કંઈક એવું જ બન્યું...!!
આનલના પપ્પા આનલ દશ વર્ષની હતી ત્યારે જ એક એક્સિડન્ટમા ગુજરી ચૂક્યા હતા. આનલને તેનાથી નાનો સાત વર્ષનો એક ભાઈ પણ હતો. આનલ અને મિનલ બંને બાજુ બાજુમાં જ રહેતાં, આનલની આવી પરિસ્થિતિમાં આનલને આવી સારી સ્કૂલમાંથી ઉઠાડી લેવાની વાત આવી. પણ આનલ અને મિનલ બાળપણથી જ સારા મિત્રો હતાં, આનલ સ્કૂલે ન જાય તો મિનલ પણ સ્કુલમાં નહતી જતી. આનલના ઘરની પરિસ્થિતિ બગડી છે માટે તેને સ્કૂલમાંથી ઉઠાડી લેવાની વાતની જાણ મિનલને થઈ એટલે મિનલે જીદ પકડી કે આનલ સ્કૂલે નહીં જાય તો હું પણ સ્કુલમાં નહીં જવું.
મિનલની ઘરની પરિસ્થિતિ ખૂબજ સારી હતી તેમજ તે તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી હતી તેથી મિનલના મમ્મી-પપ્પાએ આનલની સ્કૂલની ફી ભરવાથી માંડીને તેના તમામ ખર્ચની જવાબદારી ઉપાડી લીધી.
બંને સાથે જ ભણ્યાં અને સાથે જ મોટાં પણ થયા. આનલને દેવ સાથે પ્રેમ હતો તે વાતની જાણ મિનલને ન હતી, મિનલને પણ દેવ ખૂબ પસંદ હતો તેથી કૉલેજના છેલ્લાં વર્ષમાં તેણે આ વાત આનલને પણ કરી અને પોતાની મમ્મીને પણ કરી.
મિનલના મમ્મી-પપ્પા મિનલને ગમતાં છોકરા સાથે જ મિનલનું સગપણ કરી અપવા તૈયાર હતા પણ દેવ આ વાત માનવા માટે તૈયાર ન હતો.
આનલની મજબુરી હતી, તે મિનલને અને તેના મમ્મી-પપ્પાને દુઃખ થાય તેમ કરવા માટે બિલકુલ તૈયાર ન હતી તેથી તેણે દેવને ખૂબ સમજાવ્યો અને તેને હંમેશ માટે છોડી દેવાનું અને કેનેડા ચાલ્યા જવાનું નક્કી કરી દીધું.
થોડા સમય બાદ આનલને કેનેડાના વિઝા પણ મળી ગયા, તે મિનલનું દેવ સાથે સગપણ કરાવીને, પોતાના પ્રેમનું સમર્પણ આપીને હંમેશ માટે કેનેડા ચાલી ગઈ....
~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ