રંગ પર્વ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગ પર્વ

આસુરી વૃત્તિ પર સદવૃતિનો વિજય

ભવિષ્યોતર પુરાણમાં કહેવાયું છે કે હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવ. માનવ જાતિના કલ્યાણ માટે થતો હોમ યજ્ઞ એટલે હોળી. અસદ વૃત્તિ પર સદવૃત્તિનો વિજય ઉજવવાનો અવસર હોળી. અને આ વિજય ગુલાલ ઉડાડીને ઉજવવાનો તથા વસંતમાં ખીલેલા કેસુડા થી સ્નાન કરવાનો ઉત્સવ એટલે ધુળેટી.
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ સાચા અર્થમાં તન મનના ચિકિત્સકો હતા, જેમણે પર્વ સાથે રોજિંદા જીવનને એટલું સરસ રીતે વણી લીધું હતું કે જેથી પ્રકૃતિના સ્વાગત સાથે રોજબરોજના જીવનમાં કંઈક રસપ્રદ થવાથી નવી તાજગી અનુભવી મનુષ્ય સુંદર રીતે જીવન જીવી શકે. આવા જ પર્વો- હોળી અને ધુળેટી બધા જ ધર્મોમાં કંઇક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
પુરાણ ગ્રંથમાં હોળકા શબ્દ નો અર્થ શેકેલું અનાજ. નવનનેશ્ટી જેવા પ્રાચીન યજ્ઞમાં જવ,ચણા ,ઘઉંની આહુતિ અપાતી. નવા પાકને સૌપ્રથમ અગ્નિમાં ચઢાવવાની પ્રથા જૂની છે. આજે પણ હોળીમાં શ્રીફળ ધાણી અને ચણા હોમાય છે, જે પૌષ્ટિક છે આ ઉપરાંત ગાયના છાણ માંથી બનાવેલ છાણાનો ઉપયોગ કરી પ્રગટાવેલી હોળી ની આસપાસ પ્રદક્ષિણા કરતા તેની જ્વાળા માંથી મળતો શેક વર્ષભર અનેક શારીરિક તકલીફોથી દૂર રાખે છે. જ્યારે કેસુડાનુ સ્નાન ગ્રીષ્મની ગરમીથી બચાવે છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ પુરાણમાં હિરણ્યકશિપુ અને પ્રહ્લાદ અને હોલીકા ની વાર્તા આપણા સૌ માટે જાણીતી છે. જેની ઊંડાણથી સમજ કેળવીએ તો અસદ વૃત્તિની હોલિકા બળીને રહે છે અને સદવિચાર સદભાવના દૈવી વૃત્તિ ધરાવતા પ્રહલાદ બચી જાય છે એમ આપણે પણ જીવનમાં વિકૃતિ, વ્યસન કુટેવો જેવી અસુરી વૃત્તિને હોળીમાં બાળી, સદવિચારો અને સદવર્તન રૂપી સદ વૃત્તિ કેળવવીએ તો જરૂર મનુષ્ય જીવન સાર્થક થઈ જાય છે.
આ ખરાબ વૃત્તિ માંથી છુટકારો મેળવવાનો આનંદ બીજા દિવસે ગુલાલ ઉડાડીને મનાવાય છે તે ધુળેટી.હળવા નિર્દોષ તોફાન મસ્તી કરી માનસિક થાક દૂર કરવાનું ને જીવનને ઉત્સાહિત કરવાનો ઉત્સવ એટલે ધુળેટી. આ દિવસે રંગોની ઉડાડીને એકબીજાને રંગીન કરી, મનનાં દુઃખો ને ભૂલી એકબીજા પ્રત્યેના વેરઝેરને ભૂલી જીવનને રંગીન બનાવવાનું આ પર્વ આપણને કહે છે કે જીવનમાં હંમેશ આનંદની લહાણી કરતા રહો. ઘરના વડીલો ને માત્ર તિલક નું શુકન કરીને ધુળેટી ઉજવવાની ની શરૂઆત થાય છે.તો સમ વયસ્કો સાથે મીઠી રકઝક,પકડા પકડી ને પછી એકબીજા પર રંગો ઉડાડી આ રંગ પર્વની ઉજાણી ખૂબ ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં થાય છે.રંગની પિચકારી,ફુગા,ટેન્ક વગેરે દ્વારા મિત્રવર્તુળમાં એકબીજાને ઓળખી પણ ન શકાય એ હદે પ્રેમથી રંગવાની ને રંગાવાની મજા જ કંઇક ઓર હોય છે.એ રીતે લાગણીના કે પ્રેમમાં ભીંજાઈ આખા વર્ષનો થાક ઉતરી ગયાનો તાજગીભર્યો અનુભવ સહુ કરતા હોય છે.
પહેલાના જમાનામાં તો માત્ર કોરા રંગો અને કેસુડાના પાણી વડે જ ધૂળેટી ઉજવાતી. સમયના બદલાવ સાથે પકા કલર વગેરેમાં ભળવાની સાથે કેટલીક વિકૃતિઓ પણ ભળી છે, જે પરંપરાગત સાંસ્કૃતિક પર્વની ઊજવણી ને ઝાંખપ લગાડે છે. જે અયોગ્ય છે.ત્વચાને નુકસાનકર્તા એવા કેમિકલ યુક્ત રંગો ને પાકા રંગોનો ઉપયોગ ન કરતા શક્ય તેટલો કોરા અને કુદરતી રંગો નો ઉપયોગ કરી,આ રંગ પર્વની અસલી સંસ્કૃતિ જાળવવા પ્રયત્ન કરીએ એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે.
માનવજીવનમાં પરંપરાગત રીતે ઉજવાતા તહેવારો ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે અને અર્થપૂર્ણ હોય છે. પણ આંધળું અનુકરણ કે અણ સમજપૂર્વક આચરણ કરતા તે વિકૃત બની જાય છે. આવું ન બને તે માટે આ ઉત્સવોનો સાચો અર્થ સમજી, અશ્લીલતાથી દૂર રહીએ સમજપૂર્વક આચરણ કરીએ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીએ. તો આજના જમાનાને અનુરૂપ તિલક હોળી નું મહત્વ પણ વધતું જાય છે કે જેમાં પાણીની બચાવવાની પણ વાત છે.આજની સહુથી મોટી જરૂરિયાત પાણી બચાવવાની છે.પાકા કે કેમિકલ રંગોથી ઉજવાતી ધુળેટી શરીરને નુકસાન કરવા સાથે પર્યાવરણને પણ નુકસાનકારક છે.સાથે એ રંગો શરીર પરથી દૂર કરવા વપરાતું પાણી ખૂબ વધુ વેડફાય છે. કુદરતી રંગોનો વધુ ઉપયોગ કરી, શક્ય હોય તો તિલક હોળી ઉજવી, સાચા અર્થમાં જિંદગીના બધા રંગો માણતા આ રંગ પર્વ મનાવીએ.
સદ વૃત્તિનું ઐક્ય સાધી,હોળી અને ધુળેટી નવી પ્રણાલી મુજબ અને આજના પર્યાવરણ અનુરૂપ ઉજવીએ તો સાચા માનવ અને નાગરિક ધર્મ બજાવ્યાનો સંતોષ જરૂર મળે.