નશો કર્યો લાગે છે મેં નહીં?
Thanks અને એ પણ કોરોનાને?
કેટકેટલી ખાનાખરાબી સર્જી આ કોરોનાએ અને thanks?
હા આજે આભાર માનવો છે કોરોના નો, કેમ જાણવું છે,? તો ચલો મારી સાથે માત્ર એક વર્ષ પાછળ.
ડીસેમ્બર 1999 , લગ્નગાળો, કેટકેટલા લગ્નો અને કેટકેટલા દેખાડા, મોંઘા પાર્ટીપ્લોટ અને ડેકોરેશન, મોંઘા માં મોંઘી થાળી અને વળી વધારે માં વધારે મહેમાન .
ખમતીધર માણસો પણ લાંબા થઇ જાય તેનામાં સાધારણ કુટુંબ તો આ દેખાડામાં ખુવાર થઇ જાય. કોરોનાએ બતાવ્યુ કે પચાસ માણસો ની હાજરીમાં પણ લગ્ન કરી શકાય.
કોરોના પહેલાં બહારનુ ખાવામાં પણ જાણે હરીફાઈ ચાલતી,નવી નવી હોટલો અને નવી નવી ડીશ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકી શું સાબિત કરતા આપડે?
કોરોના સમય દરમિયાન નવી ડીશ જાતે બનાવતા શીખ્યા, ઘરનું તાજુ અને સ્વાસ્થ્ય વર્ધક ખાતા શીખ્યું.
સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહી અને આપણને ઘરમાં ગાળવા માટે સમય મળ્યો, ભાઇ બહેન, માત પિતા સાથે પસાર કરેલો આ સમય એક મોટી ભેટ નથી શું? બાકી તો શ્વાસ લેવાનો પણ સમય ક્યાં હતો કોઈ ની પાસે!!
હા શ્વાસ પરથી યાદ આવ્યું કે શ્વાસ લેતાં પણ તો કોરોનાએ શીખવાડ્યું, બાકીતો ઉંડા શ્વાસ કે અનુલોમ વિલોમ કે પ્રાણાયામ માટે આપડી પાસે ક્યાં સમય હતો?
સૌથી મોટી વાત તો કોરોનાએ શીખવાડી તે માણસ ઓળખતા
નવાઈ ની વાત છે મુસીબત વખતે જ માણસની સાચી ઓળખ થાય, દાનવીર હોવાના દેખાવ કરતા માણસોમાંથી કેટલાય માત્ર પૈસા આપી છૂટી ગયા તો કેટલાંક પોતાના જીવનની પણ પરવા કર્યા વગર ગરીબો અને મજૂરો વચ્ચે રહી તેમને જીવનજરૂરિયાત ની ચીજ વસ્તુઓ પૂરી પાડતા રહ્યા. અમુક લોકોએ નોકરોને કાઢી મૂક્યા તો ક્યાંક માણસો નોકરી મૂકી ચાલી નીકળ્યા.
જેણે લોન લઈ ધંધા રોજગાર શરુ કર્યા હતા તેમની હાલત કફોડી થઇ અને ત્યારે તેમની આર્થિક અને કાનૂની સહાય કરનારા વિરલા પણ નીકળ્યા.
આજ સમયે મધ્યમ વર્ગ ની ભારે પરિક્ષા થઈ, ના દાન લઇ શકે અને ના કોઈ ને કહી શકે, અને એવા સમયે પણ ગરીબો માટે પાંચ દશ રોટલી બનાવી, શકય એટલું દાન કરનાર એ મધ્યમ વર્ગ ને સો સો સલામ.
તો ડોક્ટર, નર્સ ,પોલીસ અને સફાઈ કર્મચારીઓ પણ કેમના ભૂલાય!
જ્યારે કોરોના પેશન્ટ ને અડવા તેમના સગા પણ તૈયાર નહોતા ત્યારે આ સૌએ કરેલી તેમની કહેવાતી ડ્યુટી કોઇ સમાજસેવા થી ઓછી તો નથીજ, વિકટ સમયમાં તેમણે દાખવેલી ફરજનિષ્ઠા એ મને તેમના પ્રત્યે એક નવીજ નજર પાઠવી છે, જે કોરોના વગર ક્યાં શક્ય હતુ?
સૌથી અઘરો પાઠ ભણ્યા એ લોકો જે શિકાર બન્યા કોરોનાનો જેમણે . જ્યારે નાની અમથી બિમારીમાં
દસ વીસ સ્નેહીજન રોજ ખબર પૂછવા આવતા ત્યાં કોરોનામાં તો ઘરના લોકો પણ અંતર રાખવા લાગ્યા! કપાળ પર દિવસમાં દસવાર હાથ રાખીને તાવ તો નથીને એમ પૂછનાર સ્નેહીજનોને રૂમમાં પણ આવવાની મનાઇ કરનાર એ દર્દીઓને સલામ, અને મુશ્કેલ સમયે એકલા ઝઝૂમવાનો પાઠ શીખવનાર કોરોનાને શું કહેવું?
ઘણા કુટુંબ એવા હતા જ્યાં બહાર ના બધાજ કામ પુરુષો કરતાં, આવા ઘરમાં પુરુષને કોરોના થયા બાદ બહાર ના ઘણા કામ ઘરની સ્ત્રી અને બાળકોને માથે આવી ગયા અને તે લોકો શીખી પણ ગયા. તો ઘણા પુરુષો એવા હતા જેમણે જાતે પાણીનો ગ્લાસ પણ નહોતો ભર્યો તેઓ ઘરની સ્ત્રી ની બિમારીને કારણે રસોઇ બનાવતા પણ શીખી ગયા.
જે ઘરમાં કોરોનાના કારણે મૃત્યુ થયા, તેની ભરપાઈ તો કોઇ રીતે શક્ય નથી, અને તેના વિશે કશું પણ લખી શકુ એવી મારી લાયકાત પણ નથી, પરંતુ સારુ કે ખરાબ પણ સાચા સબંધો ની ઓળખાણ અને બચત તથા વીમાનુ મહત્ત્વ ચોક્કસ સમજાઇ ગયું
છેક છેલ્લી વાત,
કોરોના કોઇપણ વસ્તુઓ વિના અને સંબંધો વિના પણ જીવતા શીખવાડી ગયો, અઘરું છે પણ અશક્ય નહીં એ ઠોકી ઠોકીને સમજાવી રહ્યો.