કિંમત માનવતા ની!!! Alpa Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિંમત માનવતા ની!!!

કાવ્યા તેનો પતિ સુગમ અને નાનકડો પુત્ર ગીત, એક નાનુ ખુશહાલ કુટુંબ એક નાનકડા બંગલા મા વ્યસ્ત રહેતા હતા તેમનો અરસપરસ નો પ્રેમ અને વિશ્વાસ અન્ય કુટુંબો માટે દાખલારૂપ ગણાતો. સ્નેહ અને સંસ્કારો થી સમૃદ્ધ આ કુટુંબ સદા બીજાની મદદ માટે તૈયાર રહેતુ.


અચાનક વિશ્વ આખુ કોરોના ના ભરડામાં સપડાયું અને જુદા જુદા દેશોમાં લોકડાઉન જાહેર થવા લાગ્યું અને પરિણામે બાજુના બંગલામાં રહેતા મોટી ઉંમર ના કાકા કાકી જે એમના પુત્ર ને મળવા કેનેડા ગયા હતા તે તાત્કાલિક ધોરણે પાછા આવ્યા અને બીજા જ દિવસે ભારતમાં પણ લોકડાઉન જાહેર થયું. એકતો મોટી ઉંમર, જેટલેગ, ચાર મહિનાથી બંધ ઘર અને હવે રસોઇવાળા તથા કામવાળા બહેન પણ આવવાના બંધ થઈ જતા તે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ઘરમાં પૂરતુ અનાજ કરિયાણુ પણ નહોતુ.

આ બાબત ની ખબર પડતાં કાવ્યાએ તેમના ઘરમાં થોડી ઘણી સફાઇ કરી આપી અને બે ટાઇમ ની રસોઈ આપવાનુ ચાલુ કર્યું, સુગમે પણ બજારમાંથી જરૂરી સામાન અને તૈયાર નાસ્તા લાવી આપ્યા. બેજ દિવસમાં બંને કુટંબ વચ્ચે અવરજવર ખૂબ વધી ગઈ, નાનકડો ગીત પણ ત્યાં જતો આવતો થઈ ગયો.
પણ અચાનક પાંચ દિવસ પછી એ બંગલામાં ફરી તાળુ લાગી ગયું, કાવ્યા અને સુગમને તે લોકો અચાનક કંઇ કીધા વગર જતાં રહ્યાં તેથી દુઃખ થયું, પણ પાછા પોતાના માં વ્યસ્ત થઈ ગયા.
બેજ દિવસ પછી કાવ્યા ને તાવ અને અશક્તિ આવી, દવા લેવા ગયાં તો ડોક્ટરે કોરોનાટેસ્ટ કરાવવાની સલાહ આપી, બંને પર અચાનક આભ તૂટી પડ્યું અને કાવ્યાને કોરોના પોઝિટિવ આવ્યો, હવે તે લોકોને બાજુના બંગલામાં લાગેલ તાળા વિશે સમજણ પડી ગઈ અને જીંદગીમાં પહેલીવાર કોઈ ને મદદ કરવા માટે અફસોસ થયો.
ડોક્ટરે સુગમ અને ગીત ના પણ ટેસ્ટ કરાવવાની સલાહ આપી પણ એકવાર કાવ્યા ને દાખલ કરી પછી ટેસ્ટ કરાવીશુ કહી વાત ટાળી દેવામાં આવી.
કાવ્યા હોસ્પિટલમાં દાખલ થઈ અને સુગમ અને ગીત સાથે ફોન થી વાતો કરતી રહી, દાખલ થયાના
બે દિવસ પછી સુગમનો ફોન આવ્યો કે તેને અને ગીત ને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે અને તે લોકો પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, બીજા બે દિવસ સુધી ફોનમાં વાત થતી રહી પરંતુ ત્યાર બાદ સુગમના ફોન આવતાં બંધ થઈ ગયા અને કાવ્યાએ ફોન કર્યા તો સુગમે ઉપાડ્યા નહીં, પછીતો સુગમ નો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યા .આમજ દવાખાનામાં દાખલ થયે કાવ્યાને 12 દિવસ થઈ ગયા અને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી, સુગમ અને ગીત ના વિચારો કરતી કાવ્યા જ્યારે એમ્બ્યુલન્સ વાનમાં ઘરે પરત આવી ત્યારે બાજુના પડોશી તેના ઘરની ચાવી દૂરથીજ નાખીને પાછા ઘરમાં જતા રહ્યા અને દરવાજો પણ બંધ કરી દીધો.
ઘરમાં દાખલ થતાં જ કાવ્યા ફસડાઇ પડી! એક તરફ પતિ અને પુત્ર ના હોસ્પિટલ માંથી સમાચાર નથી અને બીજી તરફ આ પાડોશીઓ કે જે એક સમયે કાવ્યાબેન સુગમભાઇ કરતાં થાકતા નહોતા તેમનો સાવ અજાણ્યા જેવો વહેવાર, રડતા રડતા ક્યારે આંખ લાગી ગઈ ખબરજ ના પડી, જાગી ત્યારે રાત ના બે વાગ્યા હતા. હવે ભૂખ પણ લાગી હતી,ધરમાં દૂધ તો હતુ નહીં કે ચા, કોફી કરી પી શકાય, થોડી વાર એમજ બેસી રહી અને પછી ખીચડી બનાવી ખાઇ લીધી.
આંખોમાં હવે ઉંધ પણ નહોતી અને આંસુ પણ જાણે સુકાઇ ગયા હતા.
ફેમિલી ફોટોગ્રાફ ને હાથમાં લઇ સવાર પડવાની રાહ જોઈ રહી.
સવારે ઘરની સાફસૂફી કરી, દૂધ અને શાકભાજી લઇ આવી, પછી નાહી તૈયાર થઈ પતિ પુત્ર ને દાખલ કર્યા છે તે હોસ્પિટલ જવા નીકળી. પોતાના જાણીતા રસ્તા પણ અજાણ્યા લાગતા હતા જાણે. સદા ધમધમાટ જોવા મળતા તેવા રસ્તાઓ ભેંકાર લાગતા હતા અને એકલદોકલ માણસ પણ માંડ જોવા મળ્યા.
હોસ્પિટલના રિસેપ્શન પરથી જાણવા મળ્યું કે સુગમને આજે સાંજે સાડા પાંચ વાગ્યે રજા આપવામાં આવશે, હરખ ની મારી કાવ્યા ગીત વિશે પૂછવાનું ભૂલી ગઈ અને માનીજ લીધુ કે સુગમ ની સાથે સાથે ગીત પણ ઘરે પરત આવી જ જશે!
હમણાંજ થયેલી બિમારી અને સવારના સતત કરેલી દોડધામ ના લીધે ખૂબ થાકી હોવા છતાં કાવ્યાએ સાંજે ગીત અને સુગમની ભાવતી રસોઇ બનાવવાનુ નક્કી કરી અત્યારે ચા બિસ્કિટ ખાઇ લીધા અને સાંજની રાહ જોવા લાગી, જાણતી હોવા છતાં કે સાડા પાંચ વાગ્યે રજા આપે તો ઘરે પંહોચતાજ સાડા છ થઇ જાય, સાડા પાંચ વાગ્યે તો રસોઇ પતાવી ઓસરીમાં આવીને રાહ જોવા લાગી. એક એક મિનિટ જાણે કલાકો જેટલી લાગતી હતી. આખરે છ વાગ્યે ને પાંત્રીસ મિનિટે એમ્બ્યુલન્સ ઘર પાસે આવીને ઉભી રહી અને એમાંથી સુગમ બહાર આવ્યો, કેટલો થાકેલો લાગતો હતો એ, વાળ અને દાઢી વધી ગયા હતા અને આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા, ગાલ પણ અંદર ઉતરી ગયા હતા. એવુ લાગતુ હતુ જાણે અચાનકજ સુગમની ઉંમર બે દસકા વઘી ગઈ છે, કાવ્યાની આંખો ગીત ને શોધી રહી!

અને એમ્બ્યુલન્સ જતી રહી!

કાવ્યા દોડતી સુગમ પાસે પંહોચી થોડીક ક્ષણો માટે સુગમને જોયાજ કર્યુ અને અચાનક તેના ગળામાંથી ચીસ નીકળી...., "ગીત ! ગીત ક્યાં છે?? "
સુગમ ફસડાઇ ને રડી પડ્યો, થોડીક ક્ષણો એમજ પસાર થઈ અને પછી સુગમ દોડીને ઘરમાં ઘૂસી ગયો અને તરત જ પોક મૂકીને રડી પડ્યો, તેનુ રુદન બંધ થવાનુ નામ નહોતુ લેતુ અને કાવ્યાનુ મન અનેક આશંકા થી ગભરાઈ રહ્યુ. અને અચાનક જ કાવ્યા પણ રડવા લાગી, થોડા સમય બાદ સુગમે ધ્રૂસકા ભરતાં ભરતાં જણાવ્યું કે જે દિવસે ફોન ઉપાડવાનુ બંધ કર્યું એ દિવસે જ ગીત નું અવસાન થયું હતું અને તેની અંતિમવિધિ પણ કોણે કરી તે ખબર નથી। બંને જણ પુત્ર ના શોક માં અને અંતિમ વાર પુત્ર નુ મોઢુ પણ ના જોઇ શક્યા નો વિલાપ કરી રહ્યાં.
થોડા દિવસો આમજ પસાર થયા અને એક સવારે કાવ્યાએ સુગમને કહ્યુ, " આપણે ગીત ને તો ખોઇ ચૂક્યા પણ હવે બીજા કોઈ ને આવુ દુઃખ ના પડે તેના માટે તો કામ કરીજ શકીએ ને'? "
સુગમ જાણે એની વાત સમજી ગયો.
આજે સુગમ અને કાવ્યા ઘરે ઘરે ફરીને લોકો ને કોરોના અંગે જાગૃત કરે છે અને વિનંતી કરે છે કે જો કોઈ ને પણ કોરોના થાય તો સંપર્કમાં આવનાર દરેક ને ખબર કરે ,જેથી તે લોકોને સાવચેતી રાખવાની અને રીપોર્ટ કરાવવાની ખબર પડે અને કોઈ પણ પોતાના સ્વજનોને ના ખોવે!
દિવસ તો આખો તેમા પસાર થઈ જાય છે, પરંતુ રાત્રે ઘરે પરત આવતાજ ગીતની યાદો આંખ માંથી આંસુ લાવી દે છે અને મોઢામાંથી સરી પડે છે જો બાજુ વાળા કાકા કાકી ને માનવતા ના દાખવી , મદદ ના કરી હોત તો ગીત કદાચ જીવતો હોત ।

શું આ જ હતી કિંમત માનવતાની?