નરેશને મીરાં ફોટામાં જ ગમી જાય છે. બધાને નરેશની બધી સ્ટાઈલ, એનો અંદાજ અને એનું મળતાવડાપણું ગોઠી જાય છે. રાજુભાઈ થોડા વિચારમાં હતા પણ મીરાં એમની નજર સામે જ રહેવાની છે એ વિચારે હા પાડે છે.મીરાં અને નરેશ બહાર બગીચામાં ઝુલે બેસી એકબીજાને પોતાની વ્યક્તિગત વાતચીત કરી આગળ શું નિર્ણય લેવો એ વિશે મંથન કરી રહ્યા છે. ત્યાં જ નરેશ અચાનક જ મીરાંને કોઈ દોસ્તની વાત કરી ઉશ્કેરે છે. હવે આગળ...
નરેશે મીરાંને એના કોઈ જૂના દોસ્તની વાત કરી. મીરાં તો સ્તબ્ધ થઈ ગઈ કે આ નરેશ કોની વાતો કરી રહ્યો છે? હકીકતમાં એને તો કોઈ સાથે એવી દોસ્તી જ ન હતી. નરેશ તો પાછો બોલવામાં સ્પષ્ટ જ હતો એટલે એ તો આ વાત કરી મલકાતો હતો મીરાંની સામે જોઈને.
મીરાં પૂછે છે ' પ્લીઝ, મને કહો આપ કોની વાત કરી રહ્યા છો? આપણા વચ્ચે ગેરસમજ રહે અને વાતનું વતેસર થાય એવું પછી ન ગમે.'
નરેશ : " મને જરા પણ પ્રોબ્લેમ નથી મેડમજી, હું એમ કહું છું." ( બેય હાથને માથા પર મૂકીને)
મીરાં : " અરેરેરે, મને પણ જાણ હોવી જોઈએ ને કે મારી સાથે કોણ કોણ જોડાવા માંગે છે દિલથી ! ( આમ કહી હસે છે.)
નરેશ : " એ તો હું એક જ જોડાઈશ પણ એ તો -"
મીરાં : " હદ થઈ હવે તો..નામ આપી દો અથવા હું એ જે કોઈ હશે એને ખુદ મળી લઈશ."
નરેશ : " એ અત્યારે પણ તમારી સાથે જ છે. બોલો શું કરશો તમે એનું."
મીરાં : " શું ?"
નરેશ એના હાથની હથેળી તરફ ઈશારો કરતા કહે છે..'આ કાન્હાજીનું પ્રેમપ્રતિક'
મીરાં જોવે છે કે નરેશ મોરપંખનું કહી રહ્યો હતો. એ તરત જ હાથને દુપટ્ટામાં છુપાવી દે છે અને કહે છે એના પર ફક્ત મારો જ હક રહેશે. નરેશ હસે છે અને આંખો નચાવતા કહે છે કે "એમ?"
બન્ને હસતા હસતા હોલમાં પ્રવેશે છે. બધા સમજી જાય છે કે ગોળધાણા ખાવાની તૈયારી કરવાની જ રહી. મીરાં પોતે સંધ્યાની બાજુમાં બેસી જાય છે. નરેશ તો હવે આ જ ઘરનો સભ્ય હોય એમ જ મુક્ત મને વાત કરી રહ્યો હતો. મીરાંના પપ્પાએ વાતચીત કરતા કરતા ઈચ્છા જણાવી કે નરેશ એના પપ્પા સાથે પણ વાત કરાવે ફોન દ્રારા.
નરેશે આ વાત સાંભળતા જ પોતાનો મોબાઈલ ગજવામાંથી કાઢીને સીધો એના પપ્પા સાથે જોડાયો. વિડિયો કોલ કર્યો એટલે મીરાંનો પરિવાર પણ જોઈ શકે એમને. બે રીંગ પૂરી થયા પછી ફોન ઊંચકાય છે. સામે દેખાતી વ્યક્તિ વૃદ્ધ અને અશક્ત દેખાતી હતી. એણે નરેશ સાથે નોર્મલ વાત ચાલુ કરી.
નરેશ : " પપ્પા, હું તમને આજે સવારે રાજુકાકાની વાત કરતો હતો ને ! અત્યારે એમની ઘરે છું."
વૃદ્ધ : " હા, સરસ સરસ...દીકરા, બધાને જય શ્રીકૃષ્ણ કહેજે મારા."
નરેશ : " પપ્પા, રાજુકાકાના મોટાભાઈ આપની સાથે વાત કરવા માંગે છે."
ફોન રાહુલભાઈ સમક્ષ ધરતો નરેશ એમના પગ પાસે ગોઠણવાળીને બેસી જાય છે. મીરાંને આ સ્ટાઈલ તો બહુ જ ગમી. એ સંધ્યા સામે જોઈને શરમાઈ જાય છે.
રાહુલભાઈ : "જય શ્રી કૃષ્ણ "
વૃદ્ધ : "તમને પણ ઝાઝેરા જય શ્રી કૃષ્ણ."
રાહુલભાઈ : "તબિયત બરાબર નથી કે શું ?"
વૃદ્ધ : " ઉંમર હવે રંગ દેખાડે છે."
રાહુલભાઈ : " આ તમારો નરેશ અમને ગમી ગયો છે. આપ પણ મીરાં એટલે મારી દીકરીને મળી લો. ( આમ કહીને મીરાં સામે ફોન રાખવાનો ઈશારો કરે છે નરેશને)
નરેશે મીરાં સામે ફોન રાખ્યો એટલે મીરાંએ પણ બે હાથ જોડી નમસ્તે કર્યાં. વૃદ્ધે બેય હાથથી આશિર્વાદ આપવા જતા હતા ત્યાં ફોન પરનું દ્રશ્ય ચોંટી ગયું. નેટવર્ક જતું રહ્યું હતું. બધાએ આ ફોટો જોયો અને મીરાંને કહ્યું. "આશિર્વાદ મળી ગયા."
નરેશે તરત જ વોઈસકોલ કર્યો. જેવો ફોન ઊંચકાયો ત્યાં જ રાજુભાઈએ ફોન લઈને વાત ચાલુ કરી.
વૃદ્ધ : " દીકરી નરેશને ગમી હોય પછી કોને પુછવાનું હોય."
રાજુભાઈ : " વડીલ, તમે આવો તો આપણે ગોળધાણાનો સમય એ રીતે નક્કી કરીએ."
વૃદ્ધ : " હું તો કશે નિકળતો જ નહીં. આપ લોકોએ જે કરવાનું હોય એ વિધી કરી લો. રૂહી તો છે જ અમારી ત્યાં. લગ્ન સમયે મોટો દીકરોને એ આવશે."
રાજુભાઈ : " એમ થોડું ચાલે ? દીકરો પરણે ને આપ ત્યાં -"
વૃદ્ધ : "તો અહીં ગોઠવો લગ્નનું. મારે અહીં બહુ મહેમાનની નોતર ગોઠવવી છે. તો સચવાઈ જાય. જો ત્યાં ગોઠવો તો ખર્ચો અમારો બચી જાય. પાંચ વ્યક્તિ ત્યાં આવે તો બધું પાર પડી જાય. મારે અહીં કોઈ ક્યાં કરે એમ છે? નરેશને રહેવાનું પણ ત્યાં જ છે એટલે આવવું અને જવું.. બહુ શું લાંબુ થાય.."
રાજુભાઈ બોલ્યા , " તો હવે અમે જ વિચારીએ કંઈક."
જોઈએ હવે આગળ આ સંબંધ ટકશે કે તૂટશે એ વૃદ્ધના આવા શબ્દોથી..
---------- (ક્રમશઃ) ---------
લેખક : શિતલ માલાણી"સહજ"
જામનગર
૧૪/૧૧/૨૦૨૦