અસમંજસ - 10 Aakanksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસમંજસ - 10

આપણે આગળનાં ભાગમાં જોયું કે સૌમ્યાનાં મમ્મી-પપ્પા મેઘાને મળવાં આવે છે.! મેઘાને સૌમ્યાની આખી હકીકત જાણવા મળે છે. હવે, મેઘા કેવી રીતે આનો પ્રતિભાવ આપશે...??!! વિડિઓ કોણે વિશાલને મોકલ્યો હતો એ મેઘા જાણી શકશે કે નહી???!!!

ચાલો જાણીએ આગળ.......


મેઘા અચંબિત થઈ ગઈ હતી. આ બધું જાણ્યાં પછી થોડીવાર તો એ કંઈ જ બોલી ના શકી. થોડીવાર રહીને સૌમ્યાનાં મમ્મી બોલ્યાં, "હવે અમે જઈએ." આ સાંભળતાં જ મેઘાની આંખોમાં ચમકારો થયો અને બોલી, "આ બધું તમારું જ છે અને તમે જ એને મૂકીને જતાં રહેશો.! આમ પણ હું હવે સાવ એકલી થઈ ગઈ છું. તમે મારી સાથે રહેશો તો મને જીવન જીવવવાની એક આશા મળશે. તમે હવેથી મારી સાથે અહીંયા જ રહેજો".


મેઘાએ એમના જવાબની રાહ જોયાં વગર તરત જ ડ્રાઈવરને બોલાવીને કહ્યું, "તમે આમની પાસેથી એડ્રેસ લઈ લો અને એમનો બધો જ સામાન ગોઠવીને સરસ રીતે સંભાળીને અહીંયા લઈ આવો." આ સાંભળીને સૌમ્યાનાં પપ્પા બોલ્યાં, "પણ બેટા...આની કોઈ જ જરૂરત નથી." મેઘા ચહેરાં પર મંદ હાસ્ય સાથે બોલી, "તમને નથી જરૂરત પણ મને તો છે ને." આ સાંભળીને વૃદ્ધ દંપતિ અને મેઘા ત્રણેય હસી પડ્યાં. વિશાલનાં ગયાં બાદ આજે પહેલીવાર મેઘા આટલી ખુશ હતી. ત્રણેય સાથે રહેવાં લાગ્યાં. આમ ને આમ મહિનો પસાર થઈ ગયો.


મેઘાએ એનાં મમ્મી - પપ્પાને પણ આ હકીકત જણાવી દીધી . તેઓ પણ ખુશ હતાં કારણ કે, હવે મેઘા એકલી તો નહિ રહે. મહીનો પસાર થઈ જતાં મેઘા એકવાર રાત્રે એની રૂમમાં પૈસા અને ઑફિસનો હિસાબ-કિતાબ કરવાં બેઠી એને જોયું તો વિશાલનાં ગયાં બાદ બિઝનેસમાં ઘણું નુકસાન થયું હતું. અત્યારે તો બિઝનેસ વિશાલનો મેનેજર અમન જ સંભાળતો હતો. મેઘા ખૂબ જ ચિંતામાં આવી ગઈ. સવારે મેઘાએ આ વાત સૌમ્યાનાં મમ્મી - પપ્પાને કહી. તેઓ એ મેઘાને સમજાવતાં કહ્યું કે એને હવે બિઝનેસ સંભાળી લેવો જોઈએ.


મેઘા આ વાતને નકારતાં બોલી, " પરંતુ મને કંઈ જ આવડતું નથી અને મને કંઈ સમજ પણ નથી પડતી. સૌમ્યાનાં પપ્પા બોલ્યાં, "હું તને બધું જ સમજાવીશ તું ફકત મારી સાથે ઑફીસ આવજે." મેઘાએ હકારમાં માથું હલાવ્યું અને એનાં રૂમમાં જતી રહી. બીજાં દિવસે મેઘા વ્હાઇટ શર્ટ, શર્ટ ઉપર ગ્રે રંગનું બ્લેઝર અને બ્લેક પેન્ટ, બ્લેક શૂઝ સાથે હળવો મેકઅપ કરીને વાળની ઊંચી પોની ટેઈલ બાંધી,હાથમાં ટાઇટનની વોચ પહેરીને નીચે આવી. આ ટાઇટનની વોચ વિશાલે મેઘાને ગિફ્ટમાં આપી હતી એટલે મેઘાએ ખાસ આજે આ પહેરી હતી. મેઘા આ ફોર્મલ લૂકમાં ખરેખર સુંદર લાગતી હતી.


નીચે આવી ત્યારે સૌમ્યાનાં મમ્મીએ એનાં વખાણ કરતાં કહ્યું, "ખરેખર ખૂબ જ સુંદર લાગે છે. હવે તું ત્યાં બરાબર ધ્યાન આપજે અને ફટાફટ બધું શીખી જજે." મેઘા બંનેને પગે લાગી અને સૌમ્યાનાં પપ્પા સાથે કારમાં ઑફીસ જવા નીકળી. ઑફીસમાંં બધાં મેઘાનાં આવવાથી ખુશ હતાં. કારણ કે, સૌ કોઈ મેઘાનાં સૌમ્ય સ્વભાવથી પરિચિત હતાં, પરંતુ અમન મેઘાનાં ઑફીસમાં આગમનથી ખુશ નહોતો. મેઘા હવે દરરોજ ઑફીસ આવવાં લાગી અને પંદર જ દીવસમાં મેઘા ઘણું બધું શીખી પણ ગઈ. હવે મેઘા એકલી જ ઓફિસે આવતી અને બધું જ સંભાળી લેતી.


આમને આમ બે મહિના વીતી ગયાં. અમન મેઘાનાં આવવાથી જરા પણ ખુશ નહોતો તેથી એ હંમેશા મેઘા પર ગુસ્સે રહેતો. એને લાગતું , "એક સ્ત્રી ક્યારેય મારી બોસ નાં જ હોવી જોઈએ અને આમ પણ એના આવવાથી મને હવે બધું જ એને પૂછીને કરવું પડે છે એટલે હવે હું મારાં ફાયદાનાં કામ નથી કરી શકતો." અમન આ બધું વિચારવા છતાં કંઈ જ કરી શકતો નહોતો. એકવાર કામ વધારે હોવાનાં કારણે મેઘા અને અને અમને રાત્રે મોડાં સુધી ઑફિસમાં રહેવું પડ્યું. ઑફિસમાં ફકત મેઘા અમન જ હતા,નીચે ફકત એક સિક્યોરિટી ગાર્ડ હતો. મેઘા એની કેબિનમાં એનું કામ કરતી હતી અને અમન એની સામેની ચેરમાં બેઠો હતો. અમન પણ એનું કામ કરતો હતો. વચ્ચે-વચ્ચે જ્યાં મેઘાની પરવાનગી લેવાની હતી એ બાબતે એ ચર્ચા કરતો જતો હતો.


રાત્રે દસ વાગવાં આવ્યાં. અમનને દરરોજ રાત્રે દસ વાગ્યાના સમયગાળામાં આલ્કોહોલ પીવા જોઈએ જ નહિ તો એની નસો ખેંચાતી હોય એવું એને લાગતું. આજે મોડાં સુધી કામ હતું એટલે એને એનો બંદોબસ્ત પહેલાંથી જ કરી રાખ્યો હતો. અમન ફાઈલ શોધવાનાં બહાને એની કેબિનમાં ગયો અને લગભગ અડધો કલાક પછી એ નશાની હાલતમાં લથડિયાં ખાતો બહાર આવ્યો. મેઘાની કેબિનમાં આવીને સીધો મેઘાને ગાળો બોલવાં લાગ્યો. મેઘા તો અમનનમાં આ સ્વરૂપથી એકદમ સ્તબ્ધ થઈ ગઈ. અમન બેફામ ગાળો બોલતો હતો. મેઘા એને જવાબ આપી શકે એ સ્થિતિમાં જ નહોતી.


અમનને ગાળો બોલતાં બોલતાં બોલતાં ભાન ના રહ્યું કે એ શું બોલી રહ્યો છે. "તું કેવી છે યારર...તારાં જૂનાં પ્રેમી સાથે મળીને તારાં પતિની જાસૂસી કરાવતી હતી.!! કૉલેજ સમયથી વિશાલ હંમેશા મારી સાથે રહેતો અને મારાથી પણ ઓછું ભણતો એનાં ઓછાં માર્કસ આવતાં છતાં હું એનો નોકર બનીને રહી ગયો હતો એટલે મેં જ તારો અને રોહનનો વિડિઓ બનાવીને વિશાલને મોકલ્યો હતો. એ રાત્રે વિશાલનાં ગાડીની બ્રેક ફેઈલ પણ મેં જ કરી હતી. આ બધું મેં ફક્ત આ કંપનીનાં માલિક બનવાં માટે કર્યું હતું, પણ સાલી ઔરત જાત તું....તું મારી બોસ બનીશ એમ...આ...થું...!!" અમન લથડિયાં ખાતાં ખાતાં બોલ્યો. મેઘા કંઈ ના બોલી અને ત્યાંથી પોતાનું પર્સ અને ફૉન લઈને બહાર નીકળી ગઈ. અમન બૂમો પાડતો-પાડતો એની પાછળ ભાગ્યો પરંતુ નશાની હાલતમાં એનાથી ભગાયું નહિ.


#__________________*__________________#


મેઘા અમનની સાચી હકીકત જાણ્યાં પછી શું કરશે?!*____* રોહન ક્યાં ગયો હશે??!!*____*




*_________________જાણો આગળનાં ભાગમાં...________________*