અહંકાર - 16 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર - 16

અહંકાર – 16

લેખક – મેર મેહુલ

પાંચને સત્તરે જીપ ‘બેન્ક ઓફ શિવગંજ’ બહાર આવીને ઉભી રહી હતી. જીપમાંથી એકસાથે ચાર વર્દીધારીઓને ઉતરતાં જોઈને બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. ચારેય લોકો જીપમાંથી ઉતરીને કોમ્પ્લેક્ષનાં સાઇડનાં રસ્તે થઈને બીજા માળનાં દાદરા તરફ ચાલી. કાફલામાં જયપાલસિંહ સૌથી આગળ હતો. દાદરો ચડીને એ બીજો માળ ચડ્યો. સામે ‘બેન્ક ઓફ શિવગંજ’ નો લૉન ડિપાર્ટમેન્ટ હતો. પારદર્શક કાચનાં પાટેશનવાળા દરવાજા લોકોનું ટોળું ઉભું હતું. જયપાલસિંહ દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો.

“શું થયું ?” એક વ્યક્તિને ખભે હાથ રાખીને જયપાલસિંહે પૂછ્યું.

“એક મેડમ છેલ્લી અડધી કલાકથી વોશરૂમમાં છે, બધા દરવાજો ખખડાવે છે પણ મેડમ દરવાજો નથી ખોલતાં..”

“બધા દૂર હટો…પોલીસ આવી ગઈ છે” જયપાલસિંહે મોટા અવાજે ટોળાને વિખતાં કહ્યું. જયપાલસિંહનો અવાજ સાંભળીને બધાનું ધ્યાન એ તરફ ગયું. દરવાજા પાસે ઉભેલો કેતન માંકડ આગળ ચાલીને જયપાલસિંહ પાસે આવ્યો.

“ઇન્સ્પેક્ટર.., માનસી છેલ્લી અડધી કલાકથી વિશરૂમમાં છે અને છેલ્લી દસ મિનિટથી અમે દરવાજો ખખડાવીએ છીએ પણ એ કોઈ જવાબ નથી આપતી..”

કેતન માંકડની વાત સાંભળીને જયપાલસિંહ અમુક વાતો સમજી ગયો હતો. માનસી શા માટે છેલ્લી અડધી કલાકથી શા માટે વિશરૂમમાં હતી અને શા માટે દરવાજો નહોતી ખોલતી એ પણ જયપાલસિંહ જાણતો હતો.

“માનસી દરવાજાની ચાવી સાથે લેતી ગઈ છે ને ?” જયપાલસિંહે પ્યુન તરફ જોઈને પૂછ્યું.

“હા, સાહેબ..” અરવિંદભાઈએ કહ્યું.

“ફટાફટ કોઈ કારીગરને બોલાવો..” જયપાલસિંહે કહ્યું, “માનસીએ સ્યુસાઈડ એટેમ્પટ કર્યું છે”

“શું ?” કેતન માંકડે ચોંકીને પૂછ્યું.

“હા, એ બધી વાતો પછી જણાવીશ પણ એ પહેલાં દરવાજો ખોલવાની વ્યવસ્થા કરો..”

“મારી પાસે એક કારીગરનો નંબર છે, એ અહીં બાજુમાં જ કામ કરે છે” કહેતાં સિક્યુરિટી ગાર્ડ ખોડીદાસે ગજવામાંથી ફોન કાઢ્યો અને કારીગરને કૉલ લગાવ્યો.

પાંચ મિનિટમાં કારીગરી પોતાની સાધન સામગ્રી સાથે હાજર થઈ ગયો. ડ્રિલ મશીન વડે તેણે દરવાજાનો લોક તોડી નાંખ્યો. જયપાલસિંહ દરવાજાને ધક્કો મારીને વિશરૂમમાં પ્રવેશ્યાં. વોશરૂમમાં મોઢું ધોવાનાં રમકડાં પાસે, બાથરૂમનાં દરવાજે ટેકો દઈને માનસી બેઠી હતી. તેનાં બંને હાથ વિરૂદ્ધ દિશામાં ફેલાયેલા હતા, ગરદન ડાબી બાજુએ ઢળી ગયેલી હતી. માનસીએ કટર વડે ડાબા હાથની નસ કાપી નાંખી હતી. તેનાં ડાબા હાથમાંથી નીકળતું લોહી અને જમણા હાથમાં રહેલી કટર આ વાતની સાબિતી આપતી હતી.

“કોઈ અંદર ના આવતાં..” દરવાજા પર ટોળું વળેલાં લોકો, જે અંદર આવવા ધક્કામુક્કી કરી રહ્યા હતાં તેઓને અટકવતાં જયપાલસિંહે કહ્યું.

“દિપક…બધાને દૂર ખસેડ..” કહેતાં જયપાલસિંહ માનસી પાસે ઉભડક બેઠો. જયપાલસિંહે માનસીનાં ડાબા હાથ પર નજર ફેરવી, ત્યારબાદ માનસીનાં નાક પાસે એક આંગળી રાખીને તેનાં શ્વાસ ચાલે છે કે નહીં એ તપાસ્યું. માનસીનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું, એ વાત જયપાલસિંહ સમજી ગયો હતો. તેણે ઉભા થઈને દીપકને એમ્બ્યુલન્સ બોલાવવાની સૂચના આપી દીધી.

“મી. કેતન માંકડ,તમારી બેન્કની એમ્પ્લોયે સ્યુસાઇડ એટેમ્પટ કર્યું છે” જયપાલસિંહે કેતન માંકડને ખબર આપી.

“ઓહહ..” કેતન માંકડે નિઃસાસો નાંખ્યો, “આ સ્યુસાઇડ પણ હાર્દિકનાં મર્ડર સાથે જ જોડાયેલું છે એવું મને લાગે છે”

“હા, માનસીએ જ હાર્દિકનું મર્ડર કર્યું હતું. એ વાતનાં અમને પુરાવા મળ્યા એટલે અમે માનસીની ધરપકડ કરવા આવ્યા હતા પણ એ પહેલાં માનસીએ…”

“સર…” નેહાએ કેતન માંકડને ઉદ્દેશીને કહ્યું, “માનસીનાં ડેસ્ક પરથી આ કાગળો મળ્યા છે, તમારે વાંચવા જોઈએ”

“સ્યુસાઇડ નોટ છે ?” જયપાલસિંહે નેહાને પૂછ્યું. નેહાએ હકારમાં માથું ધુણાવ્યું. જયપાલસિંહે નેહાનાં હાથમાંથી કાગળો લીધા અને કેતન માંકડ સાંભળે એવી રીતે વાંચવાનું શરૂ કર્યું,

“હું માનસી ઓઝા, આત્મહત્યા કરવા જઈ રહી છું. થોડીવાર પહેલા નયનાનો કૉલ આવ્યો હતો અને તેણે પોલીસ પૂછપરછ કરવા આવી હતી અને હાર્દિકનું મર્ડર થયું એ રાત્રે હું બહાર ગઈ હતી એ વાતની જાણ પોલીસને થઈ ગઈ છે એવું જણાવ્યું હતું.

હા, મેં જ હાર્દિકનું મર્ડર કર્યું છે. પણ મેં હાર્દિક એકલીએ હાર્દિકને નથી માર્યો. હું જ્યારે હાર્દિકને મારવાનાં ઈરાદાથી તેની પાસે પહોંચી ત્યારે કોઈએ અગાઉથી જ તેનું ગળું કાપી નાંખ્યું હતું. મેં તો માત્ર તેનાં મૃતશરીર પર સળિયો ભોંકીને ભાડાસ બહાર કાઢી હતી.

હાર્દિકને હું ખૂબ જ પ્રેમ કરતી હતી. એનો પડ્યો બોલ હું જીલતી. એ મને સ્ટોરરૂમમાં આવવા ઈશારો કરતો તો હું કંઈ પણ વિચાર્યા વિના દોડી જતી અને અમે બંને શારીરિક મર્યાદા પણ વટાવી લીધી હતી. બે મહિનાનાં શારીરિક સંબંધ હાર્દિકને મારામાંથી રસ ઉડી ગયો હશે એટલે તેણે મારી સાથે વાતો કરવાનું બંધ કરી દીધું અને બીજી છોકરીઓ પાછળ પડી ગયો. એ ઠરકી અને હવસખોર હતો એની જાણ મને પહેલેથી જ હતી પણ મને લાગ્યું એ સમય સાથે સુધરી જશે પણ એ ના સુધર્યા.

હાર્દિક પોતાનાં ફોનમાં મારા નગ્ન ફોટા પાડ્યા હતાં અને જ્યારે પણ તેને હવસ સંતોષવાની ઈચ્છા થતી ત્યારે એ આ ફોટા દ્વારા મને બ્લેકમેલ કરીને પોતાનાં રૂમે બોલાવતો. એ મને અઠવાડિયામાં બે-ત્રણ આવી રીતે બોલાવતો. હું પણ સમાજની બદનામીથી ડરીને ચાલી જતી.

તેનાં જન્મદિવસનાં દિવસે પણ હાર્દિકે મને મૅસેજ કરીને રાત્રે આવવા કહ્યું હતું. હવે હું હાર્દિકથી કંટાળી ગઈ હતી, હાર્દિક વારંવાર મારું શારીરિક શોષણ કરતો અને જો મેં એને ના અટકાવ્યો તો એ વધુ હેવાન બની જવાનો હતો.

એ રાત્રે બધા દોસ્તો મળીને દારૂની પાર્ટી કરવાનાં હતા એ વાત હાર્દિકે મને જણાવી હતી, પાર્ટી પુરી થાય એટલે હાર્દિક પાછળની ગેલેરીમાં આવી જવાનો હતો. તેણે મને રાતનાં બે વાગ્યે ગેલેરીની દીવાલ કૂદીને આવી જવા કહ્યું હતું. મેં તેને ના પાડી તો તેણે ‘બીજા દિવસની સવારે મારા નગ્ન ફોટા બધા જ વોટ્સએપ ગૃપમાં અને બધી જ સોશિયલ મિડિયા સાઇટ પર ફરશે’ એવી ધમકી આપી હતી.

આ વખતે મેં લડાઈ કરવા મન મક્કમ બનાવી લીધું હતું. મારે કેવી રીતે કદમ ઉઠાવવા એની સલાહ લેવા હું મારી બેસ્ટફ્રેન્ડ નયના વ્યાસનો મળવા ગઈ હતી. મારી વ્યથા સાંભળીને તેણે ‘એ માત્ર ધમકાવશે જ, તું આજે રાત્રે ના જતી’ એવી સલાહ આપી હતી.

હું હાર્દિકને સારી રીતે ઓળખતી હતી, જો હું રાત્રે ના ગઈ તો બીજા દિવસે મારા ફોટા બધે ફરશે એની મને ખાત્રી હતી. ત્યારે જ મારા મગજમાં હાર્દિકને મારી નાંખવાનો વિચાર પ્રગટ્યો. હાર્દિક આમપણ મારી જેવી અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરી ચુક્યો હતો અને મારા પછી પણ એ અટકવાનો નહોતો એની મને ખબર હતી.

આમ પણ તેનાં બધા દોસ્તો નશામાં ધૂત થઈને સુઈ ગયા હશે અને હાર્દિક નશાની હાલતમાં બાલ્કનીમાં હશે એટલે તેને મારવા માટે મને આ યોગ્ય તક લાગી. નયના જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે મેં તેનાં કપડામાંથી કાળા રંગનો ડ્રેસ લઈ લીધો અને તેનો કાળો સ્કાફ લઇને હું બહાર નીકળી ગઈ. બહાર આવીને મેં રસ્તામાંથી ફુટેક જેટલો લાંબો સળીયો શોધ્યો અને એ સળીયાને બેગમાં છુપાવીને હું હાર્દિકનાં ઘર તરફ નીકળી ગઈ.

પ્લાન મુજબ પાછળની દીવાલ કૂદીને હાર્દિકને મારવાનો હતો, તેનાં મોબાઈલમાંથી મારા ફોટા અને અમારી બંને વચ્ચે થયેલી ચેટ ડીલીટ કરવાની હતી અને ચુપચાપ નયનાનાં ઘરે આવીને સુઈ જવાનું હતું. હાર્દિકનાં મોબાઈલનો પાસવર્ડ મને ખબર હતી અને જો તેણે પાસવર્ડ બદલી નાંખ્યો હોય તો મોબાઈલ સાથે લઈ લેવાની મેં તૈયારી કરી લીધી હતી.

હાર્દિકનાં ઘરની પાસેનાં પ્લોટમાં થઈને હું દીવાલ પાસે આવી, દીવાલ પાસે આવીને મેં હેન્ડગ્લવસ પહેરી લીધાં જેથી મારી આંગળીઓની છાપ ક્યાંય ન પડર. જ્યારે હું દીવાલ કૂદીને ગેલેરીમાં પ્રવેશી ત્યારે કોઈએ મારા ચહેરા પર ફ્લેશ લાઈટ પાડી. મેં પોતાનાં ચહેરાને સ્કાફ વડે ઢાંકી દીધો હતો એટલે એ વ્યક્તિ મને નથી ઓળખવાનો એની મને ખબર હતી. ત્યારે શું કરવું એ મને નહોતું સમજાતું અને એ વ્યક્તિ મારી નજીક આવતો જતો હતો. હું દીવાલ કૂદીને ભાગવાની તૈયારી કરતી હતી અને એ માટે મેં દીવાલ પર હાથ પણ રાખ્યાં હતાં. ત્યારે જ મારા હાથમાં દિવાલમાંથી છૂટી પડી ગયેલી ઈંટ આવી ગઈ. મેં વિચાર્યું-નવિચાર્યું, એ ઈંટ સામેનાં વ્યક્તિનાં માથે મારી દીધી. એ વ્યક્તિ તમ્મર ખાય ગયો હતો અને રૂમનાં દરવાજા તરફ ભાગતો હતો, મેં બીજીવાર તેનાં માથા પર ઈંટ મારીને તેને બેહોશ કરી દીધો. ત્યારબાદ તેનાં ચહેરા પર ફ્લેશ કરતા એ હર્ષદ હતો એવું મને જાણવા મળ્યું હતું.

હું એકદમ ડરી ગઈ હતી. હાર્દિકની જગ્યાએ ગેલેરીમાં હર્ષદ શું કરતો હતો એ મને નહોતું સમજાતું. મેં મોબાઇલની ફ્લેશ આજુબાજુ ઘુમાવી ત્યારે મારી નજર હાર્દિકનાં મૃતશરીર પર પડી. તેનાં ગળા પર મોટો ચિરો હતો અને તેનાં બંને હાથ વિરૂદ્ધ દિશામાં લબડી ગયાં હતાં. એ હવે જીવતો નથી એ જાણીને મને શાંતિ મળી. એ મરી તો ગયો હતો પણ તેનું મૃત્યુ મારા હાથે નહોતું થયું એટલે મારું મનને હજી શાંતિ નહોતી મળી. મેં બેગમાંથી સળીયો કાઢ્યો અને તેની છાતીમાં ભોંકી દિધો. તેનું નિર્જીવ શરીર સહેજ હલ્યું અને ફરી મડદું બની ગયું.

ત્યારબાદ હાર્દિકનો મોબાઈલ હાથમાં લઈને મેં લૉક ખોલવા પાસવર્ડ નાંખ્યો. સદનસીબે મોબાઈલનો ખુલ્લી ગયો. ઉતાવળથી મેં બધા ફોટા અને અમારા ચેટ ડીલીટ કર્યા, હાર્દિકનાં ફોન પર કપડું ફેરવીને, ફરી મોબાઈલને એની જગ્યાએ રાખીને હું નીકળી ગઈ અને નયનાનાં ઘરે આવીને સુઈ ગઈ.

સવારે જ્યારે હું જાગી અને કાચ સામે ઊભી રહી ત્યારે મને ખ્યાલ આવ્યો કે રાત્રે ક્યાંય મારી મોતીની માળા પડી ગઈ છે. જો એ પોલીસનાં હાથમાં આવી જશે તો ગમે તેમ કરીને એ લોકો મારા સુધી પહોંચી જ જશે એ વાતની મને ખબર હતી. પણ જ્યારે ન્યૂઝપેપરમાં તેનાં ચાર દોસ્તો ઝડપાયા છે એવું મેં વાંચ્યું ત્યારે મને શાંતિ થઈ ગઈ.

આજે સવારે જ્યારે ઇન્સ્પેક્ટર અને મેડમે મારી પૂછપરછ કરી ત્યારે મેં જાણીજોઈને હાર્દિક વિશે પોઝિટિવ વાતો કહી હતી, જેથી તેઓને મારા પર શંકા ન જાય. મારા નસીબ આજે મારી સાથે નહોતાં અને પોલીસ નયનાનાં ઘરે પહોંચી ગઈ હતી અને નયનાનાં ઘરનાં માલિકે મને એ રાત્રે બહાર જતા જોઈ લીધી હતી એટલે મેં જ હાર્દિકની હત્યા કરી હતી એ વાત પોલીસ જાણી ગઈ હતી.

મેં જે કંઈ પણ કર્યું છે એ મારી ઈચ્છાથી કર્યું છે, મારો સાથ આપવામાં અન્ય કોઈ વ્યક્તિ નહોતી. મેં નયનાથી પણ આ મર્ડર કરવાની વાત છુપાવી હતી એટલે તેઓને કોઈ હેરાન ન કરશો. હાર્દિક જેવો હેવાન હવે આ દુનિયામાં નથી રહ્યો અને મારે હાર્દિકની હત્યા કરવાનું કારણ જણાવતી વખતે શર્મિન્દગી અનુભવવી પડે એ ડરથી હું સ્યુસાઇડ કરું છું. મને ગલત ના સમજશો.

‘લી. માનસી ઓઝા’

માનસીની ત્રણ પેજની સ્યુસાઇડ નોટ સાંભળીને ઓફિસમાં સર્વત્ર શાંતિ પથરાઇ ગઈ. નેહા અને ભૂમિકાની આંખોમાં આંસુ આવી ગયા હતાં. અન્ય પુરુષો પણ ગુમસુમ થઈ ગયા હતા.

“માનસીએ તમારાં ડરને કારણે જ સ્યુસાઇડ કર્યું છે ઇન્સ્પેક્ટર…” કેતન માંકડે બધો દોષ જયપાલસિંહ પર ઠાલવતાં મૌન તોડ્યું.

“શું કહ્યું તમે ?” જયપાલસિંહ રીતસરનો ભડકી ઉઠ્યો, “અમારા ડરને કારણે ?, તમે હજી સરખી રીતે સ્યુસાઇડ નોટ ન વાંચી હોય તો ફરીવાર વાંચી લો. માનસીએ હાર્દિકની હરકતોને કારણે સ્યુસાઇડ કર્યું છે અને હાર્દિકે આવી હરકતો ત્યારે કરી હતી જ્યારે તમે એને રોક્યો નહોતો. તમારા ડિપાર્ટમેન્ટની એમ્પ્લોય સાથે તમારા જ ડિપાર્ટમેન્ટનો છોકરો આવી હરકતો કરતો હતો. તમને એની જાણ હતી તો પણ તમે કોઈ એક્શન નહોતાં લેતાં અને અત્યારે જ્યારે છોકરીએ સ્યુસાઇડ કરી લીધું ત્યારે પોતાનો દોષ અમારી પર ઠાલવો છો”

“સૉરી ઇન્સ્પેક્ટર…” કેતન માંકડ ઠંડો પડ્યો, “હું આવેગમાં વહી ગયો હતો, ભૂલ મારી જ છે પણ હું તમને મારી મજબૂરી જણાવી ચુક્યો છું”

“એ મજબુરી ના કહેવાય…જો તમે તમારા એમ્પ્લોયને સુરક્ષા નથી આપી શકતાં તો જોબ છોડી દ્યો..”જયપાલસિંહ રીતસરનો રોષે ભરાયો હતો. કેતન માંકડ પગનાં અંગૂઠા પર નજર સ્થિર કરીને ઉભો રહ્યો.

એમ્બ્યુલન્સ આવી એટલે માનસીનાં પાર્થિવ દેહને એમાં ખેસેડવામાં આવ્યો. પૂરો દિવસ એ જ પ્રોસેસમાં નિકળી ગયો અને બધા રાત્રે આઠ વાગ્યે માનસીનાં દેહને તેનાં પરિવારને સોંપીને ઘર તરફ નીકળી ગયાં.

(ક્રમશઃ)