અહંકાર – 9
લેખક – મેર મેહુલ
સવારનાં સાડા નવ થયાં હતાં. જયપાલસિંહ પોતાની ઓફિસમાં પહોંચ્યો ત્યારે ટેબલ પર ચાર ફાઇલ પડી. જેમાં પહેલી ફાઈલમાં ફિંગરપ્રિન્ટનાં રિપોર્ટ હતાં, બીજી ફાઈલમાં બ્લડ રિપોર્ટ હતાં, ત્રીજી ફાઈલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતાં અને સૌથી નીચેની ફાઈલમાં જુદા જુદા એંગલથી લીધેલાં ફોટા હતાં. આ ફાઈલો ઉપરાંત ટેબલની પાસે એક બોક્સ પણ પડ્યું હતું જેમાં બધા એવિડન્સ હતાં.
જયપાલસિંહનાં ચહેરા પર સવારની તાજગી અને બધા રિપોર્ટ વાંચવાની ઉત્કંટા સાફસાફ દેખાય રહી હતી. જયપાલસિંહ પોતાની ખુરશી પર જઈને બેઠો, કેપ કાઢીને ટેબલ પર રાખી અને પેન બોક્સમાંથી પેન્સિલ લઈને પહેલી ફાઇલ ઉઠાવી. બરાબર એ જ સમયે હાથમાં એક ફાઇલ અને ન્યૂઝપેપર લઈને અનિલ રૂમમાં પ્રવેશ્યો.
“ગુડ મોર્નિંગ સર…” અનિલે ટેબલ પાસે આવીને ફાઇલ થતાં ન્યૂઝપેપર મેજ પર રાખતાં કહ્યું.
“ગુડ મોર્નિંગ..” જયપાલસિંહે ઉત્સાહ પૂર્વક કહ્યું, “કાલે પછી ક્યારે ઘરે ગયો હતો ?”
“આ ફાઇલ તૈયાર થઈ ત્યારે…” અનિલે પોતે મુકેલી ફાઇલ જયપાલસિંહ તરફ ધકેલીને કહ્યું, “આમાં હાર્દિક સાથે કામ કરતા સ્ટાફનાં સ્ટેટમેન્ટ છે અને અમુક લોકોનાં સ્ટેટમેન્ટ વાંચીને તમે ચોંકી જશો..”
“એવું તો શું છે સ્ટેટમેન્ટમાં ?” જયપાલસિંહે ફિંગરપ્રિન્ટની ફાઇલ પોતાની જગ્યાએ રાખીને અનિલે ધકેલેલી ફાઇલ હાથમાં લેતાં પૂછ્યું.
“હાર્દિકનું પૂરું કેરેક્ટર એનાલિસિસ કરીને આવ્યો છું સર…, તમે વાંચશો એટલે ખુદ જાણી જશો” અનિલે કહ્યું, “અને આ આજનું ન્યૂઝપેપર છે, તમે કહ્યું હતું એ મુજબ હાર્દિકનાં ફોટા સાથે મર્ડરનાં ન્યૂઝ ફ્રન્ટપેજ પર રખાવ્યા છે”
“સરસ…ચાલો તેનાં કોઈ સંબંધી ન્યૂઝ વાંચશે એટલે પૂછપરછ માટે તો આવશે જ..”કહેતાં જયપાલસિંહે ફાઇલ ખોલી. બરાબર એ જ સમયે ધડામ…અવાજ સાથે રૂમનો દરવાજો દીવાલ સાથે અથડાયો. રૂમમાં પડઘો પડે એવો અવાજ આવ્યો એટલે બંનેનું ધ્યાન દરવાજા તરફ ગયું. દરવાજા પર પચાસેક વર્ષનો એક વ્યક્તિ સફેદ ખાદીનાં વસ્ત્રોમાં ઊભો હતો. તેની આંખો પર ગોળ લંબચોરસ ફ્રેમનાં ચશ્મા હતાં. એ વ્યક્તિ અત્યારે વધુ પડતો જ ગુસ્સામાં હતો એ વાતની પ્રતીતિ ચશ્મા પાછળની આંખો જોઈને ખબર પડતી હતી. તેના માથાનાં આગળનાં ભાગમાં ટાલ હતી, જેને છુપાવવા માટે ઉપરનાં વાળને આગળ તરફ રાખવામાં આવ્યા હતાં.
એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ વર્ષો પહેલાં સ્થપાયેલા ‘પાઠક ગૃહઉદ્યોગ’ નો સ્થાપક ખુદ જનક પાઠક હતો. જનક પાઠકની પાછળ બે બાઉન્સર જેવા તેનાં કાર્યકરો ઉભા હતાં.
“કોણે મારા દીકરાની હત્યા કરી દીધી ?, હું એ કમજાતને જીવતો નહિ છોડું…એને મારી નજર સામે લાવો..ક્યાં સુધી એ નરાધમ..?” જ્વાળામુખી જેવા ફાટેલા અવાજે રૂમમાં પ્રવેશતાં જનક પાઠક બરાડ્યો.
જયપાલસિંહ, જનક પાઠકને સારી રીતે જાણતો હતો. જનક પાઠકનું પુરા બેકગ્રાઉન્ડથી પણ જયપાલસિંહ પૂરેપૂરો વાકેફ હતો. જનક પાઠકને એક પાર્ટીએ ટીકીટ આપવાનું વચન આપ્યું હતું અને ત્યારથી જ્યારે પણ મોહનલાલ નગરમાં જનક પાઠક કોઈ રેલી અથવા સભા યોજતો ત્યારે બંદોબસ્તની જવાબદારી જયપાલસિંહને શિરે જ આવતી.
જનક પાઠકને કોઈ દીકરો નહોતો એ વાત જગ જાહેર હતી અને અત્યારે પોતાનાં દીકરાનાં મર્ડરની વાત સાંભળીને જયપાલસિંહને આશ્ચર્ય થતું હતું.
“ઑય ઇન્સ્પેક્ટર…ક્યાં છે પેલાં ચાર છોકરા…અત્યારે જ એ હરમીઓને મારી નજર સામે હાજર કરો…હું એને મારા હાથે ગોળી મારીશ..” જયપાલસિંહ સામે ઊભા રહીને જનક પાઠકે કહ્યું.
“તમે પહેલા શાંત શાંત થાઓ સાહેબ…એ ચાર છોકરા પરનો આરોપ હજી સાબિત નથી થયો અને જો આરોપ સાબિત થઈ જાય તો પણ તેઓને કાયદો સજા આપશે..આપ નહિ..”
“હું જ કાયદો છું ઇન્સ્પેક્ટર…રાજકારણ વિશે હજી તું જાણતો નથી..રાજકારણમાં રાતોરાત કાયદો બદલાય જાય છે..” જનક પાઠકે ઉગ્ર અને તરડાયેલાં અવાજે કહ્યું, “એ ચારેય હત્યારાઓને મને સોંપી દો.. હું તને ખાત્રી આપું છું કે તારું નામ ક્યાંય નહીં આવે અને તારા પર કોઈ જ ઇન્કવાઇરી નહિ બેઠે…”
“પણ હું રાજકારણનો માણસ નથી સાહેબ…તમે રાતોરાત કાયદો બદલી શકતાં હશો પણ મારી જવાબદારી મુજબ અત્યારે જે કાયદો અમલમાં છે એનું પાલન કરવાનું છે અને કાયદા મુજબ અત્યારે એ ચારેય છોકરાની સૂરક્ષાની જવાબદારી મારા પર છે એટલે મારી સલાહ માનો, જો તમારે કોઈ પગલું ભરવું હોય તો સારો વકીલ શોધો અને અદાલતમાં કેસ કરો…”
“મને સલાહ આપવાની તારી હિંમત કેમ થઈ અને તું શું આ શહેરનો સૌથી મોટો ઓફિસર પણ આ ચાર છોકરાઓને મારતા મને નથી રોકી શકવાના…તું હજી મને ઓળખતો નથી.. હું ધારું તો સાંજ સુધીમાં તારી વરદી ઉતરાવી શકું છું…”
“ચૂપ…એકદમ ચૂપ..” જયપાલસિંહે ગુસ્સામાં સિંહની માફક ગર્જ્યો, “તું કોણ છે એ જાણવાની મારે જરૂર નથી અને તારે જે કરવું હોય એ કરી લે….એ ચારેય છોકરા તો તને નહિ જ મળે અને તારે જેની પાસે જવું હોય એની પાસે જઈ આવ, હું પણ જોઉં છું તું કેવી રીતે આ છોકરાને હાથ અડાવે છે..”
“ઇન્સ્પેક્ટર…” જનક પાઠક ગુસ્સામાં લાલપીળો થઈ ગયો.
“શું ઇન્સ્પેક્ટર ?, આ તારા બાપની ચોકી નથી કરી તું આવીને મન ફાવે એમ બોલી શકે…, બીજા ઇન્સ્પેક્ટર પર તું તારો રોફ જાડી શકતો હશે પણ એકવાત કાન ખોલીને સાંભળી લે…આ ચોકીનો ઈન્ચાર્જ હું છું અને જ્યાં સુધી હું આ ચોકીનો ઈન્ચાર્જ છું ત્યાં સુધી તારા જેવા લોકોને પોતાની દાદાગીરી નહિ કરવા દઉં…હવે પહેલી ફુરસતમાં અહીંથી નીકળ નહીંતર ચોંકીમાં આવીને ઇન્સ્પેક્ટરને ધમકાવવાનાં ગુન્હામાં તને અંદર કરી દઈશ…”
જયપાલસિંહની વાત સાંભળીને જનક પાઠક બરફ જેવો ઠંડો પડી ગયો. જયપાલસિંહનો ગુસ્સા ભરેલો ચહેરો જોઈને એ હળવું હસ્યો.
“ગુસ્સો માણસને કંઈ પણ બોલાવી શકે છે ઇન્સ્પેક્ટર અને હોદ્દો માણસને કંઈ પણ કરાવી શકે છે…અત્યારે તો હું જાઉં છું પણ આપણી મુલાકાત ટૂંક સમયમાં જ થશે…” કહેતાં જનક પાઠક દરવાજો ચીરીને નીકળી ગયો.
રૂમમાંથી બહાર આવતાં અવાજને સાંભળીને બધા કૉન્સ્ટબલ દરવાજા પાસે પહોંચી ગયા હતાં. પાઠક બહાર નીકળ્યો એટલે જયપાલસિંહ ગુસ્સામાં કોઈને કંઈ સાંભળવી દેશે એવા ડરથી બધા ફરી પોતાની જગ્યાએ આવી ગયા. અનિલે પણ મૌન રહેવાનું જ પસંદ કર્યું.
બીજી તરફ જયપાલસિંહનો ચહેરો બીજી જ સેકેન્ડમાં બદલાય ગયો હતો. થોડીવાર પહેલા જાણે કશું જ ના થયું હોય એવી રીતે એ શાંતિથી ખુરશી પર બેસી ગયો.
“આપણે ક્યાં હતા અનિલ ?” જયપાલસિંહે પૂછ્યું.
“તમે પેલી ફાઇલ વાંચવા માટે ખોલી હતી..” અનિલે કહ્યું.
“ન્યૂઝપેપરવાળો આઈડિયા સારો હતો નહિ…” જયપાલસિંહે હળવું હસીને કહ્યું. જવાબમાં અનિલ પણ એવી જ રીતે હસ્યો.
“હા સર..જો ન્યૂઝપેપરમાં આ ન્યૂઝ ના આવ્યા હોત તો હાર્દિક પાઠકનો બાપ જનક પાઠક છે એ વાતની આપણને ક્યારેય ખબર ના પડેત…”
“આ જનક પાઠક પર પણ નજર રાખવી પડશે…. એનાં કોઈ વિરોધીને તેનાં દીકરા વિશે ખબર હોય અને જનક પાઠકને ચૂંટણીમાં જીતવા ન દેવાનાં ઈરાદાથી પણ આ મર્ડર થયું હોય એવું બની શકે…” જયપાલસિંહે કહ્યું.
“એક વાત પૂછું સર…” અનિલે કહ્યું, “તમને આ કેસ શા માટે સોંપવામાં આવ્યો હતો એની તમને ખબર છે ?”
“હું તારી જેટલો બુદ્ધિશાળી નથી પણ હું તારા સવાલનો જવાબ જરૂર આપીશ..” જયપાલસિંહે ફરી હસીને કહ્યું, “આ કેસ એવો હાઈપ્રોફાઈલ કેસ નહોતો જેની ચર્ચા પુરા શહેરમાં થાય એટલે રાવતસરે મને આ કેસ સોંપ્યો હતો…બરાબર કહ્યુંને મેં ?”
“હા સર…એ જ કારણ હતું…પણ અચાનક જનક પાઠકની આ કેસમાં એન્ટ્રી થઈ છે જેને કારણે હવે આ કેસ હાઈપ્રોફાઈલ બની ગયો છે અને આના કારણે તમારા હાથમાંથી આ કેસ લઈ લેવામાં આવે એ વાતનો મને ડર છે..”
“એવું કશું નહીં થાય અનિલ….રાવત સરને હું સારી રીતે ઓળખું છું..”
“તો ચિંતા કરવા જેવી કોઈ વાત નથી…” અનિલે કહ્યું, “હું જનક પાઠક પાછળ એક ખબરીને રાખી દઉં છું અને હોસ્પિટલેથી ફોન આવ્યો હતો…હર્ષદનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે બોલાવ્યા છે..”
“એ કામ દીપકને સોંપી દે.. અને જનક પાઠક ખબરી લગાવવાનું કામ પણ એને જ સોંપી દે…કારણ કે દિપક અનુભબી અને શિવગંજનો જ રહેવાસી છે એટલે આ કામ એ સરળતાથી કરી દેશે..”
“સારું સર..” કહેતાં અનિલ ઊભો થયો.
“બધા કામ દિપક કરશે તો તું શું કરીશ ?” જયપાલસિંહે પૂછ્યું.
“તમે મારા કામ પણ દીપકને સોંપી દીધા છે તેનો એક જ મતલબ નીકળે છે કે મારે તમારી સાથે બેસીને બધી ફાઈલો પર ચર્ચા કરવાની છે...”
“તું અંતર્યામી તો નથીને ?,, હું બોલું એ પહેલાં બધી જ વાતો કેવી રીતે સમજી જાય છે ?”
“સંગત અને સમયની અસર સર…આપણે પૂરો દિવસ સાથે રહીએ એટલે એકબીજાનાં સ્વભાવથી વાકેફ થઈ ગયા છે..”
“એ વાત પણ સાચી છે…” જયપાલસિંહે કહ્યું, “ફટાફટ દીપકને કામ સોંપીને આવી જા એટલે આપણે બધા રિપોર્ટ જોઈ લઈએ..”
“દસ મિનિટમાં આવ્યો સર…” કહેતાં અનિલ બહાર તરફ ચાલ્યો.
અનિલ આવે ત્યાં સુધીમાં જયપાલસિંહે બેન્કનાં કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ વાંચવાનું વિચાર્યું અને ફાઇલ હાથમાં લઈને ખોલી. ફાઇલ ખોલીને જયપાલસિંહે પહેલાં દરવાજા પર નજર ફેરવી, કારણ કે આજે બે વાર જયપાલસિંહે ફાઇલ ખોલી ત્યારે કોઈને કોઈ દરવાજા પર આવી જતું હતું. દરવાજા પર કોઈ નહોતું એટલે જયપાલસિંહે સ્મિત કર્યું અને ફાઈલમાં ધ્યાન આપ્યું.
(ક્રમશઃ)