અહંકાર – 17
લેખક – મેર મેહુલ
બીજા દિવસે સવારે પણ ચોકીનું વાતાવરણ થોડું ગંભીર હતું. સવારે બધા ચોકીએ સમયસર પહોંચી તો ગયા હતા પણ કોઈ એકબીજા સાથે વાતો નહોતાં કરતા. આખરે જયપાલસિંહે જ વાતવરણ સુધારવાની કોશિશ કરી.
“તમે લોકો ચુપચાપ કેમ છો ?, કેસ હજી સોલ્વ નથી થયો…ચાલો ચાલો બધા કામ પર લાગી જાઓ” જયપાલસિંહે કહ્યું.
“સર આપણને બંને રીતે શિકસ્ત મળી છે” અનિલે કહ્યું, “જો આપણે થોડા વહેલાં પહોંચી ગયા હોત તો માનસી અત્યારે જીવતી હોત અને માનસી જીવતી હોત તો આગળની લીડ પણ તેની પાસેથી મળી રહેત…”
“જે થઈ ગયું છે એને આપણે બદલી નથી શકવાના, પણ જે આગળ થવાનું છે એને રોકવાની કોશિશ જરૂર કરી શકીએ છીએ” જયપાલસિંહે કહ્યું, “માનસીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું એ મુજબ હાર્દિકે ઘણી બધી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, હવે એ છોકરીઓ પણ માનસી ઓઝાની જેમ ગલત કદમ ઉઠાવે એનાં પહેલા આપણે એને શોધવાની છે અને તેઓ સુરક્ષિત છે એવો ભરોસો અપાવવાનો છે અને આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે કેસની કાર્યવાહી આગળ ધપાવીશું”
જયપાલસિંહની વાત સાંભળીને બધાને નવો જુસ્સો તો નહોતો આવ્યો પણ બધા પોતાની જવાબદારી સમજીને કામ પર લાગી ગયા. રૂમમાં હવે માત્ર જયપાલસિંહ, દિપક અને અનિલ હાજર હતાં.
“બોલ ભાઈ અનિલ.., હવે ક્યાંથી શરૂઆત કરીશું ?” જયપાલસિંહે અનિલનો મૂડ સુધારવાનાં ઇરાદાથી પૂછ્યું.
“આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ” અનિલે કહ્યું.
“તો આપણી પાસે શરૂઆતમાં કુલ તેર સસ્પેક્ટ હતાં” જયપાલસિંહે કહ્યું, “એમાંથી અરવિંદભાઈ, કેતન માંકડ, નેહા ધનવર, નિશા પ્રજાપતિ, કિરણ જોશી અને હવે માનસીને બાદ કરતાં કુલ છ લોકોને બાદ કરતાં સાત લોકો વધે છે. જેમાં હાર્દિકનાં ચાર દોસ્તો, ભાર્ગવ, સંકેત અને નેહા ગહરવાલ છે. નેહા ગહરવાલ અને સંકેતનાં સ્ટેટમેન્ટ મુજબ એ રાત્રે બંને બહાર હતાં એટલે એ લોકો સાચું બોલતાં હતાં કે નહીં એ જાણવા ભૂમિકા અત્યારે ગઈ છે. બાકી રહ્યા ચાર દોસ્તો. તો એમાંથી ત્રણ દોસ્તો અને ભાર્ગવ આપણી ગિરફ્તમાં છે અને હર્ષદ હોસ્પિટલમાં છે” જયપાલસિંહ થોડીવાર માટે અટક્યો ત્યારબાદ તેણે ફરી બોલવાનું શરૂ કર્યું,
“ભાર્ગવ અને માનસીનાં કહ્યા મુજબ હાર્દિકને પહેલેથી ગળું કાપીને મારી નાખવામાં આવ્યો હતો, ત્યારબાદ માનસીએ હાર્દિકનાં હ્રદયનાં ભાગમાં સળીયો ભોંક્યો હતો. હવે બાકીનાં ત્રણ ઘાવ છે એ માનસીનાં ગયા બાદ આપવામાં આવ્યા હતા. એનો મતલબ એમ છે કે હાર્દિકને ત્રણ અથવા તેનાથી વધુ લોકોએ અને જુદા જુદા સમયે મારેલો છે.
આપણે કેસને જેટલો સીધો સમજતા હતા, હવે કેસ એટલો સીધો નથી રહ્યો. આ કેસને કારણે જ એક છોકરીએ આત્મહત્યા કરી છે માટે આપણે બની શકે એટલી જલ્દી અને સાવચેતીથી કામ લેવું પડશે”
દિપક અને અનિલ જયપાલસિંહની વાતોમાં ડોકું ધુણાવતાં હતાં.
“તો આજનાં કામમાં..દિપક તું, જે ખબરીઓને નેહા પાછળ લગાવ્યા હતા તેઓને હટાવીને ખુશ્બુ પાછળ લગાવી દઈશ અને ખુશ્બુની એકએક સેકેન્ડેની હરકતોની માહિતી તું મેળવીશ. જો ખુશ્બુ કોઈ શંકાસ્પદ કાર્ય કરતી જણાય તો તેને અટકાવવાની જવાબદારી તારી છે. અને અનિલ તું, મોહિત વિશેની નાનામાં નાની જાણકારી મેળવીને સાંજ સુધીમાં એક ફાઇલ તૈયાર કરીશ. હોયનહોય મને મોહિત પર વધુ શંકા જાય છે”
“સાંજ સુધીમાં તમને ફાઇલ મળી જશે સર…” કહીને અનિલ જતો રહ્યો.
“હું પણ દર કલાકે તમને ખુશ્બુનો રિપોર્ટ આપતો રહીશ” કહીને દિપક પણ નીકળી ગયો.
બંનેનાં ગયા બાદ જયપાલસિંહ એકલો પડ્યો એટલે એ પણ માયુસ થઈ ગયો. જે વ્યક્તિ થોડા સમય પહેલા બધાને હિંમત આપતો હતો એ અત્યારે ચુપચાપ ખુરશી પર બેસી, આંખો બંધ કરીને ગહન વિચારોમાં ખોવાય ગયો હતો,
‘અનિલ સાચું કહેતો હતો, જો અડધી કલાક વહેલાં અમે પહોંચ્યા હોત તો માનસી હજી જીવતી હોત..’
જયપાલસિંહની નજર સામે માનસીનો ચહેરો ચહેરો તરવરવા લાગ્યો. ત્યારબાદ માનસીએ લખેલી સ્યુસાઇડ નોટ પણ જયપાલસિંહને યાદ આવી. માનસી સ્યુસાઇડ નોટ યાદ કરીને જાણે જયપાલસિંહની નજર સામે કોઈ ફિલ્મ ચાલી રહી હોય એવી રીતે હાર્દિક અને માનસીનાં કાલ્પનિક દ્રશ્યો બદલાવવા લાગ્યા.
એક ઝટકા સાથે જ જયપાલસિંહની આંખો ખુલ્લી ગઈ. મોબાઈલમાં વાગતી રીંગને કારણે જયપાલસિંહની તંદ્રા તૂટી હતી. જયપાલસિંહે મોબાઈલ હાથમાં લીધો, ડિસ્પ્લે પર ‘ડિટેકટિવ બક્ષી’ લખેલું હતું.
“બોલો સાહેબ..” જયપાલસિંહે ટોન બદલીને કહ્યું, “આજે કેમ અમને યાદ કર્યા ?”
“હાર્દિક પાઠકનો કેસ તને સોંપવામાં આવ્યો છે તો મને લાગ્યું તને થોડી મદદ કરી દઉં” બક્ષીએ હસીને કહ્યું.
“તું શું મારી મદદ કરવાનો હતો ?” જયપાલસિંહે સણકો કર્યો, “તું હજી બુદ્ધીનો બૂંઠો જ રહેવાનો છે”
“ઓ ભાઈ…એવું ના બોલ, તારી બક્ષી હવે ડિટેકટિવ બક્ષીનાં નામે ઓળખાય છે અને બાપા સીતારામ ચોક પાસે આવેલા માધવ દર્શન કોમ્પ્લેક્ષનાં બીજા માળે મારી ઓફીસ આવેલી છે” બક્ષીએ કહ્યું.
“ક્યારે ચા પીવા આવીશ, પણ અત્યારે કેમ ફોન કર્યો એ જણાવ ?”
“કેવો દોસ્ત છે તું સાલા ?, તારો દોસ્ત એક મહિના પછી તને ફોન કરે છે અને તું હાલચાલ પૂછવાની જગ્યાએ સીધી કામની વાત કરવા લાગ્યો” બક્ષીનાં અવાજમાં ફરિયાદ હતી.
“હાર્દિક પાઠકનાં કેસમાં હું કેવો ફસાયો છું એની તને ખબર જ નથી…કેસ સોલ્વ થશે પછી ટાઇમ લઈને તારી ઓફિસે ચા પીવા આવીશ” જયપાલસિંહે કહ્યું.
જયપાલસિંહ અને રાજેશ બક્ષી સરખી ઉંમરનાં હતાં. બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે થયેલી. ત્યારબાદ બંનેની અવારનવાર મુલાકાતો થતી રહી. અમુક કેસમાં બંનેએ એકસાથે કામ પણ કરેલું, જો કે એ કેસોમાંથી એક પણ કેસ મર્ડરનો નહોતો પણ સમય સાથે બંને ગાઢ મિત્ર બની ગયા હતાં.
“હાર્દિક પાઠકનાં કેસ વિશે જ વાત કરવા મેં તને કૉલ કરેલો” બક્ષીએ કહ્યું, “બેન્ક ઓફ શિવગંજનાં ક્લસ્ટર હેડે પોલીસવાળા કર્મચારીઓને હેરાન ન કરે અને ખાનગી તપાસ માટે મને આ કેસ સોંપ્યો છે અને તું સપનામાં પણ વિચારી ના શકે એવું સુરાક મારા હાથમાં લાગ્યું છે”
“શું વાત કરે છે તું ?” જયપાલસિંહ ખીલી ઊઠ્યો, “તારા હાથમાં એવું તો શું લાગ્યું છે ?”
“તું મને ગાળો આપીશ પણ તમે લોકો જે જે એક્શન લો છો એની બધી જ ખબરો અમને બીજી જ મિનિટે મળી જતી હોય છે” બક્ષીએ કહ્યું, “તું મોહિત અને માનસીને શંકાનાં પરિઘમાં તપાસ કરતો હતો ત્યારે મારું મગજ જુદી જ દિશામાં ચાલતું હતું. મને ભાર્ગવ રાજ્યગુરુ પર શંકા હતી. ભાર્ગવ રાજ્યગુરુનો ભૂતકાળ સાંભળીને તું ચોંકી જઈશ. ભાર્ગવ માનસી ઓઝાને પસંદ કરતો હતો અને માનસી બાબતે હાર્દિક અને ભાર્ગવ વચ્ચે એકવાર મારપીટ પણ થઈ હતી, જેમાં હાર્દિકને હાથમાં ફ્રેક્ચર પણ આવેલું”
“આગળ બોલતો જા..” જયપાલસિંહે કહ્યું.
“ભાર્ગવને પરિઘમાં લઈને મેં તેનાં ઘરની તલાશી લીધી હતી અને મને હાર્દિકનાં રૂમમાંથી એક ચપ્પુ મળી હતી. એ ચપ્પુ પર જે લોહી હતું એ કોનું હતું એ તને ખબર છે ?”
“હાર્દિક પાઠકનું..!!!” જયપાલસિંહે કહ્યું.
“હા..” બક્ષીએ કહ્યું, “હાર્દિકને રિમાન્ડ પર લઈને એની પૂછપરછ કરીશ એટલે એ બધું ઓકી નાંખશે”
“થેંક્યું ભાઈ..., તે તો કેસને નવો જ વળાંક આપી દીધો”
“કોન્ટેક્ટમાં રહેજે એટલે જલ્દી કેસ પણ સોલ્વ થઈ જશે” બક્ષીએ કહ્યું.
“પાક્કું…” કહેતાં જયપાલસિંહ કૉલ કટ કરી દીધો અને અનિલને કૉલ લગાવ્યો.
“ક્યાં છો ?” અનિલે કૉલ રિસીવ કર્યો એટલે જયપાલસિંહે પૂછ્યું.
“મોહિતનાં દોસ્તને મળવા જઉં છું, અશોક દવે માર્ગ પર એ કોઈ ફાઇનાન્સમાં જોબ કરે છે”
“તું અત્યારે એ કામ અટકાવી દે અને ફટાફટ ચોકીએ આવી જા” જયપાલસિંહે ઉત્સાહિત અવાજે કહ્યું.
“કોઈ નવી લીડ મળી છે ?” અનિલે પૂછ્યું.
“લીડ નહિ, બીજા નંબરનો અપરાધી જ મળી ગયો છે” જયપાલસિંહે કહ્યું.
“શું વાત કરો છો સર ?, કોણ છે એ ?”
“ચોકીએ આવ એટલે કહું” કહેતાં જયપાલસિંહે કૉલ કટ કરી દીધો.
દસ મીનિટમાં અનિલ જયપાલસિંહ સામે ઊભો હતો. જયપાલસિંહે, રાજેશ બક્ષી સાથે થયેલી વાતો અનિલને જણાવી.
“ઓહહ…!!!, તો ચોર ઘરમાં જ હતો અને આપણે તેને બહાર શોધતાં હતાં” જયપાલસિંહે વાત પૂરી કરી એટલે અનિલે કહ્યું.
“હા, એવું જ કંઇક થયું છે” જયપાલસિંહે કહ્યું, “તું મોહિતને ઇન્કવાઇરી રૂમમાં લઈ જા.., ત્યાં સુધીમાં હું મારી તૈયારી લઉં”
“ઑકે સર..” કહેતાં અનિલ બહાર નીકળી ગયો. અનિલ બહાર ગયા બાદ જયપાલસિંહ ઊભો થયો અને કબાટ પાસે ગયો. કબાટનાં ખૂણામાં એક નેતરની પાતળી સોટી રાખેલી હતી, જયપાલસિંહે એ સોટી હાથમાં લીધી અને પાતળા છેડા પર હાથ ફેરવ્યો. ત્યારબાદ એ સોટી લઈને જયપાલસિંહ પણ ઇન્કવાઇરી રૂમ તરફ આગળ વધ્યો.
(ક્રમશઃ)