Ego - 5 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 5

અહંકાર – 5

લેખક – મેર મેહુલ

સવારનાં સાડા છ થયાં હતાં. રાવત જવાહરલાલ જોગર્સ પાર્કમાં તેની પત્ની સાથે મોર્નિંગ વોક કરતો હતો. સૂર્યોદય પહેલાનું વહેલી સવારનું અંજવાળું ધરતી પર પથરાઇ રહ્યું હતું. વાતાવરણમાં વહેલી સવારમાં વધતી ઠંડી પ્રસરી રહી હતી. પંદર મિનિટનાં એક રાઉન્ડ પછી બંને એક બાંકડા પર આવીને બેઠાં.

“રણજિત ઘર લેવાની વાત કરતો હતો..”રાવતે વાત શરૂ કરી, “હું પણ હવે નવું ટેર્નામેન્ટ લેવાનું વિચારું છું”

“જ્યારે સમય હતો ત્યારે લીધું નહીં…હવે ક્યાં તમને ચા-પાણીનાં રૂપિયા મળે છે ?”

“અરે ભાગ્યવાન..” રાવતે લાંબો લહેકો લીધો, “કાળી કમાણી, કાળા કામોમાં જ જાય છે. એક વર્ષ પહેલાં મારું એક્સીડેન્ટ થયું હતું ત્યારે મેં તને શું કહ્યું હતું યાદ છે ને ?”

“હા…આપણે એક ટાઈમ ભૂખ્યા રહીશું પણ કોઈની પાસેથી ખોટી રીતે રૂપિયા નહિ પડાવીએ…” રાવતની પત્નીએ કહ્યું.

“બરોબર…હવે એ દિવસ પછીનો સમય અને એ પહેલાંનાં સમયને યાદ કરો…આપણે ક્યાં સમયમાં વધુ ખુશ રહ્યા છીએ ?”

રાવતની પત્નીએ મનોમંથન કર્યું. ત્યારબાદ ચહેરા પર મુસ્કાન સાથે કહ્યું, “એક્સીડેન્ટ પછીનાં સમયમાં”

“બરાબર સમજ્યા…” રાવતે પણ હળવું હસીને કહ્યું.

“તો પછી ટેર્નામેન્ટ માટે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવશો ?”

“લોન લઈ લેશું પણ ખોટું નહિ કરીએ..” રાવતે કહ્યું.

બંને દંપતી વાતો કરી રહ્યા હતા એ દરમિયાન રાવતનો ફોન રણક્યો. રાવતે ફોન હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. ડિસ્પ્લે પર ‘ઇન. રણજિત’ લખેલું હતું.

“રણજિતે આટલી સવારે કેમ કૉલ કર્યો હશે ?” કહેતાં રાવતે કૉલ રિસીવ કર્યો.

“બોલ રણજીત..” રાવતે કહ્યું.

“મોહનલાલ નગર ચોકીએથી જયપાલસિંહ ચાવડાનો કૉલ હતો…એ એરિયામાં એક મર્ડર થયું છે..” રણજિતે ઉત્સુકત સ્વરે કહ્યું.

“શું…મર્ડર…!!” રાવત ઊભો થઈ ગયો.

“આ સમાચાર સાંભળીને મને પણ તમારાં જેવું જ આશ્ચર્ય થયું હતું..” રણજિતે કહ્યું, “ત્રણ વર્ષ પછી પહેલીવાર કોઈનું મર્ડર થયું છે…”

“તું બધી ટીમને સ્પોર્ટ પર મોકલી દે…હું અડધી કલાકમાં આવું છું..” રાવતે કહ્યું.

“યસ સર…” કહેતાં રણજિતે કૉલ કટ કરી દીધો.

“શું થયું ?” રાવતે કૉલ કટ કર્યો એટલે તેની પત્નીએ પૂછ્યું.

“મોહનલાલ નગરમાં કોઈનું મર્ડર થયું છે…મારે જવું પડશે..” રાવતે કહ્યું.

“પણ એ એરિયો તમારાં અન્ડર ક્યાં આવે છે ?” રાવતની પત્નીએ કહ્યું.

“આવતો તો નથી પણ સિનિયર ઓફિસરની હેસિયતથી મારે મર્ડર સ્પોર્ટ પર હાજરી આપવી પડે…અને આમ પણ આટલાં સમયથી આવી કોઈ ઘટના નથી બની એટલે હું પણ થોડો ઉત્સાહિત છું” રાવતે કહ્યું, “ચાલો આપણે નીકળીએ..”

બંને દંપતી ઉતાવળથી ઘરે પહોંચ્યા. રાવત નાહી પરવારી, યુનિફોર્મ પહેરીને તૈયાર થયો એ દરમિયાન તેની પત્નીએ નાસ્તો તૈયાર કરી લીધો. રાવતે ઉતાવળથી નાસ્તો કર્યો અને મોહનલાલ નગર ચોકી તરફ નીકળી ગયો. પંદર મિનિટમાં એ ચોકીએ પહોંચી ગયો. ચોકીએથી એક કૉન્સ્ટબલને સાથે લઈને એ ઘટનાં સ્થળ પર પહોંચી ગયો. જીપ શિવાજી સર્કલથી પશ્ચિમ દિશા તરફનાં શિવાલય રોડ તરફ આગળ વધતી હતી. ઘડિયાળ કાંટો પોણા આઠનો સમય બતાવી રહ્યો હતો. સૂર્યોદયનાં કુણા કિરણો હવે જમીન પર પડી રહ્યાં હતાં.

શિવાલય રોડ પરની છેલ્લી સોસાયટી ‘તુલસી પાર્ક’ નાં ગેટમાં જીપ વળી. સોસાયટીનાં ગેટમાં પ્રવેશતાની સાથે જ રાવતને સામેનાં એક ઘરની બહાર લોકોનું ટોળું દેખાયું. એ ઘર બીજા કોઈનું નહિ પણ પાંચ દોસ્તોનું જ હતું. પોલીસની જીપ આવી એટલે લોકોએ રસ્તો આપી દીધો. રાવત ઉતરીને સીધો ગેટમાં ઘુસી ગયો. હોલમાં રણજિત અને જયપાલસિંહ ઊભા હતાં.

“જય હિંદ સર ..” રાવતને જોઈને બંનેએ સલામી ભરી.

“જય હિંદ…શું સમાચાર છે ?” રાવતે પૂછ્યું.

“હાર્દિક પાઠક નામનાં વ્યક્તિની હત્યા થઈ છે.. પ્રાથમિક માહિતી અનુસાર પાંચ દોસ્તો આ ઘરમાં ભાડે રહેતાં હતાં. ગઈ કાલે હાર્દિકનો જન્મદિવસ હતો એટલે આ લોકોએ દારૂની પાર્ટી કરી હતી. અમે અહીં આવ્યાં ત્યારે બધાં સૂતા જ હતાં. રૂમમાંથી દારૂની બે બોટલ અને તેને સંબંધિત અન્ય સમાન પણ મળ્યો છે. હાર્દિકની લાશ પાછળની ગેલેરીની દિવાલનાં ટેકે પડેલી મળી છે. લાશને સૌથી પહેલા તેનાં પાડોશી પ્રણવ રાજ્યગુરુએ અગાસી પરથી જોઈ હતી.

તેઓનો ફોન આવ્યો ત્યારે બે લોકોનાં મર્ડર વિશે જણાવવામાં આવ્યું હતું પણ અમે અહીં પહોંચ્યા ત્યારે માલુમ થયું કે હાર્દિક નામનાં વ્યક્તિનું મર્ડર થયું છે અને હર્ષદ નામનો વ્યક્તિ માત્ર બેહોશ પડ્યો હતો. હર્ષદને તાત્કાલિક સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યો છે. ફોટોગ્રાફર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અત્યારે પોતાનું કામ કરે છે અને ફોરેન્સિક એક્સપર્ટ થોડીવારમાં પહોંચી જશે” જયપાલસિંહે ટૂંકમાં થોડીવાર પહેલાની ઘટનાનું વર્ણન કહી સંભળાવ્યું.

“થેંક્યું ઇન્સ્પેક્ટર…” રાવતે કહ્યું, “મને બોડી પાસે લઈ જાઓ..અને રણજિત તું બહારની પરિસ્થિતિ સંભાળ..”

રણજિત હકારમાં ડોકું ધુણાવીને બહાર નીકળી ગયો.

“આ તરફ સર..” કહેતાં જયપાલસિંહ આગળ ચાલ્યો. રૂમમાં થઈને એ ગેલેરીવાળા દરવાજે પહોંચ્યો. રાવતે ચાલતાં ચાલતાં જ હેન્ડ ગ્લવ્સ પહેરી લીધાં. રૂમમાં પ્રવેશતાંની સાથે જ બેડ પરનાં બે વ્યક્તિ પર રાવતની નજર પડી, જે શિવ અને જય હતાં. શિવનો શર્ટ ફાટી ગયેલો હતો, જે ગઈ રાતની હાર્દિકની હતાપાઈમાં હાર્દિક દ્વારા શર્ટ ચીરવામાં આવ્યો હતો, ઉપરાંત તેનો શર્ટ પણ લોહીથી પૂરો પલળી ગયો હતો, પણ એ જે રીતે એ બેઠો હતો એ પરથી તેને વધારે વાગ્યું નથી એવું પ્રતિત થતું હતું. ગેલેરીમાં જતાં સામેની દીવાલે જ હાર્દિકની લાશ પડી હતી. અત્યારે તેનું માથું છાતી તરફ ઝૂકી ગયેલું હતું. હાથ બંને દિશામાં ફેલાયને પડ્યા હતાં. હાર્દિકનાં ગળા પર મોટો ચિરો પડી ગયો હતો. કોઈએ હાર્દિકનાં ગળા પર ધારદાર હથિયાર વડે, તેનું ગળું કાપી નાખ્યું હશે એવું અનુમાન લગાવી શકાતું હતું.

ઉપરાંત, હાર્દિકની છાતી પરનો શર્ટ જુદી જુદી જગ્યાએથી ફાટી ગયેલો હતો. જેમાં છાતીનાં બંને ભાગ પર અને પેટનાં બંને સાઈડ પર ફાટેલા શર્ટમાંથી ઘાવનાં નિશાન દેખાતાં હતાં. જ્યાંથી શર્ટ ફાટ્યો હતો ત્યાં પણ વાર કરવામાં હશે એવું અનુમાન ઘાવમાંથી નીકળેલા લોહી પરથી લગાવી શકાતું હતું.

“એક વ્યક્તિનું કામ નથી આ…” રાવતે અનુમાન લગાવ્યું, “એકસાથે ઘણાબધા લોકોએ મળીને આ ઘટનાને અંજામ આપેલું છે”

ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પોતાનું કામ પતાવીને રાવતની રજા લઈને નીકળી ગયા હતાં. થોડીવાર પછી ફોરેન્સિક એક્સપર્ટ સુબોધ મિશ્રા ગેલેરીનો દરવાજો ખોલીને ગેલેરીમાં દાખલ થયા. તેઓની ઉંમર સાઈઠ આજુબાજુની હતી. તેઓની સાથે તેનો સહાયક કરણ નામનો પચીસેક વર્ષનો છોકરો હતો.

“ગુડ મોર્નિંગ ફોર્સ..” રાવત અને જયપાલસિંહ સાથે હાથ મેળવતાં સુબોધ મિશ્રાએ કહ્યું.

“મોર્નિંગ સુબોધજી….ઘણાં સમય પછી આજે ભેટો થયો નહિ…” રાવતે કહ્યું.

“હા…લગભગ ત્રણ વર્ષ પછી કોઈ ઘટનાં સ્થળ પર આપણે મળીએ છે…બાકી ફોર્મલિટી તો રોજ કરતાં જ ને…!” સુબોધ મિશ્રાએ હસીને કહ્યું.

“એ પણ છે…” કહેતાં રાવત દેડબોડીથી થોડો દૂર હટ્યો, “આ જુઓ તો…મને લાગે છે આ મર્ડરમાં એક કરતાં વધુ વ્યક્તિઓનો હાથ છે..”

“ચાલો જોઈ લઈએ…” કહેતાં સુબોધ મિશ્રા ઉભડક બેઠો. તેણે પોતાની બ્રિફકેસ સાઇડમાં રાખી અને અંદરથી થોડાં સાધનો કાઢ્યાં. પહેલા તેણે ખૂબ જ સિફતથી હાર્દિકનો શર્ટ ફાડીને શરીરથી જુદો કર્યો. ત્યારબાદ જ્યાં જયાં ઘાવ હતાં ત્યાં લોહી સાફ કર્યું. પછી બ્રિફકેસમાંથી બિલોરીકાચ લઈને જુદાં જુદાં એંગલથી બધા ઘાવ તપસ્યા.

“તમારું અનુમાન એકદમ સાચું છે રાવત સાહેબ…” ઘાવની તપાસ કર્યા બાદ સુબોધ મિશ્રાએ કહ્યું, “એકથી વધુ વ્યક્તિએ જુદા જુદા હથિયાર વડે વાર કરેલા છે. અહીં નીચે બેસો..”

રાવત પણ સુબોધ મિશ્રાની બાજુમાં ઉભડક બેઠો.

“આ ગળાનો ઘાવ જુઓ…સહેજ મોટો છે…મતલબ તલવાર અથવા મોટા છરા વડે ઘાવ કરવામાં આવ્યો છે” સુબોધ મિશ્રાએ ગળા પરનાં ઘાવ પાસે આંગળી રાખીને કહ્યું, “ઘાવની બંને બાજુમાં આ લાલ ચામઠું દેખાય એ આંગતુકની આંગળીઓનાં નિશાન છે, મતલબ ગળા પર વાર કરતાં પહેલાં આનું ગળું દબાવવાની કોશિશ થયેલી છે..”

ત્યારબાદ તેઓએ છાતીનાં ડાબા ઘાવ પર આંગળી રાખી, “આ ઘાવ જુઓ…અહીં ચિરો નથી…મતલબ હથિયાર છાતીમાં ભોંકવામાં આવ્યો છે, આ ગોળી લાગી હોય એવું નિશાન છે પણ હકીકતમાં આ પેન અથવા કોઈ નાની ગોળ વસ્તુ વડે વાર કરવામાં આવ્યો છે.. ત્યારબાદ અહીં જુઓ..”કહેતાં સુબોધ મિશ્રા પોતાનો હાથ છાતીની જમણી તરફનાં ઘાવ પાસે લઈ ગયાં, “અહીં ઘરવપરાશમાં ઉપયોગમાં લેવાતી ચાકું વડે વાર કરવામાં આવ્યો હોય એવું લાગે છે…ડાબી છાતી પરનો ઘાવ ગોળ છે જ્યારે અહીં માત્ર ઈંચ જેટલું જ નિશાન છે..”

ત્યારબાદ સુબોધ મિશ્રા પોતાનો હાથ જમણી બાજુ પેટ પાસે લઈ ગયા,

“અહીં જુઓ રાવત સાહેબ..અહીં આજુબાજુની ચામડી ચિરાય ગઈ છે…મતલબ અહીં ખંજર અથવા કરકરીયાવાળા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને છેલ્લો ઘાવ…” કહેતાં સુબોધ મિશ્રા પેટની ડાબી બાજુએ હાથ લઈ ગયા, “આ ઘાવ ક્યાં હથિયાર વડે કરવામાં આવ્યો છે એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, કારણ કે અહીં ચિરો પણ છે અને હથિયાર પેટમાં પણ ભોંકેલો છે”

“એકસાથે આટલાબધા ઘાવ એક વ્યક્તિ ના આપી શકે ?” રાવતે સવાલ કર્યો.

“આપી શકે…પણ અહીં એવું નથી થયું..” સુબોધ મિશ્રાએ કહ્યું, “જો એક જ વ્યક્તિએ બધી જગ્યાએ વાર કર્યો હોય તો તેની પેર્ટન એક સરખી હોય…કાં તો એ શરીર પર ચીરા પાડે અથવા શરીરમાં હથિયાર ભોંકે…એ તથ્યને સાઈડમાં રાખીએ તો પણ જેવી રીતે આ ચીરા પડ્યા છે તેમાં જુદી જુદી દિશામાંથી વાર કરેલા છે એવું સ્પષ્ટ દેખાય છે…ચાલો એ વાતને પણ અવગણીએ, તો પણ એક જ વ્યક્તિ વારાફરતી જુદા જુદા હથિયાર લઈને શા માટે વાર કરે ?, એ તો એક જ હથિયાર વડે જુદી જુદી જગ્યાએ વાર કરવાનો છે ને…!”

“મતલબ આ મર્ડરમાં એકથી વધુ વ્યક્તિનો હાથ છે…” આખરે સુબોધ મિશ્રાની વાત સ્વીકારતાં રાવતે કહ્યું.

“જોયા પરથી તો એવું જ લાગે છે પણ અત્યારે આપણે માત્ર અનુમાન લગાવી શકીએ..હકીકત શું છે એ તો રિપોર્ટ આવે પછી જ ખબર પડે…”

“સારું… તમે તમારી કાર્યવાહી આગળ વધારો ..હું મારી કાર્યવાહીમાં ધ્યાન આપું છું…” રાવતે કહ્યું.

“જયપાલસિંહ તમે ચાલો મારી સાથે…” કહેતાં રાવત રૂમ તરફ ચાલ્યો. રૂમમાં થઈને એ હોલમાં આવીને ઉભો રહ્યો. જયપાલસિંહ પણ તેની પાછળ રૂમમાં જઈને ઊભો રહ્યો.

“આ કેસ હું તમને સોંપું છું…તમે તમારી રીતે કાર્યવાહી કરજો, તમારી મદદ માટે હું બે કૉન્સ્ટબલને મોકલું છું અને જરૂર જણાય ત્યાં મારી અથવા રણજિતની મદદ લેજો..” રાવતે કહ્યું. જયપાલસિંહને આ કેસ સોંપવા પાછળ રાવત પાસે બે કારણ હતાં. એક તો આ એરિયો મોહનલાલ નગર પોલીસ સ્ટેશનમાં આવતો હતો અને બીજું કારણ એ કે આ કોઈ હાય પ્રોફાઈલ કેસ નહોતો, જેનાં સમાચાર પવનવેગે શહેરમાં ફેલાય જાય. રાવતે જયપાલસિંહને આ કેસ સોંપવાની વાત તો કરી હતી પણ તેઓ અત્યારે ભૂલ કરી રહ્યા છે એની જાણ તેને પાછળથી થવાની હતી.

“યસ સર…હું આ કેસ સોલ્વ કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ…”

“ગુડ લક ઑફિસર…” કહેતાં રાવત બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED