Ego - 8 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 8

અહંકાર – 8

લેખક – મેર મેહુલ

બહાર નીકળીને જયપાલસિંહ સીધો ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યા હતો. રૂમમાં અત્યારે એક લાકડાનાં ટેબલની સામસામે ભૂમિકા અને કાજલ બેઠી હતી. જયપાલસિંહ ભૂમિકા પાસે પહોંચ્યો અને ખુરશી ખેંચીને બાજુમાં બેસી ગયો.

“અમને મળેલી માહિતી અનુસાર ગઈ કાલે રાત્રે તમે તુલસી પાર્કમાં હતાં…શું એ વાત સાચી છે ?” જયપાલસિંહે પ્રાથમિક પૂછપરછથી શરૂઆત કરી. જવાબમાં કાજલે માત્ર હકારમાં ડોકું ધુણાવ્યું. કાજલને અહીં શા માટે લાવવામાં આવી હતી એ વાતની જાણ હજી તેને કરવામા નહોતી આવી એટલે તેનાં ચહેરા પર ડર અને જિજ્ઞાસા મિશ્રિત ભાવ પ્રગટ થતાં હતાં.

“તો ગઈ કાલે રાત્રે તમે જે ઘરમાં હતા ત્યાં હાર્દિક એક વ્યક્તિની હત્યા થઈ ગઈ એ પણ તમને ખબર જ હશે…” જયપાલસિંહે કહ્યું.

‘હત્યા’ શબ્દ સાંભળીને કાજલનાં ચહેરાનો રંગ ઊડી ગયો. તેનાં શરીરમાં અસામાન્ય આવેગો પ્રગટ થવા લાગ્યા, જે તેનાં ધ્રુજતાં શરીર પરથી સાફસાફ દેખાય રહ્યું હતું.

“હ..હ..હત્યા ?” કાજલે થોઠવાતા કહ્યું, “કોની હત્યા ?”

“હાર્દિક પાઠકની હત્યા…” જયપાલસિંહે કહ્યું.

“હું કોઈ હાર્દિક પાઠકને નથી ઓળખતી અને હું તો એ ઘરે પહેલી જ વાર ગઈ હતી..”

“મતલબ..?”

“મતલબ હું ગણિકા છું…મોહિતે એક રાતનાં ત્રણ હજારની શરતે મને બોલાવી હતી..” કાજલે ચોખવટ પાડતાં કહ્યું.

“ઓહ…મોહિત શા માટે તારી તરફેણ લેતો હતો એ હવે સમજાયું” જયપાલસિંહ ધીમેથી બોલ્યો, “ગઈ રાત્રે એવી કોઈ ઘટનાં બની હતી જે તમને અજુગતી લાગી હોય..કોઈનો ઝઘડવાનો અવાજ અથવા બીજું કંઈ ?”

“ના સર…અમે જે રૂમમાં હતાં એ રૂમ સાવ પૅક હતો, ઉપરથી મોહિતે મ્યુઝિક શરૂ કર્યું હતું એટલે બીજો કોઈ અવાજ સંભળાવવાનો તો સવાલ જ નથીને…”

“સારું…તમે જઈ શકો છો…જરૂર પડશે તો ફરી બોલાવીશું..” જયપાલસિંહે કહ્યું.

“થેંક્યું સર..”કહેતાં કાજલ ઉભી થઇ અને ચાલવા લાગી.

“આનાં પર નજર રાખજે ભૂમિકા..” જયપાલસિંહે કહ્યું.

“યસ સર..” ભૂમિકાએ કહ્યું.

ત્યારબાદ જયપાલસિંહ પોતાની ઓફીસ તરફ ચાલ્યો. ઓફીસની બહાર અનિલ, જયપાલસિંહની રાહ જોતો આમતેમ ચક્કર લગાવી રહ્યો હતો. જયપાલસિંહને આવતો જોઈ એ તેની નજીક ગયો.

“પેલાં છોકરાઓને બોલાવી લઉંને ?”

“હા, પહેલાં શિવ અગરવાલને બોલાવી લે..” જયપાલસિંહે કહ્યું.

“યસ સર..” કહેતાં અનિલ સેલ તરફ ચાલ્યો.

દસ મિનિટ બાદ ઇન્કવાઇરી રૂમમાં ટેબલની સામસામે જયપાલસિંહ અને શિવ અગરવાલ બેઠો હતો.

“નશો ઉતરી ગયો ?” જયપાલસિંહે પુછ્યું.

શિવે હકારમાં માથું ધુણાવ્યું.

“ગઈ રાત્રે તારી અને હાર્દિક વચ્ચે ક્યાં કારણોસર ઝઘડો થયો હતો ?” જયપાલસિંહે અહીં પણ પ્રાથમિક સવાલોથી પૂછપરછ શરૂ કરી.

“અમે ચાર લોકો મળીને એક બોટલ ખાલી કરી ગયા હતાં સર…ત્યારબાદ જયને બાથરૂમ જવું હતું એટલે ભાર્ગવ અને જય બહાર જતાં રહ્યાં. હાર્દિકે મને પેગ બનાવવા કહ્યું, ત્યારે હર્ષદે પોતાની લિમિટ પુરી થઈ ગઈ એવું જણાવ્યું. મેં બે પેગ ભર્યા એ જ સમયે હર્ષદે ‘આજે કોઈએ નિટ નથી પીધોને..!’ એમ કહીને વાત છેડી.

આ વાત પર મારી અને હાર્દિક વચ્ચે કોણ વધુ નિટ પી શકે એ વાત પર શરત લાગી. બીજી બોટલ પુરી થઈ ત્યાં સુધીમાં અમે બંને ચાર ગ્લાસ પુરા ભરીને દારૂ પી ગયાં હતાં તો પણ બંને માંથી કોઈએ હાર નહોતી સ્વીકારી.

હાર્દિકે ગાળ બોલીને કોઈ દિવસ હાર્યો નથી એવી વાત કરી. મેં પણ હાર નહોતી સ્વીકારી એટલે મેં પણ દલીલ કરતાં ‘મેં હજી હાર નથી સ્વીકારી’ એવું જણાવ્યું. ત્યારે હાર્દિકને શું થયું એ ખબર નહિ પણ એ મારા વિશે ખરાબ બોલવા લાગ્યો. અમે બંને એક સાથે, એક જ પોસ્ટ પર જોઈન થયાં હતાં પણ એ સેલ્સ મેનેજર બની ગયો અને હું હજી ત્યાને ત્યાં જ છું એમ કહીને તેણે હું હારેલો માણસ છું એવું જતાવ્યું.

અમારી વચ્ચે વાતોની ગરમાગરમી વધવા લાગી અને એ જ સમયે હાર્દિકે મને બહેન પર ગાળ આપી એટલે…”

“બસ…અહીંથી આગળ મને ખબર છે..” જયપાલસિંહે કહ્યું, “ક્યાંક તે જ એ વાતનો બદલો લેવાનાં ઈરાદાથી હાર્દિકને મૌતને ઘાટ નથી ઉતાર્યોને ?”

“હું તો ઉભો થઇ શકું એવી હાલતમાં પણ નહોતો સર…મારવાની વાત તો દૂર જ રહીને…!”

“બની શકે કે રાત્રે તું ઉઠ્યો હોય અને બધા નશાની હાલતમાં સુતા હતા એટલે તે તકનો લાભ ઉઠાવીને…”

“ના સર…મેં એવું કશું જ નથી કર્યું..”

“તો તારો શર્ટ લોહી-લુહાણ કેમ હતો ?, તારાં શરીર પર એવા કોઈ ઘાવ નથી એનો મતલબ એમ છે કે એ લોહી હાર્દિકનું જ છે..”

“મને નથી ખબર સર...મારા.શર્ટ પર લોહી ક્યાંથી અને કેવી રીતે આવ્યું એનાં વિશે મને કશું નથી ખબર…”

“ઠીક છે…તમે લોકો ક્યાં નોકરી કરતાં હતા ?” જયપાલસિંહે વાત બદલીને પૂછ્યું.

“અમે બધા દોસ્તો બેન્ક ઓફ શિવગંજનાં લૉન ડિપાર્ટમેન્ટમાં છીએ.., હાર્દિક અમારો સેલ્સ મેનેજર હતો અને અમે બધા તેની નીચે કામ કરતાં હતાં..”

“તો પછી તું પાછળ રહી ગયો એ વાતનો બદલો લેવા માટે….” જયપાલસિંહે વાત અધૂરી છોડી દીધી.

“ના સર..હું મારા હોદ્દાથી ખુશ હતો અને હું મહેનત કરતો એટલું મને મળતું એટલે હાર્દિક પ્રત્યે મને કોઈ દિવસ ઈર્ષ્યાની લાગણી નથી જન્મી…”

“સમજ્યો…હવે તમારામાંથી હાર્દિકની સૌથી નજીક કોણ હતું એ જણાવ..”

“આમ તો અમે બધા એકબીજાનાં સરખા દોસ્ત જ હતા પણ હાર્દિક અને હર્ષદને વધુ પડતું ભડતું હતું. હાર્દિક વાતવાતમાં હર્ષદની મજાક ઉડાવતો અને જવાબમાં હર્ષદ તેની સાથે હાથચલાકી કરતો..”

“ઓહ..હાર્દિકનો સ્વભાવ કેવો હતો ?”

શિવ થોડીવાર ચૂપ રહ્યો. તેણે ગળે આવેલું થુંક નીચે ઉતારીને ગળા પર હાથ ફેરવ્યો.

“પાણી પી લે પહેલાં..” જયપાલસિંહે ટેબલ પર રહેલો ગ્લાસ શિવ તરફ ધકેલીને કહ્યું. શિવે ગ્લાસ હાથમાં લઈને બે ઘૂંટ ગળા નીચે ઉતાર્યા.

“બોલ હવે…હાર્દિકનો સ્વભાવ કેવો હતો ?”

“હાર્દિકને જેની સાથે ભડતું એની સાથે જ એ સરખી રીતે વાત કરતો… અને વાતવાતમાં તેને બીજા લોકોની મજાક ઉડાવવાની અને સામે વાળા વ્યક્તિને પોતાનાથી નીચો દેખાડવાની ટેવ હતી..”

“મતલબ, હાર્દિકનો સ્વભાવ અકડું ટાઇપનો હતો..”

“અકડું તો ના કહી શકાય પણ એ સામેવાળાને ઈજ્જત આપવાનું જાણતો નહોતો એટલે સહેજ ખરાબ સ્વભાવનો કહી શકાય..”

“ઓહ…પાછળનાં થોડાં દિવસમાં કોઈ એવી ઘટના બની હતી જેમાં તેણે સામેવાળા વ્યક્તિને ખરાબ રીતે બેઇજત કર્યો હોય…”

શિવે મગજ પર જોર આપ્યું અને પછી એ વાત યાદ આવતા એ બોલ્યો, “હા સર…બે મહિના પહેલા સંકેત રાઠોડ નામનો છોકરો લોન ડિપાર્ટમેન્ટમાં નવો જોઈન થયો છે…હાર્દિક વાતવાતમાં તેની પટ્ટી પાડી દેતો…કૂતરું જેમ બિલાડીને જોઈને તેની પાછળ દોડે એવી રીતે હાર્દિક આ સંકેતને બેઇજત કરવા દોડતો..”

“જવાબમાં સંકેતનું રિએક્શન કેવું રહેતું ?, એ જવાબ ના આપતો ?”

“સંકેત ફ્રેશર છે, માર્કેટનાં અનુભવોથી એ બેખબર છે અને હાર્દિક હોદ્દાની રુએ તેનાથી ઊંચો હતો એટલે સંકેત ક્યારેય તેની સામે બોલ્યો નથી અને પોતાની બેઇજતીમાં બોલાતાં શબ્દો એ પી જતો…”

“અન્ય કોઈ વ્યક્તિ ?, જેની સાથે હાર્દિકની આવી તકરાર થઈ હોય ?” જયપાલસિંહે પૂછ્યું.

“પર્સનલી તો નહીં પણ ઘણીવાર ફાઈલને લઈને હાર્દિક અને બીજા સેલ્સ મેનેજર કિરણ જોશી વચ્ચે તકરાર થતી…પણ એ માત્ર જોબ પૂરતી જ રહેતી, બહાર તો એ બંને દોસ્ત જેમ રહેતાં..”

“બરોબર…હાર્દિકનું કોઈ છોકરી સાથે અફેર હતું ?” જયપાલસિંહ બધા એંગલથી વિચારી રહ્યા હતા.

“હતું પણ એ પોતાની અંગત વાતો અંગત જ રાખતો…એ પૂરો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતો અને જ્યારે કોઈ એની નજીક જઈને ઉભું રહેતું તો એ મોબાઈલ લૉક કરી દેતો…” શિવે કહ્યું.

“સારું..હાલ પૂરતું એટલું ઘણું છે…કાલે સવારે બધા રિપોર્ટ આવી જશે…એનાં આધારે તમે લોકો અહીં રહેશો કે નહીં એ નક્કી થશે..” જયપાલસિંહે કહ્યું.

“જી સર…” શિવે નતમસ્તક થઈને કહ્યું.

ત્યારબાદ અનિલને ઇન્કવાઇરી રૂમમાં બોલાવવામાં આવ્યો. અનિલ કોઈ કામ અર્થે બહાર ગયો હોવાથી દિપક આવ્યો. દિપક શિવને લઈ ગયો અને પછી ક્રમશઃ ભાર્ગવ, મોહિત અને જયને લઈ આવ્યો. જયપાલસિંહે આ બધા લોકોને પણ એ જ સવાલ પૂછ્યા જે શિવને પૂછ્યા હતાં અને અડધાથી વધુ સવાલોનાં જવાબ પણ સરખા જ મળ્યા હતાં.

ચારેય સાથે પૂછપરછ કરીને જયપાલસિંહ બહાર લટાર મારવા નિકળ્યો. ચાની લારીએ ચા અને સિગરેટ પીધાં બાદ તેણે અનિલ ફોન કર્યો.

“બોલો સરજી…” અનિલે ફોન રિસીવ કરીને કહ્યું.

“તું ક્યાં ચાલ્યો જાય છે ભાઈ ?, તારા વિના હું કેમ કેસ સોલ્વ ?”

“કેસનાં સિલસીલામાં જ હું અશોક દવે માર્ગ પર સ્થિત બેન્ક ઓફ શિવગંજમાં આવ્યો છું.., માહિતી અનુસાર એ બધા લોકો એક જ બેન્કમાં નોકરી કરતાં હતાં એટલે હત્યાનું કારણ અહીંથી ઉદ્દભવ્યું હશે એવું મને લાગે છે..”

“સારું ભાઈ…કોઈ લીડ મેળવીને આવજે…” જયપાલસિંહે કહ્યું, “અને પેલો હોસ્પિટલમાં છે એ છોકરાનાં ખબર પણ લેતો આવજે..”

“મેં ફોન કર્યો હતો, એનાં માથાં પર ઈંટો મારવામાં આવી છે.. આમ તો એની જાન સુરક્ષિત છે પણ ડોક્ટરે કાલે સ્ટેટમેન્ટ નોંધવા કહ્યું છે…”

“સારું તો હવે અહીં ના આવતો…ત્યાંથી ઘરે જ ચાલ્યો જજે…હું પણ થોડીવારમાં નીકળું છું” જયપાલસિંહે કહ્યું.

“જેવું તમે કહો સર..”

“રાખું છું..”

બંને બાજુથી કૉલ કટ થઈ ગયાં. થોડીવાર ત્યાં બેસીને જયપાલસિંહ ચોકીમાં ગયો અને પોતાનાં બુલેટની ચાવી લઈને બહાર આવ્યો. બ્લૅક રોયલ ઇનફાઈફ પર સવાર થઈને તેણે ચાવી કી હોલમાં ભરાવી અને ફેરવી, સાથે જ એક કીક સાથે ઘગ..ઘગ..ઘગ.. કરતું બુલેટ શરૂ થઈ ગયું અને ઇન્સ્પેક્ટર જયપાલસિંહ ચાવડા પોતાનાં ઘર તરફ અગ્રેસર થયો.

જયપાલસિંહ પોતાના ઘર તરફ તો જતો હતો પણ ગઈ કાલે જ્યારે એ ચોકીએ પહોંચવાનો હતો ત્યારે તેની સામે એક નવી જ મુસીબત બારણે રાહ જોઇને બેઠી હશે તેનાથી એ બેખબર હતો.

કંઈ હશે એ નવી મુસીબત ???

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED