અહંકાર - 15 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર - 15

અહંકાર – 15

લેખક – મેર મેહુલ

ચોકીએ આવીને અનિલ, મોહિતને ઇન્કવાઇરી રૂમમાં લઈ ગયો હતો. જયપાલસિંહ અગાઉથી જ રૂમમાં મોહિતની રાહ જોઇને બેઠો હતો. અનિલે, મોહિતને સામેની ખુરશી પર બેસારી દીધો અને પોતે જયપાલસિંહની બાજુમાં આવીને બેસી ગયો.

“તારા બંને પગ ટેબલ પર રાખ..” જયપાલસિંહે કહ્યું.

“સૉરી સર…શું કહ્યું તમે ?” મોહિતને જયપાલસિંહની વાત અજુગતી લાગી.

“તારા બંને પગ ટેબલ પર રાખ એમ..” જયપાલસિંહ સહેજ કઠોર અવાજે કહ્યું.

જયપાલસિંહની સૂચનાનું પાલન કરીને મોહિતે ખુરશી પર પાછળ ખસીને બંને પગ ટેબલ પર રાખ્યાં. અનિલે પોતાનાં મોબાઇલમાં પેલો ફોટો ખોલ્યો. બંનેએ વારાફરતી મોહીતનાં પગ અને ફોટાને તપાસ્યા.

“ના.. આ મોહિતનાં પગ નથી..” અનિલે કહ્યું.

“હમ્મ..ફોટામાં છે એ પગ મોટા છે અને મોહિતનાં પગ સહેજ નાના છે..” જયપાલસિંહે કહ્યું.

“પગ નીચે લઈએ..” જયપાલસિંહે કહ્યું.

મોહિતે પગ નીચે લીધા અને ખુરશીમાં સહેજ આગળ સરકી ગયો. જયપાલસિંહે ગજવામાંથી એવીડન્સ બેગ કાઢીને ટેબલ પર રાખી.

“આમાં રહેલી પ્લાસ્ટિક બેગ તારા રૂમનાં સંડાસમાંથી મળી હતી” જયપાલસિંહે કહ્યું, “આમાં કાળા રંગની ગોળીઓ છે…હવે એમ ના કહેતો કે આ મેં નથી ફેંકી..!”

મોહિત થોડીવાર ચૂપ રહ્યો, તેનાં ચહેરા પર ડરનાં ભાવ ઉપસી આવ્યાં હતાં. જેને કારણે તેને પરસેવો છૂટવા લાગ્યો હતો.

“બોલ..” જયપાલસિંહે વધુ કઠોર અને ઊંચા અવાજે પૂછ્યું.

“એ મારી જ છે સર..” મોહિતે કબૂલાત કરતાં કહ્યું, “મેં જ એ રાત્રે આ ગોળીઓ સંડાસમાં ફેંકી હતી”

“આ ગોળીઓ શેની છે ?” જયપાલસિંહે પૂછ્યું, “અને સંડાસમાં કેમ ફેંકી દીધી હતી ?”

“હું કાજલ સાથે કોન્ડોમ વિના સેક્સ કરવા ઇચ્છતો હતો એટલે સેક્સ કર્યા પછીની પીલ હું લઈ આવ્યો હતો” મોહિતે કહ્યું, “મેં જ્યારે કાજલને આ પીલ આપી ત્યારે તેણે ‘આ એ પીલ નથી’ એવું જણાવ્યું હતું, તમે ચાહો તો કાજલને આ વાત વિશે પૂછી શકો છો. એ પીલ કામની નહોતી એટલે મેં તેને સંડાસમાં પધરાવી હતી અને ફ્લેશ શરૂ કર્યો હતો, કમનસીબે ત્યારે ઉપરનાં ટાંકામાં પાણી ખૂટી ગયું હતું”

“ઓહ..” જયપાલસિંહે હુંહકાર ભર્યો, “તો મેડિકલવાળાની ભૂલને કારણે એ ખોટી ગોળી આવી ગઈ હતી..”

“હા સર..” મોહિતે કહ્યું.

“ક્યાં મેડિકલેથી આ દવા લઈ આવ્યો હતો તું ?”

“વૃંદાવન મેડિકલ સ્ટૉર…દવે સર્કલથી રિંગ રોડ તરફ જતાં ડાબી બાજુએ આવે છે”

“બરાબર..” જયપાલસિંહે કહ્યું.

“મેં મર્ડર નથી કર્યું સર… હું એ રાત્રે રૂમમાં જ હતો”

“એ તો સમય આવ્યે ખબર પડી જશે..” જયપાલસિંહે કહ્યું, “ હાલ તો તમે સાત દિવસની રિમાન્ડ પર છો અને તમે ચારેય લોકો પોતાને ખુશનસીબ સમજજો, કારણ કે રિમાન્ડ પર લેવામાં આવેલા વ્યક્તિ બે પગે નહિ ચાર પગે ચાલીને બહાર જાય છે”

મોહિતે માથું નીચે ઝુકાવી લીધું.

“લઈ જાઓ આને...” જયપાલસિંહે કહ્યું. અનિલ ઉભો થઇને મોહિતને લઈને બહાર નીકળી ગયો.

અહીં જયપાલસિંહે માથું પકડ્યું. મર્ડર થયાને આજે ચાર દિવસ થઈ ગયા હતાં પણ હત્યારા વિરૂદ્ધ એક પણ પુરાવો કે એવી લીડ નહોતી મળી જે કેસ સોલ્વ કરવામાં મદદ કરી શકે. જયપાલસિંહે ગજવામાંથી સિગરેટ કાઢી અને સળગાવી. સિગરેટનાં થોડાક કશ ખેંચીને તેણે ઘણું વિચાર્યું પણ એકેય બાજુથી કશું ભેગું નહોતું થતું. આખરે તેનું માથું ભમવા લાગ્યું. સિગરેટને બુઝાવીને જયપાલસિંહે ટેબલ પર જ માથું ઢાળી દીધું. જોતજોતામાં તેની આંખો લાગી ગઈ અને એ નિંદ્રામાં સરી પડ્યો.

*

જયપાલસિંહની આંખો ખુલ્લી ત્યારે કોઈ તેનાં ખભા પર હાથ રાખીને તેને જગાવવાની કોશિશ કરતું હતું. જયપાલસિંહે જોયું તો એ અનિલ હતો.

“ઓહહ.. સૉરી…” જયપાલસિંહે માથું ઊંચું કરીને સરખી રીતે બેસતાં કહ્યું.

“સૉરી સર…તમને સુવા દેત, પણ ભૂમિકા કોઈ સનસનીખેજ ખબર લઈને આવી છે..” અનિલે કહ્યું.

“સાચ્ચે ?” જયપાલસિંહ જાણે સૂતો જ ના હોય એવી રીતે તેણે ચમકીને કહ્યું, “તું ફટાફટ ચા માટે કહી દે, હું મોઢું ધોઈને આવું છું”

“ઑકે..” કહેતાં અનિલ બહાર નીકળી ગયો.

જયપાલસિંહ ફટાફટ વોશરૂમમાં પહોંચ્યો અને મોઢું ધોઈને પોતાની ઓફિસમાં પહોંચી ગયો. ઓફિસમાં અગાઉથી ભૂમિકા અને દિપક હાજર હતાં. જયપાલસિંહે ખુરશી પર બેઠક લીધી ત્યાં સુધીમાં અનિલ પણ હાથમાં ચાનો જગ લઈને ઓફિસમાં પ્રવેશ્યો. તેણે ટેબલ પર ચાર કપ રાખ્યાં અને તેમાં ચા રેડી. ત્યારબાદ બધાને કપ આપીને તેણે ચાનો જગ બાજુમાં રાખ્યો.

મોહનલાલ નગર ચોકીનો એક સામાન્ય નિયમ હતો. અહીં હોદ્દાની રુએ કોઈને કામ સોંપવામાં નહોતું આવ્યું. ચોકીનાં કામો નાના હોદ્દાથી લઈને ખુદ જયપાલસિંહ પણ કરી લેતો. જેની પાસે સમય હોય એ ચા લઈ આવતું.

“કંઈ સનીસનીખેજ ખબર છે ?” જયપાલસિંહે ચાની ચુસ્કી લઈને પૂછ્યું.

“આપણે સવારે જે લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં હતાં અને મર્ડરની રાત્રે એ લોકો ક્યાં હતાં એની વિગતો અનુસાર મેં બધાનાં સ્ટેટમેન્ટ વેરીફાઇડ કર્યા હતાં. પ્યુન અરવિંદભાઈ, ક્લસ્ટર હેડ કેતન માંકડ, પર્સનલ લોન ડિપાર્ટમેન્ટની RO નેહા ધનવર. આ ચાર લોકો પોતાનાં ઘરે જ હતાં. તેઓનાં પરિવારવાળાએ જ આ વાતની સાબિતી આપી છે. અન્યમાં કિરણ જોશી અને નિશા પ્રજાપતિ અંગત પ્રસંગમાં બહાર ગયાં હતાં એ વાતની પણ સાબિતી મળી ગઈ છે. આઠ લોકોમાંથી પાંચ લોકો સાચું બોલતાં એની સાબિતી મેં મેળવી લીધી હતી, હવે બાકી બચેલા ત્રણ લોકોમાં સંકેત રાઠોડ, ખુશ્બુ ગહરવાલ અને માનસી ઓઝા હતી.

માનસી ઓઝા સાચું બોલતી હતી કે નહીં એ જાણવા હું તેણે આપેલા એડ્રેસ મુજબ વિવેકાનંદ સોસાયટીમાં નયના વ્યાસ જ્યાં રહેતી હતી ત્યાં ગઈ હતી. નયનાં વ્યાસ અશોક દવે માર્ગ પર આવેલી ઇનપોર્ટ-એકપોર્ટ કંપનીમાં જોબ કરે છે એટલે એ ઘરે નહોતી. મેં તેનાં માલિકની પત્ની રંજનાબેન સાથે વાતચીત કરી હતી.

એ રાત્રે આઠ વાગ્યે માનસી તેઓનાં ઘરે આવી હતી. માનસી પુરી રાત ત્યાં રહેવાની છે એવું પણ તેણે રંજનાબેનને જણાવ્યું હતું, સાથે માનસી માટે છોકરો જોવાની વાત પણ રંજનાબેને કરી હતી. નવ વાગ્યા એટલે માનસી અને નયના જમીને ઉપરનાં રૂમમાં ચાલી ગઈ હતી.

ત્યારબાદ રાત્રે દોઢ વાગ્યે જ્યારે રંજનાબેન વોશરૂમ જવા માટે જગ્યા હતાં ત્યારે તેઓએ માનસીને બહાર જતાં જોઇ હતી. રંજનાબેન માનસીને અત્યારે ક્યાં જાય છે એમ પુછવા ઇચ્છતાં હતાં પણ એ જ સમયે રસોડામાં બિલાડીએ વાસણ પાડ્યું એટલે રંજનાબેનનું ધ્યાન એ તરફ ચાલ્યું ગયું અને માનસી નીકળી ગઈ.

માનસી ક્યારે પરત આવી એની રંજનાબેનને ખબર નહોતી. મને માનસી પર શંકા ગઈ એટલે હું રંજનાબેન પાસેથી નયનાની ઓફિસનું સરનામું લઈને અશોક દવે માર્ગ પર આવેલી ઇનપોર્ટ-એક્સપોર્ટની ઓફિસે પહોંચી ગઈ”

ભૂમિકા શ્વાસ લેવા અટકી, સાથે તેણે એક ઘૂંટ ચા પણ પેટમાં ઠાલવી. બધા એકીટશે ભૂમિકા સામે જોઈ રહ્યા હતાં. ઓફિસમાં ટાંચણી પડે તો પણ અવાજે આવે એવી સ્મશાન જેવી શાંતિ પથરાય ગઈ હતી.

“ઓફિસે જઈને હું નયના મળી” ભૂમિકાએ વાત આગળ ધપાવી, “નયનાની વાત સાંભળીને હું ચોંકી ગઈ, એ દિવસે હાર્દિકે માનસીને ઘણાબધા મૅસેજ કરેલા અને માનસીને રાત્રે પોતાનાં ઘરે બોલાવેલી. માનસી ત્યાં જવા નહોતી ઇચ્છતી એટલે એ નયના પાસે સલાહ લેવા આવી હતી. નયનાએ તેને ત્યાં ન જવાની સલાહ આપી પણ માનસી બ્લેકમેલનો શિકાર બની હતી એટલે નાછૂટકે એણે છેલ્લીવાર જવાનો નિર્ણય કરી લીધો અને નયનાન સમજાવવા છતાં એ ત્યાંથી નીકળી ગઈ”

“ઓહહ…” જયપાલસિંહે કહ્યું, “પણ માનસી, હાર્દિકનાં ઘરે જ પહોંચી હતી એનું સબુત કેવી રીતે મળશે ?”

“મળશે સર…” અનિલે કહ્યું, “એક નહિ, બે-બે સબુત મળશે”

“કેવી રીતે ?” જયપાલસિંહે પૂછ્યું.

“એક જ મિનિટ..” કહેતાં અનિલે ચાનો છેલ્લો ઘૂંટ પીધો અને કપ ટેબલ પર રાખીને એ ટેબલનાં ખૂણે ગયો. ટેબલનાં ખૂણે નીચે એવીડન્સ બોક્સમાંથી તેણે એક પ્લાસ્ટિક બેગ કાઢી, જેમાં હાર્દિકનો મોબાઈલ હતો. બેગમાંથી મોબાઈલ કાઢીને તેણે એ મોબાઈલ ટેબલ પર રાખ્યો. મોબાઈલનાં ડેટા શરૂ કરીને તેણે વોટ્સએપ એપ્લિકેશન ખોલી.

“આ જુઓ સર..” કહેતાં તેણે મોબાઈલ ફેરવ્યો. બધા ટેબલ નજીક આવ્યાં અને મોબાઈલની સ્ક્રીન પર નજર સ્થિર કરી. મોબાઈલમાં ‘માનસી’ લખેલું ચેટબોક્સ ઓપન હતું, જેમાં એકપણ મૅસેજ નહોતો.

“આમાં એકપણ મૅસેજ નથી બરાબરને ?” અનિલે પૂછ્યું.

“હા.. તો ?” જયપાલસિંહે પૂછ્યું.

“હવે આ જુઓ..” કહેતાં અનિલ એક વોટ્સએપ ગૃપમાં ગયો, ગૃપમાં આવેલો ફોટો તેણે સિલેક્ટ કર્યો અને ફોરવર્ડ બટન પર ક્લિક કર્યું. ફોરવર્ડ બટન પર ક્લિક થતાં જ કોન્ટેક્ટ લિસ્ટ ખુલ્લી ગયું. કોઈપણ મૅસેજ ફોરવર્ડ કરતા વોટ્સએપમાં 3 Frequently Contacted, Recent Chats અને છેલ્લે સેવ કરેલા કોન્ટેક્ટ આવે છે. અહીં Frequently Contacted લિસ્ટમાં પહેલું નામ માનસીનું હતું.

“હવે સમજાયું સર ?” અનિલે પૂછ્યું.

“હા, માનસીએ જ આ મર્ડર કર્યું છે. મર્ડર કરીને તેણે વોટ્સએપમાં થયેલી ચેટ ડીલીટ કરી દીધી, જેથી તેની અને હાર્દિક વચ્ચે થયેલી વાતો આપણે ન વાંચી શકીએ”

“બીજું સબુત પણ આપું સર..” કહેતાં અનિલ મોબાઇલની ફોટો ગેલેરીમાં ગયો. થોડીવાર સ્ક્રીન સ્ક્રોલ કરીને એ એક ફોટા પર અટક્યો. એ ફોટો બેન્કનાં બધા જ કર્મચારીઓનો હતો. કોઈ પ્રસંગમાં આ ફોટો લેવામાં આવ્યો હતો જેમાં માનસી પણ હાજર હતી.

અનિલે સ્ક્રીન પર માનસી જ દેખાય એવી રીતે ફોટો ઝૂમ કર્યો.

“આમાં કંઈ દેખાય છે સર ?” અનિલે પૂછ્યું.

“હા…માનસીનાં ગળામાં સફેદ મોતીવાળી માળા છે, જે આપણને હાર્દિકની લાશ પાસેથી મળેલી છે”

“બરાબર સમજ્યા..” અનિલે કહ્યું.

“શાબાશ ડિટેકટિવ અનિલ…શાબાશ.!!!” જયપાલસિંહે અનિલની પીઠ થાબડીને કહ્યું, “ચાલો ચાલો, હવે કોની રાહ જુઓ છો ?, જીપ કાઢો, આપણે માનસીને તેડવા જવાની છે”

“યસ સર..” બધાએ જુસ્સામાં એક સાથે કહ્યું.

પૂરો કાફલો ચોકીની બહાર આવીને જીપમાં સવાર થઈ ગયો. આ વખતે જીપનો ડ્રાઇવર ખુદ જયપાલસિંહ હતો.

સાંજનાં પાંચ વાગ્યે જીપ બેન્ક ઓફ શિવગંજનાં રસ્તે માનસી ઓઝાની ધરપકડ કરવા અગ્રેસર થઈ હતી, પણ આગળની એક કલાકમાં બાજી પુરી પલટી જવાની હતી એ વાતથી પુરી પોલીસ ફોર્સ અજાણ હતી.

શું થવાનું હતું આગળની એક કલાકમાં ?

(ક્રમશઃ)